મનને બહુ આગ્રહ કરી કરીને શ્રેયસાધક બની રહેવાનું કહું છું. અંદરથી એવું ય અનુભવાય છે કે શ્રેયસાધક કહેવાય તેઓનું જગતમાં સંખ્યાબળ પણ કેટલું ? પણ આમ્રવૃક્ષ બાવળ શી રીતે બની શકે ?
આસપાસ મોટા ભાગના જીવો પ્રેયસાધક જ જોવા મળે છે . બાહ્ય દેખાવ શ્રેયસાધકનો; પણ અંદરથી તો પ્રેયના જ પૂજારી – વધારે યોગ્ય શબ્દ વાપરવો હોય તો પાપના પૂજારી પણ પ્રયોજી શકાય ! મોટા ભાગનાનું મન એવું કે અનૈતિકતા, અપ્રામાણિકતા, ગમે તે માર્ગે – ગમે તે રસ્તે જેટલું ધન મેળવી શકાય, રળી શકાય એટલું ઉસેડી લેવાનું; આ રોગ ઊગીને ઊભા થાતા નાનકડાં છોકરાંઓમાં ય નરી આંખે જોઈ શકાય છે; જેને મળીએં એ શખ્સ “નીરજ” કહે છે તેમ “सब का तेरी जेब से नाता, तेरी जरुरत कोई नहीं ।”ની મનોવૃત્તિવાળો જ જોવા મળશે !
આશ્ચર્યની વાત તો એ છે કે આમ તો positive thinking – એટલે કે હકારાત્મક વિચારણાનો મહીમા ચારે તરફ જોવામાં આવશે; પણ મોટા ભાગના આધેડો અને ખાસ કરીને યુવાનો પાસે નૈતિકતાની અને પ્રામાણિકતાની વાત કરીએ એટલે એ આક્રમક રીતે દલીલોથી ઉદાહરણ સહિત વિરોધ કરવા રીતસરના તૂટી જ પડે છે; એમનો બિલકુલ દોષ નથી રોજિંદા જીવનમાં તેઓ જે જૂએ છે – જાણે છે – જીવે છે એ જ અણગમતી બાબતની પ્રતિક્રિયા તો એ આપે જ ને !
આમ તો પૃથ્વી પર મનુષ્ય જનમ્યો અને એનું મન વિચારતું થયું હોય ત્યારથી જ શુભની સાથે જ અશુભની પણ વિચારણા શરૂ થઈ હશે. “રામાયણ”, “મહાભારત” પણ શુભ-અશુભની જ સંમિશ્રિત કથા છે ને ? પણ પાછલે પગલે જેમ જઈએ એમ શુભનું – શ્રેયનું બળ વધુ જોવા મળશે. એથી જ એ કાળે લોકો પર ધર્મનો પ્રભાવ અને ડર પણ વિશેષ જોઈ શકાશે. કિન્તુ, કહેવાય છે કે જગતમાં બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે જગતમાં નૈતિક મૂલ્યોનો તમામ ક્ષેત્રમાં હ્રાસ થયો ! સંઘરાખોરી, કાળાબજાર, અઢળક ધન રાતોરાત મેળવી લેવાની લાલસા, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત વગેરે અનિષ્ટો આ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન વિશેષ જોવા મળ્યા. હવે આધુનિક યુગના મશીનછાપ માનવીનો ચહેરો નજરે આવ્યો. ઉમાશંકર જોશીના નિબંધસંગ્રહ “ગોષ્ઠિ”ના એક નિબંધમાં પણ આ બીજા વિશ્વ યુદ્ધ પછી અમદાવાદની યુવાન પેઢીમાં આવેલ આ પરિવર્તનની નોંધ લેવાઈ છે .
આ શ્રેયમાર્ગથી બીજા વિશ્વ યુદ્ધની આબોહવાએ આપણને ઘણાં દૂર લાવી મૂક્યા છે. આપણે અનૈતિકતા, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ-રૂશ્વતને નામશેષ કરવાની મહેચ્છા રાખીએ છીએ, પણ એ તો `રક્તબીજʼની જેમ વધારે ને વધારે ફાલતાફૂલતા જાય છે !
હજુ ધરતી સાવ વાંઝણી તો નથી જ થઈ; શ્રેયાર્થીઓ પણ નથી જ એવું તો નથી; પણ આપણે આપણા રોજિન્દા અનુભવોને આધારે એટલી હદે શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ કે કોઈ વ્યક્તિને આપણે શ્રદ્ધેય તરીકે સ્વીકારી શકતા નથી. આ અશ્રદ્ધાની વચ્ચે – સાથે જીવવું એ નાનીસૂની સજા નથી!
તા. ૧૪-૦૮-૨૦૨૨