એક વિદ્યાર્થીને સવાલ પુછાયેલો કે માણસને કેટલી આંખ હોય છે? ને એ કેટલી હોય છે તે ગણવા જતાં તે પકડાઈ ગયેલો. આમ તો આ ટુચકો છે પણ આજના વિદ્યાર્થીઓને જોઈએ તો મોટાભાગના એટલા જ્ઞાની છે કે માણસને એક નાક હોય તેની પણ એ ગણીને ખાતરી કરે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ બધાં બે વર્ષ પહેલાં હતાં એટલાં જ ફ્રેશ છે. બે વર્ષ પહેલાં ઘણાં એકડો જાણતા ન હતા ને આજે પણ નથી જ જાણતા. બે વર્ષ ભણ્યા જ નહીં ને માસ પ્રમોશનમાં ત્રીજામાં આવી ગયા. ત્રીજામાં હોય કે પહેલામાં, શિક્ષણ ભેદભાવ કરતું નથી. ત્રીજાવાળો પણ એટલું જ જાણે છે, જેટલું પહેલાંવાળો જાણે છે. મજાની વાત એ છે કે આ જે જાણે છે, શિક્ષણ વિભાગ પણ એટલું જ જાણે છે. સદ્દભાગ્યે મંત્રીઓ બહુ ધાર્મિક આવ્યા છે. એ બધા એટલા ધાર્મિક છે કે રોજ જ ‘કમળપૂજા’ કરે છે. છાપાંઓમાં રોજ ભગવાનોનાં આખા પાનાનાં ફોટા છપાય છે તેનાં સવારમાં ભાવિક ભક્તો દર્શન કરે છે ને જેમ ટ્રેન ઉપડે ને સ્ટેશન આવે જ, તેમ ભગવાનનું નામ ઊઠતાબેસતા, ખાતાપીતા, જાગતાઊંઘતા ઓટોમેટિકલી લેવાયાં જ કરે છે. આ અખંડ સેવાપૂજામાં મંત્રીઓ પણ એટલું જ જાણે છે જેટલું પહેલાંનું બાળક જાણે છે. આને કહેવાય સમાનતા ! બાળક અને મંત્રી, સરખાં જ્ઞાની.
આમ તો શિક્ષણ વિભાગમાં ભાગ ઘણાં છે. બધાં ભાગે પડતું વહેંચી ખાય છે. કામ કોઈને હોતું નથી, પણ ફુરસદ તો કોઈને જ હોતી નથી. આ લગભગ તમામ વિભાગની ખાસિયત છે. કામ કરે છે એવું લાગવું જોઈએ એટલે સાહેબો તેમના ટેકેદારોને – ઠેકેદારોને આદેશ કરે છે કે યુનિવર્સિટી, કોલેજો, સ્કૂલો પાસેથી કામ લો. એ કામ કેવી રીતે લેવું? તો કે ફટાફટ પરિપત્રો બહાર પાડો. પાડતા જ રહો. સૂચનાઓ આપો કે આ કરો. તે કરો. આ ન કરો, તે ન કરો. વળી સાહેબોની સૂચના પણ ખરી કે પરિપત્રો કરીને બેસી ન રહો. જુઓ કે કામ થયું છે કે નહીં? બધાંના જવાબો લો. પ્રાથમિક સ્કૂલો હોય તો જુઓ કે તેને પાઠ્યપુસ્તકો સમયસર ન મળે. તો, એનું પણ બરાબર ધ્યાન રાખો કે તમને સમયસર પરિપત્રોનો જવાબ મળે જ મળે. ખુરશીમાં જાગવાની ટેવ રાખો. એનું પણ ધ્યાન રાખો કે કોઈને સમયસર જવાબ અપાઈ ન જાય. કોઇની માંગણી હોય તો તે સમયસર પૂરી ન થાય તેની કાળજી રાખો. પરિપત્રો જ શિક્ષણ વિભાગનો પ્રાણ છે. એટલા પરિપત્રો મોકલો કે સ્કૂલો જવાબ આપવામાં જ પૂરી થઈ જાય.
આ 13 તારીખે જ શિક્ષણ બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં રોજના પાંચ કલાક લેખે સપ્તાહમાં 27 કલાક ભણાવવા સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડી.ઇ.ઓ.ને પરિપત્ર કરીને સૂચવાયું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં રિસેસને બાદ કરતાં, અઠવાડિયાનું 27 કલાકનું શિક્ષણ થાય તે જોવાય. બોર્ડે આચાર્ય સંઘને પણ જાણ કરી છે. આમ તો સાધારણ રીતે સ્કૂલોમાં રોજના પાંચ કલાકનું શિક્ષણ થાય એવું વર્ષોથી બનતું આવ્યું છે, છતાં બોર્ડે પરિપત્ર બહાર પાડવો પડ્યો એના પરથી લાગે છે કે સ્કૂલોમાં શિક્ષણ પૂરતા કલાકોનું થતું નથી. ક્યાંક મરજી મુજબના કલાકો કોઈએ શિક્ષણને માટે નક્કી કર્યા હોય એમ બને. તે વગર શિક્ષણ બોર્ડ 27 કલાકનું ફરમાન છોડે નહીં. શિક્ષણ કાર્ય અધૂરું ન રહે એટલે આ પરિપત્ર થયો હોય એમ લાગે છે, પણ ધારો કે 27 કલાકનું ટાઈમટેબલ નક્કી થાય છે તો પણ શિક્ષકો કે શિક્ષણ બોર્ડ એમ કહી શકે એમ છે કે શિક્ષણ 27 કલાકનું થશે જ થશે?
સાચું તો એ છે કે વર્ગશિક્ષણ ઘટી ગયું છે. માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં ભણી લે છે, પણ પ્રાથમિકનું પાયાનું શિક્ષણ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું અપાય છે એ વિષે બે મત નથી. બે વર્ષ કોરોનાને લીધે બગડયાં, પણ તે પછી પણ, બધું મુક્ત થયું છે છતાં, શિક્ષણ પાટે ચડ્યું નથી. ઓનલાઈન શિક્ષણ કોરોના કાળમાં એક વિકલ્પ તરીકે ઠીક હતું, પણ હજી એ રીતે જ શિક્ષણ આપવાનો ઉપક્રમ ઠીક નથી. વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે આવતાં થયાં હોય તો પ્રત્યક્ષ શિક્ષણનો મહિમા વધવો જોઈએ, પણ એવું પૂરતી માત્રામાં થયું હોવાનું જણાતું નથી. યુનિટ ટેસ્ટ વીથ ઓપન બુકનું ચલણ, પ્રત્યક્ષ શિક્ષણ શક્ય ન હતું ત્યારે ઠીક હતું, પણ હજી એકમ કસોટીનો કેડો ન મુકાય તે બરાબર નથી. પ્રાથમિક શાળાઓમાં તો શિક્ષક એકમ કસોટીઓ લેવામાંથી જ ઊંચો નથી આવતો. એમાં અનધિકૃત રીતે એવો આગ્રહ પણ રખાય છે કે 25 માર્કસમાંથી 20 માર્કસ ન આવે ત્યાં સુધી કસોટી લેવાનું ચાલુ રાખવું. એથી વિદ્યાર્થીને પરીક્ષાનો મહાવરો થતો હશે, પણ તેને પ્રત્યક્ષ શિક્ષણનો મહાવરો થતો નથી તે હકીકત છે. ઘણીવાર તો એમ લાગે છે કે સતત પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે. પરીક્ષા એ જ શિક્ષણ છે જાણે ! ભણાવવાનું તો લગભગ બધેથી જ ભુલાઈ ગયું છે. તે કદાચ ટ્યૂશન કલાસો પૂરતું જ સીમિત થઈ ગયું છે. આમ તો પરિપત્રમાં 27 કલાકનો વાયદો થયો છે, પણ બહુ જ પ્રમાણિકતાથી એ તપાસવા જેવું છે કે 27 કલાકની અપેક્ષાઓ ભણાવવા માટે છે કે ઈતરપ્રવૃત્તિઓ માટે?
જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી શિક્ષકનો ઘણો સમય કસોટીઓ લેવામાં જ વીતે છે. બાકીનો સમય આચાર્યનો અને શિક્ષકોનો પરિપત્રોના જવાબો આપવામાં, આ કે તે દિવસોની, તહેવારોની ઉજવણીમાં, પ્રવેશોત્સવમાં આવેલા મહેમાનોને જોગવવામાં જાય છે. આ ઉપરાંત ચૂંટણી, વસતિ ગણતરી, રસીકરણ ને એવાં ઘણાં કામોમાં શિક્ષકોને જોતરવામાં આવે છે ને એની સીધી અસર શિક્ષણ પર પડે છે. પરિપત્રો ને બીજા એટલા ફતવાઓ સ્કૂલોને માથે મરાતા રહે છે કે સ્કૂલે પરિપત્રો વાંચવા અને તેનો જવાબ આપવા વધારાનો સ્ટાફ રાખવો પડે. આમ તો પેપરલેસ ઑફિસોની કલ્પનાઓ થઈ છે, પણ કોમ્પ્યૂટર ઓપરેટેડ ઈ મેઈલ કે મેસેજિસથી લેબરમાં બહુ ફરક પડતો નથી. કેટલાક શિક્ષકો સાહેબોથી, સરકારથી એટલો સંકોચ અનુભવે છે કે તેમની મુશ્કેલીઓ ક્યાં ય રજૂ કરી શકતા નથી. ખરેખર તો શિક્ષકોને અભિવ્યક્તિની મોકળાશ જ ઓછી છે. પણ, તેઓ ખરેખર ઈચ્છે છે કે તેમને વિદ્યાર્થીઓને ભણાવવા દેવાય. બીજા કેટલાક એવા પણ છે જેમને પેન્શન અને પે સ્કેલ માટે રેલી-રેલા કાઢવામાં વ્યસ્ત રહેવાનું ગમે છે. એમને એ અંગે જ એટલું વિચારવાનું રહે છે કે ભણાવવાનું તો યાદે ય નથી આવતું.
શિક્ષણ ખાતું કે મંત્રી ભલે શિક્ષણ બાબતે આશ્વસ્ત હોય, પણ ગુજરાતનું શિક્ષણ અનેક રીતે પુનર્વિચાર માંગે છે. શિક્ષણનો દેહ તો હાથ લાગે છે, પણ આત્મા હાથ લાગતો નથી. આત્મીયતા આઉટડેટેડ થતી જાય છે ને બધું જ એક વ્યવહાર પૂરતું, વિધિ પૂરતું, ફરજ પૂરતું થતું હોવાનું લાગે છે. ચાલે છે બધું જ ! સ્કૂલો ખૂલે છે, વિદ્યાર્થીઓ આવે છે, શિક્ષકો વર્ગો લે છે, પરીક્ષાઓ થાય છે, ટોપર્સ ફોટાઓ પડાવે છે, પણ બધું યંત્રવત છે. બધે જીવતાં રોબોટ્સ ફરતાં લાગે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સજીવ સંવાદ ખાસ જણાતો નથી અને એની કદાચ કોઈને પડી પણ નથી. દુ:ખદ કૈં હોય તો તે આ છે.
ક્યારેક તો એમ પણ લાગે છે કે શિક્ષણને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. કારણ કોઈ જ તેને ગંભીરતાથી લેતું નથી. એક સમયે અંગ્રેજોએ કારકૂનો પેદા કરવા હતા તે કર્યા. હવે આ દેશી અંગ્રેજોએ અભણ પેદા કરવા છે એટલે ભણેલા અભણ પેદા કરવાના બે પાળીમાં કારખાનાઓ ચલાવે છે ને જ્ઞાન સિવાય જે શક્ય હોય તે, શૈક્ષણિક સંસ્થાઓ, ગજવાં ખંખેરીને પૂરું પાડે છે. જેને શિક્ષણ કહેવાય તે ખરેખર શું છે તે તો પીએચ.ડી. થઈ ગયા પછી પણ ખબર નથી પડતી. એમ લાગે છે કે મોટ્ટી કચરાગાડી ગુજરાતમાં ફરે છે ને એમાં સૂકો કચરો, લીલો કચરો, હાનિકારક કચરો વગેરે કેટેગરી પ્રમાણે છૂટો પડે છે. આ બધું જે તે યુનિવર્સિટી, કોલેજો, સ્કૂલો, શિક્ષણ બોર્ડ વગેરે .. પરીક્ષાથી કે માસ પ્રમોશનથી છૂટું પાડે છે ને એ બધાં પછી પણ એ કહેવાય છે તો કચરો જ ! જોવાનું એટલું જ છે કે કયો કચરો કોને કામ લાગે છે. ક્યારેક તો કચરા પર દિવાસળી મૂકવાનુંયે મન થાય, પણ ધુમાડો પણ તો પ્રદૂષણ જ કરશેને ! એટલે કચરાગાડી બદલાય તો જ કૈં ફેર પડે, પણ,‘એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી?’
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 સપ્ટેમ્બર 2022