
રમેશ ઓઝા
પહેલાં શ્રીલંકા, એ પછી બાંગ્લાદેશ અને હવે નેપાળ. ભારતના ત્રીજા પાડોશી દેશમાં લોકવિદ્રોહ થયો છે અને સત્તાધીશોએ માત્ર ખુરસી નથી ખાલી કરવી પડી, જીવ બચાવવા નાસવું પડ્યું છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયામાં પ્રજા આંદોલિત છે અને ગોદી મીડિયાનું સેવન કરનારા વાચકોને જાણકારી નહીં હોય, ઇઝરાયેલમાં પણ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.
પણ શ્રીલંકા અને બાંગ્લાદેશની તુલનામાં નેપાળનો લોકવિદ્રોહ અલગ પ્રકારનો છે અને ભારતે ચેતવા જેવું છે. શ્રીલંકાનો વિદ્રોહ મુખ્યત્વે મોંઘવારી સામે હતો. અલગતાવાદી તમિળોનો ભય બતાવીને મહિંદા રાજપક્ષ અને તેનો ભાઈ ગોટાબાયા જોહુકમી કરતા હતા. બાંગ્લાદેશનો વિદ્રોહ બાંગ્લા વફાદાર અને બાંગ્લા ગદ્દાર વચ્ચે તિરાડ પાડીને શેખ હસીના વાજેદના એકહથ્થુ શાસન સામે હતો. હસીનાને સાથ આપનારા બાંગ્લા વફાદાર અને તેમને દરેક પ્રકારના લાભ આપવામાં આવતા હતા. એક દિવસ લોકોની ધીરજ ખૂટી અને શેખ હસીનાએ દેશ છોડીને નાસવું પડ્યું.
નેપાળી પ્રજાના વિદ્રોહમાં પ્રચંડ, વ્યાપક અને સર્વાંગી હતાશા છે. કશી જ આશા બચી નથી, લોકતાંત્રિક નેપાળનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે અને તેને માટે દરેક રાજકીય પક્ષ જવાબદાર છે. ન્યાયતંત્ર પર ભરોસો નથી, સંસદ પર ભરોસો નથી અને મીડિયા પર પણ ભરોસો નથી. લોકોએ આ ત્રણેય સંસ્થાઓને ટાર્ગેટ કર્યા છે. આગ લગાડવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અંકુશ મૂકનારો આદેશ જે મીડિયા ન સ્વીકારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે એમાં કશું ખોટું નથી એવો ચુકાદો નેપાળની સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. અર્નબ ગોસ્વામીઓ નેપાળમાં પણ છે અને તેઓ ઘાટા પાડીને સરકારનું સમર્થન કરતા હતા. લોકોએ નેપાળના ગોદી મીડિયાના સંસ્થાનોને આગ લાગાડી. સંસદભવનને આગ લગાડી, કારણ કે તેમાં પણ નપાવટ રાજકારણીઓ બેસે છે. તેમનાં દરેકનાં સંતાનો લહેર કરે છે, કિંગ સાઈઝ જિંદગી જીવે છે, કેટલાક વિદેશમાં ઠરીઠામ થયા છે અને પ્રજાને નેપાળ મહાન, નેપાળી પ્રજા મહાનનો અમલ પિવડાવવામાં આવે છે.
મને જાણીતા અને ભરોસેમંદ યુ ટ્યુબર ધ્રુવ રાઠીનો વીડિયો સાંભળીને આશ્ચર્યજનક હકીકત જાણવા મળી કે ૧૫ હજાર નેપાળી યુવકો યુક્રેન સામે લડવા રશિયાના લશ્કરમાં ભરતી થયા હતા. તેમાંના કેટલાક ગોળીએ મર્યા અને કેટલાક ઠંડી સહન નહી થવાથી માર્યા ગયા. જે પાછા આવ્યા એની હાલત ખરાબ હતી. નકલી રાષ્ટ્રવાદ અને એટલા જ નકલી દેશપ્રેમની આ કિંમત હતી. કિંમત ચૂકવે છે કોણ? સામાન્ય પ્રજા. નેતાઓનાં સંતાનો (નેપો કિડ્ઝ) મસ્તી કરે છે. તેઓ ક્યારે ય ઝંડા લઈને રસ્તા પર ઉતરતા નથી.
શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી? કારણ કે બહુ વ્યવસ્થિતપણે શૂન્યાવકાશ પેદા કરવામાં આવ્યો છે. દરેકને અનુકૂળ બનાવો અને લોકતાંત્રિક સંતુલન ખોરવી નાખો. પ્રશ્ન કરનારો જશે ક્યાં? મીડિયા સાંભળશે નહીં, જજ ન્યાય નહીં આપે અથવા વિરોધમાં આપશે, વિરોધ પક્ષો વિરોધ પક્ષની ફરજ નથી નિભાવતા અને સંસદમાં ચર્ચા નથી થતી. ઊભા રહેવા માટે કોઈ જગ્યા જ નથી રહેવા દીધી. પ્રજા પાસે વાચા હતી, કાન નહોતા. કહેવા માટે એમ કહી શકાય કે નેપાળમાં લોકતંત્ર સાબૂત છે, કારણ કે પ્રજા વાણીસ્વાતંત્ર્ય ધરાવે, પણ કાન વ્યવસ્થિતપણે ફોડી નાખવામાં આવ્યા કાં બહેરા કરી નાખવામાં આવ્યા.
એક કાન બચ્યા હતા જેને સોશ્યલ મીડિયા કહેવામાં આવે છે. લોકો (ખાસ કરીને યુવકો) ગુસ્સો કરીને અથવા ઠઠ્ઠા મશ્કરી કરીને પોતાની ભડાશ કાઢતા હતા. ઘરમાં હવાદાની (વેન્ટીલેટર) બહુ જરૂરી હોય છે, નહીં તો ગુંગળામણ થાય. ૧૮૫૭માં ભારતમાં વિરોહ થયો એ પછી અંગ્રેજોએ પોતાની પહેલથી ભારતના નેતાઓને એકઠા કરીને ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાંગ્રેસની સ્થાપના કરાવી હતી. લોકોના મનમાં શું ચાલે છે એ સાંભળવા કાન જોઈએ અને કાઁગ્રેસ અંગ્રેજો માટે સામેથી ઉપલબ્ધ કરાવેલો કાન હતો. આવો અમે સાંભળવા તૈયાર છીએ. સાંભળવાનો અર્થ એવો નથી કે અમે તમારી વાત માની લેશું, પણ સાંભળશું ઈમાનદારીથી. ક્યારેક વાત સ્વીકારે પણ ખરા. શાસન કેમ કરાય એ અંગ્રેજોને આવડતું હતું. એટલે તો અડધું જગત કબજે કર્યું હતું અને ભારત પર બસો વરસ (૧૭૫૭-૧૯૪૭) રાજ કર્યું હતું.
નેપાળમાં ૩૨ સોશ્યલ મીડિયાને નોટિસ આપવામાં આવી કે તેઓ સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવે અને સરકારની ગાઈડલાઈન્સ સ્વીકારે. શા માટે? ફેક ન્યુઝ, દેશવિરોધી પ્રચાર, મહાન નેતાઓનાં ચારિત્ર્યહનનથી પ્રજાને બચાવે. પ્રજાનાં હિતમાં. ૩૨માંથી ૨૬ મીડિયાએ સરકારનો આદેશ સ્વીકાર્યો નહીં અને એમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટર (એક્સ) વગેરેનો સમાવેશ થતો હતો. ચીનના ટીકટોકે આદેશ સ્વીકાર્યો હતો, પણ લોકો બાકીના મીડિયામાં વધુ સક્રિય હતા. બાંગ્લાદેશમાં જેમ શેખ હસીનાએ પોતાનાં પક્ષના વફાદારોને અનામતનો ફાયદો કરાવવા ત્યાંની સુપ્રીમ કોર્ટનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો એમ નેપાળની સરકારે ત્યાંની સુપ્રીમ કોર્ટનો સોશ્યલ મીડિયા પર અંકુશ લાદવા ઉપયોગ કર્યો. બસ, છેલ્લો અને ભરોસેમંદ કાન છીનવાયો અને લોકો રસ્તા પર ઉતરી પડ્યા. લોકોને લાગ્યું કે બધું જ મેનેજ કરવામાં આવી રહ્યું છે. ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, મીડિયા અને એકંદરે લોકતંત્ર. આ સિવાય શાસકો સામે નિવૃત્તિ પછી કાનૂની કારવાઈ ન થઈ શકે એવો કાયદો પણ ઘડવામાં આવ્યો છે. કામ ધંધો છે નહીં, ત્યાં યુવાનો હસીમજાક, ઠઠ્ઠા મશ્કરી અને ક્વચિત ગુસ્સો કરીને પોતાને અભિવ્યક્ત કરતા હતા એ પણ છીનવી લેવામાં આવ્યું.
વિકલ્પનો શૂન્યાવકાશ કોઈ પણ સમાજ કે દેશ માટે ખતરનાક નીવડે છે. ડાહ્યા શાસકો સામેથી વિકલ્પ આપે છે જે રીતે અંગ્રેજોએ કાઁગ્રેસની સ્થાપના કરાવીને ભારતની પ્રજાને તેનાં પોતાનાં પ્લેટફોર્મનો વિકલ્પ આપ્યો હતો. જે રીતે ઇન્દિરા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાને જેલમાંથી છોડીને તેમની સાથે સમજૂતી કરીને કાશ્મીરની પ્રજાને લોકતાંત્રિક વિકલ્પ આપ્યો હતો. પણ આ ડાહ્યા અને દુરન્દેશી ધરાવનારા શાસકોનાં લક્ષણો છે. રાજીવ ગાંધીમાં આટલી દુરન્દેશી નહોતી અને તેમણે ૧૯૮૭માં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં વિકલ્પ સાથે ચેડાં કર્યાં અને દેશ તેમ જ મુખ્યત્વે કાશ્મીરની પ્રજા આજ પણ તેની કિંમત ચૂકવી રહી છે.
છેલ્લે હિન્દી કવિ રાજેશ જોશીની પ્રસિદ્ધ કવિતા યાદ આવે છે, જેનું શીર્ષક છે ‘ઈત્યાદિ’.
કુછ લોગોં કે નામોં કા ઉલ્લેખ કિયા ગયા થા જિનકે ઓહદે થે બાકી સબ ઈત્યાદિ થે.
ઈત્યાદિ તાદાદ મે હંમેશાં હી જ્યાદા હોતે થે
ઈત્યાદિ ભાવતાલ કર કે સબ્જી ખરીદતે થે ઔર ખાના વાન ખા કર ખાસ લોગોં કે ભાષણ સુનને જાતે થે
ઈત્યાદિ હર ગોષ્ટિયોં મેં ઉપસ્થિતિ બઢાતે થે
ઈત્યાદિ જુલૂસ મેં તખ્તિયાં ઉઠાતે થે નારે લગાતે થે
ઈત્યાદિ લંબી લાઈનોં મેં લગ કર મતદાન કરતે થે
ઉન્હેં લગાતાર ઐસા ભ્રમ દિયા ગયા થા કિ વો હી
ઇસ લોકતંત્ર મેં સરકાર બનાતે થે
ઈત્યાદિ હંમેશાં હી આન્દોલનોં મેં શામિલ હોતે થે
ઇસલિએ કભી કભી પોલીસ કી ગોળી સે માર દિએ જાતે થે
જવ વે પુલિસ કી ગોલી સે માર દિએ જાતે થે
તબ ઉનકે વહ નામ ભી હમેં બતલાયે જાતે થે
જો સ્કૂલ મેં ભરતી કરવાતે સમય રખે ગએ થે
કુછ તો ઐસી દુર્ઘટના મેં ભી ઈત્યાદિ રહ જાતે હૈ.
ઈત્યાદિ યૂં તો હર જોખિમ સે ડરતે થે
લેકિન કભી કભી જબ વો ડરના છોડ દેતે થે
તો બાકી સબ ઉનસે ડરને લગતે થે.
ઈત્યાદિ હી કરને કો વો સારે કામ કરતે
જિનસે દેશ ઔર દુનિયા ચલતી થી
હાલાંકી ઉન્હેં ઐસા લગતા થા કિ વો એ સારે કામ
સિર્ફ અપના પરિવાર ચલાને કો કરતે હૈં
ઈત્યાદિ હર જઘ શામિલ થે પર ઉનકે નામ કહીં ભી
શામિલ નહીં હો પાતે થે
ઈત્યાદિ બસ કુછ સિરફિરે કવિયોં કી કવિતા મેં અક્સર દિખ જાતે થે.
− રાજેશ જોશી
ઇત્યાદિને વિકલ્પહીન કરશો તો તે એક દિવસ નહીં ડરવાનો વિકલ્પ અપનાવી લેશે અને કવિ કહે છે કે ઈત્યાદિ જબ ડરના છોડ દેતે થે તો બાકી સબ ઉનસે ડરને લગતે થે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 સપ્ટેમ્બર 2025