સ્વચ્છ અને સુરક્ષિત ગ્રહની ખેવના રાખનાર ૨૧ વર્ષની મહિલાની ધરપકડ ભારત સરકાર શા માટે કરે? પોતાના સાંકડા અંગત હિતથી પર જઈને બહોળા સમાજના હિતને પ્રાધાન્ય આપે, એવું દેશ ઇચ્છતો ના હોવો જોઈએ? પોતાના અને પોતાના સાથી દેશવાસીઓ માટે સારા ભવિષ્યનું નિર્માણ કરનાર યુવાન નાગરિકને આપણી સરકારે સળિયા પાછળ શું કામ ધકેલી દીધી? ને આટલી કઠોર ઢબે દિલ્હીથી પોલિસ પાર્ટીને હવાઈ માર્ગે મોકલી એને બેંગાલુરુમાં એના ઘરેથી રાજધાની શા માટે લઈ જવામાં આવી? મહાન, દેખીતી રીતે આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર માટે વૈશ્વિક વૉર્મિંગ અંગે જાગૃતિ ફેલાવતી ઝુંબેશના અને કિસાન આંદોલનના સમર્થનમાં કરેલી ટ્વીટ કઈ રીતે રાજદ્રોહી ખતરો ઊભો કરી શકે?
દિશા રવિની ધરપકડના સમાચાર આવ્યા ત્યારે એક મિત્રે આ સવાલો પૂછેલા. ભારતભરમાં ઘણાં ઘરોમાં આ સવાલો પુછાયા હશે. પ્રથમ નજરે બૅંગાલુરુની આ યુવાન મહિલાની મનસ્વી ધરપકડ કરી પોલિસ કસ્ટડીમાં લેવી એ તર્ક, વિચારશક્તિ અને સામાન્ય બુદ્ધિની પકડ બહાર લાગતું હતું. કાયદા અને લોકતાંત્રિક સંવિધાન મુજબ ચાલતા કોઈ રાષ્ટ્રએ આવું વર્તન કરવું જોઈએ નહીં. પરંતુ ભારત રાષ્ટ્રએ આમ કર્યું. શા માટે?
મોદી-શાહ રાજ્યતંત્ર વિશે આપણે જે જાણીએ છીએ, જે પ્રમાણે ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતમાં રાજ કર્યું અને ત્યાર બાદ કેન્દ્રમાં જે પ્રમાણે રાજ કરતાં આવ્યાં છે, એના આધારે બૅંગાલુરુની વતની એવી આ યુવાન, આદર્શવાદી, માતા સાથે રહેતી મહિલાને વગર નોટિસે એના ઘરેથી પોલીસ દિલ્હી ઉપાડી ગઈ અને પાંચ દિવસની સઘન પૂછપરછ કરી એ સંદર્ભે હું છ સંભવિત કારણો દર્શાવવા માગું છું.
પ્રથમ કારણ છે કે મોદી-શાહ રાજ્યતંત્ર સામાન્ય રીતે સ્વતંત્ર વિચારશીલતાથી ગભરાય છે. ભારતીયો કહ્યાગરા, સ્વીકારવાદી, શાસકતંત્ર અને રાષ્ટ્રને વફાદાર અને મહાન અને સ્વપ્નદૃષ્ટા નેતા પરત્વે પૂજનીય ભાવ ધરાવતા હોવા જોઈએ. આદર્શ રીતે, ભારતીય રાષ્ટ્રને પોતાની નીતિઓ અને કરેલાં કામની કોઈ સટીક, તટસ્થ, વિસ્તૃત અન્વીક્ષા પસંદ નથી. જો કે, ૨૦૧૪થી લોકતાંત્રિક સ્વતંત્રતાઓમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં પૂરેપૂરી ખતમ થઈ નથી. હજુ મુક્ત પ્રૅસનાં માંડ પૂરતાં મૂળ તત્ત્વો, નાગરિક સમાજના અમુક (ઝડપથી ઘટતાં જતાં) અવકાશ અને ભા.જ.પા. દ્વારા શાસિત નહીં એવાં અમુક મુખ્ય રાજ્યો બચ્યાં છે.
મોદી-શાહ રાજ્યતંત્ર ભારતભરમાં રાજકારણમાં તથા નાગરિક સમાજમાં વર્ચસ્વવાળું છે. પરંતુ એને સત્તાથી સંતોષ નથી — એ સંપૂર્ણ વર્ચસ્વ ઈચ્છે છે. આ મહત્ત્વાકાંક્ષાનો પીછો કરવામાં એ સંસદમાં ચર્ચા પર નિયંત્રણ કરે છે, રાજ્યોના હક પર કાપ મૂકે છે અને સમૂહમાધ્યમોની સ્વતંત્રતાને દાબે છે. સાડા છ વર્ષમાં એક પણ પ્રૅસ કૉન્ફરન્સ નહીં કરીને અને એકાગ્રતાથી ‘ગોદી મીડિયા’ને કેળવીને અને પ્રોત્સાહન આપીને, પ્રધાન મંત્રીએ એમની સરકારની કામગીરીની પત્રકારો દ્વારા થતી અન્વીક્ષાને ઘટાડવામાં સફળતા મેળવી છે. પરંતુ એને પૂરેપૂરી ખતમ નથી કરી — હજુ સુધી નહીં. ન્યુઝક્લીક જેવી સ્વતંત્ર સાઇટ પર અને સ્વતંત્ર મિજાજના પત્રકારો પર હુમલા પાછળનું કારણ આ છે.
courtesy : Satish Acharya's cartton; 15 February 2021
દિશા રવિની ધરપકડ પાછળનું બીજું કારણ છે કે મોદી-શાહ રાજ્યતંત્ર સામાન્ય ધોરણે સ્વતંત્ર વિચારશીલતાથી ગભરાય છે, પરંતુ જ્યારે યુવાનો એને વ્યક્ત કરે છે ત્યારે વિશેષ ગભરાય છે. ધાર્મિક બહુત્વવાદ, જ્ઞાતિ અને લિંગ આધારિત ન્યાય, લોકતાંત્રિક પારદર્શક્તા અને પર્યાવરણીય ટકાઉપણાના આદર્શોથી ચેતનવંતા બનેલાં ૨૦ અને ૩૦ વર્ષના ભારતીયો પાસે — એટલે કે સંઘ પરિવારથી જુદાં અને મહદ્દ અંશે વિરુદ્ધ આદર્શો ધરાવતાં પાસે — આપણા દેશ સંદર્ભે એમની પોતાની આશાઓ પૂર્ણ કરવા માટે વધુ ઉર્જા અને સમય છે. આથી, એમને રાજ્યની સત્તાના અને જરૂર પડે તો કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને જેલમાં પૂરી દેવા જોઈએ. આપણા દેશના ઊજ્જવળ ભવિષ્યની ખેવના રાખનારા યુવાન, આદર્શવાદી, નિસ્વાર્થ, ધરપકડ કરાયેલાં ભારતીયોની વધતી જતી યાદીના સંદર્ભે દિશા રવિની ધરપકડને સમજવી પડે.
પોતાને સ્વતંત્ર મનના માનતા વયસ્ક ભારતીયોની સરખામણીએ આવા યુવાન આદર્શવાદીઓથી સંઘ પરિવારને ઘણું વધુ જોખમ લાગે છે, વિરોધ પક્ષથી લાગે એના કરતાં પણ વધુ જોખમ. જેમ દિશા રવિની ધરપકડ અંગે અનુભવી પત્રકાર નિખિલ વાગલેએ લખ્યું: “ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમ્યાન વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરી હતી. મોદી એવું નહીં કરે કારણ કે એમને ખબર છે કે એમનામાંના મોટા ભાગના પાસે ના તો વિશ્વસનીયતા છે ના તો પ્રભાવ. માટે લોકતંત્રની રક્ષા કરવા માટે લડતા અસલી, યુવાન કર્મશીલોની એ ધરપકડ કરે છે. આ છે મોદીની તફાવતવાળી કટોકટી!”
અન્ય રાજકીય પક્ષોના સાંસદો અને ધારાસભ્યોની માફક આ યુવાન કર્મશીલોને લાંચ આપીને કે જબરદસ્તીથી ભા.જ.પા.માં જોડાવવા માટે દબાણ કરી શકાતું નથી. વળી, એ લોકો ભ્રષ્ટાચાર, સગાંવાદ કે વંશીય હકદારીના બોજ તળે દબાયેલા નથી. નિખિલ વાગલે બિલકુલ સાચું કહે છે — મનોવૈજ્ઞાનિક અને વૈચારિક ધોરણે સંઘ પરિવાર રાહુલ ગાંધી કે મમતા બેનર્જીથી ડરે છે એના કરતાં ઉમર ખાલિદ અને નતાશા નરવાલ જેવાંથી વધુ ડરે છે.
હૅડલાઇન્સમાં રહેવાનો અનિવાર્ય અભરખો એ મોદી-શાહ રાજ્યતંત્ર દ્વારા દિશા રવિની ધરપકડ પાછળનું ત્રીજું કારણ છે. કિસાન આંદોલન પ્રત્યેના સરકારના વલણની અને વિદેશી હસ્તીઓની થોડી ટ્વીટને એમણે આપેલી પાગલ અતિ-પ્રતિક્રિયાની પ્રૅસમાં થયેલી ટીકાને જીંગોવાદી ઓવરડ્રાઇવથી એવા દાવા કરીને વાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મલિન પરિબળોની ત્રિપુટી મારફતે ઊંડું આંતર-રાષ્ટ્રિય ષડ્યંત્ર પાર પાડવામાં આવી રહ્યું છે — કેનેડાના અમુક બેકાર ખાલીસ્તાનીઓ, સ્વિડનની એક તરુણી અને બૅંગાલુરુની તરુણાવસ્થામાંથી હમણાં જ બહાર આવેલી યુવતી. હવે દિલ્હી પોલીસ અમુક પર્યાયી હકીકતો બહાર પાડશે, ‘ગોદી મીડિયા’ અને ભા.જ.પા.નો આઇ. ટી. સૅલ એનો પ્રસાર કરશે અને આપણી રાજધાનીની સીમાઓ પર પીડાતા કિસાનોની કથા — સરકાર આશા રાખે છે — નજરઅંદાજ થશે (ભલે થોડા સમય માટે).
બૅંગાલુરુની મારી સાથી રહેવાસીની ધરપકડ મોદી-શાહ રાજ્યતંત્ર દ્વારા કરવામાં આવી છે એનું ચોથું કારણ છે અંદરખાને એ લોકો પરદેશીઓ વિશે તીવ્ર અણગમો (xenophobia) ધરાવે છે. એક ભારતીય નારી, અને એ પણ આટલા સ્વદેશી ઉચ્ચારવાળું નામ ધરાવતી, સફેદ ચામડી અને રાષ્ટ્રવાદના એમના પોતાના વિકૃત, એકાકી ખ્યાલને રોળી નાખતા ખ્રિસ્તી વારસો ધરાવતા પર્યાવરણ કર્મશીલો સાથે નિયમિત સંપર્કમાં હતી માટે ફરમાન મુજબ દિશા રવિ નામની યુવતી જો કાલા પાનીની હદ વટાવે તો એ ભા.જ.પા.ના વિદેશમાં વસતા મિત્રોના ન્યુ યોર્ક કે વૉશીંગ્ટન સૅલ સાથે જ સંવાદ કરતી હોવી જોઈએ.
આ ૨૧ વર્ષની બૅંગાલુરુની વતનીની મોદી-શાહ રાજ્યતંત્ર દ્વારા થયેલી ધરપકડ પાછળનું પાંચમું કારણ છે યુવાનોને અને એમનાં માતાપિતાને ડરામણો સંદેશો પહોંચાડવો. જો કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવાથી રાજ્યસત્તા તરફથી આટલી નિર્દયી સજા કરવામાં આવતી હોય તો પોતાની કારકિર્દી અને પરીક્ષાથી પર જઈને કર્મશીલતા (અંશકાલીક પણ) કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ નિષિદ્ધ થશે. એમનાં માતાપિતા, કાકાકાકી અને એમનાથી મોટા પિતરાઈ ભાઈ-બહેનો એમને સોશ્યલ-મીડિયા અને જાહેર સંમેલનોથી દૂર રહેવાની સલાહ આપશે. એમની શાળા-કૉલૅજનાં આચાર્યો અને શિક્ષકો પણ આમ જ કરશે. મોદી અને શાહ જે આજ્ઞાધીનતા અને અનુસરણના વાતાવરણ માટે આટલા મરણિયા થયાં છે (એવી આશા મોદી અને શાહ રાખે છે), તે યુવાનોમાં વધુ ઊંડી પ્રસરશે. મોદી-શાહ રાજ્યતંત્ર દ્વારા સામાન્ય રીતે યુવા કર્મશીલોના દમનને ઉપર દર્શાવેલા આ પાંચ કારણો લાગુ પડે છે. છઠ્ઠું કારણ આ ક્રમશીલને જ લાગુ પડે છે. કેન્દ્ર સરકાર દિશા રવિથી એના ગ્રૂપ ‘ફ્રાઈડેઝ ફૉર ધ ફ્યુચર’(FFF)ને લીધે ડરે છે કારણ કે એ ગ્રૂપ ભારતીય રાજ્યસત્તા દ્વારા કરવામાં આવતા પર્યાવરણીય ઉલ્લંઘનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. The NewsMinute નામની ઉત્કૃષ્ટ વૅબસાઇટ નોંધે છે તેમ, “યોજનાઓ પર જનતાના સલાહ-સૂચનમાં ઘટાડો કરતા અને કાર્યોત્તર પર્યાવરણીય મંજૂરીને અનુમતિ આપતા ડ્રાફ્ટ EIA 2020 (Draft Environmental Impact Assessment Notification 2020) સામે કડક વલણ અપનાવેલા FFFથી કેન્દ્ર સરકાર ત્રસ્ત છે.”
સામાજિક ન્યાય અને પર્યાવરણીય ટકાઉપણા ઉપર કૉર્પૉરૅટનાં લાભને પ્રાધાન્ય આપવાની મોદી સરકારની બહોળી નીતિ સાથે EIAને નબળું કરવાની ચેષ્ટા સુસંગત છે. મધ્ય ભારતમાં રાજ્યસત્તાની નજીક ગણાતા પ્રમોટરો દ્વારા ચલાવવામાં આવતી ખનન કંપનીઓને આદિવાસીની જમીનો અને જંગલો સુપ્રત કરી દેવા સામે વિરોધ કરવા માટે સુધા ભારદ્વાજ અને સ્ટૅન સ્વામી ભયાનક કિંમત ચુકવી રહ્યાં છે. હવે બૅંગાલુરુની દિશા રવિનો વારો છે. ભારતીય રાજ્યસત્તાને જે ઓળખીએ છીએ એ જોતાં પૂરેપૂરી શક્યતા છે કે એમણે દિશા રવિને નિશાન એટલા માટે બનાવી છે કે (આ લેખમાં અગાઉ જે કર્મશીલોના નામ લીધેલાં છે એમની જેમ) વિદ્યાર્થી કાળની રાજકીય કર્મશીલતાની પરંપરા ધરાવતી નથી, જેથી એ પાશવી પૂછપરછ સહન કરી શકે. દિલ્હી પોલિસના હાથે એને શું સહન કરવાનું આવ્યું હશે એ વિચારતા ડર લાગે છે.
મેં અગાઉ કહ્યું તેમ, કાનૂનને આધિન કોઈ પણ દેશ આમ ના વર્તે. પરંતુ મોદી-શાહ રાજ્યતંત્રને લોકતાંત્રિક પ્રક્રિયા પ્રત્યે ધિક્કાર છે. આ સરકાર માનવતા, સૌજન્ય, ઔચિત્ય, પારદર્શિતા વિનાની છે. એ માત્ર સંપૂર્ણ સત્તા પાછળ પડેલી છે. એ નિરંકુશ રાજકીય, વૈચારિક અને અંગત સર્વોપરિતા ઇચ્છે છે. ભારતના બંધારણના આમુખમાં વ્યક્ત કરેલી ઉમદા ભાવનાઓનું એ દસ્તાવેજ પર પદ શપથ લેનારાઓ દ્વારા દરરોજ ઉલ્લંઘન કરવામાં આવે છે. એટલા માટે જ જ્યારે વિચારશીલ યુવાનો દ્વારા આ બંધારણીય મૂલ્યોને સન્માનવા અને મર્યાદા જાળવવા પડકારવામાં આવે છે ત્યારે પ્રતિભાવમાં રાજસત્તા આ વિચારશીલ યુવાનોને જેલમાં પૂરી દે છે.
(રામચંદ્ર ગુહા બૅંગાલુરુમાં વસતા ઇતિહાસકાર છે. એમણે લખેલાં પુસ્તકોમાં ‘ઍન્વાયર્નમૅન્ટલીઝમ: અ ગ્લૉબલ હિસ્ટ્રી’ અને ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેંજ્ડ ધ વર્લ્ડ’નો સમાવેશ છે.)
~
સ્રોત: https://www.ndtv.com/opinion/why-modi-and-shah-fear-young-activists-by-ramachandra-guha-2371727