લાગે છે.
   
       શુષ્ક તારો સ્વભાવ લાગે છે
       પાનખરનો પ્રભાવ લાગે છે.
       પ્યાસ મારી-બને નહીં પાગલ,
       પાસ કોઈ તળાવ લાગે છે.
       ઘેલછા જળની આટલી શાને ?
       ડૂબવાની જ નાવ લાગે છે.
      આપણે વર્ષો પૂર્વે મળ્યા'તા,
      સાવ તાજો બનાવ લાગે છે !
      મારી આંખો બની હરખઘેલી,
      સ્વપ્નનો ત્યાં પડાવ લાગે છે.
      મોત એમાં 'પ્રણય' કદી આવે ?
      હાડમાં ઝીણો તાવ લાગે છે.
24-12-1998
•
જેવો જેનો સ્વભાવ
     રોજ શાને સતાવ ગારુડી ?
     ખેલ ગમતો બતાવ ગારુડી.
     એક-બે ગમતી ક્ષણનો લ્હાવો છે,
     સોને-રુપે મઢાવ ગારુડી.
     ઝાંઝરી ઝાંખરામાં ખોવઇ ગઇ,
     સેજ ગમતી સજાવ ગારુડી.
     હું સજાવું તને સુગન્ધોમાં,
     ફૂલમાં તું સમાવ ગારુડી.
     થાય ઘર તારું-ખરેખર ઘરનું,
     એ ઘરેણું ઘડાવ ગારુડી.
     કેદ કર તું કરંડિયા માંહે,
     તારી મુજને બનાવ ગારુડી.
     કો'ક ડંખે-કોઈક પ્યાર કરે,
     જેવો જેનો સ્વભાવ ગારુડી.
     બાદશાહી છે એ ય બડભાગી,
     પાદરે હો પડાવ ગારુડી.
     ઓડિયા તારાં- ઝુલ્ફ તારી આ,
     બીન પાછું બજાવ ગારુડી.
     ખેલ તારો ખરાખરીનો છે,
     હાલે ત્યાં લગ હલાવ ગારુડી.
     એક સરખી “પ્રણય" મજા લઇશું,
     હો ભલે ઘૂપ-છાંવ ગારુડી.
08-10-2006
•
 મન હવે મારું
  
     છે ઘણી અજ્ઞાત-થોડી જ્ઞાત છે
     દોસ્ત, આ જનમોજનમની વાત છે.
     રોજ ઊગે છે સુનહરી શક્યતા,
     રોજ મારા માથે વસમી ઘાત છે.
     હોય ઈચ્છા- તો તું મળવા આવજે,
     મારી પાસે-મારું બસ! એકાન્ત છે.
     સ્રોવરો વિષે ન ધારી લો કશું,
     જળ ઉપર-ઉપરથી આહીં શાન્ત છે.
     આમ તો સહુને મળું છું, હું "પ્રણય"
     મન હવે મારું બહુ નિર્ભ્રાન્ત છે.
18-07-2002
 

