મહાત્મા ગાંધીજીના શરીરની ઊંચાઈ કદાચ સાબરમતી યરોડાની તુરંગોમાં તેમના ઓળખપત્ર(history ticket)માં નોંધાઈ હશે. અનુમાન કરું છું કે તે પાંચ ફૂટ અને આઠેક ઈંચ જેટલી હશે. પાતળી-દૂબળી દેહયષ્ટિ, ઊજળી ચંપકવર્ણી સૂર્યતેજમાં ચમકતી ચામડી, તેજ મારતું લલાટ, લાલચોળ છાતી, આગળ પડતાં ઘૂંટણનાં હાડકાં (ઢાંકણી), એટલી વિશેષતા તેમના દેહમાં સહેજે તરી આવતી દેખાતી. તેમનું નાક આગળ પડતું, કાન પ્રમાણમાં મોટા, અને કપાળ ઉપર ચડે તેમ, ઢળતું જતું હતું. તેમનું વજન સોથી એકસો બાર (કાચા) શેરની વચ્ચે રહેતું. ગાંધીજીની મુખાકૃતિ મુખવિદ્યા(physio gnomy)ના સર્વે નિયમોને પડકારી તે નિયમોને ખોટા પાડે છે એમ પશ્ચિમના કોઈક લેખકે લખ્યું છે. તેમના મુખ ઉપર કોઈ ભાવ દીર્ઘકાળ સ્થિરતાથી રહેતો ન હતો. પ્રાર્થનાસમયે તેમના મુખ ઉપરની અદ્ભુત શાંતિ નીરખી વિસ્મય ઊપજે તો રાજકારણી પુરુષો સાથેની ચર્ચા વેળાએ ચહેરા ઉપર ચાલાકી અને સાવધતા વસ્તાય. તેમણે તેમના એક અંતેવાસીને કહેલું કે, “મારા મુખ ઉપર તમને કોઈ એક શાશ્વત ભાવ જોવા નહીં મળે, એટલું જ નહીં પણ પળે પળે મારા મુખ ઉપર ભાવો બદલાતા રહે છે.”
ગાંધીજીને જૈનોની પેઠે રાત્રિભોજનનો નિષેધ હતો. આથી આશ્રમમાં સૂર્યાસ્ત પહેલાં જ સંધ્યાભોજન પૂરું થતું. મધ્યાહ્નભોજન તથા સંધ્યાભોજન વેળાએ કસ્તૂરબા તેમની સમક્ષ સામેની પંગતમાં હોય. તેથી કોઈ કોઈ વાર તેમની વચ્ચે વાર્તાવિનોદ પણ ચાલે. ઈ. સ. 1924માં યરોડા જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજીએ આશ્રમનાં પંચ મહાવ્રતોનું તથા એકાદશ વ્રતોનું પાલન કડકાઈથી કરાવવા માંડેલું. તેને અંગે બધાં ખાનગી રસોડાં બંધ થયાં અને છાત્રાલય પાછળનું મોટું રસોડું એકમાત્ર રસોડું થયું. દાળ-શાકમાં વઘાર બંધ ! હળદર પણ બંધ ! મીઠું લેવાની છૂટ, પણ તે થાળીમાં ઉપરથી લેવાનું. રસોઈમાં મીઠું પડે નહીં! પાકશાસ્ત્રપ્રવીણ સ્ત્રીઓમાં કચવાટ ફેલાયો. એક દિવસ ગાંધીજીએ ભોજન કરતાં મોટેથી કસ્તૂરબાને પૂછ્યું : “કેમ ! રસોઈની મીઠાશ ગમી કે નહીં ? આવી મરીમસાલા વિનાની અલૂણી રસોઈ અહીં કદી ય ચાખવા મળી હતી?” (શબ્દો મારા છે, ભાવ મહાત્માજીનો છે.)
કસ્તૂરબા રહ્યાં દીવાનનાં પુત્રવધૂ અને વિચક્ષણ શેઠિયા કુટુંબની કન્યા ! તેમણે સામો પ્રશ્ન કર્યો: “કેમ ! ભૂલી ગયા દક્ષિણ આફ્રિકાના દિવસો ? દર શનિવારે તમે મારી પાસે પૂરણપોળી અને ભજિયાં કરાવતા હતા તે યાદ છે ખરું?” ગાંધીજી હસી પડ્યા.
ઉનાળામાં સાબરમતીમાં શું કે વર્ધામાં શું, ઘામ અને પરસેવો થવાનાં જ. આના ઉપાય તરીકે ગાંધીજી માથા ઉપર ભીની માટીની, કપડાની બેવડમાં રાખેલી, લોપરી મૂકતા. એકાદ અંતેવાસી તેમને પંખો પણ નાખતો. આથી ઉનાળામાં તાપમાંથી અને ચોમાસામાં માખીઓથી રાહત રહેતી. એક વાર ગાંધીજી કામ કરતા હતા અને મહાદેવભાઈ તેમને પંખો નાખતા હતા. પંખો કરતાં કરતાં મહાદેવભાઈની આંખ મળી ગઈ અને કાયા ઢળી ગઈ. પછી મહાદેવભાઈ જ્યારે જાગ્યા ત્યારે જુએ છે તો પોતે ઢળેલા અને ગાંધીજી તેમને પંખો નાખતા હતા!
રાત્રે આશરે નવેક વાગ્યે બાપુનo ખાટલo ‘હૃદયકુંજ’ના ફળિયામાં ઢળાતો. તેમના સૂવાનો સમય ચોક્કસ ન હતો. રાજકારણનાં અગત્યનાં કાર્યોને કારણે ક્યારેક ઉજાગરો થતો.
ગાંધીજી એટલા ઉચ્ચ કોટિના મહાત્મા હતા કે ધાર્મિક પુરુષો તેમને વંદન કરતા. રણછોડદાસજી અને અન્ય સંતમહાત્માઓ તેમને સંતશિરોમણિ ગણતા. પરંતુ એ કરુણાળુ મહાત્માને માનસિક ચિંતા તો રહેતી હતી. તેમના ઉજાગરાનું એક દૃષ્ટાન્ત નોંધી શકાય તેમ છે. એક વાર સવારની ચાર વાગ્યાની ઉપાસનામાં તેઓ બોલ્યાઃ “પ્રાર્થના ચાલુ હોય અને વચ્ચે જ હું ઊભો થઈ જાઉં તો કોઈ ભડકશો નહીં. મારું મગજ ખસી ગયું છે તેમ માનશો નહીં. ચિંતાને લીધે આખી રાત ઊંઘ આવી નથી તેથી પ્રાર્થનામાં આંખો ઘેરાય અને ઝોકાં આવે તેમ બને. એવું મને લાગશે તો હું ઊભો થઈ જઈશ પણ પ્રાર્થના ચાલુ રાખીશ.” એક મિનિટમાં નસકોરાં બોલાવનાર ગાંધીજીને પણ આખી રાત ઊંઘ ઉડાડી મૂકનાર બાબતો હેરાન કરતી ખરી! આવા ઉજાગરા તેમને કેટલા થયા હશે અને ભારતના કયા નેતાએ કે વાઇસરોયે તેમને કરાવ્યા હશે તે આપણે જાણતા નથી. ભારતના કરોડો લોકો તેમને પગે પડતા, હાર પહેરાવતા, જય બોલાવતા. પરંતુ “મહાત્મા થવાનું દુઃખ તો મારા જેવો મહાત્મા જ જાણે” એમ તેઓ કહેતા. ખાસ કરીને રાતની રેલગાડીમાં સ્ટેશને સ્ટેશને લોકોનાં ટોળાં ‘જય’ બોલાવી જગાડતાં, દર્શનની માગણી કરતાં અને ઊંઘવા ન દેતાં એ હકીકતથી તેમને અતિશય ત્રાસ થતો.
ગાંધી-અર્વિન સંધિના દિવસોમાં થોડા દિવસ માટે ગાંધીજી વિદ્યાપીઠમાં રહ્યા હતા. તેઓ મુખ્ય દરવાજેથી બહાર જતા હતા ત્યારે કોઈ ગુજરાતી સામ્યવાદીએ અંગ્રેજીમાં તેમને કહ્યું કે તમારા માણસો આમ વર્તે છે ને તેમ વર્તે છે, વગેરે. પોતાની કાંઈ પણ ઓળખાણ આપ્યા વિના તોછડાઈથી તેણે વાત (આક્ષેપ) મૂકી તે જોઈ ગાંધીજીએ પણ તેને દબડાવતા હોય તેમ પૂછ્યું : Who are you?
આથી ઊલટું આશ્રમની સાયંપ્રાર્થનામાં સાવ નાનાં છોકરાંઓ તોફાન કરે, અવાજ કરે ત્યારે તેમને તેઓ ગંભીર સ્વરે કહેતા: “જો! જો! જો !” ગમે તેવાં તોફાની છોકરાં સમજી જતાં અને આટલામાં જ શાંત થઈ જતાં.
દાંડીકૂચ પહેલાં થોડા દિવસે સરકારે સરદાર વલ્લભભાઈ પટેલને ખેડા જિલ્લાના રાસ ગામેથી પકડ્યા અને તેમને મોટરમાં સાબરમતી જેલ તરફ રવાના કર્યા. પરંતુ સરકારી મોટરની પહેલાં અરધા કલાકે પ્રજાના કાર્યકર્તાઓની એક મોટર આશ્રમમાં આવીને ઊભી રહી. આ વેળાએ સાયંપ્રાર્થના ચાલુ હતી. પ્રાર્થનામાં ગાંધીજી બોલી રહ્યા હતા. આમાં અચાનક પેલા અજાણ્યા કાર્યકર્તાએ આવીને બૂમ મારતો હોય તેવા અવાજે કહ્યું : “બાપુજી! સરદારને સરકારે રાસમાં પકડ્યા છે અને હમણાં જ મોટરમાં તેમને સાબરમતી લઈ જાય છે. આપને મળવું હોય તો ચાલો.” ગાંધીજીએ પૂછપરછ કરતાં જણાયું કે સરકારી પોલીસોની મોટર આવવાને હજી અરધા કલાકની વાર હતી. ગાંધીજી તેમની નિત્યની જગ્યા છોડીને બે ભૂમિકાનાં સોપાનોને જોડતી પાળ ઉપર ઉત્તરાભિમુખ બેઠા (હંમેશ પ્રાર્થનામાં તેમની ગાદી દક્ષિણાભિમુખ રહેતી). ઘૂંટણ ઉપર ઘૂંટણ રહે તેમ પગની આંટી ચડાવી, તેની ઉપર બે હાથની હથેળી રાખી તેઓ બોલ્યા: “સરકારે હવે મારો રસ્તો ખુલ્લો કરી દીધો છે. સરકારે પહેલો ઘા કર્યો છે એટલે હવે કાંઈ વિચારવાપણું રહેતું નથી. હવે હું ગમે તે પગલાં લેવા સ્વતંત્ર છું.”
ગાંધીજીને આવા અંગવિન્યાસ(pose)માં મેં ક્યારે ય જોયા ન હતા. સદાયના શાંત, મૃદુ, વત્સલ લાગતા મહાત્મા અત્યારે વીરરસના આવેશમાં આવ્યા હતા અને મહાત્મા નહીં પણ સેનાપતિના વ્યક્તિત્વનો પ્રભાવ પાડતા હતા. ત્યારે મને પ્રથમ વાર કલ્પના આવી કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોમાં બાપુ કેવા લાગતા હશે!
16 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 365