પરિણામોની અને પ્રવેશની મોસમ પુરબહારમાં છે. સાથોસાથ, શિક્ષણપદ્ધતિ વિશે વાર્ષિક ચિંતા કરવાની ઋતુ પણ. ભારતમાં અંગ્રેજી રાજમાં અંગ્રેજી પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાવાનું શરૂ થયું, ત્યારથી તેના વિશે ચર્ચા અને ચિંતા થતાં રહ્યાં છે. એ વખતના શિક્ષણ માટે એવું કહેવાતું હતું કે તે કારકુનો પેદા કરે છે. સાથોસાથ, ભણતરનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે ‘ભણેગણે તે નામું લખે, ન ભણે તે દીવો ધરે’ એવી કહેવતો પ્રચલિત થઈ. શરૂઆતના તબક્કે શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ઓછી હતી કે આઝાદી પછી મોટા પાયે સાક્ષરતા ઝુંબેશો કરવી પડી.
શિક્ષણ અત્યંત ઉપયોગી છે એમાં તો શો મતભેદ હોય? પણ કેવું શિક્ષણ કામનું ગણાય અને કેવું શિક્ષણ નકામું નહીં તો પણ કેવળ નામનું – એ પેઢીઓથી શિક્ષણશાસ્ત્રીઓ અને જાગ્રત આગેવાનો માટે નિસબતનો વિષય રહ્યો છે. અત્યારે નિરર્થક શિક્ષણનો ફુગાવો અને તેમાંથી પેદા થતી બેરોજગારી અકળાવે છે, પરંતુ લગભગ સવા સો વર્ષ પહેલાં શિક્ષણની સમસ્યાઓ કેવી હતી તેનો અંદાજ ઇ.સ.૧૮૯૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી’એ પ્રગટ કરેલી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’ પરથી મળે છે. આશ્ચર્ય અને ખરેખર તો આઘાત લાગે એવી હકીકત એ છે કે લગભગ સવા સો વર્ષ પહેલાં પાટલા પર ધુળ પાથરીને, તેની પર લાકડાનાં વતરણાંથી લખવાના જમાનામાં તૈયાર થયેલા આ પુસ્તકમાંની ઘણી બાબતો આર્ટિફ્શ્યિલ ઇન્ટેલિજન્સના જમાનામાં પણ લાગુ પડે એવી છે.
બે આનાની કિંમત અને મુખપૃષ્ઠ સહિત ૪૮ પાનાં ધરાવતી આ પુસ્તિકામાં લક્ષ્મણ નારાયણ ફ્ડકેનાં મરાઠી સૂત્રોનો સટીક ગુજરાતીમાં અનુવાદ છે- સટીક એટલે ટીકા સહિતનો. વધારાની ટીકાટીપ્પણીઓ અનુવાદકર્તાઓ નારાયણ હરિ મોકાશી તથા રવિશંકર જગન્નાથ વ્યાસ તરફ્થી મુકવામાં આવી છે.
ઇ.સ. ૧૮૯૮માં પણ લેખકને લાગતું હતું કે ‘હાલ બાળકોને નિરૂપયોગી બાબતો પુષ્કળ શીખવવામાં આવે છે અને તેથી જ ઉપયુક્ત (એપ્રોપ્રીએટ) બાબતો શીખવવાને વખત જ મળતો નથી. ઇતિહાસમાંનું કેવળ તવારીખ વગેરે જ્ઞાન આવા જ પ્રકારનું છે. માટે શિક્ષણપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં પણ પુષ્કળ સુધારો કરવો જોઇએ. શાસ્ત્રીય જ્ઞાન જેથી કરીને વધારે આપી શકાય અને વળી ઉત્તમ પદ્ધતિથી આપી શકાય … હવે જ્ઞાન પદ્ધતિયુક્ત છે એમ ક્યારે સમજાય? તો જ્યારે તેનો વ્યવહારમાં વધારે વધારે ઉપયોગ થતો નજરે પડે ત્યારે જ. હાલ તો નિશાળ છોડી કે તરત જ ઘણીખરી બાબતો બાળકો ભૂલી જાય છે અને વ્યવહારમાં તેમને ઉપયોગ કરવાનો વખત પણ કવચિત જ આવે છે.’ આ વાંચીને યાદ આવે કે ઘણા સમયથી મોટી કંપનીઓ એવી ફરિયાદ કરી રહી છે કે લોકો ભણે છે ખરા, પણ તે એમ્પ્લોયેબલ (નોકરીએ રાખી શકાય એટલી લાયકાત ધરાવતા) નથી હોતા. કારણ કે, કોલેજના ભણતર અને વ્યવહારમાં જરૂરી આવડત વચ્ચે ૧૮૯૮માં જોવા મળતી ખાઈ ૨૦૧૯માં પણ પુરાઈ નથી – અને હવે તેના માટે અંગ્રેજોને દોષ દઈ શકાય તેમ નથી.
‘શિક્ષણસુત્ર’માં લખ્યું છે કે ‘આપણામાં ઉત્તમ મગજવાળા મનુષ્યો નિપજતા નથી આવી તકરારો વખતોવખત આપણા સાંભળવામાં આવે છે. તેનું કારણ ઘણે અંશે ભૂલભરેલી શિક્ષણપદ્ધતિ જ છે. પ્રથમ આપણું ઘણુંખરું સઘળું શિક્ષણ પુસ્તકો દ્વારા જ ચાલે છે. સૃષ્ટિનું અવલોકન ઘણું જ થોડું છે, ઘણે ભાગે નથી જ કહીએ તો પણ ચાલે. બીજી બાબત એ છે કે બાળકોને સર્વ બાબતો શિક્ષકો પોતાની મેળે શીખવે છે કે ચોપડીમાંથી મોઢે કરાવે છે. દાખલાઓની એક ચોપડી હોય તો તેના ખુલાસાવાળી બીજી ચોપડી તૈયાર જ હોય! ઇંગ્રેજી કે ગુજરાતી વાચનમાળા કહી કે તેના શબ્દાર્થનું બીજું પુસ્તક તૈયાર જ હોય! કલાકમાં વધારે દાખલા કરાવે તે શિક્ષક હોંશિયાર. પછી છોકરાં તેમાંનો એકે દાખલો સમજે કે ન સમજે! આવી સ્થિતિ હવણાં થઇ રહી છે. શિક્ષણ સંસ્કાર બાળકોને થવાને બદલે તેમના (માથા) પર શિક્ષણના થર કરવામાં આવે છે અને આ થર તેમણે નિશાળ છોડી કે તરત જેમના (માથા) પરથી ખરી પડી છે, અને તેઓ હતાં તેવાં ને તેવાં થઇ રહે છે. કોઇને તો તે શીખ્યો જ નથી એવી ભ્રાંતિ પણ થાય છે. આવું ઉપરચોટિયું શિક્ષણ ફ્ળદ્રુપ ક્યાંથી થાય અને ઉત્તમ મગજવાળા પુરુષો ક્યાંથી નિપજે? માટે શિક્ષણપદ્ધતિમાં અને તેની સાથે જ પરીક્ષણપદ્ધતિમાં પણ મૂળમાંથી સુધારો થવો જોઇએ. ગોખણપટ્ટીનું શિક્ષણ કમી કરીને બુદ્ધિનો વધારો કરે, એવું શિક્ષણ ધીમે ધીમે વધારવું જોઇએ. બાળકોની અવલોકનશક્તિ, નિરીક્ષણસામર્થ્ય, અનુમાન યાથાર્થ્ય વગેરે માનસિક શક્તિની વૃદ્ધિ થાય એવી રીતે તેમને શિક્ષણ આપવું જોઇએ. ફ્ક્ત તેમના ગળામાં પરાણે ઘાલવું (ઉતારવું) એ શિક્ષણ કાંઇ ઉપયોગનું નથી.’ (જોડણી અસલ પ્રમાણે) આ વાંચતાં ‘શિક્ષણસુત્ર’ના લેખક જાણે સો વર્ષ પછીની સ્થિતિનું આબેહુબ ચિત્રણ કરનારા આર્ષદૃષ્ટા લાગવા માંડે છે. અલબત્ત, તેમને આર્ષદૃષ્ટા બનાવવામાં સરકારો અને શિક્ષણશાસ્ત્રીઓનો ફળો સૌથી મોટો છે.
વિદ્યાર્થીઓ શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત તેમના ઘડતરમાં માતાપિતાની ભૂમિકા વિશે પુસ્તકમાં નોંધ્યું છે,
‘છોકરાં સારાં નિવડતાં નથી તેનું કારણ માબાપ અને શિક્ષક બન્ને, એ આપણે ઘણી વખત અર્થાત્ નિરંતર ભૂલી જઇએ છીએ. છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે…પણ આ બાબતમાં માબાપનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઈ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય? પગલે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? … નિશાળમાં ભણતાં છોકરાં સદ્દગુણી થવાને શિક્ષકોનું શાળામાંનું અને ખાનગી વર્તન શુદ્ધ ન જોઇએ? સારાંશ, છોકરાં નઠારાં નીકળે છે તેનું અર્ધું કારણ – બલકે તેથી પણ વધારે કારણ – માબાપ અને શિક્ષક જ છે … પોતે તો ગમે તેમ વર્તે અને છોકરાં નઠારાં નીકળે ત્યારે નકામી બૂમો પાડે એવી હાલની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કાયમ રહેશે અને જ્યાં સુધી તેની જવાબદારી (માબાપ શિક્ષકો વગેરે) પોતાને માથે રાખશે નહિં, ત્યાં સુધી ધારવા પ્રમાણે સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે.’ કોઈ મહાન સિદ્ધાંત પર નહીં, ફ્ક્ત સામાન્ય સમજ પર આધારિત આ ભવિષ્યવાણીને આપણે સાચી પાડી બતાવી છે. છેલ્લા ઘણા વખતથી સરકારી નીતિ અને સમાજની દિશા જોતાં, ‘શિક્ષણસુત્ર’નાં લખાણ આવનારા સમયમાં પણ તાજાં લાગે એવી પૂરી આશંકા રહે છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 જૂન 2019