Opinion Magazine
Number of visits: 9482663
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિવ સેના Vs શિવ સેના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2022

અટલ બિહારી વાજપેઈ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આમ તો જોજનોનું અંતર છે, પરંતુ 22મી તારીખે ઉદ્ધવે પાર્ટી અને રાજ્યના નાગરિકોને સંબોધ્યા, ત્યારે ઘણા લોકોને વાજપેઈનું એ ભાષણ યાદ આવી ગયું હતું, જે તેમણે 1996માં સંસદમાં તેમની સામે આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આપ્યું હતું. તેમની પાસે બહુમત નહોતો અને તેમણે રાષ્ટ્રપતિને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું. 31 મેના રોજ, સંસદમાં તેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું;

“મારી પર આરોપ છે કે હું સત્તાનો લાલચી છું, અને પાછલા 10 દિવસમાં જે પણ કર્યું છે તે બધું સત્તા માટે કર્યું છે. 40 વર્ષથી આ સદનનો સભ્ય છું. સભ્યોએ મારો વ્યવહાર જોયો છે. અમે ક્યારે ય સત્તા માટે ખોટું કામ કરવા તૈયાર નથી થયા. હું કહી દઉં છું કે જો મારે પાર્ટી તોડીને સરકાર બનાવવી પડી, તો એવી સત્તાને હું ચીપિયાથી પણ નહીં પકડું. સત્તાનો ખેલ ચાલતો રહેશે … સરકાર આવશે અને જશે, પાર્ટી બનશે અને બગડશે, પણ દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ.”

શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં (અને ગુજરાત તેમ જ આસામમાં ભા.જ.પ. સરકારની પોલીસના સક્રિય સહયોગમાં), પાર્ટીના 35 વિધાનસભ્યોએ ‘બળવો’ કર્યો, તે પછી બુધવારે સાંજે એક લાઈવ ટેલિકાસ્ટ મારફતે કોવિડગ્રસ્ત ઉદ્ધવ ઠાકરેએ જે રીતે મુખ્ય મંત્રી પદ છોડવાની ઓફર કરી હતી, તેમાં વાજપેઈ જેવો જ જુસ્સો હતો. તેમણે તેમના પિતા બાળ ઠાકરેની આક્રમક શૈલીથી વિપરીત, સૌમ્ય અને લાગણીસભર ભાવથી કહ્યું હતું;

“આપણે કાઁગ્રેસ અને એન.સી.પી. સાથે હાથ મિલાવ્યા હતા, ખુરશી છોડવાનું મને તેમણે નથી કહ્યું. મારા માટે દુઃખની વાત એ છે કે મારા પોતાના લોકોએ મારામાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. હું તો તેમને મારા ગણું છું; મને તેમના વિશે ખબર નથી. હું રાજીનામું આપવા તૈયાર છું, પણ મારી સામે આવો અને આંખમાં આંખ નાખીને કહો. મને કહી દો કે મારે રાજીનામું આપી દેવું જોઈએ અને હું આપી દઈશ. મને આ ખુરશી અનપેક્ષિત રીતે મળી હતી, અને મારા લોકો કહેશે તો પછી આપી દઈશ. લોકશાહીમાં સૌથી વધુ સંખ્યા જેની પાસે હોય તે શક્તિશાળી કહેવાય છે, પણ હું બધાને સમાન ગણું છું. એટલે એક સભ્ય પણ જાય તેને હું નિષ્ફળતા ગણું છું. આ મારું સૌથી મોટું સંકટ નથી. આપણે પાછા આવીશું અને ઘણા સંકટોનો સામનો કરીશું. હું સંકટથી ભાગી જનારાઓમાં નથી.”

મહારાષ્ટ્રની સરકારનું શું થાય છે તે એક બીજો મુદ્દો છે, પરંતુ જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરેનો પ્રશ્ન છે ત્યાં સુધી, તેમણે જે શુદ્ધતા અને ઈમાનદારી બતાવી છે, તે ભારતની ગંદી રાજનીતિમાં એક તાજગી સમાન છે. કોરોનાની મહામારી વખતે ઉદ્ધવે જે નિષ્ઠાથી વહીવટ કર્યો હતો તેનાં બહુ લોકો વખાણ કર્યા હતાં અને બુધવારના તેમના ભાષણ પછી ઘણા લોકોમાં તેમના માટે માન વધી ગયું છે. એવા કેટલા નેતા તમને યાદ છે જે તેમનું સરકારી નિવાસસ્થાન તાબડતોબ ખાલી કરે દે? ઉદ્ધવે તેમનું ભાષણ ખતમ કર્યું તે પછી રાતે મુખ્ય મંત્રીના અધિકૃત નિવાસ “વર્ષા” બંગલો ખાલી કરી દીધો હતો.

તેમની પાસે સંખ્યા બળ નહોતું એટલે તેમણે એન કેન પ્રકારેણ ખુરશી જાળવી રાખવા કોઈ પ્રયાસ નથી કર્યો. એને બે રીતે જોઈ શકાય; સંખ્યાબળની રાજનીતિમાં તેને અણઆવડત કહેવાય. પાર્ટીમાં અસંતોષ હતો અને સાગમટે આટલા બધા વિધાયકો સુરત જતા રહ્યા એ એક મુખ્ય મંત્રીને ખબર ન પડી તે ગાફેલ રહ્યા એવું કહેવાય. બીજી બાજુ, પીચ ઉપર વિરોધીઓ અને અસંતુષ્ઠો દ્વારા અંચય થતી હોય તો પણ એમાં સામેલ થયા વગર નિયમપૂર્વક જ રમવું એ અંગત શુદ્ધતાનું પ્રતીક છે. વાજપેઈએ આવી જ રીતે અંચય કરવાની ના પાડી દીધી હતી. ઉદ્ધવે પણ એવો જ રસ્તો અપનાવ્યો છે તેની પ્રશંસા તો બને છે.

એટલા માટે જ તેમણે પડદા પાછળ ખેલ પાડવાને બદલે ફેસબૂક લાઈવ થઇને વિધાયકોને સીધા જ સંબોધવાનું મુનાસીબ માન્યું હતું. તેમની વાતમાં અને અવાજમાં એક પ્રમાણિક અપીલ હતી. તેમને ખબર હતી કે તેઓ શિવસેનાના ઇતિહાસમાં સૌથી મોટા બળવાનો સામનો કરી રહ્યા હતા. અગાઉ, શિવસેનાએ રાજ ઠાકરે, છગન ભુજબળ અને નારાયણ રાણેનો વિદ્રોહ જોયો હતો. સંખ્યાબળ તેમના પક્ષમાં નહોતું એટલે જ ઉદ્ધવે શિવસેના અને બાળા સાહેબના વારસાના સમ આપીને પાર્ટીના હીતમાં ખુરશી છોડી દેવા ઓફર કરી હતી.

ત્રણ દાયકા પહેલાં, 1992માં, ખુદ બાળા સાહેબ ઠાકરે પણ આવી જ રીતે ઓફર કરી હતી. તેમની કામ કરવાની પદ્ધતિને લઈને શિવસેનામાં નારાજગી હતી. ખાસ તો, શિવસેનાના જૂનાં જોગી માધવ દેશપાંડેએ જ એ સવાલ ઉઠાવીને આરોપ મુક્યો હતો કે તેમનો ભત્રીજો રાજ ઠાકરે અને દીકરો ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાં બહુ દાખલઅંદાજી કરે છે.

તેનાથી વિચલિત થયેલા બાળા સાહેબે પાર્ટીના મુખપત્ર ‘સામના’માં એક લેખમાં કહ્યું હતું, “જો એકપણ શિવ સૈનિક મારા કે મારા પરિવારની વિરુદ્ધ થઇ જાય અને કહે કે તમારા કારણે અમે પાર્ટી છોડી દીધી છે, તો મારે આ મિનિટે જ શિવસેનાનું અધ્યક્ષ પદ છોડી દેવું છે. મારો પૂરો પરિવાર શિવસેના છોડી રહ્યો છે.”

તેના પગલે પાર્ટીમાં ઘમાસાણ મચી ગયું હતું. બધા વિરોધ અને ફરિયાદો બાજુએ મૂકીને બાળા સાહેબને મનાવવા માટે કવાયત ચાલી હતી. અમુક શિવ સૈનિકોએ તો આત્મવિલોપનના પ્રયાસ કર્યા હતાં. છેલ્લે, ઘીના ઠામમાં ઘી એવું પડ્યું કે બાળા સાહેબ જીવ્યા ત્યાં સુધી કોઈએ ચૂં કે ચા ન કરી.

ઉદ્ધવની અપીલ કેમ કારગત ન નીવડી

ઉદ્ધવ ઠાકરેયે પણ, પિતાની જેમ, ઈમોશનલ અપીલ કરીને બળવાખોર વિધાયકોના હૃદય પરિવર્તનની કોશિશ કરી હતી, પરંતુ તેની ધારી અસર પડી નહોતી. ઇન ફેક્ટ, ૩૫ વિધાયકો સુરતથી ગૌહાટી પહોંચ્યા અને ઉદ્ધવે ફેસબૂક લાઈવ પર તેમને અપીલ કરી તે પછી પણ બીજા વધુ વિધાયકો ગૌહાટીમાં બળવાખોર છાવણીમાં જઈને બેઠા હતા.

વાસ્તવમાં, ઉદ્ધવના ભાષણ સુધી એવું લાગતું હતું કે આ બળવો મુખ્ય મંત્રી સામે છે. ખુદ ઉદ્વવે જે રીતે અંગત સંદર્ભો આપીને વાત કરી હતી તેમાં તેમને પણ એવું જ લાગતું હતું કે આ બધી મગજમારી મુખ્ય મંત્રીની ખુરશી માટેની છે અને હું ખસી જઈશ તો નારાજગી દૂર થઇ જશે, પરંતુ તેમના ભાષણ પછી બળવાખોર જૂથ તરફથી (ટ્વીટ મારફતે) એવા સંકેત આવવા લાગ્યા કે આ બળવો મુખ્ય મંત્રી સામે નથી. આ બળવો એન.સી.પી. અને કાઁગ્રેસ સાથે શિવસેનાના ગઠબંધન સામે છે. અથવા વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, બળવાખોર વિધાયકો શિવસેનાએ હિન્દુત્વને પડતું મુક્યું એટલે નારાજ હતા અને આ ‘અપવિત્ર’ ગઠબંધન તોડવા માંગતા હતા.

2019માં, વિધાનસભાની ચૂંટણીમાં, શિવસેનાની સહયોગી ભારતીય જનતા પાર્ટી સાથે મુખ્ય મંત્રી અને અન્ય મહત્ત્વનાં વિભાગોને લઈને મતભેદો થતાં, ઉદ્ધવ ઠાકરેએ ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખવા માટે શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી અને કાઁગ્રેસ સાથે હાથ મિલાવીને મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું હતું. શિવસેનાએ બિનસાંપ્રદાયિક દળો સાથે સત્તાની ગોઠવણ કરી તેનાથી ભા.જ.પ.ને તો ચચરી જ ગઈ હતી અને તેનો બદલો લેવાની ફિરાકમાં તે હતી. (2019માં એન.સી.પી.ના ડેપ્યુટી મુખ્ય મંત્રી અજીત પવારે ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર રચવા સુધી પહોંચી ગયા હતા), બીજી તરફ બાળા સાહેબના કટ્ટર હિન્દુત્વના અનુયાયીઓને ઉદ્ધવનું ‘સોફ્ટ હિદુત્વ’ માફક આવતું નહોતું. તેમને લાગતું હતું કે શિવસેનાનું મૌલિક વ્યક્તિત્વ એન.સી.પી.-કાઁગ્રેસના સંગથી કલંકિત થઇ રહ્યું છે.

શિવસેનાના બુનિયાદી મરાઠી મતદારોમાં એવી લાગણી પ્રબળ બની હતી કે બાળા સાહેબની કટ્ટર હિન્દુત્વની વિચારધારાથી શિવસેના છૂટી પડી ગઈ છે અને સત્તા માટે એન.સી.પી.-કાઁગ્રેસની વિરોધી નૌકામાં બેસી ગઈ છે. અઠવાડિયા પહેલાં જ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી તેની પાછળ શિવસેનાનો સંકેત એ જ હતો કે તે હજી પણ હિંદુત્વની રક્ષક છે. ઇન ફેક્ટ, એ મુલાકતમાં એકનાથ શિંદેને સાથે રાખવામાં આવ્યાં ન હતા એ પણ નારાજગીનું એક કારણ છે.

એટલે, ઉદ્વવ ઠાકરેએ રાજીનામું આપવાની ઓફર કરી, તો એકનાથ શિંદેએ વળતી માંગણી એવી કરી કે હિન્દુત્વની વિચારધારાની રક્ષા કરવા માટે શિવસેનાએ એન.સી.પી. સાથેનો સંબંધ કાપી નાખવો જોઈએ. ઉદ્ધવના ભાષણ પછી શિંદેએ ટ્વીટ કરી હતી કે, મહા વિકાસ આઘાડીનું ગઠબંધનનો ફાયદો માત્ર તેના સાથી પક્ષોને થઇ રહ્યો છે અને સેનાના કાર્યકરોને નુકસાન થઇ રહ્યું છે.

સોફ્ટ હિન્દુત્વના શિંદેના આરોપ પર ઉદ્ધવે એવી સ્પષ્ટતા કરી હતી કે સેના અને હિન્દુત્વ કાયમ બરકરાર છે. ન સેનાને હિન્દુત્વથી અલગ કરી શકાય કે ન તો હિન્દુત્વને સેનાથી અલગ કરી શકાય. શિંદે અને તેમના સમર્થકોનો બળવો એ વાતની સાબિતી છે કે એન.સી.પી.-કાઁગ્રેસના સંગમાં, અઢી વર્ષથી શિવ સેનાએ જે નરમ અભિગમ અપનાવ્યો હતો તે પાર્ટીના મૂળ સ્વભાવથી અલગ હતો અને શિવસૈનિકો દિશાવિહીન અનુભવ કરતાં હતા.

એકનાથ શિંદેએ પણ તેમને સત્તાની ભૂખ છે તેવો સંદેશો ન જાય અને પૂરી સેનાનું સમર્થન મળે તે માટે હિન્દુવની ઢાલ આગળ ધરી છે. “બાળ ઠાકરે એન્ડ ધ રાઈઝ ઓફ શિવસેના” પુસ્તકના લેખક વૈભવ પુરંદરે એક ટી.વી. મુલાકાતમાં કહે છે, “આ વિદ્રોહથી પાર્ટીની નેતાગીરી પર સવાલ ઊભા થયા છે. જે રીતે પાર્ટી કામ કરી રહી છે, જે મુદ્દા પાર્ટીએ ઉઠાવ્યા છે, જે પાર્ટીઓ સાથે સેનાએ ગઠબંધન કર્યું છે તેની પર અને ગઠબંધન પહેલાં સેનાએ વિધાયકોને વિશ્વાસમાં લીધા હતા, શું સેના ઠાકરે પરિવારના અમુક લોકો ચલાવી રહ્યા છે એ સવાલો પણ પુછાઈ રહ્યા છે.”

શિવસેના કોની

શિંદેનો કેમ્પ જે સંકેતો આપી રહ્યો હતા તે પ્રમાણે સાચી શિવસેના કઈ? ઉદ્ધવ ઠાકરે પાસે છે તે કે શિંદે પાસે જે જૂથ છે તે? તેવો પ્રશ્ન ઊભો થયો હતો. શિંદે એક જૂથ વતીથી કે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલતાં નહોતા. એ આખી શિવસેના વતી એન.સી.પી.-કાઁગ્રસ વિરુદ્ધ બોલતા હતા અને ઉદ્ધવને પણ એ જ અપીલ કરી હતી.

આનું એક કારણ છે. શિંદે જો શિવસેના પાર્ટી તોડે, તો તેમની પર પક્ષાંતર વિરોધી કાનૂન લાગુ પડે અને વિધાયકો ગેરબાતલ ઠરે. એમાંથી બચવા માટે શિવસેનાએ ભા.જ.પ. સાથે હાથ મિલાવા પડે. શિંદે ઉદ્વવને મહા વિકાસ આઘાડી છોડવાનું કહેતા હતા તેનું કારણ જ એ છે કે તેમને ભા.જ.પ.નું સમર્થન હતું. આખીને આખી શિવસેના જો ભા.જ.પ. સાથે ગઠબંધન કરે તો કાનૂની ગુંચ ઊભી ન થાય. એટલાં માટે એકનાથ શિંદેએ નવો ચોકો બનાવાનો ખેલ નથી કર્યો. તેમણે ઉદ્ધવ સહિત તમામ સેના વિધાયકોને અપીલ કરી છે કે તમે મને સપોર્ટ કરો, મને ભા.જ.પ.નો સપોર્ટ છે અને આપણે સરકારમાં ચાલુ રહીશું.

લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી.ડી.ટી. આચાર્યએ ‘સ્ક્રોલ’ પોર્ટલને કહ્યું હતું કે, “અસલી શિવસેના કઈ છે તે ચૂંટણી પંચ દ્વારા નક્કી થશે. પાર્ટીનાં જ્યારે બે ફાડિયાં થાય અને બંને પક્ષ ઓરિજીનલ હોવાનો દાવો કરે, ત્યારે મામલો ચૂંટણી પંચ પાસે જાય. શિવસેનાને ચૂંટણી પંચે માન્યતા આપી છે, એટલે સ્વાભાવિક રીતે જ, પંચ જ એ નક્કી કરશે કે અસલી પાર્ટી કઈ છે. વિધાયકો કે સ્પીકરની એમાં કોઈ ભૂમિકા નથી.”

આચાર્યના મતે રાજ્યમાં ઊભા થયેલાં રાજકીય સંકટમાં ત્રણ સંભવાનાઓ છે :

1. સરકાર વિધાનસભાને બરખાસ્ત કરવાની રાજ્યપાલને ભલામણ કરી શકે છે. મહા વિકાસ આઘાડીનો બહુમત પુરવાર થયેલો છે એટલે રાજ્યપાલને આ ભલામણ સ્વીકારવી પડે.

2. ભા.જ.પ.ના વિધાયકો સાથે એકનાથ શિંદે રાજ્યપાલ પાસે જઈને એવું કહી શકે કે શિવસેનાએ મહા વિકાસ આઘાડી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. એ પછી રાજ્યપાલ મુખ્ય મંત્રીને બહુમત સાબિત કરવા સૂચના આપે. જો બહુમત સાબિત ન થાય તો રાજ્યપાલ વિરોધ પક્ષને સરકાર રચવા આમંત્રણ આપે.

3. શિવસેના વિધાયકોની બેઠક બોલાવે અને છૂટા પડેલા વિધાયકો એમાં હાજર ન રહે તો શિવસેના એવું જાહેર કરે કે તેમણે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું છે. એવું થાય તો એ વિધાયકો ગેરલાયક ઠરે. એવું ન થાય તે માટે સેનાના બે તૃતીયાંસ વિધાયકોએ ભા.જ.પ.માં જોડાઈ જવું પડે. આ વિચિત્ર પ્રસ્તાવ છે. એટલે પ્રશ્ન એ થાય કે અસલી પાર્ટી કઈ?

જો કે, શિંદે જૂથે 35 વિધાયકોના હસ્તાક્ષરવાળો એક પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને આપીને શિવસેનાના મુખ્ય વ્હીપને બદલ્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ, જૂથે શિવસેનાના ચૂંટણી પ્રતીક ‘તીર-કામઠા’ પર પણ દાવો કર્યો છે.

એક વાત ચોક્કસ છે. શિવ સેના પહેલાં જે હતી તેવી હવે રહેવાની નથી. સેના સુપ્રીમો બાળ ઠાકરેના અવસાન પછી જ સેના કમજોર પડવાની શરૂઆત થઇ હતી. તેને સૌથી મોટો ધક્કો ત્યારે લાગ્યો હતો જયારે 2005માં રાજ ઠાકરેએ ઉદ્ધવથી અલગ થઇને સમાંતર સેનાની રચના કરી હતી. 1990માં, છગન ભુજબળે 18 વિધાયકો સાથે છે એવો દાવો કરીને બળવો કર્યો હતો. 2005માં, નારાયણ રાણેએ 40 વિધાયકોના કથિત સમર્થન સાથે બળવો કર્યો હતો. આ વખતે એકનાથ શિંદેએ માત્ર બળવો જ નથી કર્યો. તેમણે શિવ સેના પર જ કબજો કરવા પ્રયાસ કર્યો છે.

કમજોરીનું મૂળ કારણ એ છે કે 50 વર્ષના અસ્તિત્વ પછી પણ શિવ સેના એકહથ્થુ શાસન વાળી પાર્ટી જ રહી છે, તે એક સંગઠનથી આગળ વધીને એક પરિપક્વ રાજકીય તાકાત બની શકી નથી. કોઇ પણ સંગઠન અથવા રાજકીય પક્ષમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા કેવી છે તેના પર તેની પ્રગતિનો આધાર હોય છે. એમાં જ્યારે એકથી વધુ નેતાઓ અને હજારો કાર્યકરો જોડાયેલા હોય ત્યારે તેમાં સૌનો અવાજ સંભળાતો હોય તેવી નિર્ણય-પ્રક્રિયા હોવી જોઈએ. શિવ સેનાની આ પહેલા જ દિવસથી ખામી રહી છે કે એમાં ઠાકરે પરિવાર જ બધા નિર્ણય લેતો હતો અને બીજાઓએ તેને આંખ બંધ કરીને અમલ કરવાનો હતો.

બાળ ઠાકરે હતાં ત્યાં સુધી તો તેમના અંગત કરિશ્માના કારણે એ રીત કારગત રહી, પરંતુ તેમના ગયા પછી નિયમિત રીતે તેની કેડરમાં એવી લાગણી મજબૂત થતી ગઈ કે તેમને કશું પૂછવામાં આવતું નથી. સેનામાં અત્યાર સુધી જે બળવા થયા છે તેનું મૂળ કારણ જ એ છે કે સરકાર ચલાવવામાં, જનકલ્યાણની યોજનાઓ લાગુ કરવામાં, પક્ષનો વ્યાપ વધારવામાં કે ઇવન સેનાને રાજ્યના સીમિત દાયરામાંથી બહાર કાઢવા જેવી મહત્ત્વાકાંક્ષી બાબતોમાં ન તો કોઈ કોઈને પૂછવામાં આવતું હતું કે ન તો કશું કહેવામાં આવતું હતું.

જો કે, વિધાયકોના બળવાના શરૂઆતના આઘાતમાંથી ઉદ્ધવ ઠાકરે બે દિવસ પછી બહાર આવી ગયા છે, અને શરદ પવારના સાથ-સહકાર અને સમજ પ્રમાણે તેઓ એકનાથ શિંદેની અસલી તાકતને વિધાનસભાના ફ્લોર પર માપવા માટે કમર કસી રહ્યા છે.

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઇ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કેમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે. હવે મહારાષ્ટ્રની શિવ સેનાની આ લડાઈ વિધાનસભામાં, કોર્ટમાં અને સડકો એમ ત્રણ જગ્યાએ લડશે. એ ત્રણે માટે શિંદે એન્ડ કંપનીએ પાછા તો આવવું પડશે. એ આસામમાં બેસીને મહારાષ્ટ્રમાં રાજ કરવાનું સપનું સાકાર નહિ કરી શકે.

આ પાંચ કારણથી બળવો થયો

1. થાણેમાંથી શિવ સેનાના વિધાયક અને અર્બન ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક વર્કસ મંત્રી એકના શિંદે 1997થી સેનામાં કાર્યરત છે. ત્યારથી લઈને તેમણે પાર્ટીમાં, વિધાનસભામાં અને સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 2019થી, મહા વિકાસ આઘાડી સરકારમાં તો તેમને મહત્ત્વનું કામ મળ્યું હતું, પરંતુ પાર્ટીમાં તેમની ઉપેક્ષા થતી હતી. મહત્ત્વનાં નિર્ણયોમાં તેમને પૂછવામાં આવતું નહોતું. ઉદ્ધવ તેમના પસંદગીના વિશ્વાસુઓ સાથે પાર્ટી ચલાવતા હતા. શિંદેને કદ પ્રમાણે વેતરાઈ ગયાનો અહેસાસ થતો હતો તે તેમના બળવા માટે પ્રમુખ કારણ છે.

2. શિંદેએ ટ્વીટર પર દાવો કર્યો હતો તેઓ બાળ ઠાકરેના અનુયાયી છે અને રાજકીય ફાયદા માટે ક્યારે ય તેમાં સમાધાન નહીં કરે. આમાં ઉદ્વવ પ્રત્યે શ્લેષ છે, કારણ કે ઉદ્ધવે સત્તા મેળવવા માટે હિન્દુત્વ સાથે છેડો ફાડીને બિનસાંપ્રદાયિક પક્ષોનો સાથ લીધો હતો

3. એકનાથ શિંદેની નારાજગીનું એક કારણ એવું મનાય છે કે તેમને પાર્ટીમાં તેમની ઉપેક્ષા થતી હોવાનું લાગતું હતું. તેમને અને તેમના સમર્થકોને લાગતું હતું કે શિવ સેનામાં પેઢીગત બદલાવ (આદિત્ય ઠાકરે એવું વાંચવું) આવી રહ્યો હતો અને ઘણા સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. અઠવાડિયા પહેલાં જ, વિધાનપરિષદની ચૂંટણીને લઈને શિંદે અને આદિત્ય તેમ જ સંજય રાઉત સાથે બોલાચાલી પણ થઇ હતી.

4. એક ચર્ચા સુરક્ષા કવચને લઈને પણ છે. શિંદેને ઝેડ સિક્યુરિટી કવર હતું, પરંતુ તેમને અન્ય મોટા નેતાઓની જેમ ઝેડ-પ્લસ કવરની ખ્વાહિશ હતી. કહે છે કે તેમણે એ માંગણી કરી હતી પરંતુ તેની ઉપેક્ષા કરવા આવી હતી.

5. મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસ ‘વર્ષા’ બંગલો અને ઉદ્ધવ ઠાકરેના પારિવારિક નિવાસ ‘માતોશ્રી’માં અમુક જ લોકોને અવરજવર રહેતી હતી એવી એક ફરિયાદ છે. ઉદ્ધવે તેમના ભાષણમાં આ ઉલ્લેખ પણ કર્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એ વાત ખોટી છે. ઇન ફેકટ, તેમણે બંગલો ખાલી કર્યો ત્યારે બળવાખોર જૂથના એક નેતાએ કહ્યું પણ હતું કે બહુ વખત પછી ‘વર્ષા’ના દરવાજા ખુલ્લા જોવા મળ્યા.

6. એક કારણ શરદ પાવરની રાષ્ટ્રીય કાઁગ્રેસ પાર્ટી હતી. શિંદે સહિત અનેક નેતાઓને એવું લાગતું હતું કે સરકારમાં એન.સી.પી.નું જ બહુ ચાલે છે અને સેનાના નેતાઓને તેમના ભવિષ્યને લઈને ચિંતા થાય છે.

ભા.જ.પ. કા સાથ, શિંદે કા વિકાસ

ભારતીય જનતા પાર્ટીની મદદ વગર એકનાથ શિંદે આટલા બધા વિધાયકોને અલગ લઈને ઊભા થઇ ગયા હોત? વરિષ્ઠ મરાઠી પત્રકાર ગિરીશ કુબેર એક જગ્યાએ લખે છે કે, “શિંદેએ હિન્દુત્વ પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે એટલે શિવ સેના તોડી છે એવું માનવું નાદાની કહેવાય. શિંદે અને તેમના સમર્થકોને ભા.જ.પે. લલચાવ્યા છે એવો સેનાનો આરોપ અસ્થાને નથી. શિવ સેનાએ એન.સી.પી.-કાઁગ્રેસ સાથે ગઠબંધન કર્યું તેનું અપમાન ભા.જ.પ. ભૂલ્યું નહોતું. એનો બદલો લેવા માટે ભા.જ.પે. બે રીત અપનાવી હતી. એક તો તેઓ નિયમિટ રીતે મહા વિકાસ આઘાડીના મંત્રીઓને ભ્રષ્ટાચારના કેસો કરવાની બીક બતાવતા રહ્યા હતા. બીજી બાજુ, તેઓ સેનાના અમુક નેતાઓમાં ‘ઇન્વેસ્ટમેન્ટ’ કરી રહ્યા હતા. એમાં એક એકનાથ શિંદે હતા. શિંદે પાસે અર્બન અને રોડ ડેવલપમેન્ટનો સૌથી માલદાર વિભાગ હતો. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટવાળા આ વિભાગમાં ભા.જ.પ.ને કેમ કોઈ ભ્રષ્ટાચાર ન દેખાયો?”

‘ભા.જ.પ. ચિત્રમાં ક્યાં ય નથી’ એવું ચિત્ર ઊભું થયું છે તેનું એક માત્ર કારણ 2019માં થયેલો અજીત પવારનો ફિયાસ્કો છે. ભા.જ.પ.ને છેહ દઈને સેનાએ મહા વિકાસ આઘાડીની સરકાર બનાવી ત્યારથી મહારાષ્ટ્ર ભા.જ.પ.ના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ ભવિષ્યવાણી ભાખતા હતા કે સરકાર ગમે ત્યારે પડી જશે. અત્યારે એ એવું કહે છે કે “આ શિવસેનાનો અંદરનો મામલો છે.” વાસ્તવમાં, પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસે એન.સી.પી.ના અજીત પવારને સાધીને વહેલી સવારે શપથ લઇ લીધા હતા, પરંતુ શરદ પવારની કુનેહના કારણે બે દિવસમાં એ સરકાર પડી ભાંગી હતી અને અજીત પવાર પાછા આવતા રહ્યા હતા, તેમાંથી શીખ લઈને આ વખતે ભા.જ.પ. સંપૂર્ણપણે પડદા પાછળ રહેવાનું નક્કી કર્યું છે.

બાકી, શિંદેને ગુજરાત-આસામમાં આવવા-રહેવાની, પોલીસ સુરક્ષાની અને મહાવિકાસ આઘાડીની સરકારને પાડવા માટેની રાજકીય મદદ ભા.જ.પ. જ પૂરી પાડી રહી છે એવું સૌ માને છે. ફરક એટલો જ છે કે ભા.જ.પ.ના એક પણ નેતાને એક પણ જાહેર ટીપ્પણી કરવાની ના ફરમાવામાં આવી છે.

પ્રગટ : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 26 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 June 2022 admin
← ડિજિટલ ભારતનાં પ્રશ્નોઃ ઇ-કૉમર્સમાં ઇજારાશાહી, ઇન્ટરનેટની પહોંચ અને ધારાધોરણોમાં સંદિગ્ધતા
પારેવાં →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved