
રાજ ગોસ્વામી
‘શોલે’ 25 ઓગસ્ટ 2025ના રોજ 50 વર્ષ પૂરાં કરે છે. એ નિમિત્તે, સેન્સરબોર્ડના કારણે કાપી નાખવામાં આવેલાં અમુક દૃશ્યો સાથે ફિલ્મને ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે. મહિના પહેલાં, ઇટાલીના સિનેમા રિટ્રોવાટો ફેસ્ટિવલમાં તેનો એક શો યોજાઈ પણ ગયો છે. આ સપ્તાહે તે નોર્થ અમેરિકામાં રિલીઝ થઇ છે. ભારતમાં તારીખ જાહેર થઇ નથી.
ભારતના ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને સિપ્પી ફિલ્મ્સના સહકારમાં મૂળ ફિલ્મ જે રીતે બનાવવામાં આવી હતી તેને ફરીથી જોડવામાં આવી છે. જેમ કે મૂળ વાર્તા પ્રમાણે, કલાઇમેક્સમાં ઠાકુર બલદેવ સિંહ તેમના ખીલાવાળા પગથી ગબ્બરસિંહની હત્યા કરીને વેર લે છે, પરંતુ તે વખતે દેશમાં કટોકટીનો માહોલ હતો એટલે સેન્સર બોર્ડે કાયદો હાથમાં લેવાની વાતનો વિરોધ કર્યો, પરિણામે ફિલ્મના નિર્માતા-નિર્દેશક રમેશ સિપ્પીએ છેલ્લા દૃશ્યમાં ગબ્બરને પકડવા માટે પોલીસને પહોંચતી બતાવી હતી.
એવી જ રીતે, ગબ્બરની હિંસાને વધુ પડતી નહીં બતાવવા માટે, ઈમામ ચાચા(એ. કે. હંગલ)ના દીકરા અહેમદ(સચિન પિલગાંવકર)ની હત્યાનું દૃશ્ય પણ કાપી નાખવામાં આવ્યું હતું. તમને યાદ હોય તો ગબ્બર ખાટલામાં ઊંધો પડીને હેલનનો ડાન્સ જુવે છે અને તે વખતે તેના હાથ પર એક કીડી ચઢે છે એટલે તે બીજા હાથની ઝાપટથી કીડીને મારી નાખે છે. એ પછી તે દૃશ્ય કટ થાય છે અને બીજા દૃશ્યમાં અહેમદનો મૃતદેહ એક ઘોડા પર રામગઢમાં આવતો બતાવ્યો હતો.
એવું લાગે છે કે જે પ્રમાણે ફિલ્મને શૂટ કરવામાં આવી હતી તેમાં ગબ્બર સિંહનો કિરદાર ઘણો વધુ ક્રૂર હતો. સેન્સર બોર્ડની સૂચના પ્રમાણે એવાં અનેક હિંસક દૃશ્યોને દૂર કર્યા પછી 198 મિનિટની લંબાઈવાળી ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જો કે 1990માં મૂળ 204 મિનિટની ફિલ્મ હોમ મીડિયા પર ઉપલબ્ધ થઇ ચુકી હતી.
2018માં, પૂણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલતાં ફિલ્મમાં નિર્દેશક રમેશ સિપ્પીએ કહ્યું હતું, “મેં ઠાકુર તેના પગ વડે ગબ્બરને મારી નાખે છે તેવો એન્ડ શૂટ કર્યો હતો, પરંતુ સેન્સર બોર્ડે તે ગમ્યું નહોતું. હું ગૂંચવાઈ ગયો હતો – તો પછી ઠાકુર તેને કેવી રીતે મારે? હાથ તો હતા નહીં એટલે હથિયાર ચલાવી ન શકે. બોર્ડને અન્ય હિંસા પણ ગમી નહોતી. તેમણે કહ્યું કે એન્ડ બદલો. મને ગમ્યું નહોતું, પણ માનવું પડ્યું.”
‘શોલે’ કેવી રીતે હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મ બની તેની કહાની પણ એક ફિલ્મના પ્લોટથી ઓછી નથી. તેના લેખકો સલીમ-જાવેદ પર “રિટન બાય સલીમ-જાવેદ” નામના પુસ્તકમાં લેખક-પત્રકાર દિપ્તકીર્તિ ચૌધરી લખે છે કે શરૂઆતમાં સલીમ-જાવેદે બલદેવ પુષ્કર્ણા નામના ફિલ્મ નિમાર્તાને 20 હજાર રૂપિયામાં માત્ર ચાર લાઈનની એક વાર્તા ઓફર કરી હતી – એક આર્મી ઓફિસરના પરિવારની હત્યા થાય છે. તેને કોર્ટમાર્શલ થયેલા બે જુનિયર ઓફિસર યાદ આવે છે. એ બે બદમાશ પણ સાહસિક હતા. નિવૃત્ત ઓફિસર વેરની વસૂલાત માટે એ બે જણાની મદદ લે છે.
બલદેવ પુષ્કર્ણાએ જીતેન્દ્ર અને મુમતાઝ સાથે ‘રૂપ તેરા મસ્તાના’ (1972) નામની એક હિટ ફિલ્મ બનાવી હતી અને નવી ફિલ્મ માટે મનમોહન દેસાઈને રોક્યા હતા. દેસાઈએ ત્યારે ‘સચ્ચા-જૂઠા’ અને ‘રામપુર કા લક્ષ્મણ’ નામની સફળ કોમેડી ફિલ્મો આપી હતી. તેમને આ વેરની વસુલૂત વાળો વિષય પસંદ ન આવ્યો. એટલે સલીમ-જાવેદે તેમને ‘સચ્ચા-જૂઠા’ની વાર્તા ઓફર કરી.
તે વખતે પ્રકાશ મહેરા તેમની વાર્તા પરથી ‘ઝંઝીર’ બનાવી રહ્યા હતા એટલે તેમની પાસે પણ આ વેરની વસૂલાતની વાર્તા માટે સમય નહોતો. સલીલ-જાવેદ પછી તેમના મૂળ ‘સાહેબ’ જી.પી. સિપ્પી પાસે ગયા. તેમની કારકિર્દીની શરૂઆત સિપ્પી ફિલ્મ્સમાં જ થઇ હતી, જ્યાં તેમણે ‘અંદાઝ’ (1971) અને ‘સીતા ઔર ગીતા’(1972)ની વાર્તા લખી હતી.
તે વખતે સિપ્પી તગડી સ્ક્રિપ્ટની તલાશમાં હતા. અગાઉની બંને ફિલ્મોમાં સલીમ-જાવેદને નામ નહોતું મળ્યું. સિપ્પીના દીકરા રમેશ સિપ્પીએ ખાતરી આપી હતી કે તેઓ તેમની બીજી ફિલ્મમાં બંને લેખકોને ક્રેડિટ જરૂર આપશે.
રમેશ સિપ્પી નવી પેઢીના સર્જક હતા અને તેમને આ બે નવાસવા પણ સર્જનાત્મકતાથી ભરેલા લેખકોની કિંમત સમજાતી હતી. તેમણે દોઢ લાખ રૂપિયામાં ચાર લાઈનની વાર્તા ખરીદી લીધી અને કહ્યું કે આને ‘મોટી ફિલ્મ’ તરીકે ડેવલપ કરો.
મુંબઈના લેમીંગ્ટન રોડ પર નાઝ બિલ્ડીંગમાં આવેલી સિપ્પી ફિલ્મ્સની ઓફીસના એક નાનકડા રૂમમાં સલીમ-જાવેદે માર્ચ 1973માં ‘શોલે’ની સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી હતી. પંદર દિવસમાં તેમણે પહેલો ડ્રાફ્ટ લખી નાખ્યો. વાર્તા સાવ નવી નહોતી. પરદેશમાં ‘સેવન સમુરાઈ,’ મેગ્નનિફિશન્ટ સેવન’ અને હિન્દીમાં રાજ ખોસલાની ‘મેરા ગાંવ મેરા દેશ,’ અને ‘ખોટે સિક્કે’નો વિષય પણ આવો જ હતો. નિર્માતા-નિર્દેશક જોગીન્દરે પણ દાવો કર્યો કે આ તો મારી જ ફિલ્મ ‘બિંદીયા ઔર બંદૂક’(1972)ની ચોરી છે.
સલીમ-જાવેદે એ એકરાર કર્યો હતો કે તેમણે હોલીવૂડની ફિલ્મોમાં અહીં-તહીંથી અમુક આઈડિયા ઉઠાવ્યા હતા, પરંતુ તેમણે ડ્રામા, એક્શન, ઈમોશન્સ, ટ્રેજેડી અને કોમેડીનું એક એવું તોતિંગ સ્ટ્રકચર ઊભું કર્યું હતું જે હિન્દી સિનેમામાં બેજોડ હતું. નિર્દેશક તરીકે રમેશ સિપ્પી વચ્ચે તેમનો ઇનપૂટ પણ આપતા હતા એટલે સલીમ-જાવેદ ફિલ્મને ‘જોઈ’ શકતા હતા.
દૃશ્યો લખાતાં હતાં, રદ્દ થતાં હતાં, પાત્રો આવતાં હતાં, નીકળી જતાં હતાં, જાણે વાર્તા જાતે જ પોતાને લખી રહી હતી. જાવેદ અખ્તર તેને યાદ કરીને કહે છે કે, “જાણે સર્જનાત્મકતાનો સમુદ્ર હિલ્લોરે ચડ્યો હતો. મને બરાબર યાદ છે કે અમે બે દૃશ્યો લખીએ અને રાહ જોઈએ કે હમણાં ગબ્બર આવશે.’
તેમને ગબ્બરનો કિરદાર લખવાની બહુ મજા આવી હતી. તેના માટે તેમણે એક અલગ જ ભાષા પેદા કરી હતી, જેનાથી તેની ક્રૂરતામાં ઔર નિખાર આવ્યો હતો. તેની ભાષામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બોલાતી અવધી અને ખડીબોલીનું મિશ્રણ હતું. ‘ગંગા-જમુના’માં ગંગા બનતા દિલીપકુમારની ભાષા પણ એવી હતી. જાવેદ કહે છે કે અમારો ગબ્બર બીજા ડાકૂઓની જેમ બસંતીની ‘ગોરી ચમડી ઉતાર દૂંગા’ એવું ન બોલે, તે ‘ખુરચ ખુરચ કે ઉતાર દૂંગા’ એવું બોલે. તેમાં તેની નિર્મમતા ઝળકે છે.
નસરીન મુન્ની કબીરના પુસ્તક ‘ટોકિંગ ફિલ્મ્સ’માં જાવેદ કહે છે, “ગબ્બરમાં મેક્સિકન ખૂન છે. એ બેન્ડિટ (લૂટારો) છે, ડાકૂ નહીં.” ગબ્બર હિન્દી ફિલ્મોનો પહેલો ડાકૂ હતો જે જીન્સમાં અને આર્મી શર્ટમાં હતો, તે ખૈની (તમાકુ) ખાતો હતો. ગબ્બરના કિરદારને બનાવવા પાછળ તેમને કોઈ સામજિક વિષમતા બતાવવી નહોતી. તેમને તો શુદ્ધ રૂપે એક એવો નિર્મમ ડાકૂ જોઈતો હતો જેને ક્રૂરતામાં આનંદ આવતો હોય.
ગબ્બર એક નવા જ પ્રકારનો ખલનાયક હતો. એટલે એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે સંજીવ કુમાર અને અમિતાભ બચ્ચન બંને ગબ્બરનો કિરદાર કરવા માંગતા હતા. એ તો સિપ્પી અને સલીમ-જાવેદનો આગ્રહ હતો ગબ્બર દેખાવમાં પણ ક્રૂર હોવો જોઈએ. એટલા માટે તેમણે ડેની ડેન્ઝોગ્પાને રોકી પણ લીધો હતો, પરંતુ તેને ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ના શૂટિંગ માટે તેને અફઘાનિસ્તાન જવાનું આવ્યું એટલે તેણે ‘શોલે’ પડતી મૂકી અને સલીમ-જાવેદને નાટકોમાં કામ કરતા અમજદ ખાનનો વિચાર આવ્યો. અને પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ અ હિસ્ટ્રી.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 20 ઑગસ્ટ 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર