ગ્રીસ જેવા આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા દેશે પણ રોગચાળા પર કાબૂ મેળવ્યો, ટુરિઝમ પર અર્થતંત્ર ટક્યું હોવા છતાં ય લૉકડાઉનનું કડક પાલન કરાયું. વાત ઇરાદાની છે, તેમની પાસે હતું એટલે એ કરી શક્યા એવી દલીલ કરનારાઓને સાંભળવાની તસ્દી ન લેવી
અમેરિકાના પ્રમુખ જો બાઇડનને એવી ઇચ્છા પ્રગટ કરી કે યુ.એસ.એ.ના સ્વતંત્રતા દિવસ ૪ જુલાઈ સુધીમાં ત્યાંના ૭૦ ટકા વયસ્કોને ઓછામાં ઓછો એક શોટ તો મળવો જ જોઇએ. ઘણાં લોકો વેક્સિન લેવાને મામલે કચવાતા હોય છે, આપણે ત્યાં ય ગૌમૂત્રનું ચિયર્સ કરીને વિજ્ઞાનનો છેદ ઉડાડનારાઓની ખોટ નથી. પણ યુ.એસ.એ.માં લોકો વેક્સિન લેવા માટે તૈયાર થાય, પાછા ન પડે તે માટે જાતભાતના નુસખા અપનાવાઇ રહ્યા છે. ન્યૂ જર્સીમાં વેક્સિનેશન ડ્રાઇવમાં વધુને વધુ લોકો જોડાય તે માટે ‘શોટ એન્ડ બિયર’ની જાહેરાત થઇ. પહેલો વેક્સિન ડોઝ મેળવનારા તમામને એક બિયર ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી. કનેક્ટિકટમાં અને વોશિંગ્ટનમાં પણ આવી જ જાહેરાત થઇ . વેસ્ટ વર્જિનિયામાં ૧૬થી ૩૫ની ઉંમર વચ્ચેના જે લોકો વેક્સિન લેશે તેમને ૧૦૦ ડૉલરના સેવિંગ બોન્ડ્ઝ આપવાની જાહેરાત કરાઇ. વળી ત્યાં અમૂક ડોનટ ચેઇન્સે એવી જાહેરાત કરી છે કે ત્યાં આવનાર વ્યક્તિ વેક્સિનેશન લીધું હોવાનો પુરાવો બતાડશે તો તેને ફ્રી ડોનટ મળશે.
એક તરફ વેક્સિનેશન માટે આ પગલાં લેવાય છે તો રશિયા જેવા દેશની વેક્સિન સ્પૂટનિક તો બીજા દેશના લોકોને મળે તેવી વ્યવસ્થા ખડી થઇ છે. જો કે આ એક બિઝનેસ મોડલ છે જે દુબઇની એક ટ્રાવેલ એજન્સીએ ખડું કર્યું છે, ટ્રાવેલ એજન્સીને સૌથી વધુ ફટકો પડ્યો છે ત્યારે તેમણે વેક્સિન ટૂરીઝમમાં તક જોઇ છે. આ એજન્સીએ ૧.૩૦ લાખની ૨૪ દિવસની દિલ્હીથી મોસ્કોની પૅકેજ ટૂર ઑફર કરી છે અને આ પૅકેજમાં રશિયા જનારા મુસાફરોને સ્પૂટનિક વી વેક્સિનના બે શોટ્સ પણ અપાશે. ‘રશિયા દર્શન’નું આ પૅકેજ લોકોને આકર્ષી રહ્યું છે તેવો આ ટ્રાવેલ એજન્સીનો દાવો છે. વળી રશિયા અને ભારત વચ્ચેની સરહદો બંધ પણ નથી. આ કીમિયાની કામયાબી નાણવાની વાત નથી થઇ રહી બલકે કઇ રીતે વેક્સિનેશનની અગત્યતા લોકો સમજે તે માટે પ્રયત્ન થઇ રહ્યો છે તે જોવાનું છે. વિશ્વના જે દેશોએ રોગચાળા પર પોતાની રીતે લગામ મૂકી છે, અર્થતંત્ર સાવ ખાડે નથી જવા દીધું, વ્યવસ્થાઓ સાચવી છે તે રાષ્ટ્રોએ શું અલગ કર્યું તે આપણે જાણવું રહ્યું.
તાઇવાનમાં ગયા વર્ષે જૂન સુધીમાં ૭ મોત થયા હતા અને આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ૯ મોત થયા. આ સાબિત કરે છે કે તાઇવાનની અગમચેતી કેટલી લેખે લાગી, વળી ત્યાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન પણ હજી સુધી નથી થયું. વાઇરસ જ્યાંથી પેદા થયો ત્યાંથી તાઇવાન દૂર નથી. અહીં સૌથી પહેલાં બોર્ડર્સ સીલ કરાઇ, સર્જિકલ માસ્કની નિકાસ બંધ કરાઇ, સંક્રમિત લાકોને ટ્રેક કરીને તે ક્વૉરેન્ટાઇનના નિયમો ભંગ ન કરે તેની પર ચાંપતી નજર રખાઇ. અહીં બિઝનેસ બંધ ન કરાયા પણ સેનિટાઇઝર અને ટેમ્પરેચર ચેકિંગ જેવા કડક નિયમોનું પાલન કરાયું. તાઇવાનથી થઇ શકી તેટલી મદદ તેણે બીજા રાષ્ટ્રોને પણ કરી. સિંગાપોરમાં જુલાઇ ૨૦૨૦ સુધીમાં ૨૫ મોત થયા હતા અને ફેબ્રુઆરી ૨૦૨૧માં આ આંકડો ૨૯ હતો. તાઇવાનની માફક શરૂઆતમાં જ કડક પગલાં લેનાર સિંગાપોરમાં વાઇરસ ફેલાય નહીં તેનું ધ્યાન રખાયું. સિંગાપોર વાઇરસ નાથવાને મામલે પહેલાં જ વિજેતા જાહેર કરાયો હતો. જો કે અહીં માઇગ્રન્ટ્સ એરિયાઝમાં કેસિઝની સંખ્યા ઘણી વધારે હતી, નાગરિકો અને માઇગ્રન્ટ્સ પ્રત્યે સરકારના અસમાન અભિગમની ટીકા પણ થઇ પણ સરકારે ઇકોનોમીના કાંગરા ન ખરવા દીધા. સિંગાપોર અને તાઇવાનમાં વેક્સિન લેવાને મામલે લોકોએ ઢીલું મુક્યું છે એ પણ એક વાસ્તવિકતા છે.
સાઉથ કોરિયાએ નાનામાં નાના ડેન્જર ઝોનને કાબૂમાં કરીને વાઇરસને ફેલાતા અટકાવ્યો. ત્યાં ગયા વર્ષે જૂન સુધીમાં ૨૭૬ મૃત્યુ થયા તો આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ૧૫૪૪ જેટલા મોત થયા. સરકારે લાદેલી બધી જ મર્યાદાઓનું અહીં લોકોએ સ્વેચ્છાએ પાલન કર્યું. દેશની વસ્તી ધ્યાનમાં રાખી સરકારે એડવાન્સમાં વેક્સિનનો જથ્થો ખરીદી પણ લીધો પણ એક ગફલત એ થઇ કે કયા વેરિયન્ટ સામે કઇ વેક્સિન સારું કામ કરે છે તે જોવામાં સમય ખાસ્સો બગાડ્યો. કોરિયાને ૨૦૧૫નો MERS રોગચાળો હેન્ડલ કરવાનો અનુભવ પણ કામ લાગ્યો. સાઉથ કોરિયાએ જે રીતે ટેસ્ટિંગ, આઇસોલેશન, સારવાર વગેરેને મામલે અગ્રેસર કામગીરી કરી તે કોઇ પણ રાષ્ટ્ર્ માટે ઉદાહરણરૂપ છે. વળી તેમણે પોતાના અર્થતંત્રની મજબુતાઇ પણ જાળવી.
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ રોગચાળાને નાથવામાં સફળ રહ્યા છે. જૂન ૨૦૨૦ સુધીમાં ન્યૂઝીલેન્ડમાં મૃત્યુ આંક ૨૨ હતો અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૬ હતો. રોગચાળા સામે સૌથી સારી રીતે કામ કરનારા દેશોમાં ન્યૂઝીલેન્ડ મોખરે રહ્યો છે. ત્યાં બહુ જલદી જ કડક લૉકડાઉન જાહેર કરાયું. ત્યાં વડા પ્રધાને લોકોને ખાતરી આપી કે નોકરી જશે પણ ઘર નહીં જાય અને ટેક્સ રિફોર્મથી નાના બિઝનેસિઝને મદદ કરાઇ, મંત્રીઓએ પોતાના પગારમાં ૨૦ ટકા કાપ લીધો.
ઑસ્ટ્રેલિયામાં જૂન ૨૦૨૦ સુધીમાં ૧૦૨નાં મોત થયા અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૯૦૯ જણનાં મોત થયા. અહીં પણ લૉકડાઉનને મામલે ત્વરિત પગલાં લેવાયાં અને સરકારે રાજકરાણીઓએ મળીને વિજ્ઞાનીઓ અને હેલ્થ એક્સપર્ટ્સને કેન્દ્રમાં રાખી બધાં નિર્ણયો લીધા.
આ દેશો ઉપરાંત કેનેડા, જર્મની, આઇસલેન્ડ, યુ.એ.ઇ., ગ્રીસ, આર્જેન્ટિના જેવા દેશો પાસેથી પણ શીખવા જેવું છે. રોગચાળાનું જોર ઓછું કરી શકનારા તમામ રાષ્ટ્રોની શરૂઆતી તબક્કાની સતર્કતા તેમને લેખે લાગી ગઇ. આજે લગભગ વાઇરસ ફ્રી થઇ ચૂકેલા અથવા તો જ્યાં કેસિઝ નહીંવત છે તેવા આ રાષ્ટ્રોમાં વેક્સિનેશન જેટલું ઝડપથી થવું જોઇએ તેટલું ઝડપથી નથી થઇ રહ્યું કારણ કે લોકોમાં હાશકારો છે કે આપણે સચવાઇ ગયા, જો કે ત્યાંની સરકારો પોતાની ફરજમાં કાચી નથી પડી રહી.
બાય ધી વેઃ
આપણે ત્યાં વેક્સિનેશનથી માંડીને વાઇરસમાં મોતને ભેટેલાઓના અંતિમ સંસ્કારની વાત આવે ત્યાં વ્યવસ્થાનું અસ્થિ વિસર્જન આપણે લગભગ રોજ જોઇએ છીએ. હાંફળા ફાંફળા થવાને બદલે અથવા તો વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવાને બદલે, રાજકીય મુત્સદ્દીપણાને નેવે મૂકીને માણસાઇ અને બૌદ્ધિક વિશ્લેષણનો આધાર લીધો હોત તો આપણી પર વાઇરસે જે કમરતોડ હુમલો કર્યો છે તેમાંથી કળ વળવાના આસાર આપણને પણ દેખાયા હોત. બધા જ દેશ હેલ્થ કૅરની ક્ષમતા, રાજકીય તંત્ર, આર્થિક સ્રોતને મામલે એક સમાન નહોતા. ગ્રીસ જેવા આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા દેશે પણ રોગચાળા પર કાબૂ મેળવ્યો, ટુરિઝમ પર અર્થતંત્ર ટક્યું હોવા છતાં ય લૉકડાઉનનું કડક પાલન કરાયું. આ પરથી આપણે સમજવું રહ્યું કે વાત ઇરાદાની છે, તેમની પાસે હતું એટલે એ કરી શક્યા એવી દલીલ કરનારાઓને સાંભળવાની તસ્દી ન લેવી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 મે 2021