
હેમન્તકુમાર શાહ
ક્રૂર અને નિર્દય તાનાશાહો – પછી ભલે ને એ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીમાં ચૂંટાયેલા હોય – પોતે અકલ્પનીય હિંસા લોકો પર આચરે છે, પણ લોકો એમની સામે અહિંસક જ બની રહે એમ ઇચ્છે છે! શું એ લાંબા ગાળા સુધી શક્ય બને?
નેપાળમાં લોકોની હિંસા બધાની નજરે ચડે છે, ઊડીને આંખે વળગે છે, હાહાકાર મચી જાય છે. લોકોએ આવું ન કરવું જોઈએ એમ પણ અહિંસાપ્રેમીઓ કહે છે.
પરંતુ નેપાળના રાજકર્તાઓએ કેટલા ય સમયથી પ્રત્યક્ષ અને પરોક્ષ હિંસા આચરી એનું શું? એ કેમ દેખાતી નથી? નેપાળની ગરીબી અને બેકારી તેમ જ ભ્રષ્ટાચાર એ પરોક્ષ હિંસા છે, એ રાજકીય અને આર્થિક હિંસા છે, કે જે રાજકીય સત્તા દ્વારા થાય છે અથવા સત્તા એની સામે આંખ આડા કાન કરે છે.
આધુનિક યુરોપિયન દાર્શનિક સ્લાવોજ ઝિઝેક એને વ્યવસ્થાજન્ય હિંસા (systemic violence) કહે છે. નોર્વેના મહાન વિદ્વાન જોહાન ગાલ્ટુંગ (૧૯૩૦-૨૦૨૪) એને માળખાગત હિંસા (structural violence) કહે છે. રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક માળખું જ એવું ઊભું કરવામાં આવ્યું હોય છે, વ્યવસ્થા જ એવી હોય છે કે જેમાં શોષણ થયા જ કરે, તરત નજરે ન દેખાય તેવી હિંસા થયા જ કરે.
લોકો પોતાનો અવાજ સોશ્યલ મીડિયામાં રજૂ ન કરી શકે માટે તેમના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવો અથવા એવા કાયદા કરવા એ રાજ્યની નાગરિકો પર આચરવામાં આવેલી પરોક્ષ હિંસા છે. કારણ કે મનુષ્ય પાસે ભાષા છે અને એના દ્વારા એ પોતાની અભિવ્યક્તિ ઇચ્છે છે. ભલે કોઈ એ ન સાંભળે કે ન જુએ.
લોકશાહીમાં સરકારોનું એ કર્તવ્ય છે કે તેઓ લોકોની ઇચ્છાઓ અને ફરિયાદોને સાંભળે તેમ જ લોકકલ્યાણ માટે કામ કરે અને લોકોને અભિવ્યક્તિ કરવાની મોકળાશ આપે. લોકોનો અવાજ લોકશાહી દેશમાં સરકાર દ્વારા રુંધાઈ જાય તો લોકો ક્યારેક હિંસા પર ઊતરી આવે, કારણ કે તેમની અભિવ્યક્તિને કે તેમની અહિંસક રજૂઆતોને સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નહીં.
ચૂંટાયેલા નેતાઓ રાજાની જેમ વર્તે એ ચાલે? એ બેફામ ખર્ચા કરે એ ચાલે? એ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે કે અન્યાય કરે અને બોલવા પણ ન દે, સરઘસ પણ કાઢવા ન દે, જેલમાં પૂરે એ ચાલે? એ લોકોના ભોગે દેશનો વિકાસ કરે તો ચાલે? એ પોતાને કાયદાથી પર સમજે તો ચાલે? આવું બધું થાય છે એ રાજકર્તાઓએ લોકશાહીમાં આચરેલી અદૃશ્ય હિંસા છે.
આવી પરોક્ષ કે માળખાગત કે વ્યવસ્થાજન્ય હિંસામાંથી બહાર નીકળવા માટે એટલે કે અન્યાય સામે જે હિંસા લોકો આચરે તેને જર્મન દાર્શનિક વોલ્ટર બેન્જામિન (૧૮૯૨-૧૯૪૦) દૈવી હિંસા (divine violence) કહે છે. દૈવી એટલા માટે કે ઈશ્વર તો બધા મનુષ્યોમાં સમાનતા ઇચ્છે છે પણ ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય સત્તા ક્યારેક જાતે અથવા બધી સત્તાઓ ભેગા મળીને એ સમાનતા ઊભી થવા દેતી નથી. એટલે એ સમાનતા આણવા માટે જે હિંસા થાય તેને દૈવી હિંસા કહેવાય!
શું નેપાળના યુવાનોની હિંસા આવી દૈવી હિંસા કહેવાય? જરા વિચારો, દુર્યોધન પાંચ ગામ પાંચ પાંડવોને આપવા તૈયાર થયો નહોતો ત્યારે જ મહાભારતનું યુદ્ધ થયું હતું એમ કહેવાય છે. ભગવાન કૃષ્ણનું પણ દુર્યોધને સાંભળ્યું નહોતું! અન્યાય સામે સમજાવટ કરો, આજીજી કરો, રજૂઆતો કરો, અરજીઓ કરો, અહિંસક પ્રતિકાર કરો, પણ સરકાર સાંભળે જ નહીં તો શું?
અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી પણ અહિંસાની મર્યાદાઓ સમજ્યા તો હતા જ. અહિંસા પરમ ધર્મ છે પણ, શું એ ઘણી વાર નરમ અધર્મ બની જતો નથી?
તા.૧૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર