Opinion Magazine
Number of visits: 9484316
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સવર્કરની સંગાથેઃ − 4

ગૌરાંગ જાની|Opinion - Opinion|16 October 2020

૧૯ : હોટેલના રૂમનું બારણું ખોલ્યું અને …… વર્ષ ૨૦૦૪ની વાત છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના મારા રૂમમાં હતો ને ચાવીના ખખડાટ સાથે સ્વીટી રૂમમાં દાખલ થઈ. મારું બારણું હંમેશાં ખુલ્લું જ રહેતું. એક નાનું પાર્ટિશન બારણાંની આડશ હતું. સર આવું ? એમ કહેતી તે મારા સામેની ખુરશી પર બેસી ગઈ. સ્વીટી અમારા પ્રોજેક્ટમાં પિયર એજ્યુકેટર તરીકે કે અન્યથા એ સક્રિય ન હતી, પણ ક્યારેક શનિવારની મિટિંગમાં આવતી.

તેની આંખોમાં આંસુ હતાં. ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડવાનું જ જાણે બાકી હતું. પણ તેણે એ રોક્યું. મેં પાણી આપ્યું. ’સર, આજે એવું બન્યું જેની કદી મેં કલ્પના કરી ન હતી. હું આજે ઘરે કેવી રીતે જઈશ ?’ મેં પૂછ્યું કે એવું તો શું બન્યું ? સ્વીટીએ કહ્યું કે સર, તમે જાણો છો એમ મારા મોટા ભાગના ગ્રાહકો મોટી ઉંમરના જ હોય છે. તેઓ પૈસા વધારે આપે છે અને હોટેલમાં જ જવાનું હોય છે. દલાલો ગ્રાહકો લઈ આપે છે. આજે એક હોટેલમાં મારું બુકિંગ હતું. ગ્રાહકના સમય પહેલાં હું પહોંચી ગઈ. આટલું કહેતા એ ખૂબ રડી ….. તેણે આગળ કહ્યુંઃ ‘રૂમમાં પહોંચ્યા પછી થોડીવારે ડોરબેલ વાગ્યો અને મેં બારણું ખોલ્યું. સર બારણું ખોલતાં જ મારી આંખો પહોળી થઈ ગઈ. એ ગ્રાહક મારા પપ્પા હતા. મારા પપ્પાએ મને જોઈ અને એ જ ક્ષણે ત્યાંથી વિદાય થઈ ગયા ….. સ્વીટીનું માથું શરમ અને દુઃખથી નમી ગયું. હું પણ અવાચક. તેણે કહ્યું, મારા પપ્પાને એ ખબર નથી કે હું ધંધો કરું છું અને મારા પપ્પા આવું કરે એ તો કલ્પના જ ના હોય. સર, હું આજે કયું મોઢું લઈ ઘરે જઈશ !

સેક્સવર્કરના જીવનમાં એવી-એવી ઘટના બનતી હોય છે, જે આપણા સમાજની જમીની હકીકતોને સપાટી પર લાવે છે. આ એક બજાર છે, પણ અન્ય બજારોની જેમ ગ્રાહકો ઓળખાતા નથી કે ના તો આ ગ્રાહકોની કોઈ ચર્ચા થાય છે. ચર્ચામાં હોય છે તો માત્ર ગણિકા અને તેને સહન કરવા પડતાં અપમાન અને સ્વીટીના જીવનમાં બનેલી કડવી વાસ્તવિકતાઓ.

૨૦ : સેક્સવર્કરે ભણાવ્યા વિદ્યાર્થીઓને : શિક્ષક હોવાને નાતે મને હંમેશાં એવું લાગ્યું છે કે આપણી યુનિવર્સિટીઓ જનસામાન્યથી દૂર જતી જાય છે. પરિણામે યુનિવર્સિટી કૅમ્પસમાં ડિગ્રીઓની ચર્ચા સિવાય સામાન્ય કે છેવાડાના લોકોની ચર્ચા મર્યાદિત બની જાય છે. આ કારણે સેક્સવર્કર બહેનોના અનુભવો તેઓના મુખે જ વિદ્યાર્થીઓ સાંભળે અને સમાજશિક્ષણ પામે એવો પ્રયત્ન કરતો રહ્યો છું. મારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને તો આ લાભ મળ્યો છે પણ એ સિવાય જુદી-જુદી શિક્ષણ સંસ્થાઓમાં પણ આવો પ્રયત્ન કરું છું.

વર્ષ ૨૦૧૨થી અમદાવાદ સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન(NID)માં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ’સાયન્સ ઍન્ડ લિબરલ આટ્‌ર્સ(SLA)નો અભ્યાસક્રમ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે ભણાવું છું. તેના ભાગરૂપે સેક્સવર્કર, એચ.આઇ.વી.ગ્રસ્ત વ્યક્તિઓ, નશીલી દવાઓનું સેવન કરનારી વ્યક્તિઓ, આંતરધર્મીય લગ્ન કરનાર યુવાદંપતી સાથે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરાવું છું.

જે સેક્સવર્કર બહેન વિદ્યાર્થીઓ સાથે પોતાની ઓળખ છુપાવ્યા વિના ચર્ચા કરવા ઇચ્છુક હોય, તેઓને એન.આાઇ.ડી.માં વર્ગખંડમાં લઈ જઈ  વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ગોઠવું છું. મારો અનુભવ રહ્યો છે કે વિદ્યાર્થીઓ શાંતિથી બહેનને સાંભળે છે અને અનેકવિધ પ્રશ્નો પૂછી કે તેઓનો મત વ્યક્ત કરી સેક્સવર્કરનાં જીવનને સમજે છે. એન.આઈ.ડી.માં દેશભરના વિદ્યાર્થીઓ ભણતા હોવાને કારણે સેક્સવર્કર બહેનને રાષ્ટ્રીય સ્તર પર પોતાની વાત મૂકવાની તક મળે છે અને સાથે તેઓ વિશેની સમજ અને સંવેદનશીલતા નવી પેઢીમાં વિકસિત થાય  છે.

૨૧ : સેક્સવર્કર બહેનોની પોતાની બૅન્ક અર્થાત્‌ સખી બચત : જ્યોતિસંઘના પ્રોજેક્ટને ત્રણ વર્ષ થયાં, ત્યારે વર્ષ ૨૦૦૦માં અમે શહેરની ૧,૧૦૦ બહેનોને સંગઠિત કરી ચૂક્યા હતા. એચ.આઇ.વી. વિશેની જાગૃતિ અને સલામત જાતીય સંબંધો માટેની તેઓની સજ્જતા વધતી જતી હતી. પણ એ સિવાય તેઓની આર્થિક ઉન્નતિ માટે શું કરી શકાય, તેની વિચારણા પણ બહેનોએ શરૂ કરી. એ સમયે ભાગ્યે જ કોઈ બહેન બૅંકમાં ખાતું ધરાવતી હતી. તેઓએ બચત કરવી જોઈએ એ અનિવાર્યતા તેઓને સમજાઈ. બૅંકમાં ખાતું ખોલવું જોઈએ, એ ઉત્સાહ સ્થપાયો, પણ જ્યારે બૅંકમાં તેઓ પોતાનો સાચો વ્યવસાય કહે, તો બૅંક મૅનેજર નાકનું ટેરવું ચઢાવે અને તેઓને નિરાશ કરે. એવું અનેક બહેનો સાથે બન્યું. પછી તો નક્કી જ કર્યું કે બૅંકમાં જઈ ભારપૂર્વક કહેવું કે તેઓ સેક્સવર્કર છે.

આ સ્થિતિમાં સુવિકાસ કો-ઑપરેટિવ બૅંકના મૅનેજર અને મારા પરમ-મિત્ર હરેશ ખોખાણીએ અમને સલાહ આપી કે તમારી પોતાની બચત યોજના શરૂ કરો. એ માટે તેઓ મદદ કરશે. આમ, સખી જ્યોત બચત-યોજનાનો પ્રારંભ થયો. અનેક બહેનો તેની સભ્ય થવા માંડી. તેનું સંચાલન પણ તેઓએ જ હાથમાં લીધું. સભ્ય બહેનોને પાસબુક અર્થાત્‌ એક ડાયરી આપવામાં આવી, જેમાં તેઓ જ્યારે પૈસા જમા કરાવે તેની નોંધ કરવામાં આવે. રોજેરોજ બહેનો તેની કમાણીમાંથી પૈસા જમા કરાવવા માંડી.

સમય જતાં ભંડોળ નોંધપાત્ર રીતે વધવા લાગ્યું. બે બહેનોએ તો તેઓના પતિને ઑટોરિક્ષા લઈ આપી ઓછા વ્યાજની લોન લઈને. ઘરનો સામાન જેમ કે ફ્રીઝ, પલંગ, કબાટ, બાળકોની વસ્તુઓ વગેરે લેવાનું શક્ય બન્યું. તેનું મોટું પરિણામ એ આવ્યું કે શહેરની આ બહેનોનું સંગઠન મજબૂત બનવા લાગ્યું. બચતે તેઓને આત્મનિર્ભર બનાવી. અખબારોએ તેની નોંધ પણ લેવાનું શરૂ કર્યું. સમાજની મુખ્ય ધારામાં સામેલ થવાનું એક મજબૂત પગલું ભરાયું.

૨૨ : જ્યોતિસંઘનું વર્તન – પરિવર્તન (Behavioural Change) : મહાત્મા ગાંધીના આશીર્વાદથી વર્ષ ૧૯૩૪માં સ્થપાયેલ મહિલાસંસ્થા દાયકાઓથી મહિલાઓને સામાજિક ન્યાય બક્ષવામાં અને ઘરેલુ હિંસા સામે સ્વમાનભેર રક્ષણ આપવામાં અગ્રેસર રહી, પરંતુ મધ્યમવર્ગીય કલ્યાણકારી અભિગમને કારણે જ્યોતિસંઘનું નેતૃત્વ સેક્સવર્કરના કામને અયોગ્ય, નીતિમત્તાથી વિરુદ્ધનું, સમસ્યારૂપ અને સુધારણાને લાયક માનતું. તેઓના પુનર્વસન માટે પોલીસને મદદ કરવાનું વલણ પણ રહેતું.

આ ઇતિહાસને કારણે જ્યારે મેં સંસ્થામાં પગ મૂક્યો, ત્યારે મોટો પડકાર હતો કે સેક્સવર્કરના અધિકાર અર્થે સંસ્થાને વૈચારિક રીતે કેવી રીતે મદદ કરવી. વળી, સેક્સવર્કર બહેનો જ્યોતિસંઘને શંકાની રીતે જોતી. એ જ સંસ્થામાં તેઓને આદરપૂર્વક આવકારવા મુશ્કેલ હતું. કાર્યકરો તેઓ પાસે જાય અને સંસ્થામાં આવવાનું નિમંત્રણ આપે, ત્યારે બહેનો ભડકતી. ભારે જહેમત ઉઠાવી મારા વિદ્યાર્થી-કાર્યકરોએ. પરંતુ એક તરફ જ્યોતિસંઘના પ્રમુખ, સેક્રેટરી અને કારોબારીના સભ્યોએ નવો વિચાર અને આચાર સ્વીકાર્યાં તો બીજી તરફ સેક્સવર્કર બહેનોમાં અમારા નવતર અભિગમને કારણે વિશ્વાસ ઊભો થયો. મહિલાઓની આ સંસ્થામાં કદાચ હું પહેલો પુરુષ હતો, જે એક નવા પ્રોજેક્ટની જવાબદારી સંભાળતો હોય.

મૃણાલિનીબહેન ડૉક્ટર જેઓ પૂર્વે સમાજસુરક્ષા ખાતામાં ઉચ્ચ હોદ્દો ધરાવતાં હતાં તેઓ સંસ્થાના પ્રમુખ બન્યાં. વળી, નિર્મલાબહેન પટેલ અને ડૉ. ભારતી ગાંધી પ્રમુખ બન્યાં. તે બન્ને સમાજશાસ્ત્રમાં અનુસ્નાતક અને ભારતીબહેને તો ડૉ. તારાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ જ્યોતિસંઘ વિશે પીએચ.ડી કરેલું. આમ, સંસ્થાના હોદ્દેદારોએ નવું વાતાવરણ અને નવા વિચારો સ્વીકાર્યાં. તેને પરિણામે અમદાવાદ જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત શહેરમાં સેક્સવર્કર બહેનો માટે જ્યોતિસંઘે એક આખો ફ્લૉર અને તેનો હૉલ એક દાયકાથી વધુ સમય માટે પ્રેમથી આપ્યો.

અત્રે યાદ દેવડાવું કે અમદાવાદમાં અનેક જૂની અને પ્રતિષ્ઠિત મહિલા-સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ હોવા છતાં જ્યોતિસંઘ સિવાય કોઈ સંસ્થાએ સેક્સવર્કર બહેનો માટે દરવાજા ખુલ્લા મૂક્યા નહિ.

૨૩ : અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમ સેક્સવર્કર બહેનોનું સંગઠન : અમારા પ્રોજેક્ટને પાંચ વર્ષ થયાં, ત્યારે સેંકડો બહેનો જ્યોતિસંઘ સાથે જોડાઈ ચૂકી હતી. સમુદાયની ૩૦ બહેનો પ્રોજેક્ટમાં પિયર એજ્યુકેટર તરીકે પોતાનું યોગદાન આપી રહી હતી. ગુજરાત સ્ટેટ એડ્‌સ-કન્ટ્રોલ સોસાયટી અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન એઇડ્‌સ-કન્ટ્રોલ સોસાયટીનો સહયોગ પ્રાપ્ત હતો.

શહેરમાં ગુજરાત સહિત દેશભરમાં એક સફળ પ્રોજેક્ટનું સન્માન પણ પ્રાપ્ત થયું હતું. એ સ્થિતિમાં અમને એવું સતત લાગ્યા કરતું કે સમગ્ર પ્રોજેક્ટ સેક્સવર્કર બહેનોને સોંપી દેવો જોઈએ અને તેની ઑનરશિપ તેઓ પાસે રહે. જ્યોતિસંઘે અને મારે માર્ગદર્શકની ભૂમિકા ભજવવી જોઈએ. NGOમાંથી CBO ઑનરશિપની દિશા માટે અનિવાર્ય હતું કે તેઓનું સંગઠન બને.

વર્ષ ૨૦૦૩ની આઠમી માર્ચે અર્થાત્‌ મહિલા દિવસથી રૂડો દિવસ કયો હોય. એ દિવસે ’સખીજ્યોત સંગઠન’ની સ્થાપના થઈ. પાંચ સ્થાપક સભ્યોમાં ત્રણ સમુદાયની બહેનો, હું અને જ્યોતિસંઘનાં પ્રમુખ સર્વાનુમતે નિમાયાં. પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી કે નિમણૂક કરતા પૂર્વે કોકિલાબહેન દરજી કન્વીનર બન્યાં અને સંગઠનને કાર્યાન્વિત કરવામાં આવ્યું. આજે ૧૭ વર્ષ બાદ પણ આ સંગઠન એચ.આઇ.વી. એઇડ્‌સ-નિયંત્રણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સંચાલન કરી અમદાવાદની સેક્સવર્કર બહેનોનું પ્રતિનિધિત્વ કરે છે.

૨૪ : સ્કૂલ યુનિફોર્મમાં વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક : અમદાવાદમાં સેક્સવર્કર બહેનો એક તરફ એચ.આઇ.વી. સંક્રમણને રોકવા સલામત જાતીય સંબંધો માટે સજ્જ થઈ રહી હતી તો તેને સમાંતર નાગરિકધર્મ બજાવવા ઉત્સુક બની રહી હતી. આપણે સૌ જાણીએ છીએ કે સેક્સવર્કરના ગ્રાહકો કોઈ પણ ઉંમરના હોઈ શકે છે. તેમાં કિશોરોથી માંડી સિનિયર સિટીઝન સુધીના હોય છે. અમદાવાદમાં પણ પ્રોજેક્ટ સાથે જોડાયેલ બહેનો દ્વારા ક્યારેક માહિતી મળતી કે સ્કૂલ-યુનિફૉર્મ પહેરેલા વિદ્યાર્થીઓ પણ ગ્રાહક તરીકે આવતા. બહેનો કહેતી કે સેક્સનો અનુભવ કરવા, કુતૂહુલથી પ્રેરાઈ અને તરુણાવસ્થાની સ્થિતિના પ્રભાવે તેઓ ગ્રાહક બનીને આવતા.

જ્યોતિસંઘના નેજા નીચે સંગઠિત થતી બહેનોમાં આ વિશે ચર્ચા થતી. દર શનિવારની  મિટિંગોને કારણે સામૂહિક ડહાપણ વહેંચાતું રહ્યું. એચ.આઇ.વી. સંક્રમણથી વિદ્યાર્થીઓને બચાવવા જોઈએ એ મુદ્દો મહત્ત્વનો બનતો રહ્યો. પરિણામે સેક્સવર્કર બહેનો પાસે કિશોરો ગ્રાહક બનીને આવતા, ત્યારે બહેનો તેઓને સમજાવીને પાછા મોકલતાં. આવું વાતાવરણ સર્જાતા ધીમે-ધીમે શાળાએ જતા વિદ્યાર્થીઓમાં ગ્રાહક બનવાનું લગભગ બંધ થઈ ગયું.

અત્રે એ યાદ દેવડાવું કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી શાળામાં સેક્સ-એજ્યુકેશન આપવા પર પ્રતિબંધ છે. આ સ્થિતિમાં ઊગતી પેઢીમાં સેક્સ વિશેનાં વૈજ્ઞાનિક વલણ વિકસવાની બારીઓ આપોઆપ બંધ થઈ જાય છે. જે સમજ શાળાઓ ના આપી શકી એ અમારી સેક્સવર્કર બહેનોએ કરી બતાવ્યું. અને હા, એ પણ દર્શાવું કે અમદાવાદની કેટલીક જાણીતી શાળાના વિદ્યાર્થીઓ સેક્સવર્કર સાથે ચર્ચા કરવા, તેઓની સમસ્યા જાણવા જ્યોતિસંઘની શનિવારની મિટિંગોમાં તેઓની શાળાનો ગણવેશ પહેરી શિક્ષક સાથે આવતા. એ શાળાઓના શિક્ષકોનો આભાર.

૨૫ : પુરુષ ગ્રાહકો કૉન્ડોમ ના વાપરે તો ? ફિમેલ કૉન્ડોમની ઉપયોગિતા વિશેનો અભ્યાસ : જ્યોતિસંઘ દ્વારા અને સેક્સવર્કર બહેનોના સખીજ્યોત સંગઠન દ્વારા સલામત જાતીય સંબંધ વિશે વ્યાપક જાગૃતિ આવી. ૪,૦૦૦થી વધુ બહેનોએ પ્રત્યેક જાતીય સંબંધમાં કૉન્ડોમના ઉપયોગને વાસ્તવિક બનાવ્યું. પ્રોજેક્ટને ૭ વર્ષ થયાં, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાના બે અભ્યાસોએ પુરવાર કર્યું કે જાતીય આરોગ્યની સંભાળ લેવાને કારણે અમદાવાદની સેક્સવર્કર બહેનોમાં એચ.આઇ.વી.નું પ્રમાણ દેશમાં સૌથી ઓછું નોંધાયું.

સેક્સવર્કર બહેનો તેઓના પુરુષ ગ્રાહકોને કૉન્ડોમનો ૧૦૦% ઉપયોગ કરાવવામાં ઘણા અંશે સફળ થઈ. તેમ છતાં બહેનો તેઓના કેટલાક કાયમી ગ્રાહકો કે ’યાર’ અર્થાત્‌ સૌથી નજીકના મિત્રગ્રાહકો સાથે કૉન્ડોમનો ઉપયોગ ટાળતી, જેને કારણે એચ.આઇ.વી. સંક્રમણનો ખતરો રહેતો. પુરુષ ગ્રાહકો કૉન્ડોમના ઉપયોગથી દૂર રહેતા અને બહાના કાઢતા કે તેનાથી સેક્સનો આનંદ નથી આવતો. આમ પણ ભારતમાં આ જ દલીલ પુરુષોની રહી છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે ૪ પ્રમાણે ભારતમાં ૧૫થી ૪૫ વય જૂથના પુરુષોમાં માત્ર ૫ ટકા જ કૉન્ડોમનો ઉપયોગ કરે છે.

આ પરિસ્થિતિમાં ભારત સરકારની હિન્દુસ્તાન લેટેક્સ કંપનીએ અમારી સામે પ્રસ્તાવ મૂક્યો કે તેઓ સેક્સવર્કર બહેનોને ફિમેલ કૉન્ડોમ (ફેમકૉન્ડ) આપી શકે. ફિમેલ કૉન્ડોમ આજે પણ ભારતમાં પ્રચલિત નથી. આ કૉન્ડોમ સ્ત્રીઓએ તેઓની યોનિમાં મૂકવાનાં હોય છે અને તે દ્વારા તે સલામત જાતીય સંબંધ રાખી શકે, જ્યારે પુરુષ ગ્રાહક કૉન્ડોમ માટે ના પાડે.

ફિમેલ કૉન્ડોમનો સીધો ઉપયોગ કરતાં પહેલાં અમે નક્કી કર્યું કે ફિમેલ કૉન્ડોમનો બહેનો ખરેખર સ્વીકાર કરે છે કે નહીં. તેના ઉપયોગમાં કેવા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, પુરુષ ગ્રાહકોનો શો અનુભવ રહે છે જ્યારે સમાગમ વખતે સેક્સવર્કર બહેને ફિમેલ કૉન્ડોમ પહેર્યું હોય. આ કારણે વર્ષ ૨૦૦૬ના જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ ૨૨૦ સેક્સવર્કર બહેનો પર ફિમેલ કૉન્ડોમનો પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગ દરમિયાન તેઓના અનુભવોને રેકૉર્ડ કરવા મુલાકાત-અનુસૂચિ દ્વારા તેઓના પ્રતિભાવો માટે સર્વે કરવામાં આવ્યો.

અભ્યાસપૂર્વે ૩૦ જૂનથી ૩ જુલાઈ ૨૦૦૬ દરમિયાન અમદાવાદની હોટેલ રૉયલ હાઇનેસમાં તાલીમ શિબિર રાખવામાં આવી. જાતીય આરોગ્ય વિશે સંશોધન કરતી સંસ્થા RCSHA અને કૉન્ડોમ બનાવતી HLFPPT‌ના સહકારથી અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશાન એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટીના ડિરેક્ટર ડૉ. લક્ષમણ મલોડિયાના માર્ગદર્શન હેઠળ આ સર્વે કરવામાં આવ્યો અને તાલીમ-શિબિરનું આયોજન થયું. પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી મારે શિરે હતી. શિબિરનો રિપોર્ટ પ્રોજેક્ટના આઉટ રિચવર્કર મિલન પટેલે તૈયાર કર્યો.

અંગ્રેજી ૮ આકારનો હોય છે ફિમેલ કૉન્ડોમ. તેને યોનિમાં સરકાવી દેવાનું હોય છે. તેને ૮ કલાક સુધી યોનિમાં રાખી શકાય છે. ત્યાર બાદ તેને કાઢી નાખવું પડે. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. તેની તાલીમ બહેનોને આપવામાં આવી. ત્યાર બાદ સર્વેના સમય દરમિયાન રોજેરોજ બહેનોને કૉન્ડોમ મફત પહોંચાડવામાં આવતું. આ કામ માટે પ્રોજેક્ટના તમામ કાર્યકરોએ સતત ૩ મહિના ભારે જહેમત ઉઠાવી સર્વે કર્યો …     

(ક્રમશઃ)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2020; પૃ. 12-13

Loading

16 October 2020 admin
← India: Communalists, Indian Constitution and Muslim Minorities
શિકારી ગાંધી →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved