શિવાજીનો આદર્શ કોઈ ધર્મવિશેષ પ્રત્યે રાગદ્વેષ વગરના હિંદવી સ્વરાજનો હતો, હિંદુ સ્વરાજનો નહીં
‘હિન્દવી સ્વરાજ’ના અસલી વારસ ગણાવાની લડાઈ અદાલતો કે પરિવારમાં નહીં, પણ હવે તો રાજકીય સત્તાની સાઠમારીમાં જોવા મળે છે. ‘હિન્દવી સ્વરાજ’નું નામાંતર ‘હિંદુ સ્વરાજ’માં કરી નાખીને હિંદુહૃદયસમ્રાટો રાજકીય સત્તાના જંગ જીતવા નીકળી પડ્યા છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજનો આત્મા કેવો કણસતો હશે એની સત્તાકાંક્ષીઓને પરવા જ ક્યાં છે?
ભારતમાં નાયક તરીકેની છબિ ધરાવતા શિવાજીના ઈતિહાસની બાબતમાં પણ ઘણા બધા વિરોધાભાસો અત્યારના શાસકોમાં અને મહારાષ્ટ્રના ઇતિહાસકારોમાં જોવા મળે છે. શિવાજી મહારાજના ‘હિંદવી સ્વરાજ’ને આદર્શ માનીને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં શાસન કરતા રહેલા કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષ અને શિવસેના જેવા રાજકીય પક્ષોના નેતાઓ છત્રપતિની જન્મતારીખ વિશે આજ દિવસ સુધી એકમત સાધી શક્યા નથી.
પછી શિવાજી મહારાજના સમગ્ર વ્યક્તિત્વની બાબતમાં એમની વચ્ચે સર્વાનુમત હોવાની શક્યતા તો જણાય જ ક્યાંથી? છત્રપતિને માત્ર હિંદુ શાસક ગણાવવા એ ભૂલ ભરેલું છે. એમનો આદર્શ હિંદવી સ્વરાજનો હતો, હિંદુ સ્વરાજનો નહીં. એ કોઈ ધર્મવિશેષ પ્રત્યે વિશેષ અનુરાગ કે દ્વેષ સાથે નહીં, પણ પ્રજા વચ્ચે ધાર્મિક ભેદ કર્યા વિના સમગ્ર પ્રજાને ન્યાયી રીતે નિહાળનારા રાજવી હતા. એમનું શાસન માત્ર છ વર્ષ જેટલા ટૂંકા સમયગાળાનું એટલે કે ઈ.સ.1674થી 1680 લગીનું જ રહ્યું. પૅલેસ વૉરને કારણે એમની આઠ પત્નીઓમાંથી બીજા ક્રમનાં સોયરાબાઈ થકી ઝેર અપાતાં લોહીની ઊલટીઓ કરનાર છત્રપતિએ 1680માં જીવ ત્યાગ્યો હતો. તે સમયગાળામાં ચોફેર મુઘલ કે મુસ્લિમ શાસકોની બોલબાલા હતી ત્યારે શિવાજીએ પોતાના વિશ્વાસુ હિંદુ અને મુસ્લિમ સરદારોના સાથસહકારથી શિવશાહીની સ્થાપના કરી હતી. શિવાજીના પિતા શહાજી બિજાપુર-કર્ણાટકના મુસ્લિમ શાસકની આદિલશાહીમાં સરદાર હતા. શિવાજીએ આપબળે સામ્રાજ્ય ઊભું કર્યું.
શિવાજીએ ઉત્તરે સુરત વારંવાર લૂટ્યું, હિંદુ તથા મુસ્લિમ વેપારીઓ કનેથી લાખોની લૂંટ ચલાવી, પરંતુ અંગ્રેજોના આશ્રમને હાથ નહીં લગાડ્યાનું સુરત મહાનગરપાલિકાએ પ્રકાશિત કરેલા ઈતિહાસમાં નોંધાયું છે. ‘સુરત ઈતિહાસદર્શન’ના પ્રથમ ખંડમાં શિવાજીની સુરતની લૂંટની લાવણીમાં ‘સત્તર વાર સુરતને લૂંટ્યું, છત્રપતિ છાપો મારી’ના ઉલ્લેખ સાથે હાહાકાર મચાવાયાનું નોંધ્યું છે. સુરત મુઘલ બાદશાહની હકૂમતમાં હતું. બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ હતું. મહારાષ્ટ્રના સર્વસ્વીકૃત ‘શિવાજી ચે પત્રેં’ (ન.ચિં. કેલકર સંપાદિત) મુજબ, શિવાજીને રાજાનું બિરુદ બાદશાહ ઔરંગઝેબે આપ્યું હતું. એના સરસેનાપતિ જયસિંહે મુઘલ બાદશાહ સામે સમજૂતી કરી લેવા ખૂબ સમજાવ્યા છતાં છત્રપતિ શિવાજીએ સ્વતંત્ર રાજ સ્થાપવાની જીદ જાળવીને આજના મહારાષ્ટ્ર અને તમિળનાડુના તાંજોર લગી પોતાના રાજની આણ વર્તાવી હતી. તાંજોર રાજ્ય પોતાના સાવકા ભાઈ વ્યેન્કોજીને આપ્યું હતું. આજે પણ તમિલનાડુમાં એમના વંશજો ગૌરવથી રહે છે.
બળૂકા રાષ્ટ્રપુરુષ છત્રપતિ શિવાજીએ પોતાને મેવાડના સિસોદિયા રાજપૂતોના વંશજ ગણાવ્યા હતા. રાજ્યના બ્રાહ્મણોએ એમને ક્ષત્રિય ગણવાનો નન્નો ભણ્યો, ત્યારે કાશી-બનારસથી ગાગા ભટ્ટને તેડાવીને રાજ્યાભિષેકનું આયોજન કરાવ્યું હતું. ગોવંશના સંરક્ષક જ નહીં, પોતાની પ્રજાના પણ રક્ષક, હિંદુ-મુસ્લિમ ભેદ નહીં કરનાર શિવાજીની આદર્શ શાસન વ્યવસ્થા માટે એમનું અષ્ટપ્રધાનમંડળ હતું. પ્રજાવત્સલ રાજવી તરીકે આજે પણ દુનિયાભરની હિંદુ પ્રજાના દિલમાં વસી ગયેલા શિવાજી મુઘલ સરદાર અફઝલખાનને મળવા ગયા ત્યારે પોતાના અત્યંત વિશ્વાસુ એવા મુસ્લિમ સરદારની સલાહથી જ વાઘનખ પહેરીને ગયા હતા. ઇસ્લામ કબૂલ કરનાર નેતાજી પાલકર દસ વર્ષ મુઘલ સેનામાં સરદાર રહ્યા પછી ફરી હિંદુ થવા ઈચ્છુક હતા ત્યારે શિવાજીએ એમને આવકાર્યા, એટલું જ નહીં પોતાની દીકરી નેતાજીના પુત્ર સાથે પરણાવી હતી.
આવા શિવાજી આજે મહારાષ્ટ્રની સરકાર અને પ્રજા માટે હિંદુ-મુસ્લિમના ભેદ વિના જ નાયક(હીરો) છે. રાજ્ય સરકાર એમના જન્મદિવસની ઊજવણી કરે છે. એ દિવસે જાહેર રજા રાખે છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર થકી 19 ફેબ્રુઆરીએ જાહેર રજા રાખવામાં આવી હતી, કારણ છત્રપતિનો જન્મદિવસ 19 ફેબ્રુઆરી 1630 મનાતો રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેનાની સરકાર આવી ત્યારે પણ ભાજપ થકી 19 ફેબ્રુઆરીને જ છત્રપતિનો જન્મદિવસ ગણાવીને સરકારી રજા જાહેર કરવાની પરંપરા જળવાઈ. જો કે, સરકારમાં સાથીપક્ષ હોવા છતાં શિવસેના હિંદુ કેલેન્ડર મુજબ, 8 માર્ચને જ શિવાજીનો જન્મદિવસ ગણે છે અને એ જ દિવસે શિવાજીના જન્મદિવસની ઊજવણી કરે છે.
મુંબઈની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા ‘ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઈ.એફ.આર.)ના વૈજ્ઞાનિકોએ છત્રપતિ શિવાજીના જીવનને લગતી તારીખોના સંશોધનને અંતે એવું તારવ્યું છે કે છત્રપતિ શિવાજીની સાચી જન્મતારીખ 1 માર્ચ, 1630 જ ગણાય. શિવાજી મહારાજનો જન્મ ફાગણ વદ ત્રીજે થયો હતો. એ વેળા પ્રચલિત જુલિયન કેલેન્ડર મુજબ, શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયાનું નોંધાયા છતાં પાછળથી ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવાયાથી એમાં 10 દિવસની ગોઠવણ કરવી પડે એટલે 1 માર્ચ 1630 જ તેમની સાચી જન્મતારીખ લેખાય. ટી.આઈ.એફ.આર.ના ગુજરાતી વૈજ્ઞાનિક ડૉ. મયંક વહિયા અને સાથી વૈજ્ઞાનિકોએ ‘કરંટ સાયન્સ’ના જાન્યુઆરી 2003ના અંકમાં આ સંદર્ભમાં શિવાજીના જીવનના ઘટનાક્રમને લગતી સાચી તારીખો તારવી છે.
વહિયા સાથે મોહન આપ્ટે અને પરાગ મહાજનીએ પણ આ સંશોધન કાર્યમાં યોગદાન કર્યું છે. તેમની ગણતરી મુજબ, છત્રપતિ શિવાજીની જન્મતારીખ જેમ 1 માર્ચ 1630 આવે છે, તેમ પ્રતાપગઢ યુદ્ધની તારીખ 20 નવેમ્બર 1659, આગ્રામાંથી ભાગી છૂટવાની ઘટનાની તારીખ 27 ઓગસ્ટ 1666, રાજ્યાભિષેકની તારીખ 16 જૂન, 1674 અને રાયગઢ કિલ્લામાં નિધનની તારીખ 13 એપ્રિલ 1680 આવે છે. 18મી સદીના ઉત્તરાર્ધમાં જુલિયન કેલેન્ડરમાંથી ગ્રેગોરિયન કેલેન્ડરમાં પરિવર્તિત થવાને કારણે ઐતિહાસિક તારીખોમાં ભૂલ આવે છે. કેલેન્ડર પરિવર્તન લગીના સમયગાળામાં વિશ્વના મોટા ભાગના દેશો પર પ્રોટેસ્ટન્ટ રાજ કરતા હતા અને તેઓ જુલિયન કેલેન્ડર(જુલિયસ સીઝર આધારિત)ને અનુસરતા હતા. 1752 લગી ભારતનો ઇતિહાસ પણ જુલિયન કેલેન્ડર મુજબ બ્રિટિશ ઈતિહાસકારોએ લખ્યો હતો. ગ્રેગોરિયન (પોપ ગ્રેગરી 13 આધારિત) કેલેન્ડર અમલમાં આવતાં એને ઇતિહાસ અને વૈજ્ઞાનિક આધાર લઈને સુધારવામાં આવ્યા પછી પણ મહારાષ્ટ્રના રાજકીય શાસકો હજી એને સ્વીકારે એની પ્રતીક્ષા છે.
લેખક જાણીતા પત્રકાર, સંશોધક વિશ્લેષક છે
e.mail : haridesai@gmail.com
સૌજન્ય : ‘છત્રપતિની છત્રછાયામાં’, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2017