
રાજ ગોસ્વામી
આનંદ બંધુઓમાં જ્યેષ્ઠ ચેતન આનંદે 1946માં ‘નીચા નગર’ નામની એક અર્થપૂર્ણ ફિલ્મ બનાવી હતી. તેમાં ‘નીચે’ રહેતા ગરીબો અને ‘ઉપર’ રહેતા અમીરો વચ્ચે પાણીની સમસ્યાની વાત હતી. તે ફિલ્મની વાત આપણે ફરી ક્યારેક કરીશું, પણ આજે વાત કરવી છે નિર્માતા-નિર્દેશક મોહન સહેગલની, જેમણે ‘નીચા નગર’માં ચેતન આનંદના સહાયક નિર્દેશક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. મોહને આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા પણ કરી હતી.
તેમણે નિર્દેશક તરીકે 18 ફિલ્મો બનાવી હતી અને નિર્માતા તરીકે 16 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જલંધરના પંજાબી પરિવારમાં જન્મેલા મોહન સહેગલને ગીત-સંગીત વારસામાં મળ્યું હતું. તેઓ ખુદ ભરતનાટ્યમના નર્તક હતા.
હિન્દી સિનેમામાં મોહન સહેગલની પહેચાન નવોદિત અને સંઘર્ષ કરતા કલાકારોને કામ આપવાની છે. એટલા માટે, મોહન સહેગલનું નામ આવે એટલે 1970માં આવેલી ‘સાવન ભાદો’ ફિલ્મનો ઉલ્લેખ અચૂક આવે. આ ફિલ્મથી મોહને હિન્દી ફિલ્મોના ચાહકોને રેખાની ‘ભેટ’ આપી હતી. એમ તો તેમણે નવીન નિશ્ચલ માટે આ ફિલ્મ બનાવી હતી.
મોહન સહેગલને એકદમ નવા જ કલાકારો સાથે જ એક ફિલ્મ બનાવવી હતી. ‘સાવન ભાદો’ એ રીતે એક નોંધપાત્ર ફિલ્મ છે. રેખા અને નવીન ઉપરાંત ખલનાયક રણજીતની પણ આ પહેલી ફિલ્મ. આગલા જ વર્ષે આવેલી મનોજ કુમાર-આશા પારેખની ‘સાજન’ ફિલ્મમાં મોહને શત્રુઘ્ન સિંહાને પહેલો કિરદાર આપ્યો હતો. આ ‘સાજન’ ફિલ્મની વાત પણ ક્યારેક કરવા જેવી છે. અમીર ખાનની ‘ગજની’ ફિલ્મની તે પ્રેરણા હતી.
મોટા સ્ટાર હોવા છતાં ‘સાજન’ ફિલ્મને તેમને જોઈતી હતી તેવી સફળતા ન મળી એટલે મોહન સહેગલે તદ્દન નવા ચહેરા સાથે ‘સાવન ભાદો’ બનાવવાનું નક્કી કર્યું હતું. કેવું કહેવાય કે જે મોહન સહેગલને હિન્દી સિનેમાને રેખા આપવા માટે યાદ કરવામાં આવે છે, તે જ મોહનને અમિતાભ બચ્ચનને રીજેક્ટ કરવા માટે પણ યાદ કરવામાં આવે છે!
તે વખતે અમિતાભ બચ્ચન મુંબઈમાં ફિલ્મોમાં કામ શોધતા હતા. હજુ તે ‘સાત હિન્દુસ્તાની’વાળા ખ્વાજા અહેમદ અબ્બાસને મળ્યા નહોતા. પિતા હરિવંશરાયને ઇન્દિરા ગાંધી સાથે સારાસારી હતી. ઇન્દિરાએ એક ભલામણ પત્ર લખી આપ્યો હતો. તેને લઈને અમિતાભે તે વખતની સ્ટાર નરગિસનો સંપર્ક કર્યો હતો. નરગિસ નવા છોકરાના સ્ક્રીન ટેસ્ટ માટે નિર્માતાઓ અને નિર્દેશકોને ભલામણ કરતી હતી.
એમાંથી એક મોહન સહેગલ. તેમણે ‘સાજન’ ફિલ્મના સેટ પર અમિતાભનો ટેસ્ટ લીધો હતો. એ ટેસ્ટ ‘સાજન’ માટે હતો કે તેના પછી આવનારી ‘સાવન ભાદો’ માટે? ખબર નથી, પરંતુ મોહન સહેગલે અમિતાભને નાપાસ કરી દીધા. તેમને અમુક રોમેન્ટિક લાઈનો બોલવાની હતી. અમિતાભે પિતા હરિવંશરાયની મશહૂર કવિતા ‘મધુશાલા’માંથી અમુક લાઈનો સંવાદમાં જોડી દીધી હતી. મોહનને મજા ન આવી.
મોહનને મજા આવી નવીન નિશ્ચલમાં. મોહન સહેગલ અને નવીન નિશ્ચલના પિતા ચમન નિશ્ચલ કોલેજના સમયથી મિત્રો હતા. મોહન સહેગલ મુંબઈમાં જામી ગયા હતા, ત્યારે સી.એલ. નિશ્ચલને દીકરા નવીનને લઈને ચિંતા હતી કારણ કે તેનું ભણવામાં ધ્યાન નહોતું. ચમન નિશ્ચલે દીકરાને ઠેકાણે પાડવા માટે મોહનને કહ્યું. મોહન સહેગલે કહ્યું કે હું તેને હીરો બનાવી દઈશ, પણ તેણે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં ભણવું પડશે. મોહને ભણાવાનો ખર્ચો પણ ઉઠાવ્યો. નવીન ભણીને પાછો આવ્યો અને મોહને ‘સાવન ભાદો’ શરૂ કરી.
મોહન સહેગલને ત્યારે લાગ્યું હતું કે ફિલ્મો હીરોના નામે નહીં, વાર્તા પર વેચાય છે તો પછી નવોદિતોને લઈને જ કેમ ન બનાવવી? તેમની પાસે એસ. અલી રઝા નામના પટકથાલેખકની એક વાર્તા હતી. તેમાં એક ધનાવન યુવાન વિક્રમ પરદેશમાં ભણીને ભારત આવે છે અને તેની સાવકી માતા તેમ જ સાવકી બહેનના કાવતરાનો ભોગ બને છે. તે ચંદા નામની ગામડાની એક છોકરીના પ્રેમમાં પડે છે અને તેના સંગાથમાં તે તેના કાવતરાખોરો સામે લડે છે.
મોહન સહેગલ પાસે નવો હીરો તો હતો, પણ હિરોઈનનું શું? તે વખતે ધીરેન્દ્ર કિશન નામનો ફિલ્મ ફોટોગ્રાફર તેમનો મિત્ર હતો. તેણે મોહનને દક્ષિણ ભારતની એક છોકરીની ભલામણ કરી. સુપરસ્ટાર જૈમિની ગણેશન્ અને પુષ્પાવલીની પુત્રી રેખા એક વર્ષની ઉંમરથી દક્ષિણની ફિલ્મોમાં કામ કરતી હતી. રેખાએ હિન્દીમાં ‘અંજાના સફર’ નામની એક ફિલ્મ માટે કરાર કરી રાખ્યો હતો અને તે પ્રોડ્યુસરના ખર્ચે મુંબઈમાં એક હોટેલમાં રહેતી હતી (પાછળથી એ ફિલ્મ ઘોંચમાં પડી ગઈ હતી.)
મોહન રેખા અને તેની માતાને મળ્યા. તેમને રેખાનું બોલકો સ્વભાવ પસંદ આવ્યો. રેખાને પોતાના રંગ અને શરીરને લઈને શંકા હતી. તે 13 વર્ષની હતી, પણ 18ની દેખાતી હતી (ઇન ફેક્ટ, નવીન નિશ્ચલને પણ ‘કાળી અને જાડી’ રેખા ગમી નહોતી). મોહન સહેગલે દક્ષિણની બીજી એક હિરોઈન વહીદા રહેમાનનું ઉદાહરણ આપીને કહ્યું કે મેક-અપથી તેના રંગને ઉજળો બતાવી શકાશે.
“આનું શું?” રેખાએ પેટ પરની ચરબી બતાવીને પૂછ્યું હતું. રેખાને કેમેરામાં તેનો ટેસ્ટ લેવો હતો. મોહન સહેગલને રેખાના વ્યક્તિત્વમાં રસ પડી ગયો હતો. તેના બોલવામાં તમિલની છાંટ હતી, પણ તે સખ્ત મહેનતુ હતી. મોહને તેના માટે એક હિન્દી શિક્ષક રોક્યો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં સહેગલ કહે છે, “કલાકારો અને કસબીઓને ટ્રેનિંગ આપવા વાળો હું પહેલો હતો. પ્રતિભા જન્મજાત હોય છે તે સાચું, પરંતુ કલાકારને પ્રતિભાને કેવી રીતે બહાર લાવવી તેની તાલીમની જરૂર પડે છે.”
‘સાવન ભાદો’ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ. તેનું મહોમ્મદ રફીએ ગયેલું ગીત ‘કાનો મેં ઝૂમકા, તાલ મેં ઠુમકા’ અત્યંત લોકપ્રિય થયું હતું. સિનેમાની પત્રિકાઓ પર નવીન નિશ્ચલ અને રેખાના ફોટા સાથે નવા સ્ટાર્સના જન્મની જાહેરાતો થઇ હતી.
‘સાવન ભાદો’માં ગામડાની છોકરી તરીકે જાડી અને કાળી રેખા ચાલી ગઈ હતી, પણ તેને જાતને સંપૂર્ણપણે બદલવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. અને તે તેણે કરીને બતાવ્યું. એ પછી જેટલી પણ ફિલ્મો આવતી ગઈ, રેખામાં ઉત્તરોતર એક બદલાવ આવતો ગયો – એ બદલાવ શરીરને લઈને તો હતો જ, અભિનય પ્રતિભાને લઈને પણ હતો.
દિનેશ રહેજા નામના એક પત્રકારને રેખાએ એકવાર કહ્યું હતું, “સાવન ભાદોના પ્રીમિયરમાં મેં બનાવટી લટો અને પાંપણો સાથે કાળું અને ભૂરાશ પડતું વાદળી ઘરારા પહેર્યું હતું. શશી કપૂરે મને જોઇને કહ્યું હતું; ‘આ કાળી, જાડી કેવી રીતે મુંબઈમાં એક્ટ્રેસ બનશે?’ પણ તેમની પત્ની જેનિફરે કહ્યું હતું, ‘નો, ડીયર. તેનામાં નમક છે, અને આવનારા ઘણાં વર્ષો સુધી અહીં રહેશે.” મીના કુમારીએ પણ ત્યારે કહ્યું હતું. ‘યોગિતા બાલી મીઠી છે, પણ તું નમકીન છો. અને નમકીનનો સ્વાદ લાંબો ચાલે છે.”
એ વાત સાચી હતી. આજે 70 વર્ષે પણ રેખાનું નમકીન મુંબઈમાં અકબંધ છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 09 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર