આડે દિવસે જે કાગડા છે 
તે શ્રાદ્ધમાં પૂર્વજો બની જાય છે 
આડે દિવસે છત પર આવે તો 
તેને ઉડાડી મૂકાતા હતા 
તેની શ્રાદ્ધમાં હવે રાહ જોવાય છે
આડે દિવસે કાગડા એટલે ઉડાડાતા
કારણ તે છત પર બેસે તો 
કાગડા જેવા મહેમાનો આવતા 
શ્રાદ્ધમાં તો કાગડા જ મહેમાન હોય છે 
જે દાદાને વાટકી દૂધ નો'તું અપાતું 
તેને છાપરે દૂધપાકનો વાસ મૂકાય છે 
જે દાદીથી ભાખરી ચવાતી નો'તી 
તેને વાસમાં લાડુ પીરસાય છે
જેને આપણે ભૂખે માર્યાં તે સગાં 
છાપરે વહાલાં થઈ જાય છે
ખરેખર તો છત છાંટીને આપણે જ 
લાડુદૂધપાક ઝાપટીએ છીએ!  
શ્રાદ્ધ એટલે પેટ ભરીને કરાતું પ્રાયશ્ચિત …
૦
કાકાકૌવા
૦
કાકાકૌવામાં
કાકા છે ને કૌવા પણ છે 
પણ તેનું આહ્વાન શ્રાદ્ધમાં નથી થતું તો 
કાગડાને જ છાપરે કેમ તેડાય છે?
ચકલી, કાબર, પોપટ નહીં ને કાગડો?
બહુત નાઈન્સાફી હૈ 
બધાં પંખીઓએ તો રીટ ફાઈલ કરી છે : 
કાગડાને ગણો તો અમને પણ પૂર્વજ ગણો 
અમને પણ પેટ છે 
વળી અમે તો તમારાં 'પેટ' પણ છીએ 
અમને પણ શ્રાદ્ધનો બેનિફિટ મળવો જોઈએ
જો કે કોર્ટનો હુકમ આવતાં પહેલાં
ઘણા જજ પૂર્વજ થઈ જાય એમ બને
બને કે કાબર, પોપટ પણ જન્મ બદલી કાઢે 
ને એ જજ બનીને ચુકાદો આપે 
પણ કૌવા ને પૌંવાનો પ્રાસ બેસે છે 
એટલે છાપરું તો એ જ બગાડશે
તે એટલે પણ કે 
કાગડાને પૂર્વજન્મનું જ્ઞાન હોય છે 
એ જાણતો હોય છે કે ગયા જન્મમાં 
એ આપણો દાદો હતો 
પેલી સાસુ જેવી દેખાય છે તે 
ખરેખર કાગડી જ છે 
એટલે પૂર્વજ થવાની લાયકાત તો 
તે જ ધરાવે છે 
જો કે કોઈ કાગડાએ  જાહેર નથી કર્યું 
કે તેને પૂર્વજન્મનું જ્ઞાન છે 
ને જેમને વધારે રસ હોય તે કૌવાવતાર  
ધારણ કરી ને જાણે તો વાંધો નથી …
૦
અટપટું ચટપટું
૦
'હવે લગ્નની અંતિમવિધિમાં કેટલા જોડાશે?'
'ડોબા, લગ્ન અને અંતિમવિધિ એ બે જુદાં છે.'
'અગ્નિ બન્નેમાં પ્રગટે છે એટલે કહ્યું.'
૦
શિક્ષક: લુચ્ચા,જુઠ્ઠા બેઈમાન માટે એક શબ્દ ?'
વિદ્યાર્થી : ચીન.
૦
'અત્યારે સૌથી વધારે અશાંત કોણ વર્તાય છે?'
'પ્રશાંત અને સુશાંત.
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 09 સપ્ટેમ્બર 2020
 

