Opinion Magazine
Number of visits: 9447912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિવાજીને નીંદરું ના’વે માતા જીજીબાઈ ઝુલાવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 May 2019

હૈયાને દરબાર

તમે હાલરડાં સાંભળીને મોટા થયાં છો? તમારાં સંતાનોને હાલરડાં સંભળાવ્યાં છે? તો જરૂર તમે આ લેખ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો. મે મહિનાનો બીજો રવિવાર માતૃદિન તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આજે માતા વિશેના નહીં પણ માતાના અતુલનીય પ્રેમગીત એટલે કે હાલરડાંની વાત કરવી છે.

કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ એટલે જ લખે છે કે ;

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી,
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી!

માતૃવાત્સલ્યનો મહિમા ગવાઈ રહ્યો હોય ત્યારે હાલરડાંનું ગાન સૌથી પહેલું આવે. બાળક હાલરડાં દ્વારા જ સાહિત્યના પરિચયમાં સૌ પ્રથમ આવે છે. ગર્ભમાં તો બાળક માતાનો અવાજ સાંભળે જ છે પણ અવતર્યા પછી માને કંઠે ગવાતું હાલરડું બાળકને એવી અપાર શાંતિ અને ચૈનની નીંદર આપે છે કે જોતજોતામાં તો એ ઘસઘસાટ ઊંઘી જાય છે. માતાનો કંઠ કંઈ લતા મંગેશકર જેવો નથી હોતો પરંતુ, બાળકને એ કંઠ જ લતાજી જેવો જ મીઠો મધુર લાગે છે. એટલે જ આપણા ગુજરાતી સાહિત્ય-લોકસંગીતમાં હાલરડાંનું આગવું સ્થાન છે.

હાલરડાં એટલે માની લાગણીનું ખળખળ વહેતું ઝરણું. હાલરડાંમાં કાવ્યતત્ત્વ ઓછું, લાગણીની સહજ અભિવ્યક્તિ વધારે. ભાષાથી એને શણગારવાની કે શબ્દોના સાથિયા પૂરવાની કોઈ આવશ્યકતા નથી. લાગણી જ બોલતી હોય ત્યાં શબ્દોની શી વિસાત? જો કે, લય-તાલનું મહત્ત્વ તો ખરું જ. હાલુ હાલુ હા … હાં …નો લયબદ્ધ લહેકો બાળકને સ્વપ્નલોકમાં વિહાર કરાવે.

હાલરડું કવિતાની જેમ કાગળ પર નહીં, સીધું લોકહૃદયમાં જ છપાઈ જાય. પાઠશાળામાં જે ન ભણી શકાય એ માના હાલરડામાં ભણાઈ જાય છે તેથી આજે જે ગીતની વાત કરવી છે એમાં માતા બાળકને જીવનનાં અઘરા પાઠ કેવી રીતે પાર પાડવા એનો કસુંબો હાલરડાનાં ગાન દ્વારા પીવડાવે છે. હાલરડાં પેઢી દર પેઢી ગળામાં જ સચવાય અને ઉછરે.

ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની સર્વકાલીન કૃતિ શિવાજીનું હાલરડું સાંભળતાં જ દેહમાં જાણે વીરરસનો સંચાર થવા લાગે છે. લોકસંસ્કૃતિનો ધબકાર જેમની રગેરગમાં ઝિલાયો છે, ધીંગી ધરા અને માભોમને કાજે જેમણે અઢળક ગીતો રચ્યાં છે, એ શબ્દના સોદાગર ઝવેરચંદ મેઘાણી કેવું અનોખું હાલરડું આપણને આપે છે. ધ્યાનથી સાંભળજો. બાળકને ઉંઘાડવા માટેનું નહીં પરંતુ જગાડવા માટેનું આ એકમાત્ર હાલરડું છે. આ વીરાંગના માતા દીકરાને પોઢાડતા શું કહે છે એ તો સાંભળો.

માતાપિતા ચોડે ચૂમીઓ, રે બાળા !
    ઝીલજો બેવડ ગાલ
                તે દિ’ તારાં મોઢડાં માથે
                ધૂંવાધાર તોપ મંડાશે.

બાળક હજુ તો તાજું જન્મેલું છે, જિંદગીનો એકેય રસ માણ્યો નથી એ નવજાત શિશુને યુદ્ધમાં શહીદ થવાની હાકલ કઈ માતા કરી શકે?

પરંતુ, આ તો રાજમાતા જીજીબાઈ! એવું સશક્ત વ્યક્તિત્વ કે જેમણે નિઝામશાહી નાબૂદ કરીને મરાઠા સામ્રાજ્ય સ્થાપવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. જીજીમાતા એક સાહસિક, ચારિત્ર્યવાન, બુદ્ધિશાળી, દીર્ઘદૃષ્ટા તથા કુશળ રાજનીતિજ્ઞ મહિલા હતાં. તેઓ સ્વતંત્ર રાજ્યના હિમાયતી હતાં, જેની ઝાંખી શિવાજીના સંસ્કારોમાં જોવા મળે છે. શિવાજીના જન્મ પહેલાં તેમણે શિવાઈ માતાની માનતા રાખી હતી એટલે એમનું નામ શિવાજી પાડવામાં આવ્યું હતું. તેમણે શિવાજીને રામાયણ, મહાભારત તથા વીરકથાઓ કહી દીકરામાં અખૂટ સાહસ, વીરતાનું સિંચન કર્યું, બહાદુરી અને આત્મસન્માનનાં ગુણો સ્થાપિત કર્યાં અને શિવાજીની અંદર સ્વરાજ્યનાં બીજ રોપ્યાં. શિવાજીએ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી એનો શ્રેય જીજીમાતાને જાય છે. શિવાજીની અનેક સફળતાઓ જોયા બાદ જીજીમાતાનું ૧૭મી જૂન ૧૬૭૪ના રોજ અવસાન થયું હતું પરંતુ, જીવનપર્યંત તેઓ પુત્ર શિવાજીની પડખે અડીખમ ઊભાં હતાં. આવી માતા દીકરાને પારણે ઝુલાવે ત્યારે શબ્દો નહીં, યુદ્ધ ટંકાર ટપકે. આ સંસ્કાર સાથે બાળક મોટું થાય અને પ્રતાપી ન નીવડે તો જ નવાઈ!

આ હાલરડું સૌપ્રથમ વિખ્યાત લોકગાયક હેમુ ગઢવીના બુલંદ કંઠે ગવાયું અને ખૂબ પ્રચલિત થયું. પછી તો લગભગ દરેક લોકકલાકાર એ ગાય છે. તાજેતરમાં મુંબઈમાં સર્જિકલ સ્ટ્રાઈક સંદર્ભમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમમાં ચેતન ગઢવીએ આ રચના પ્રસ્તુત કરીને વન્સમોર મેળવ્યો હતો. ચેતન ગઢવી આ ગીત વિશે રસપ્રદ વાત કરે છે. "આ હાલરડું મારા હૃદયની બહુ નજીક છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ ફરતાં ફરતાં હું અનાયાસે મહારાષ્ટ્રમાં આવેલા જીજીબાઈના કિલ્લે પહોંચી ગયો હતો. સિંદખેડ રાજા એ જીજીબાઈનું જન્મ સ્થળ. ત્યાંની ટનલો એવી છે કે આજે પણ એમાંથી છ ઘોડા અસવાર સાથે નીકળી શકે. બહારથી ખબરેય ન પડે કે ભૂગર્ભમાં આવો જબરદસ્ત કિલ્લો છે. આ કિલ્લો આજે પણ અતીતની અનેક યાદો અને અવશેષો લઈને ઊભેલો છે જે પોતાના ઇતિહાસની ગર્વિલી વાતોનો સાક્ષી છે. શિવાજીનો જન્મ થયો એ રૂમ સુધી હું જઈ આવ્યો હતો અને આ હાલરડાની બે પંક્તિઓ મેં એ સમયખંડને અનુભવવા માટે ત્યાં ગાઈ હતી. આ હાલરડું ગાતાં પહેલાં શ્રોતાઓને સમજ આપવી જરૂરી છે કે હાલરડામાં માતા બાળકને જગાડે છે, ઊંઘાડતી નથી. જગાડવું એટલે જાગૃત કરવું એ અર્થ અહીં અભિપ્રેત છે. મા કહે છે કે દીકરા આજે તું બાળક છે એટલે ઊંઘી લે. કાલે તારે મોત સામે ઝઝૂમવાનું છે :

આજ માતાજીની ગોદમાં રે
    તુંને હૂંફ આવે આઠ પો’ર
              તે દિ’ કાળી મેઘલી રાતે
              વાયુ ટાઢા મોતના વાશે.

મેઘાણીએ શું કલ્પના કરી છે આ હાલરડામાં! પ્રસંગ મહારાષ્ટ્રનો છે અને ઉજવાય છે સૌરાષ્ટ્રના રાષ્ટ્રશાયરની ધારદાર કલમે. હેમુ ગઢવીએ જે ઢાળમાં એ ગાયું એ જ ઢાળમાં એને ગાઈ શકાય, બીજી કોઈ રીતે એનું કમ્પોઝિશન ન થઈ શકે.

આજની જનરેશનની માતાઓ હાલરડાં ગાતી હશે? ગાતી હોય તો કેવાં હશે એ સંશોધનનો વિષય છે. અલબત્ત, મુંબઈનાં હંસા પ્રદીપે હાલરડાં પર પીએચ.ડી. કર્યું છે.

બાળકને પોઢાડવાની ક્રિયામાં હાલરડાંની એક આખેઆખી સંસ્કૃતિ સમાય છે જેમાં ગાય, દૂધ, ઘી, માખણ, લાડુથી લઈ પરીરાણી અને શિવાજીના હાલરડાની જેમ વીરરસ પણ આવે છે. વાઇફાઇના આ હાઈફાઈ જમાનામાં હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. વિલુપ્ત થઈ રહેલાં હાલરડાં પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલાં હંસાબહેન હાલરડાં વિષે વાત કરતાં કહે છે, "વિશ્વના દરેક ખૂણે, જ્યાં માતૃભાષા છે, ત્યાં હાલરડાં છે. શોધનિબંધ માટે દુનિયાભરના અનેક દેશોની ‘એમ્બેસી’ સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલબાય (હાલરડાં) મળ્યાં. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીમાં હાલરડાં ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય. તેથી ફિલ્ડ વર્ક શરૂ કર્યું. ગુજરાત, સુરત, ડાંગ, કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ. ગુજરાત પછી આંધ્ર, મધ્ય પ્રદેશ ગઇ. ૧૨ વર્ષો બાદ ૧૯૮૧માં મારો શોધનિબંધ ‘હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્ય : તુલનાત્મક અધ્યયન’ હિન્દીમાં તૈયાર કર્યો. આ નિબંધ પુસ્તકાકારે પ્રકાશિત થયો. ત્યારબાદ આ જ શોધનિબંધ ગુજરાતીમાં પણ ‘માતૃહૃદયની સૌમ્ય વિરાસત’ નામે પ્રસિદ્ધ થયો હતો. આટલી બધી જહેમત ઉઠાવીને પીએચ.ડી. કરનાર ડો. હંસા પ્રદીપે ‘નેણલે તેડાવું નીંદરપરીને’ તેમ જ ‘હુલુ હુ…લુ… હા..લ..રે’ જેવાં હાલરડાંનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.

ન્હાનાલાલનું, મોંઘામૂલો છે મારો વીર … પ્રસિદ્ધ હાલરડું હતું. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે … એ આજના સમયનું પ્રચલિત હાલરડું છે. એની સામે દીકરી માટે ય હાલરડું લખાયું, દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર …! મનહર ઉધાસે આ ગીત ઘણું લોકપ્રિય બનાવ્યું.

કવિ મકરંદ દવેએ દીકરી માટે ઉચ્ચ પ્રકારનું હાલરડું રચ્યું, જનનીની જોડ સખી નહીં જડે રે લોલના ઢાળમાં ગાઈ શકાય તેવું :

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ …

અલબત્ત, આ બધાં પોઢાડવાનાં હાલરડાં સામે બાળકને જગાડવાનું હાલરડું તો વિશ્વભરમાં માત્ર આ એક જ હશે. એટલે જ કહેવાયું છે કે,

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર,
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.

કહેવાનું તાત્પર્ય એ છે કે હાલરડાંમાં બાળકને ઉમદા માનવ બનાવવાની તાકાત છે. હજુ ય મોડું નથી થયું. સંતાનને શૂરવીર, ગુણવાન અને નિષ્ઠાવાન બનાવવું હોય તો હાલરડાં જરૂર સંભળાવજો.

આગામી રવિવારે આવતા માતૃદિનની મહિલા વાચકો, માતાઓને અઢળક શુભેચ્છાઓ.

————————-

આભમાં ઊગેલ ચાંદલો ને
                  જીજીબાઈને આવ્યાં બાળ
     બાળુડાને માત હીંચોળે
     ધણણણ ડુંગરા બોલે!
     શિવાજીને નીંદરું ના’વે
     માતા જીજીબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે
     રામ-લખમણની વાત
                 માતાજીને મુખ જે દિ’થી
                 ઊડી એની ઊંઘ તે દીથી. − શિવાજીને.

પોઢજો રે, મારા બાળ !
     પોઢી લેજો પેટ ભરીને આજ
                કાલે કાળાં જુદ્ધ ખેલાશે
                સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે. − શિવાજીને

ધાવજો રે, મારાં પેટ !
     ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
                રે’શે નહીં, રણઘેલૂડા !
                ખાવા મૂઠી ધાનની વેળા. − શિવાજીને.

પે’રી-ઓઢી લેજો પાતળાં રે !
    પીળાં લાલ પીરોજી ચીર
                કાયા તારી લોહીમાં ના’શે
                ઢાંકણ તે દિ’ ઢાલનું થાશે. − શિવાજીને.

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી
    ફેરવી લેજો આજ!
               તે દિ’ તારે હાથ રે’વાની
               રાતી બંબોળ ભવાની. − શિવાજીને.

લાલ કંકુ કેરા ચાંદલા ને
    ભાલે તાણજો કેસરા-આડ્ય
               તે દિ’ તો સિંદોરિયા થાપા
               છાતી માથે ઝીલવા, બાપા.− શિવાજીને.

માતાપિતા ચોડે ચૂમીઓ, રે બાળા !
    ઝીલજો બેવડ ગાલ
              તે દિ’ તારાં મોઢડાં માથે
              ધૂંવાધાર તોપ મંડાશે. − શિવાજીને.

આજ માતાજીની ગોદમાં રે
   તુંને હૂંફ આવે આઠ પો’ર
            તે દિ’ કાળી મેઘલી રાતે
            વાયુ ટાઢા મોતના વાશે. − શિવાજીને.

આજ માતા દેતી પાથરી રે
    કૂણાં ફૂલડાં કેરી સેજ
            તે દિ’ તારી વીર-પથારી
            પાથરશે વીશ-ભુજાળી. − શિવાજીને.

આજ માતાજીને ખોળલે રે
    તારાં માથડાં ઝોલે જાય
            તે દિ’ તારે ઓશીકાં
            મેલાશે તીર- બંધૂકાં. − શિવાજીને.

સૂઈ લેજે, મારા કેસરી રે !
    તારી હિંદવાણું જોવે વાટ
           જાગી વે’લો આવ, બાળુડા !
           માને હાથ ભેટ બંધાવા.

           જાગી વે’લો આવજે, વીરા !
           ટીલું માનાં લોહીનું લેવા.

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજજીબાઈ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે!

[1928]

• કવિ : ઝવેરચંદ મેઘાણી  • સંગીતકાર : હેમુ ગઢવી   • ગાયક : ચેતન ગઢવી

અહીં હેમુ ગઢવીને કંઠે માણીએ :

http://www.jhaverchandmeghani.com/voice/HG-shivaji.mp3

—————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=496472

Loading

9 May 2019 admin
← આ ચૂંટણીમાં સૌથી મોટી હાર ઇલેક્શન કમિશનની થઈ છે !
‘સાર્થક જલસો’ છમાસિક એટલે અવનવી તાજગીસભર વાચનસામગ્રીનો ભરપૂર ચિત્રો સાથેનો ખજાનો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved