શેરસટ્ટામાં ૧૮૬૫માં પડેલા ફટકાની પીડાને કવિએ આઠ ગરબીઓમાં વાચા આપી છે
તાજેતરમાં શેરબજાર કકડભૂસ થયું. તેમાં રોકાણકારો દુ:ખી થયા જ હોય. એવી હાલત દોઢસો વર્ષ પહેલાં કવીશ્વર દલપતરામ(૧૮૨૦-૧૮૯૮)ની થઈ હતી. સર્જકે શેરસટ્ટાના તેમનાં દર્શનને ગરબીઓમાં વ્યક્ત કર્યું હતું. આ આઠ ગરબીઓને દલપતરામે ‘શેરના સપનાંની ગરબીઓ’ તરીકે ઓળખાવી છે. તેમાં સમકાલીન વિષયમાંથી રંજક સાહિત્ય ઊભું કરવાના દલપતરામની કલાનો વધુ એક વાર પરિચય મળે છે. વળી દેશકાળની રગની દલપતરામને કેવી પરખ હતી તેનો પણ આ એક દાખલો છે.
વાત એમ હતી કે ૧૮૬૧માં અમેરિકામાં ગુલામીના દૂષણની નાબુદીના મુદ્દે આંતરવિગ્રહ શરૂ થયો, તેને કારણે ત્યાંથી મળતો કપાસ બંધ થયો. એટલે શાસક દેશ બ્રિટનના મિલમાલિકો હિન્દુસ્તાનથી મોટે પાયે કપાસ મગાવવા લાગ્યા. પરિણામે ભારતમાં કપાસના ભાવ અસાધારણ ઊંચા ગયા, નિકાસમાં પુષ્કળ વધારો થયો. શેરબજારમાં અભૂતપૂર્વ તેજી આવી. નિકાસકારોની અને શેરબજારના સટોડિયાઓની જરૂરિયાતને પહોંચી વળવા અનેક નવી બૅન્કો રાતોરાત ફૂટી નીકળી. પણ પછી ૧૮૬૫માં અમેરિકન આંતરવિગ્રહનો અણધાર્યો અંત આવ્યો. કપાસની નિકાસ અટકી ગઈ, કપાસના ભાવ બેસી ગયા. શેરબજાર તળિયે ગયું. કેટલી ય બૅન્કો રાતોરાત ફડચામાં ગઈ. દેશમાં, અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં આર્થિક મંદી ફરી વળી. દલપતરામ શેરમૅનિયાનો ભોગ બન્યા. તેમાંથી તેઓ ઉગરી ગયા તે એમના પરમ મિત્ર અને ગુજરાત માટે ‘અર્વાચીનતાના સૂરજના છડીદાર’ એવા અંગ્રેજ અમલદાર ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ (૧૮૨૧-૧૮૬૫)ને કારણે.
ફાર્બસ તેમની બદલી થતાં નવેમ્બર ૧૮૬૧માં અમદાવાદથી મુંબઈ ગયા હતા, પણ સાથે દલપતરામને લઈ ગયા ન હતા. તેમણે કવિને અમદાવાદમાં રહીને અગ્રણી સાંસ્કૃિતક સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (અત્યારની ગુજરાત વિદ્યાસભા) માટે કામ કરવા તેમને સમજાવ્યા હતા. થોડો વખત દલપતરામે કામ કર્યું પણ ખરું. પણ પછી આ ઠાવકા ગુણિયલ ગુજરાતીને શેરબજારની તેજીમાં રાતોરાત તવંગર થવાની લાલચ જાગી. તેઓ એક વખત ફાર્બસને મુંબઈમાં મળ્યા ત્યારે શાણા સૂબા ફાર્બસે તેમને ચેતવ્યા પણ હતા. પણ એમની અને અનેક હિતેચ્છુઓની સલાહ અવગણીને દલપતરામે સોસાયટીની નોકરી છોડી દીધી અને શેરબજારમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં અગિયારસો રૂપિયા કમાયા એટલે અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. પણ પછી થોડા વખતમાં શેરબજાર ભાંગ્યું ત્યારે દલપતરામે પોતાની બધી મૂડી ગુમાવી દીધી. બૅન્કમાંથી લીધેલા હપ્તા ચૂકવી ન શક્યા એટલે તેમના ઘર પર ટાંચ આવી. સાડા ત્રણ હજાર રૂપિયાની તો તાતી જરૂર હતી. આવકનું બીજું કોઈ સાધન હતું નહીં એટલે કવિ મુંબઈ જઈને માંદગીને બિછાને પડેલા ફાર્બસને મળ્યા. ફાર્બસે પોતે તો હજાર રૂપિયા આપ્યા, સાથે મુંબઈના શ્રેષ્ઠીઓ પાસેથી પણ કેવી રીતે મદદ અપાવી તેની વિગતો ઓગણીસમી સદીના વરિષ્ઠ અભ્યાસી દીપક મહેતાના ફાર્બસ પરના મૉનોગ્રાફમાંથી મળે છે. તેમાં એક વિગત એવી છે કે પાંચસો રૂપિયાની રકમ અંગ્રેજી રાજ્યના અધિકારી ઠક્કર હંસરાજ કરમશી પાસેથી આગોતરી એ શરતે મળી કે દલપતરામ સો કવિતા લખીને તેમને અર્પણ કરે. તેને પરિણામે દલપતરામે ‘હંસકાવ્યશતક’ નામનો કાવ્યગ્રંથ ‘બુદ્ધિપ્રકાશ’માં ૧૮૬૯ના માર્ચથી ડિસેમ્બરમાં હપ્તાવાર લખ્યો. દલપતને મદદ કર્યા પછી થોડા વખતમાં જ તેરમી ઑગસ્ટે ફાર્બસ અવસાન પામ્યા. દલપતરામે ‘ફાર્બસવિરહ’ સર્જીને સુંદર અંજલિ આપી, અને બીજી બાજુ શેરની ગરબીઓ રચી (જો કે સમકાલી નર્મદે શેરસટ્ટા તરફ તિરસ્કાર બતાવતી કૃતિઓ રચી). નિરંજન ભગત ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’માં લખે છે ‘… આ અનુભવમાંથી પશ્ચાત્તાપરૂપે ‘શેરસટ્ટાની ગરબીઓ’ રચી. ગુજરાતમાં આ શેરસટ્ટાની કરુણકથા અતિપ્રસિદ્ધ છે.’ ચિમનલાલ ત્રિવેદી સંપાદિત ‘દલપત ગ્રંથાવલી-૧’માં એવી પણ પાદટીપ મળે છે કે ‘ ઈ.સ. ૧૮૬૫માં શેઠ બહેરામજી ફરદુનજી કંપનીએ રૂ ૫૦ના ઇનામની જાહેરખબર છાપી હતી, તેથી આ ગરબીઓ રચીને ઇનામ લીધું હતું.’
પહેલી ગરબીમાં કવિ એકંદરે શું બન્યું તેનું ચિત્ર આપે છે. તે ‘ઓ અરદેશર તારો રે ડંકો રે સુરત શહેરમાં’ એ રાગમાં છે.‘અમેરિકામાં જુદ્ધ જાગ્યો’ એટલે આપણે ત્યાં તેજી આવી. ‘લોકો દોડે શેરો લેવા, જન સૌ બનિયા ગાંડા જેવા’, ‘રોકડ ખરચી શેરો લીધા’. પણ ‘કોઈ પૂછે નહીં ધણી [કંપનીના માલિકો] છે કેવા’. ત્યાર પછીની ગરબીમાં શેરરોકાણથી લોકોમાં આવેલી સમૃદ્ધિનું વર્ણન છે. કમાઈ ગયેલાએ ઘરે સોની બેસાડ્યા, બાગબગીચાવાળા બંગલા કર્યા, બારણે બગી અને સિપાઈ રાખ્યાં. બાસુદિ અને મિઠાઈની ઉજાણીઓ માણવા લાગ્યા. ‘ગર્વ વડાઈનો’ અને ‘મદ મૂરખાઈનો’ ચઢ્યો, ‘આચાર કસાઈનો’, ‘લાહાવો લુચ્ચાઈનો’ થયો. ‘પુણ્યને મારગે એક પણ પૈસો’ ન થયો. ‘કાનુડે કામણ કીધેલાં ઓ બહેની’ ના રાગમાં આવતી આ ગરબીને અનુસરતી ત્રીજી રચનામાં દલપત શેરબજારની ઘેલછાની વાત આગળ ચલાવે છે. ‘નોકરીઆતે નોકરી છોડવા’ સરકારમાં અરજી કરી, અને ‘મહેતાજીઓએ મેલી નિશાળો’. ‘ધમધોકારથી શેરનો ધંધો ઉછળ્યો વરણ અઢારમાં’,‘મોચી ઘાંચી ને માળી હાળીમાં સાળવી સૈ સુતારમાં’. વળી આ બધાને ‘બૅંકવાળા શેર સાટે બહુ ધન, આપવા લાગ્યા ઉધારમાં રે’. ચોથી ગરબી ‘કઠણ થયા રે માધવ મથુરા જઈ’ રાગમાં છે. તેમાં શેર ખરીદવા માટે લોકો પાસે પૈસો ક્યાંથી આવ્યો તેની વાત છે. બાપની દોલત, કરજ, દસ્તાવેજ, ધણિયાણીના ઘરેણાં જ નહીં પણ વસ્ત્ર અને વાસણ, પ્રોમિસરી નોટો વગેરે થકી પૈસો ઊભો કર્યો. પૈસો બહુ ફરતો થયો – નાણું તો જેમ નીર ભરેલો, વહી જતો હોય વેળો રે’. લોકો દોડ્યા ‘ગળપણની જાણી કણિકની ગોળી, મછ ગળે જેમ મરવા રે’. આ પછીની ગરબીઓમાં દલપત શેરબજાર તૂટતાં આવેલાં ભયંકર પરિણામોનું ચોટદાર બયાન આપે છે. તેમાં ‘મા પાવા તે ગઢથી ઉતર્યાં, મા કાળી રે …’, ‘ઓધવજી રે સંદેશડો, કેહેજો મથુરા મોઝાર’ અને ‘અચકો મચકો કારેલી’ ના રાગ છે. દલપત લખે છે કે બધે સંહાર થયો, કાળો કેર થયો, ડાટ વળી ગયો. લોક લાચાર થયા, ગભરાટ ને ઉચાટ થયો. ‘ફિણના પરપોટા જેમ ફુટે’ તેમ રોજેરોજ કંપનીઓ તૂટવા લાગી. દેશ આખે દવ લાગિયો. મુંબઈ એટલે ‘જેવું મોટું મશાણ’, બૅંકોની ચિતાઓ બળી. જનોને ચિત્તભ્રમ થયો, અંગે પીડા વધી, કેટલાકે હબક ખાધી, ભારેખમ ભડ નરના પણ વજન ઘટ્યા. લોકોમાં મોતની ઇચ્છા જાગી, કેટલાકે ઘરબાર ખોયાં, તો વળી કેટલાંક તો પત્ની અને બાળકોને છોડી નાસી છૂટ્યા. કૂડકપટ ચાલુ થયાં. ઉપરીઓએ પોતાના સ્વાર્થ માટે શેર લીધેલા ‘એ પણ કંપનીને ઓઢાઢ્યા’. ‘ચાહન ફરિયાદો ચાલી’. ‘કંઈ હિસાબ સોંપ્યા કોરટમાં’. ‘જ્યાં જોઈએ ત્યાં નજરે આવે, જૂઠ જૂઠ ને જૂઠ’. ગરબીઓ ઉપરાંત દોહરા, મનહર અને શાર્દૂલવિક્રીડિત છંદોમાંની ચાર રચનાઓ જુદી પંક્તિરસંખ્યા ધરાવે છે. તમામ રચનાઓમાં મજાનાં ધ્રુવપદ છે જે કલદાર સિક્કાની જેમ ભાષામાં ચલણી બન્યા છે. જેમ કે, ‘દીઠો નજરે દલપતરામ’, ‘દલપતરામ કહે એવું દેખી’, ‘દાખે દલપતરામ’. એક ગરબી ઇશ્વરપ્રાર્થનાની છે, જેને અંતે કવિ કહે છે :
‘ફરીથી મનમાં કોઈ નહીં ફૂલે, ભવમાં આ દુ:ખ નહીં ભૂલે
સુખ પામો સૌ ગામો ગામે, દીધી આશિષ દલપતરામે.’
++++++
૦૮ ફેબ્રુઆરી ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 09 ફેબ્રુઆરી 2018