ગઈ કાલે આપણે જોયું કે ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કરતાં કહ્યું હતું કે મહેરબાની કરીને રાજકીય હેતુ માટે અદાલતોનો ઉપયોગ ન કરો.
સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો. માનવસમાજમાં વિવાદો અને ઝઘડાઓ હોવાના, પરંતુ એ ઝઘડાઓ ભૌતિક ચીજોના હોય, શ્રદ્ધાઓના ન હોવા જોઈએ. વળી જો શ્રદ્ધાઓના ઝઘડાઓ હોય તો પણ એ ઉકેલવાનું કામ અદાલતોનું નથી, અદાલતોનું કામ ભૌતિક ચીજોના ઝઘડાઓમાં ન્યાય આપવાનું છે. અદાલતે એવો પણ અભિપ્રાય આપ્યો હતો કે ભારતની અદાલતો શ્રદ્ધાના મામલામાં નહીં પડે, ઇતિહાસને નહીં ઉખેળે; પરંતુ માલિકીને લગતા ટાઇટલ સૂટ જરૂર સાંભળશે.
આ ૧૯૯૪નો અભિપ્રાય છે. અત્યારે ૨૦૧૭ ચાલે છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એની પચીસમી વરસી છઠ્ઠી ડિસેમ્બરે હતી અને પાંચમી ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં છ નામી વકીલો અને અદાલતના ત્રણ જજો ચર્ચા કરતા હતા કે શુદ્ધ સંપત્તિને લગતો ટાઇટલ સૂટ અત્યારે સાંભળવો જોઈએ કે ૨૦૧૯ના જુલાઈ મહિના પછી.
શા માટે ૨૦૧૯નો જુલાઈ મહિનો? કારણ કે ૨૦૧૯ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને BJP સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણીનો કે કદાચ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો રાજકીય લાભ લઈ શકે છે. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબલે કહ્યું હતું કે જો અત્યારે ડે-ટુ-ડે ખટલો સાંભળવામાં આવે તો એનો રાજકીય ઉપયોગ કે દુરુપયોગ થવાની શક્યતા છે. આ એટલો મહત્ત્વપૂર્ણ કેસ છે જે દેશના ઇતિહાસને બદલી શકે એમ છે. કપિલ સિબલે સર્વોચ્ચ અદાલતના ૧૯૯૪ના અભિપ્રાયની યાદ અપાવતાં કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે પોતે જ ચેતવણી આપી હતી કે રાજકીય હેતુઓ માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવામાં ન આવે. સેક્યુલર સ્ટેટ એ બંધારણની અમૂલ્ય દેણ છે અને એની સાથે રાજકીય લાભ માટે ચેડાં ન કરો વગેરે. આ રીતની દલીલ કરવામાં કપિલ સિબલ સાથે બે અન્ય મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવન અને દુષ્યંત દવે પણ જોડાયા હતા.
હરીશ સાળવેનું નામ તમે સાંભળ્યું હશે. બહુ મોટા વકીલ છે જે ૧૯૯૩થી ૨૦૦૨નાં વરસોમાં ભારત સરકારના સૉલિસિટર જનરલ હતા. ૧૯૯૪માં સર્વોચ્ચ અદાલતે પ્રેસિડેન્શિયલ રેફરન્સ પાછો કર્યો અને જે અભિપ્રાય આપ્યો ત્યારે હરીશ સાળવે ભારત સરકાર વતી અદાલતમાં ઉપસ્થિતિ થતા હતા. હરીશ સાળવે ધર્મે ખ્રિસ્તી છે અને અયોધ્યાવિવાદનો ઉપયોગ બહુમતી કોમવાદીઓ કરે તો એમાં લઘુમતી કોમને નુકસાન થવાનું છે એ હરીશ સાળવે સારી રીતે જાણે છે. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા બાબરી કેસમાં હરીશ સાળવે હિન્દુ પક્ષકાર વતી ઊભા રહે છે. કપિલ સિબલને એમ લાગ્યું કે હરીશ સાળવે ખ્રિસ્તી છે એટલે બાબરી કેસનો બહુમતી કોમવાદીઓ લોકસભાની ચૂંટણી વખતે રાજકીય દુરુપયોગ ન કરે એવી તેમની રજૂઆતને હરીશ સાળવે ટેકો આપશે અને જો ટેકો નહીં આપે તો વિરોધ તો નહીં જ કરે.
આની સામે હરીશ સાળવેનું અદાલતમાં વલણ કેવું હતું? આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. આ વાક્યનો અનુવાદ કરવાની જરૂર નથી. જગતભરમાં વકીલોનો આ મુદ્રાલેખ છે. અસીલના પક્ષે દલીલ કરવાની, સત્યના પક્ષે નહીં. અસત્યને પકડી પાડવાની જવાબદારી સામેના પક્ષના વકીલની છે અને સત્યને શોધવાની જવાબદારી જજોની છે. જો પૈસા મળતા હોય તો ધર્મ આડો ન આવે, દેશનું સેક્યુલર પોત આડું ન આવે, દેશનું ભવિષ્ય આડું ન આવે, લઘુમતી કોમનાં હિત આડાં ન આવે, ફાસીવાદની ચિંતા કરવાની ન હોય વગેરે. ૧૯૯૪માં કૉન્ગ્રેસ સરકાર બાબરી કેસ સર્વોચ્ચ અદાલતના ખોળામાં ધકેલીને જવાબદારીમાંથી છટકવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવા માગતી હતી જેમાં હરીશ સાળવે કૉન્ગ્રેસ સરકારના વકીલ હતા અને અત્યારે હિન્દ્દુત્વવાદીઓ બાબરી કેસનો રાજકીય દુરુપયોગ કરવા માગે છે અને હરીશ સાળવે તેમના વકીલ છે. આઇ ઍમ નૉટ હિઅર ફૉર અ કૉઝ, બટ ફૉર અ ક્લાયન્ટ. વાત પૂરી.
હજી બે મહિના પહેલાંની વાત છે. શાસકો જેની તપાસ ચાલી રહી હોય એવા સંવેદનશીલ મુદ્દે વાણીસ્વાતંત્ર્યના નામે જાહેર નિવેદનો કરીને અભિપ્રાય આપી શકે? સર્વોચ્ચ અદાલતમાં આવો એક કેસ ચાલી રહ્યો છે જેમાં હરીશ સાળવે અને ફલી એસ. નરીમાન પિટિશનર છે. દેખીતી રીતે આ જાહેર હિતનો કેસ છે એટલે એને ક્લાયન્ટ સાથે નહીં પણ કૉઝ સાથે નિસબત છે. શાસકો અને રાજકારણીઓ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને કઈ રીતે જુઠ્ઠાણાં, બકવાસ, ઇંગિત, હલકા ઇશારાઓ કરે છે અને ટાર્ગેટ કરીને કોઈને બદનામ કરે છે એની તેમણે અદાલતમાં આપવીતી સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજનો કેસ લડતા હતા ત્યારે ચોક્કસ વિચારધારાના ટ્રોલ્સે તેમની ધર્મશ્રદ્ધા વિશે એટલા અભદ્ર ઇશારા કર્યા હતા કે તેમણે આખરે થાકીને ટ્વિટર અકાઉન્ટ બંધ કરવું પડ્યું હતું. આપણે હરીશ સાળવેને એટલી જ યાદ અપાવવી છે કે ટ્રોલ્સ ટૂ આર વર્કિંગ ફૉર અ ક્લાયન્ટ.
ખેર, આપણે અયોધ્યાના પ્રશ્ને સર્વોચ્ચ અદાલતમાં પાછા ફરીએ. રાજકીય હેતુ માટે શાસકો અને રાજકારણીઓ ન્યાયતંત્રનો દુરુપયોગ ન કરે અને દેશનો સેક્યુલર ઢાંચો જળવાઈ રહેવો જોઈએ એવો સર્વોચ્ચ અદાલતે ૧૯૯૪માં અભિપ્રાય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે માલિકીના ઝઘડાનો ટાઇટલ સૂટ અદાલતો સાંભળશે. અલાહાબાદની વડી અદાલતે ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં બાબરી મસ્જિદના ટાઇટલ સૂટમાં એક ચુકાદો આપ્યો હતો જે વાસ્તવમાં ન્યાય કરનારો ચુકાદો નહોતો, પણ સમાધાનકારી ફૉમ્યુર્લા હતી. એ ચુકાદારૂપી ફૉમ્યુર્લાને બધા જ પક્ષકારોએ નકારી કાઢી હતી અને તેઓ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં ગયા હતા. અત્યારે સર્વોચ્ચ અદાલતમાં જે કેસ ચાલી રહ્યો છે એ આ અપીલ છે.
હવે સર્વોચ્ચ અદાલતને અને કપિલ સિબલ જેવા સંબંધિત વકીલોને કેટલાક સવાલ પૂછવાના રહે છે.
એક. ૧૯૯૪ના સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય મુજબ અદાલતો શ્રદ્ધાના નહીં, ટાઇટલના કેસ સાંભળશે તો પછી આટલા મહત્ત્વપૂર્ણ ઝઘડામાં કરવામાં આવેલી અપીલ સાત વરસ સુધી કેમ સાંભળવામાં ન આવી? સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં આટલો લાંબો સમય લાગતો નથી સિવાય કે અદાલત કેસ ન સાંભળવા માગતી હોય. અયોધ્યાનો કેસ સાત વરસ સુધી હાથ ન ધરવા પાછળનું કારણ કેસમાં રહેલી કોઈ ખામી છે કે પછી એનાં રાજકીય પરિણામોનો ભય છે? જો ખામી હોય તો ખામી બતાવીને કેસને ફગાવી દેવો જોઈએ, પણ સુનાવણી જ હાથ ધરવામાં ન આવે એની પાછળનું શું કારણ હતું? એ જ જેના તરફ કપિલ સિબલે ઇશારો કર્યો હતો. ખટલાનો રાજકીય દુરુપયોગ.
બે. ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે અયોધ્યાના કેસમાં રોજેરોજ સુનાવણી કરીને સત્વરે ચુકાદો આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે તેમની અપીલ દાખલ કરી હતી અને તેમની અપીલના જવાબમાં અદાલતે ઠરાવ્યું છે કે આવતા વરસના ફેબ્રુઆરી મહિના પછીથી ખટલો રોજેરોજ ચાલશે. હવે સુબ્રહ્મણ્યમ સ્વામી તો મૂળ પક્ષકાર સુધ્ધાં નથી તો પછી તેમની ઉત્સુકતા પાછળનો ઇરાદો રાજકીય નથી તો બીજો શો છે? અદાલતોનો રાજકીય હેતુ માટે ઉપયોગ થવા નહીં દેવાનો ૧૯૯૪નો અભિપ્રાય સામે છે. સાત વરસ સુધી કેસને હાથ નહીં લગાડવાનો ઇતિહાસ સામે છે અને હવે ત્રાહિત માણસની રાજકીય ઇરાદાવાળી અપીલમાં સર્વોચ્ચ અદાલત સક્રિયતા બતાવી રહી છે એ વિચિત્ર નથી લાગતું? અત્યારે જ અયોધ્યાના કેસનો રાજકીય ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં થઈ રહ્યો છે.
ત્રણ. આજે નહીં તો ક્યારે? સર્વોચ્ચ અદાલતે આજે નહીં તો કાલે અયોધ્યાનો ટાઇટલનો કેસ હાથ ધરવો જ પડે એમ છે તો આજે શા માટે નહીં? એનો રાજકીય દુરુપયોગ તો થવાનો જ છે અને એને કોઈ રોકી શકે એમ નથી, પણ એનો અર્થ એવો નથી કે કેસને કાર્પેટ તળે ઢબૂરી રાખવામાં આવે. અદાલતે ઓછામાં ઓછો રાજકીય દુરુપયોગ થાય એની બની શકે એટલી ચીવટ રાખવી જોઈએ અને તમામ પક્ષકારો પાસેથી સોગંદનામા દ્વારા લેખિત બાંયધરી લેવી જોઈએ કે ચુકાદો તેમના માટે બંધનકર્તા રહેશે. ભારત સરકાર પાસે પણ ચુકાદાના અમલની બાંયધરી સોગંદનામા દ્વારા અદાલતમાં આપવી જોઈએ.
ચાર. શ્રદ્ધાના નામે રમાતા કોમી રાજકારણને ટાઇટલના કેસ તરીકે હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે બતાવી આપવું જોઈએ કે આ દેશમાં કાયદાનું રાજ ચાલશે, શ્રદ્ધાનું ધતિંગ નહીં.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ડિસેમ્બર 2017