Opinion Magazine
Number of visits: 9449661
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિકારી ગાંધી

ભદ્રા સવાઈ|Gandhiana|17 October 2020

વિનોબાજીએ બ્રહ્મ વિદ્યામંદિરની બહેનો સાથે વાત કરતા કહ્યું હતું કે “જો તમારામાં ચિત્તશુદ્ધિની તીવ્ર પ્રેરણા અને સામાજિક ક્રાંતિની તમન્ના એ બે ગુણ હોય તો જ્યાં જ્યાં તમારો સંપર્ક હોય ત્યાં મનુષ્ય ખેંચાઈને આવશે. એક માણસ માછલી પકડવા માટે જાળ ફેલાવી રહ્યો હતો. જિસસ ક્રાઇસ્ટે એને કહ્યું ….  ‘કમ એન્ડ ફોલો મી. આઈ વિલ મેક યુ ફિશર ઓફ મેન …’ મારી પાછળ પાછળ આવ. હું તને માછલી પકડવાને બદલે મનુષ્યને પકડવાનો ઉદ્યોગ શીખવી દઈશ. બાઇબલમાં કહ્યું છે કે એણે જાળ ફેંકી દીધી. અને તરત ક્રાઇસ્ટની પાછળ ચાલી નીકળ્યો. આ ક્રાઇસ્ટની પર્સનાલિટી હતી. તમારામાં એવું આકર્ષણ હોય તો કહો કે ‘આવો’, અને લોકો આવી શકે છે.”

આવી શક્તિ ગાંધીમાં હતી. કેવા કેવા માણસોને ગાંધીએ ખેંચ્યા ! જ્યાં પહોંચ્યા, જ્યાં સત્યાગ્રહો કર્યા ત્યાં ગાંધીએ પર્સનલ લવ અને ઇમપર્સનલ લવ બંને, માણસોના સંબંધોમાં ભરપૂર રેડ્યો છે. પર્સનલ લવ ઉષ્મા આપે અને ઇમપર્સનલ લવ પ્રકાશ આપે. કૅલેનબેક, પોલાક, ઍન્ડ્રુઝ, સરદાર, નહેરુ, મહાદેવભાઈ, વિનોબા, જમનાલાલજી તથા ગાંધીજીના અક્ષરદેહના 100 ખંડોમાં ફેલાયેલા પત્રોમાં તથા મહાદેવભાઈની ડાયરીમાં વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં આ જોવા મળે છે.

મહાદેવભાઈની ડાયરીમાં તેઓ નોંધે છે કે, ‘કાલે પંડ્યાજી સાથે વાત કરતાં વહાલમાં બાપુને ‘શિકારી’ નામ આપ્યું. એવા અર્થમાં કે હરહંમેશ કોઈ ને કોઈ શિકાર પોતાના હૃદયમાં અહર્નિશ રહેલા રાષ્ટ્રીય કાર્ય માટે તેઓ પકડે જ જાય છે. પહેલે દિવસે મારા અક્ષર સુંદર છે, બહુ ઝડપી લખનારો છે એમ કહીને, મારા ગુણો આગળ દોષો ભૂલી જઈશું એમ કહીને, તો એક દિવસ દુર્ગાને વિશે પિતૃપદ ગ્રહણ કરીને, અને તેને એક સુંદર પત્રથી કૃતજ્ઞતામાં દાબીને, એક દિવસ બેંકર અને અનસૂયા-બહેનની જોડે મધુરું મધુરું બોલીને, અને તેમને જમવાનો નિત્ય આગ્રહ કરીને, તો બીજે દિવસે વલ્લભભાઈને નિત્ય સવારે પણ જમવા આવવાનો આગ્રહ કરીને, 12 વર્ષથી ઘરભંગ થયા છતાં તેમના ન પરણવા પ્રતિ બહુ સંતોષ દર્શાવીને, પોતાની કેટલીક છાની બાબતો પણ કહીને ચેલા મૂંડવાનો જે પ્રયત્ન જારી છે, એ બધી એમની લીલા વર્ણવતા કોઈ પણ માણસ થાકે, નેતિ નેતિ કહી વિરમે.

આમ વ્યક્તિઓની કાર્યકુશળતા ઓળખી જઈને તેમને પોતાની સાથે કઈ રીતે જોડવા; કયા પ્રકારનાં કાર્ય પ્રેમથી અહં શૂન્ય બનીને, તેમને આવકારીને કરાવવાં. વળી કહેવાની જરૂર પડે તો કહી પણ દેતા. ઠપકો પણ આપતા જોવા મળે છે. જેમ કે અંબાલાલ સારાભાઈને થોડીક વાત કરીને પછી જમવાનું આમંત્રણ પણ આપે છે.

સુજ્ઞ ભાઈશ્રી,

આજે સવારના પહોરમાં ઊઠતાં હું વિચારમાં પડ્યો કે આપણે શું કરીએ છીએ ? ….. આપ સફળ થાઓ તો દબાયેલા ગરીબો વધારે દબાય. તેઓની નામરદાઈ વધે અને પૈસો બધાને વશ કરી શકે છે, એવો ભ્રમ દૃઢ થાય. જો આપની પ્રવૃત્તિ છતાં મજૂરોને વધારો મળે તો આપ અને બીજાઓ આપને નિષ્ફળ થયેલા સમજશો. આપની પહેલી સફળતા ઇચ્છી શકાય ? પૈસાનો મદ વધે એમ આપ ઇચ્છો? મજૂરો તદ્દન નિર્માલ્ય થાય એવું આપ ઇચ્છો? મજૂરોનો આપ એવો દ્વેષ કરો, કે તેઓને હક મળે અથવા તે કરતાં પણ બે કાવડિયા વધારે મળે તો તેવી સ્થિતિને આપ સાફલ્ય ન માનો ? આપ નથી જોતાં કે આપની નિષ્ફળતામાં આપની સફળતા છે ? ને આપની સફળતા આપને સારુ ભયંકર છે ? રાવણ સફળ થયો હોત તો ? આપ નથી જોતા, આપના સાફલ્યમાં આખા સંસારને આઘાત પહોંચે એમ છે ? આ પ્રવૃત્તિ દુરાગ્રહ છે. મજૂરો આગળ વધવા તૈયાર ન હતા એટલું જ સિદ્ધ થશે. આવી પ્રવૃત્તિમાં સત્યાગ્રહ છે. આપ ઊંડું વિચારો. આપના હૃદયમાં થતા ઝીણા નાદને સાંભળો ….

આપ અહીં જમશો ?

નગીનદાસ પારેખ લખે છે કે, ‘ગાંધીજીને પોતાને જે સારું લાગે તે પ્રમાણે પોતે પ્રથમ વર્તે છે. અને તે માર્ગે બીજાને ચડાવવા તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. એમના આરોગ્ય, આહાર, સ્વદેશી વગેરેને લગતા બધા જ પ્રયોગોમાં આ વસ્તુ જોવા મળે છે. તેઓ જબરા પ્રચારક અને સંગઠક હતા. અને તે બંને શક્તિ એમણે પોતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવામાં જીવનભર વાપરી હતી.

આપણે જાણીએ છીએ કે ગાંધીજી અને અનસૂયાબહેન મજૂરોના પક્ષે જ હતાં. આ જ સંદર્ભમાં અંબાલાલ સારાભાઈને પોતાની બહેન પ્રત્યેની કૂણી લાગણીને સંકોરીને કઈ રીતે તેમની સંવેદના જાગ્રત કરે છે તે જણાવવાનો લોભ હું રોકી શકતી નથી.

સુજ્ઞ ભાઈ અંબાલાલજી,

…. શ્રીમતી અનસૂયાબહેનને ખાતર પણ તાણાવાણાઓને સંતોષવા જોઈએ એમ મને લાગે છે …. માલિકો, મજૂરોને બે પૈસા આપીને કેમ રાજી ન થાય ? એમના જીવનમાં પ્રવેશ કરો અને પ્રેમરૂપી હીરની દોરીથી તેઓને બાંધો …. બહેનની આંતરડી ભાઈ કેમ દૂભવે ? …. હું એક જ કાગળમાં વેપારમાં અને કૌટુંબિક વ્યવહારમાં વચ્ચે આવ્યો છું.

આવા હતા ગાંધી …..

ગાંધીજી જેમ પોતાના ઝીણામાં ઝીણા કાર્યનું પૃથક્કરણ કરતા તેમ પાસેની વ્યક્તિના કાર્યને પણ સૂક્ષ્મતાથી તપાસતા અને તેથી તેના વ્યક્તિત્વની સ્પષ્ટ અને ઊંડી છાપ એમના ચિત્ત પર છપાતી જતી. ઍડવર્ડ ટૉમ્સને નોંધેલું કે બીજા માણસો કેટલા પાણીમાં છે તે કળી જવાની, અને તેમના ગુણદોષ સમજવાની, ગાંધીજીની શક્તિ અદ્ભુત છે.

આ સંદર્ભમાં સરોજિનીદેવી વિશેની લોકોની સમજ અને ગાંધીજીનું તેમના વિષેનું મૂલ્યાંકન સમજવા જેવું છે.

….. એ બાઈમાં મેં એટલું બધું બળ અને તેજ જોયું છે કે એના ચારિત્ર્ય વિશે તો કોઈ શંકા લાવી શકે જ નહીં. એ બાઈમાં કેટલીક ખોડ છે. ભાષણો કરવાની, ધમાલ કરવાની – પણ એ એનું જાહેર જીવન, તેનો ખોરાક છે …. જાહેર જીવનનો જોશ એનાથી એને ચડે છે. એ મોજીલી છે. છપ્પનભોગ ખાવાનું મન થાય, કરોડાધિપતિની દીકરી નથી પણ કરોડાધિપતિની દીકરીના જેવો એશઆરામ એણે ભોગવ્યો છે …. એ બાઈ હિંદુસ્તાન માટે જીવી રહી છે, પોતાની બોલવાની અને લખવાની અદ્ભુત શક્તિ હિંદુસ્તાન માટે જ ખર્ચી રહી છે …. પણ એનો તો સ્વભાવ જ છે કે જે વરના માફામાં બેસીને જતી હોય તે વરનાં ગીતો ગાય. આટલું બાદ કરીએ તો હિંદુસ્તાનને માટે જ જીવી રહેલી બીજી બાઈ કોણ છે ?

આમ હિંદુસ્તાન માટે મરી ફીટનારા લોકોની જમાત ભેગી કરવાનું કામ ગાંધીએ કર્યું. ક્યારે ય કોઈમાં દોષ હોય તો તે માટે આંખ આડા કાન પણ કર્યા.

ગાંધીજીએ જે વિચારો રજૂ કર્યા તે બધાનો અમલ અને પ્રચાર કરવા ઠેર ઠેર સંસ્થાઓ એમણે ઊભી કરી હતી. દારૂનિષેધ, ગ્રામોદ્યોગ, ચરખાસંઘ, નઈ તાલીમ આ બધામાં યોગ્ય માણસો તો જોઈએ જ. તેઓ દરેક માણસ પાસે પોતાની રીતે કામ કરાવી શકતા. એમની નજર માણસ – પારખુ હતી. મહાદેવભાઈએ એક વાર ગાંધીજીને કહ્યું કે, તમે કોઈને પણ જુઓ એટલે તેનો શો ઉપયોગ કરવો એ જ વિચાર તમને આવે છે. જેમ ગાંધીજી કહેતા કે કોઈ પણ વસ્તુ જોઉં તો તે ત્યાજ્ય છે કે ગ્રાહ્ય છે એ હું જોઈ લઉં પછી ગ્રહણ કરું. તેમ માણસોની પરખ બાબતમાં પણ હતું. આજે દેશમાં મોટી ખામી આ જ જણાય છે. જ્યાં યોગ્ય વ્યક્તિઓ જોઈએ ત્યાં તે નથી, એટલે નિર્ણયો પણ તે રીતના થાય છે.

મહાદેવભાઈને પહેલે જ દિવસે પારખી લીધેલા એટલે એમના પિતાજીને પત્ર લખે છે :

સુજ્ઞ ભાઈશ્રી,

….. ભાઈ મહાદેવને સોંપવામાં આપે ભૂલ નથી કરી …. પૈસો જ હંમેશાં બધું સુખ નથી આપતો. ભાઈ મહાદેવને પૈસો સુખ આપે તેવી તેની પ્રકૃતિ નથી …. તેના જેવા ચરિત્રવાન, વિદ્વાન અને પ્રેમીસહાયકની જ હું શોધ કરતો હતો.

કાઠિયાવાડની રેંટિયા પ્રચારક પરિષદમાં સલાહ આપતાં મુત્સદ્દીઓ અને લેખકોને કહ્યું કે, “તમે કલમને કેદમાં રાખજો અને આત્માનો વિકાસ કરજો.” લોભ તમે શબ્દનો કરજો, આત્મોન્નતિનો નહીં. ખુશામત પણ ન કરજો. ક્રોધ પણ ન કરજો … નબળો માણસ ખુશામત કરે અથવા પોતાની નબળાઈ ઢાંકવા માટે ક્રોધ કરે …. જોર કર્મમાં રહેલું છે. અને કર્મ એટલે ધર્મ પાલન. જગતનું હૃદયસામ્રાજ્ય ભોગવનારાએ સંયમાગ્નિમાં પોતાની ઇન્દ્રિયોને ભસ્મ કરેલી હોય છે.

ઉપરના શબ્દો સાંભળીને પ્રભાશંકર પટ્ટણી કે જેમના હાથે ગાંધીજીને માનપત્ર આપવાનું હતું તેઓ બોલ્યા કે, “ગાંધીજી મુગટધારી રાજા નથી, પણ આખા સામ્રાજ્યની પ્રજાને એમનો શબ્દ માનવો પડે એવા અધિકાર-વાળી વ્યક્તિ છે. એમને પણ સંયમ વાપરવો પડે છે.”

વળી, પ્રભાશંકર પટ્ટણીએ ગાંધીજીની વાતને આત્મીય રીતે સ્વીકારીને કૌરવ પાંડવોની વાત કરી. “કૃષ્ણ ભગવાન મહા રમતિયાળ, કૌરવોની સાથે સંધિની વાત કરવા જવાના હતા. સૌને પૂછવા લાગ્યા, સંધિ કરવા જાઉં પણ મારું કોઈ સાંભળે તો ને ? ભીમને એ સવાલ પૂછ્યો. તેણે જવાબ આપ્યો કે જો કે સંધિ નહીં કરો તો માથા ભાંગી નાખીશ. અર્જુને કહ્યું, સંધિ નહીં કરો તો ગાંડીવનો ચમત્કાર જોઈ લેજો એમ કહેજો. દ્રૌપદીને પૂછ્યું એટલે એ કહે કે કૌરવોને યાદ અપાવજો કે, નહીં માનો તો સતીના શ્રાપે બળીને ભસ્મ થશો. પણ યુધિષ્ઠિરે શું કહ્યું ? એના મુખમાંથી તો એક જ ઉદ્ગાર નીકળ્યો, તમને ગમે તે કહેજો કૃષ્ણ ! તમને ગમે તે કહેજો. એવી વાત છે. તેમ જ હું પણ કહું છું કે મહાત્માજીને જે રુચે તે કરે.”

આ પટ્ટણીસાહેબ પોતાના અંતરના આનંદ માટે રેંટિયો કાંતતા થઈ ગયા હતા. આ જુઓ ગાંધીજીનું શિકારીપણું. મહાદેવભાઈ રમૂજમાં લખે છે કે, “કાઠિયાવાડી પરિષદ માટે શંકરલાલ, ભરુચા અને વલ્લભભાઈ રૂ ભીખવા ગયા. એમને લગભગ પંચોતેર મણ રૂ બક્ષિશ મળ્યું. ગુજરાતમાં ગાંધીજીને બોલાવવા ઇચ્છતાં ગામડાં હવે ચેતે. રૂની ભિક્ષામાંથી તેઓ રૂ પેદા કરનારા એકેય ગામડાને છોડે એમ નથી. એમના પ્રતિનિધિઓ પણ રૂની ભિક્ષા માંગશે.”

શામળદાસ કૉલેજમાં ગાંધીજીને વિદ્યાર્થીઓના ધર્મ પર બોલવાનું હતું. ત્યાં પહોંચતાં મોડું થાય તેમ હતું. એટલે વલ્લભભાઈને મોકલ્યા. તેમણે વિદ્યાર્થીઓને જે કહ્યું એમાં તેઓ કઈ રીતે ગાંધી રંગમાં રંગાયા તેની વાત છે.

“1917ની સાલમાં જાહેર જીવનમાં દાખલ થયો ત્યારે મારી વિદ્યાર્થી દશા શરૂ થઈ. મહાત્માએ આવી જાહેર જીવન શરૂ કર્યું ત્યારે લાગ્યું કે એમાંથી અલગ રહેવું એ અધર્મ છે. એમના સહવાસમાં આવ્યો ત્યારે જ ખબર પડી કે જેનામાં સેવા કરવાની ભાવના હોય તેણે આ પુરુષને સેવા આપવી. હું ઠોઠ નિશાળિયો હતો. ગુજરાતી પણ પૂરું બોલતાં નહોતું આવડતું. જૂના દિવસો યાદ આવે છે ત્યારે મારા પહેરવેશનો વિચાર કરું છું ને શરમાઉં છું. ભાષામાં, પહેરવેશમાં અને જીવનની બધી બાબતોમાં પરદેશીની નકલ કરવામાં જિંદગીનું સાર્થક્ય છે એમ હું માનતો. પણ એમની સાથે સહવાસમાં આવીને જોયું કે આ તો મૂર્ખાઈનું લક્ષણ છે અને ભણેલું બધું ભૂલવાની જરૂર છે …. જિંદગીની અંદર કમાણી કરવાનું સાધન કૉલેજનો અભ્યાસ થઈ પડ્યો છે. પરંતુ જ્ઞાન મેળવવાની આ કનિષ્ઠમાં કનિષ્ઠ બાજુ છે. નિબંધો લખવાની શક્તિ વધી છે. પણ સાથે સાથે ચારિત્ર્યશક્તિ ચાલી ગઈ છે. શરમ છોડીને તમને કહેનારો અને પોતાનો અનુભવ તમને સોંપી દેનારો ભાગ્યે જ બીજો કોઈ મળશે. જ્યાં સુધી તમારી અને તમારી આજુબાજુની પ્રજા વચ્ચે અંતર છે ત્યાં સુધી તમારું ભણતર નકામું છે."

આ સરદારની ભાષા છે. જ્યાં જેવું લાગ્યું તેને સહજ રીતે રજૂ કરનાર એ માણસ હતા. અને ગાંધીએ વલ્લભભાઈમાં રહેલા સરદારને પારખી લીધા હતા.

ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ અને માણસો સાથે કામ લેવાની આવડત. વળી જેને કામ સોંપાય એને બીજે કામ કરવા મોકલે ત્યારે તેનું કેવી રીતે માનસ ઘડે છે તે પણ જાણવું જરૂરી છે. જ્યારે સ્વામી આનંદને મહમદઅલીના છાપામાં મદદ કરવા મોકલે છે તે પત્ર જુઓ :

ભાઈ આનંદાનંદ,

તમે દિલ્હી જાઓ છો તે રામચંદ્રની વતી અંગદ થઈને નહીં, યુધિષ્ઠિરના વતી કૃષ્ણ થઈને પણ નહીં, તમે તો નિષાદ રાજાની વતી કંઈ સેવા થાય તે કરવાને, તેને પગ ધોવાની રજા મળે એવી સગવડ કરવા જાઓ છો. અથવા સુદામાનો કોઈ દાસ ક્યાં ય ચાલ્યો જાય ને જેમ સુદામાને શોભાવે તેમ તમે શોભાવવા જાઓ છો. તમે ન્યાય લેવા નથી જતા. પણ દેવા જાઓ છો. જડભરતને જે વિત્યું તે શાંતિથી વહોર્યું. તમે રુદ્ર થઈને નથી જવાના પણ વિષ્ણુ થઈને. મૌલાનાએ શું કરવું ઘટે છે એ સવાલ નથી. પણ મારે એટલે તમારે શું કરવું ઘટે છે એ સવાલ છે, જેટલું તત્ત્વજ્ઞાન મેં ‘નવજીવન’માં ડહોળ્યું છે તે બધાનો અક્ષરશ: ઉપયોગ અને અમલ અહીં કરવાનો નિશ્ચય છે. તેમાં મને મનથી, કાયાથી અને વચનથી મદદ કરજો. એ જ તમને અને મને શોભે એમ માની અમલ કરજો.

ફક્ત સ્વામી આનંદને સલાહ આપીને ગાંધી સંતોષ માનતા નથી. મહમદઅલીને પણ તે જ રીતે સમજાવે છે.

વહાલા ભાઈ,

….. હવે સ્વામીનો છૂટથી ઉપયોગ કરજો. મારા નજીકના સાથી પૈકીના તેઓ એક છે …. જે માણસને માણસોની પરખ નથી તે માણસ દુનિયામાં નકામો છે. ભલે તેનું હૃદય સોનાનું હોય અને તેના હેતુઓ શુભમાં શુભ હોય. તેણે માણસો સાથે કામ પાડવાનું બંધ કરી દેવું જોઈએ … મારા તદ્દન નજીકના સાથીઓ જે કસોટીમાંથી પસાર થાય તે ઉપરથી મારી કિંમત આંકવી જોઈએ. તમે, સ્વામી, મહાદેવ, હયાત મોહાઝમ, દેવદાસ, કૃષ્ણદાસ, શ્વેબ એ બધાને હું આમાં ગણું છું. હું તમારી સાથે સરસ ચલાવી શકું એટલું પૂરતું નથી …. આ બધાયે પણ ચલાવી શકવું જોઈએ  …. મારે માટે તો આવા અંગત સંબંધો સારી રીતે ચાલે તે હજાર જાહેર કરારો કરતાં સ્વરાજ અને એકતા (હિંદુ-મુસલમાન) માટે વધારે મહત્ત્વની વસ્તુ છે.

ડૉ. પ્રાણજીવન મહેતા કે જેઓ ગાંધીજીના ભામાશા હતા. ગૂજરાત વિદ્યાપીઠનું વિશાળ છાત્રાલય કે જેમાં પદવીદાન સમારંભ થાય છે એ એમની ભેટ છે. ગાંધીજી ઘનશ્યામદાસ બિરલા, જમનાલાલજીની જેમ ડૉ. મહેતા પાસે પણ પૈસાની માંગણી નિ:સંકોચ રીતે કરતા હતા. જે નીચેના પત્ર પરથી જાણી શકાશે.

ભાઈશ્રી પ્રાણજીવન,

…. મને અહીં જે પૈસા મળી શકે છે તે ઉપર કામ ચલાવું છું. યાચના કરવા નથી નીકળતો. હાલ પૈસાની મને પૂરેપૂરી જરૂર છે. બાંધકામ ચાલી રહ્યું છે તેમાં રૂ. 40,000 ખર્ચી ચૂક્યો. બીજા રૂપિયા 60,000 જરૂર ખર્ચાશે. ઓછામાં ઓછા દોઢસો માણસનો સમાસ કરવો રહ્યો. અને વીસ સાળ ગોઠવવી છે …. લગભગ ત્રણસો બાઈ રેંટિયા ચલાવતી થઈ ગઈ છે …. તમારી પાસેથી હમણાં જ હું મોટી રકમની માંગણી કરું છું ને હંમેશને સારુ એમ ઇચ્છું છું કે મને બીજેથી મળતાં જે ત્રુટિ આવે તે તમે પૂરી પાડો …. મારી પ્રવૃત્તિ પસંદ ન હોય તો મારાથી ન જ મંગાય. પણ તમે આ બરોબર માનતા હોવ તો મદદ આપવામાં સંકોચ ન કરવો.

આવી માંગણી મિત્ર નકારી શકે નહીં. ડૉ. મહેતાએ ગાંધીજીને ખૂબ આર્થિક મદદ કરી છે. મિ. ઝીણાને હિંદુસ્તાની કે ગુજરાતી ભાષા શીખવવા માટે મિસિસ ઝીણાને પ્રેમભર્યો પત્ર લખે છે. જુઓ આ ગાંધીજીની વાણિયાગીરી …. શિકારીગીરી !

“મિ. ઝીણાને કહેશો કે તેમને હું યાદ કરું છું. તેમને હિંદુસ્તાની અથવા ગુજરાતી શીખી લેવા તમારે સમજાવી-પટાવીને તૈયાર કરવા જોઈએ. તમારી જગ્યાએ હું હોઉં તો હું તો તેમની સાથે હિંદુસ્તાની અથવા ગુજરાતીમાં જ બોલવાનું શરૂ કરી દઉં. તેમ કરવામાં તમારું અંગ્રેજી તમે ભૂલી જાઓ અથવા એકબીજાની વાત તમે સમજી ન શકો, એવો કશો ભય નથી. કે પછી છે ? ત્યારે શરૂ કરશો ને ? મારા પ્રત્યે પ્રેમ રાખો છો તે ખાતર પણ શરૂ કરવાનું હું તમને કહું છું.”

આ શિકારીને પોતાની જિંદગીની કમાણી અને મહેલ ત્યજી દઈને ફકીર બનેલા કેટલા ય સાથીઓ મળે છે. જેમ કે માસિક અર્ધલાખની આવક વાળી વકીલાત છોડનાર ચિતરંજનદાસ. પોતાની નવાબી અને જાહોજલાલી છોડનાર સરસમાં સરસ બેરિસ્ટર મઝહરુલ હક મોટી આલીશાન સિકંદર મંજિલ છોડીને ગંગા કિનારે સદાકત આશ્રમ સ્થાપીને રહ્યા. તે જ પ્રમાણે રાજેન્દ્ર પ્રસાદ, બ્રિજકિશોર પ્રસાદ, ધરણીધર પ્રસાદ જેવા બિહારના ઉચ્ચ નેતાઓ પણ ભળ્યા.

મહાદેવભાઈના શબ્દોમાં કહીએ તો ગાંધીજી પ્રશંસાલાયક પાત્રો ઉપર પોતાનો બધો પ્રેમ ઠાલવતા. પછી પાત્રમાં પોતાનામાં તેટલા પ્રેમની પાત્રતા હોય કે ન હોય તેની ચિંતા નહીં. પ્રેમીઓ, પ્રેમનું પાત્ર તુચ્છ હોય છતાં, તેમને મહાન બનાવી શકે છે. ગાંધીજીએ આ કર્યું. આપણે એ જોયું છે. એવા શિકારી મહામાનવને આપણા વંદન.

(સંદર્ભ – ‘મૈત્રી’, ‘મહાદેવભાઈની ડાયરી’ અને ‘ગાંધીકથા’ પુસ્તકને આધારે)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 01 ઑક્ટોબર 2020; પૃ. 07-09

Loading

17 October 2020 admin
← સેક્સવર્કરની સંગાથેઃ − 4
એકતાનો આવો વિરાટ પ્રયોગ ગાંધીજી પહેલાં કોઈએ નહોતો કર્યો →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved