‘મારાથી જે અશક્ય હોય, તે કરવાના પ્રયત્નો વડે જ શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.’ માણસના ખમીર, ખુમારી અને ખુદ્દારીને દર્શાવતું આ વિધાન સાંપ્રત વિશ્વની, એક સ્વિડિશ, ષોડશી ગ્રેટા તુન્બર્ગને સંદર્ભે બિલકુલ યથાર્થ ઠરે છે. વર્તમાન વિશ્વ સામે વિકટ પર્યાવરણીય પરિસ્થિતિ ઊભી કરનાર ક્લાઇમેટ ચેન્જ(જળવાયુ-પરિવર્તન)ની સમસ્યા સામે વૈશ્વિક ફલક પર આંદોલન પ્રેરનાર અને વિશ્વના સત્તાધીશોને ડારતો – 'How Dare you?’નો એક અવાજ એટલે ગ્રેટા તુન્બર્ગ. સોળ વર્ષની આ અનન્ય કિશોરીની કાવ્યમય ઓળખ આ રીતે કરી શકાય કે ….
’મૈં હું અકેલા, નહિ કોઈ મેરા,
ફિર ભી મૈં એક કારવાં હૂં,
ઊઠું તો આસમા ચૂમ લૂં , ઝૂકું તો ચીર દૂં ઝમીં
મૈં કુદરત કા વો ઝર્રા હૂઁ , કુદરત ભી હૈ ફના મુઝ પે’
વિશ્વમાં પર્યાવરણ ક્ષેત્રે અનેક પર્યાવરણવાદીઓ કાર્ય કરી રહ્યા છે ત્યારે, માત્ર સોળ વર્ષની, કાચી વયની એક કિશોરીએ પોતાના આખાબોલા, સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ગ્રેટાએ દુનિયાની મહાસત્તાઓ અને એના સત્તાધીશોને જનતાની અદાલતમાં ઊભા કરી દીધાં છે. રમવાની, નાચવા-કૂદવાની, ભણવાની ઉંમરે આ છોકરીએ એક ગંભીર અને મહત્ત્વના વિષયમાં આંદોલન છેડ્યું છે. ગ્રેટાની ઉંમર આમ તો કાચી કે અપરિપક્વ છે, પણ તેનું વ્યક્તિત્વ મૅચ્યૉર છે. આપણા વ્યવહાર જગત કે સમાજજીવનમાં કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ કાચી હોય, તો આપણે તેને મહત્ત્વ આપતા નથી, તરત તેનો કાંકરો કાઢી નાખીએ છીએ, એટલું જ નહિ તેને ઇમ્મૅચ્યૉર કહીને ઉતારી પણ પાડીએ! પણ મને તો અપરિપક્વતા ખૂબ ગમે છે. કેમ કે ’કાચો માણસ સૌથી વધુ સંવેદનશીલ અને જીવતી ચામડીનો હોય છે. માનવીમાં રહેલી કચાશ ખોટાં મૂલ્યો સાથે ક્યારે ય સમાધાન કરતી નથી. કચાશનો સ્વભાવ જ દાંત ખાટા કરી નાખવાનો છે.’ ગ્રેટા તુન્બર્ગનું વ્યક્તિત્વ અદ્દલ આ પ્રકારનું જ છે.
૩ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સ્વિડનના સ્ટોકહોમમાં જન્મેલી ગ્રેટાને ખુદ્દારી અને ખુમારી માતા-પિતા અને દાદાના સમૃદ્ધ વારસામાં પ્રાપ્ત થઈ છે. દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ ટીવી અને ફિલ્મના ઍક્ટર – ડાયરેક્ટર છે. પ્રભાવક વાણી ધરાવતા, ઘેઘૂર અવાજના સ્વામી દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ રેડિયો પર જુદા-જુદા કાર્યક્રમોના ઉદ્ઘોષક છે. ’ધ જંગલબુક’ ટીવી સિરીઝના સ્વિડિશ વર્ઝનમાં તેમણે શેરખાનના પાત્રને અવાજ આપ્યો હતો. ગ્રેટાના પિતા સ્વાન્તે તુન્બર્ગ પણ સ્વિડનના જાણીતા લેખક, એક્ટર, પ્રોડ્યુસર અને પત્રકાર છે. જ્યારે માતા મલેના એર્નમેન જાણીતાં ઓપેરાસિંગર છે. ઝાઝ, પોપ, ઓપેરા, કેબ્રે જેવા આધુનિક વેસ્ટર્ન મ્યુઝિકના તેમનાં અનેક આલ્બમ પ્રકાશિત થયાં છે. અનેક આંતરરાષ્ટ્રીય કૉન્સર્ટમાં તેમણે પરફૉર્મન્સ આપ્યાં છે. પરંતુ દીકરી ગ્રેટાના આહ્વાન પર, હવાઈ યાત્રાની પર્યાવરણીય અસરોને કારણે મલેનાએ પોતાની ઓપેરા સિંગર તરીકેની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી છોડી દીધી. પિતા સ્વાન્તેને આરંભે તો ગ્રેટા સ્કૂલના ભોગે આંદોલન કરે તે પસંદ નહોતું, છતાં તેમણે ગ્રેટાના નિર્ણયનું સન્માન કર્યું અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. એટલું જ નહિ, પણ દીકરી ગ્રેટાના આગ્રહથી, પર્યાવરણના રક્ષણ અર્થે તેમના કુટુંબે પોતાની જીવનશૈલી બદલી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા તેમણે પણ હવાઈ યાત્રાઓનો ત્યાગ કર્યો, ભોજનમાં માંસનો ત્યાગ કરી શાકાહાર અપનાવ્યો. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવતા કુટુંબ માટે આ સઘળી બાબતો ઘણી મુશ્કેલ હતી. છતાં ગ્રેટાને પ્રોત્સાહન અને સમર્થન પૂરું પાડવા તેઓએ આ ત્યાગ કર્યો. ગ્રેટા પણ માતા-પિતાના હકારાત્મક અને ભાવનાત્મક સહકારની કદર કરે છે.
ગ્રેટાની નાનકડી જિંદગી અનેક ઉતારચઢાવથી ભરેલી છે. આઠ વર્ષની ઉંમરે ગ્રેટા ૨૦૧૧માં પ્રથમ વાર ક્લાઇમેટ ચેન્જ ( જળવાયુ, પરિવર્તન ) વિશે સંભાળે છે, પણ એના વિશે કઈ ઝાઝું સમજી શકતી નથી. ધીરે-ધીરે સમજણ પ્રાપ્ત થતાં, પર્યાવરણીય પ્રશ્નો અને વિશ્વના દેશોની ગુનાહિત બેદરકારીએ તેને હચમચાવી દીધી. અગિયાર વર્ષની નાની ઉંમરમાં ક્લાઈમેટ ચેન્જના પ્રશ્ને વિચારતાં વિચારતાં તે હતાશામાં ગરકાવ થઈ ગઈ, ડિપ્રેશનનો ભોગ બની. હતાશાને કારણે તે આળસુ બની ગઈ, ખાવાનું તો છોડી દીધું. પણ વાત કરવાનુંયે બંધ કરી દીધું .ધીરે ધીરે તે માનસિક રીતે પડી ભાંગી.
ગ્રેટા તુન્બર્ગ(Greta Tintin Eleonora Eruman Thunbarg)ની ઓળખ દુનિયાને પ્રથમ વાર ઑગસ્ટ, ૨૦૧૮માં થઈ. જ્યારે પંદર વર્ષની નાની ઉંમરે સ્કૂલ જવાને બદલે તેણે સ્વિડિશ પાર્લામેન્ટની સામે દેખાવો કર્યા. તે સમજી ચૂકી હતી કે ગ્લોબલ વૉર્મિંગનું કારણ પર્યાવરણ સામેનાં જોખમો છે, માટે તેણે સ્વિડનના સત્તાધીશો સામે મોરચો માંડ્યો અને પર્યાવરણની સુરક્ષા માટે નક્કર કાર્ય કરવા માંગ કરી.
’મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ,
લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા’
ધીરે ધીરે તેની વાત લોકોની સમજમાં આવી, જેને કારણે વિદ્યાર્થીઓ અને લોકો તેની સાથે જોડાયા.
ગ્રેટાએ હજુ તો નવમા ગ્રેડ(માધ્યમિક સ્કૂલ)ની શરૂઆત જ કરી હતી અને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૮ના રોજ તેણે સ્કૂલ ન જવાનું નક્કી કર્યું. ૨૦૧૮ના વર્ષે સ્વિડનના ઇતિહાસમાં પાછલાં ૨૬૨ વર્ષોમાં ન પડી હોય તેટલી રેકૉર્ડબ્રેક ગરમી પડી, આ સૌથી વધુ ગરમ ઉનાળામાં સ્વિડનનાં જંગલો ભડકે બળી રહ્યાં હતાં, પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું હતું. આ વિષમ પરિસ્થિતિ અને ગ્લોબલ વૉર્મિંગની અસરથી સ્વિડનના લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. આવા વિકટ સંજોગોમાં ગ્રેટાએ આંદોલનની શરૂઆત કરી. પોતાના દેશની સરકાર પાસે તેની મુખ્ય માંગણી, સ્વિડનમાં પૅરિસ કરાર મુજબ કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટેની હતી. સ્વિડિશ પાર્લામેન્ટ (Riksdag)ની બહાર દરરોજ સ્કૂલના સમયના ત્રણ કલાક, ત્રણ અઠવાડિયાં સુધી બેસીને દેખાવકારોએ સ્વિડિશ ભાષામાં લખાયેલ – ’સ્કૂલ સ્ટ્રાઇક ફોર ધ ક્લાઇમેટ’ના બૅનરો અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા. ગ્રેટાએ ત્યાં – 'I am doing this because you adults are sitting on my future’ જેવાં માર્મિક લખાણોવાળાં ચોપાનિયાં પણ વહેંચ્યાં.
ગ્રેટા તુન્બર્ગના જળવાયુ-પરિવર્તન સામેના આ આંદોલનના મૂળમાં અમેરિકાના ફ્લોરિડામાં બનેલી એક કરુણ ઘટના છે. એની ગૂડમેન સાથેના ઇન્ટરવ્યૂમાં આ બાબતે તેણે નિખાલસ સ્પષ્ટતા કરી છે કે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮માં માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ, પાર્કલૅન્ડમાં એક ઓગણીસ વર્ષના વિદ્યાર્થી નિકોલસ ક્રુઝે શાળામાં સેમીઑટોમેટિક રાઇફલથી ગોળીબાર કરી સત્તર જેટલા વિદ્યાર્થીઓની હત્યા કરી, આ સ્કૂલ શૂટિંગમાં અનેક વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ ઘટનાના ડરને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાની ના પાડતા હતા. આને કારણે ગ્રેટાના મનમાં સ્કૂલ સ્ટ્રાઇકનો વિચાર જન્મ્યો. ગ્રેટાએ આ શેતાની કૃત્ય વિરુદ્ધ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ,પાર્કલેન્ડમાં 'March for our lives’ને નામે કૂચ પણ યોજી હતી.
ગ્રેટાએ, મે, ૨૦૧૮માં એક સ્વિડિશ ન્યૂઝપેપર આયોજિત ’ક્લાઇમેટ ચેન્જ’ વિશેની નિબંધ સ્પર્ધા જીતી. તેનો આ નિબંધ એ ન્યૂઝપેપરે પ્રકાશિત કર્યો, આ નિબંધમાં તેણે લખ્યું હતું કે – “I want to feel safe. How can I feel safe, when I know we are in the greatest crisis in human history ?” નોંધપાત્ર છે કે, સ્વિડનના એક શિલ્પી-કલાકાર બો થોરેને દક્ષિણ સ્વિડનના કુદરતી સૌંદર્યથી ભરપૂર ભાતીગળ પ્રાંત ડાલ્સ લેન્ડને અશ્મિભૂત પ્રદૂષણથી બચાવવાની હિમાયત કરી હતી, એ બો થોરેને પણ ગ્રેટાને કલાઈમેટ ચેન્જ માટે સ્કૂલ સ્ટ્રાઇકનું સૂચન કર્યું હતું.
માહિતી અને સંચારક્રાંતિના આ યુગમાં ગ્રેટાના જળવાયુ-પરિવર્તનના આંદોલનને સોશિયલ મીડિયાનો ભરપૂર સાથ મળ્યો. ગ્રેટા તુન્બર્ગના ઉદયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. ગ્રેટાએ પોતાની સ્કૂલ-હડતાળના ફોટા ઇન્સ્ટાગ્રામ, ટિ્વટર અને બીજા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ તેના શુભ હેતુને જાણી ગયેલા લોકોનો જબરદસ્ત વૈશ્વિક સપોર્ટ તેને પ્રાપ્ત થયો. સોશિયલ મીડિયાએ તેના આ આંદોલનને વૈશ્વિક રૂપ આપ્યું. બીજી તરફ ભારતના સોશિયલ મીડિયા અને યુવાનોનું વર્તમાન ચિત્ર નિરાશાજનક છે. હાઈ …હલ્લો…ના મૅસેજ, PUBG જેવી ગેમ, અફવા અને ફેક ન્યૂઝમાં રમમાણ ભારતીય યુવાનો મીડિયા અને સોશિયલ મીડિયા જાણે પોતાનો ધર્મ ભૂલી ગયા છે. એટલે ગ્રેટા આપણે માટે પ્રેરણારૂપ છે. દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવના અને મીડિયાનો હકારાત્મક સાથ મળતાં, ગ્રેટા આજે સેલિબ્રિટી બની ચૂકી છે. ’ઇન્ગમાર રેન્ટઝોગ નામની ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતી એક સ્વિડિશ કંપનીના સ્થાપકનું ધ્યાન ગ્રેટા પર ગયું, અને તેમણે ‘WE DON'T HAVE TIME (WDHT)’ જેવા હૃદયસ્પર્શી શીર્ષકથી ગ્રેટાની સ્ટ્રાઇકને આકર્ષક રીતે વિશ્વના લોકો સુધી પહોંચાડી. ફ્રીલાન્સ ફોટોગ્રાફરોએ મિસ તુન્બર્ગની સ્કૂલ સ્ટ્રાઇકની તસવીરો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. અંગ્રેજીમાં બનાવાયેલો ગ્રેટાનો વીડિયો યુ-ટ્યૂબ પર મુકાયો, જેને હજારો લોકોએ જોયો. ટિ્વટર પર ગ્રેટાના ક્વૉટેશનને ફોલો કરનાર બે લાખ લોકો છે અને દિનપ્રતિદિન તેની સંખ્યા વધતી જાય છે. ’ફ્રાઇડે ફોર ફ્યુચર’ને અનુસરનારા આજે હજારો છે. જાહેર માધ્યમોની જવાબદાર ભૂમિકાએ ગ્રેટાની સ્ટોરીને આંતરરાષ્ટ્રીય ઓળખ અને માન્યતા અપાવી છે.
સ્વિડનમાં આજે પણ ગ્રેટાનું આંદોલન ચાલુ છે, પણ હવે માત્ર શુક્રવારે જ દેખાવો થાય છે. માર્ચ ૨૦૧૯થી તે નિયમિત રીતે સ્વિડનની પાર્લામેન્ટ સામે દેખાવો કરે છે. દર શુક્રવારે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાય છે. એટલું જ નહિ પણ દર અઠવાડિયે દુનિયાના કોઈક ને કોઈક સ્થળે જળવાયુ-પરિવર્તન સંદર્ભે દેખાવો કરે છે. ગ્રેટાએ ૨૦૧૯માં બે મોટાં પ્રદર્શનો યોજ્યાં કે જેમાં લાખો વિદ્યાર્થીઓ જોડાયા. ડિસેમ્બર, ૨૦૧૮માં સમગ્ર વિશ્વનાં ૨૭૦ શહેરોમાં ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલ-હડતાળ કરી હતી, ભારતમાં પણ હરિયાણાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી, અરાવલી બાયો ડાયવર્સિટી પાર્કને બચાવવાનો પ્રયત્ન કર્યો. મેટ્રોશેડ બનાવવાને નામે મુંબઈમાં આરે કૉલોનીનાં ૨,૭૦૦ જેટલાં વૃક્ષ-ઉચ્છેદન સામે પર્યાવરણપ્રેમીઓએ સત્યાગ્રહ કર્યો, છતાં નિષ્ઠુર સરકારે ૨,૦૦૦ જેટલાં વૃક્ષોનો ભોગ લીધો, વર્ષો જૂનાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. પ્રકૃતિપ્રેમીઓના દેખાવ અને કાયદાકીય લડત પછી સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે બીજાં હજારેક વૃક્ષો બચી ગયાં છે. એને આપણે ગ્રેટા તુન્બર્ગ ઇમ્પેક્ટ ગણી શકીએ. વિકાસને નામે પ્રકૃતિ તબાહ થઇ રહી છે. ગ્રેટા કહે છે કે, જો પૃથ્વી પર પર્યાવરણ નહિ બચાવીએ તો, સઘળી પ્રગતિ કે વિકાસ કંઈ નથી, નિષ્ફળતા જ છે. આપણી સ્થિતિ જોતાં ભારતને પણ કોઈ ગ્રેટા તુન્બર્ગ સમા કર્મવીરની તાતી જરૂર છે.
જાહેર સભા હોય કે રાજનેતાઓની સભા હોય, ગ્રેટા તુન્બર્ગ સ્પષ્ટ વક્તા છે, ભલભલા ચમરબંધીઓ સામે સત્ય ઉજાગર કરતાં તે ડરતી નથી. યુ.એન.ની મહાસભાના મંચ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના દુનિયાના જમાદારોને એ ખરીખોટી સંભળાવે છે. ક્લાઇમેટ ચેન્જની કટોકટીમાંથી વિશ્વને બચાવવા માત્ર વાતોનાં વડાં નહિ, પણ તત્કાલ નક્કર પગલાં લેવાની વિનંતી પણ કરે છે. UNની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ, ૨૦૧૮માં પ્રવચન કરતાં ગ્રેટાએ ક્લાઇમેટ જસ્ટિસની માંગ કરી.
કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદાહરણ રૂપે, તુન્બર્ગ સંયુક્ત રાષ્ટ્રોની ઑગસ્ટ, ૨૦૧૯ની ક્લાઇમેટ સમીટમાં હાજરી આપવા હવાઈ યાત્રાને બદલે ’મેલેઝિયા II’ નામની સોલાર ઊર્જા અને અન્ડરવૉટર ટર્બાઇનથી ચાલતી ૬૦ ફૂટની રેસિંગ નાવ (yatch) પર પિતા સાથે સવાર થઈ, દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લૅડના પ્લીમથ શહેરથી ન્યુયૉર્ક સુધીની એટલાન્ટિક મહાસાગરની ૧૫ દિવસની વિકટ યાત્રા કરે છે. ત્યાં તેણે COP ૨૫ ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં પણ વ્યાખ્યાન કર્યું.
ક્લાઈમેટ ચેન્જ અંગેના પોતાના પ્રથમ વક્તવ્યથી લઈ આજ સુધી ગ્રેટા તુન્બર્ગ વિશ્વના શક્તિશાળી રાજનેતાઓ સમક્ષ ’જળવાયુ, પરિવર્તન’ના મુદ્દે નક્કર અને પરિણામલક્ષી કામ કરવા સતત આગ્રહ કરી રહી છે. સાથે સાથે પર્યાવરણ સંદર્ભે પોતાનાં આગઝરતાં ભાષણોમાં લોકબળવાની ચેતવણી ઉચ્ચારે છે અને પ્રવચનને અંતે કહે છે કે – “No one is too small to make a difference”. પરંતુ જાડી ચામડીના નેતાઓ શાહમૃગનીતિ અપનાવી રહ્યા છે. કદાચ એટલે જ U.N. સેક્રેટરી એન્ટોનિયો ગુત્રેસ, તેને સમર્થન આપતાં કહે છે કે – 'My Generation has failed to respond properly to the dramatic challenge of climate change. This is deeply felt by young people, no wonder they are angry.’
વિશ્વપ્રસિદ્ધ ’ટાઇમ’ મૅગેઝિને ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વના ૨૫ પ્રભાવક તરુણોની સૂચિમાં ગ્રેટા તુન્બર્ગનું નામ સામેલ કર્યું છે, ગ્રેટાએ વિશ્વને આપેલ સંદેશ તરફ એક નજર કરીએ તો સ્વિડિશ પાર્લામેન્ટ સામે ૨૦૧૮માં દેખાવ કરતાં તેણે બે સાદા સંદેશ આપ્યાઃ ૧, School : strike for Climate અને ૨, I am doing this because you adults are sitting on my future. વિશ્વના પ્રતિષ્ઠિત મંચ પરથી બોલતાં ગ્રેટા કહે છે કે, રાજનેતાઓ અને નિર્ણાયકમંડળોએ વૈજ્ઞાનિકોની ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ, તેમની વાત સાંભળવી જોઈએ અને પૅરિસકરાર મુજબ કાર્બન એમિસન (ઉત્સર્જન) અને ગ્રીનહાઉસ ગૅસનું હવામાંનું પ્રમાણ ૨૦૩૦ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટાડવું જ પડશે. યુરોપિયન ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ કમિટીની ફેબ્રુઆરી, ૨૦૧૯ની કૉન્ફરન્સમાં બોલતાં ગ્રેટાએ યુરોપિયન યુનિયનને આવનાર એક દાયકામાં કાર્બન-ઉત્સર્જન ૮૦ ટકા ઘટાડવા આહ્વાન કર્યું. વિશ્વના અનેક દેશોમાં ફરીને, એકલે હાથે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા અંગે, લોકોને જાગૃત કરી રહેલી, ઘણા યુવાઓની રૉલ મૉડેલ ગ્રેટા નૈતિકતાના બળે દુનિયા સામે ઊભી છે. એ એકલી છે પણ .. એક આંદોલન છે.
ગત એક વર્ષમાં ગ્રેટા તુન્બર્ગે અનેક દેશોનો પ્રવાસ કરી, ક્લાઇમેટ ચેન્જ અંગે વક્તવ્યો આપ્યાં. તેના પર અનેક લેખ લખાયા. ગ્રેટાને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ – ’નવી પેઢીની નેતા’, પૃથ્વીને બચાવવા નીકળેલી ’પૃથા’ ગ્રેટાને વિશ્વની અનેક સંસ્થાઓએ તેના આ ભગીરથ કાર્ય માટે અનેક ઇનામો અને ઍવૉડ્ર્સથી સન્માનિત કરી છે.
શક્તિરૂપે સંસ્થાપિત થયેલી ગ્રેટાને માર્ચ, ૨૦૧૯માં વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ કરવામાં આવી હતી. તેના નૉમિનેશનની દલીલોમાં ગ્લોબલ વૉર્મિંગને ભવિષ્યમાં આપત્તિઓ, સંઘર્ષો અને યુદ્ધ માટે જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.
’શાંતિ અને સ્વતંત્રતા’ માટે લડનાર યુવાનોને અપાતો નવો શરૂ થયેલો ફ્રાન્સનો પ્રથમ ઍવૉર્ડ ગ્રેટાને મળ્યો. આ ઍવૉર્ડની ૨૫,૦૦૦ યુરોની ઇનામરાશિ તેણે ક્લાઇમેટ જસ્ટિસ માટે કામ કરતી ચાર સંસ્થાઓને આપી દીધી. માર્ચ ૨૦૧૯માં જર્મનીનો સ્પેશિયલ ક્લાઇમેટ પ્રોટેક્શન ઍવૉર્ડ મળ્યો. વાણીસ્વાતંત્ર્ય, માટે કાર્ય કરનારને અપાતું નૉર્વેનું ફ્રીટ ઊર્ડ ઇનામ પણ ગ્રેટાને એપ્રિલ, ૨૦૧૯માં મળ્યું. આ જ માસમાં ’ટાઇમ’ મૅગેઝિનના વિશ્વના સો પ્રભાવક માણસોમાં તેને સ્થાન મળ્યું. મે, ૨૦૧૯માં ફ્રાન્સની યુનિવર્સિટી ઑફ મોન્સ દ્વારા ડૉક્ટરની માનદ પદવી તેને એનાયત થઈ.
એમ્નેસ્ટી ઇટરનેશનલ દ્વારા જૂન, ૨૦૧૯માં ક્લાઇમેટ ચેન્જ મૂવમેન્ટની લીડરશિપ માટે ઍમ્બેસેડર ઑફ કોન્સીએન્સના પ્રતિષ્ઠિત ઍવૉર્ડ દ્વારા ગ્રેટાનું સન્માન કરવામાં આવ્યું. સપ્ટેમ્બર માસમાં જ ‘મેન ઑફ ધ યર,નો ઍવૉર્ડ પણ તેને મળ્યો. ૨૫ સપ્ટેમ્બરના રોજ સ્વિડનના નોબેલ તરીકે ઓળખાતા ’રાઇટ લાઇવલીહૂડ’ ઍવૉર્ડથી તેના પોતાના દેશે તેનું સન્માન કર્યું. બ્રિટિશ મેગેઝિન ’VOGUE’ના સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંકના કવર પેજ પર પંદર શક્તિશાળી સ્ત્રીઓમાં તેને સ્થાન મળ્યું. નોંધપાત્ર બાબત એ છે કે, આ કવર પેજ ગેસ્ટ એડિટર ડચેસ ઑફ સસેક્સ – મેગને બનાવ્યું હતું. ચિલ્ડ્રન ક્લાઇમેટ પ્રાઇઝ, યંગ રોલ મૉડેલ માટેની સ્કોલરશીપ અને આવા તો બીજા અનેક ઇનામો અને એવોડ્ર્સથી ગ્રેટા તુન્બર્ગનું સન્માન થયું છે, જે તેને મળેલી વૈશ્વિક માન્યતાને દર્શાવે છે. ગ્રેટા પોતાના આંદોલનને સંપૂર્ણ સમર્પિત છે. તેણે ઇનામની મોટા ભાગની રકમ ક્લાઇમેટચેન્જના નેક કામ માટે વાપરી છે, ક્યાં તો તે કામ માટે દાનમાં આપી દીધી છે.
સ્ત્રી પ્રકૃતિની કન્યા છે. ગાંધીજી કહે છે કે, “કોઈ સ્ત્રી પોતાના કામમાં તમામ શક્તિ લગાવી દે, ત્યારે તે પહાડને પણ હલાવી શકે છે !” સ્ત્રી કોઈ પણ સમસ્યાનો ઉત્તમ ઉપાય ખોળી કાઢે છે. અસુરોના આતંક સામે દેવોએ હથિયાર હેઠાં મૂક્યાં ત્યારે દેવીશક્તિએ જ અસુરમર્દન કર્યું હતું. સ્ત્રીનું ઉત્તમ લક્ષણ ખુમારી અને સ્વાભિમાન છે. કર્મશીલ ગ્રેટા તુન્બર્ગ આવી જ ’પૃથા’ છે. પૃથ્વીના ભાવિને ગ્રેટાના દિવ્યચક્ષુ પારખી ચૂક્યાં છે. ’ન્યુ ટેસ્ટામેન્ટ’ના પુસ્તક ’રેવેલેશન’(પ્રકટીકરણ)ના સંદર્શનને ગ્રેટા તુન્બર્ગ સમજી ચૂકી છે, બે હજાર વર્ષ પૂર્વેનું ભાવિકથન તેને નજીકના ભવિષ્યમાં આકાર લેતું દેખાઈ રહ્યું છે ! કદાચ કોઈ દિવ્ય ચેતનાના બળે જ તેણે પૃથ્વીને બચાવવાનું આંદોલન ઉપાડ્યું છે. U.N. મહાસચિવના મતે હવે આ ગ્રહને બચાવવાની જવાબદારી યુવા પેઢી પર છે, ત્યારે કેટલાંક સ્થાપિત હિતો અને ગ્રેટાને ઉતારી પાડનાર, તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર નિંદકો તેને મનોરોગી અને ઉન્માદી સાબિત કરવાના અને નોબેલની રેસમાંથી તેનું નામ રદ્દ કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે !! આવો, આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે જટાયુવૃતિ ધરાવતી, આ ધરતીની પુત્રી ગ્રેટા, મલાલા બનીને અટકી ન જાય. પણ સત્યની લડાઈ લડનાર ગાંધી બને અને શક્તિરૂપે સંસ્થાપિત થાય.
[સદ્ગુણા આટ્ર્સ કૉલેજ, અમદાવાદ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 05-09