Opinion Magazine
Number of visits: 9655518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ દાનતનોઃ હોજ સે બીગડી

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 July 2017

સાચી હોઈ શકતી એક રમૂજ પ્રમાણે, રૂપિયા ઉછીના આપનાર દેણદાર અને ઉછીના લેનાર લેણદાર એક રસ્તા પર સામસામે મળી ગયા. દેણદાર કશું પૂછે, એ પહેલાં જ ચતુર લેણદારે કહી દીધું, ‘તમારા રૂપિયા પાછા આપી દઇશ. એની ચિંતા ન કરશો.’ આવું ચાર-પાંચ વખત બન્યું. બન્નેનો રસ્તો એક. એટલે ભેગા તો થઈ જવાય અને લેણદાર બિચારો કશું બોલે તે પહેલાં દેણદાર જ સામેથી રૂપિયાની વાત કાઢે, પણ ધીમે ધીમે તેનો ઘાંટો મોટો થવા લાગ્યો. એક દિવસ તો સામે મળેલા દેણદારનો તેણે ઉધડો લઈ નાખ્યો, ‘શરમ નથી આવતી? તમારા રૂપિયા લઈને નાસી જવાનો છું? બીજા કેટલા લેણદારોના રૂપિયા બાકી છે. એ કેવા સજ્જન છે! કંઈ બોલતા નથી ને મને જુએ તો રસ્તો બદલી નાખે છે …’ ત્યાર પછી આ દેણદાર પણ તેમને દૂરથી જોઈને ગભરાવા લાગ્યો અને રૂપિયા માગવાનું તો બાજુ પર રહ્યું, નીચું જોઈને રસ્તો બદલી નાખવા લાગ્યો.

આપણા વડાપ્રધાન સાબરમતી આશ્રમમાં ધોળે દહાડે કે સંસદમાં અડધી રાતે ‘અભિનયનાં અજવાળાં પાથરે છે’ એ જોઈને ઘણાને અંધારાં આવે છે અને ઉપરની કથાના લેણદારની યાદ તાજી થાય છે. ભોળા ભાવે તેમની વાતો સાંભળીએ, તેમનો લોકરંજક અભિનય જોઈએ અને આગળપાછળના બધા સંદર્ભો-સીધીસાદી હકીકતો ભૂલીને, ફક્ત એ ક્ષણમાં તેમની વાત સાંભળીએ, તો વડાપ્રધાન માટે ભારોભાર આદર અને સાથે થોડી અનુકંપા પણ જાગે. થાય કે ‘કેટલો સાધુચરિત, કેવો ઉમદા માણસ છે, આ દેશનો કેવો ઉદ્ધાર કરવા ઇચ્છે છે, ગાંધીજી પ્રત્યે અને દેશના અગાઉના નેતાઓ પ્રત્યે તેને કેટલો બધો આદર છે – અને આવા માણસની લોકો ટીકા કરે છે? તેમના ટીકાકારો ખરેખર દ્વેષીલા-ખારીલા છે.’

પરંતુ જેમની યાદશક્તિ સાધારણ સારી હોય, પ્રચારના વાવાઝોડામાં જેમના પગ જમીન પર રહેતા હોય, જેમની સામાન્ય સમજ પક્ષ કે વિચારધારા કે વ્યક્તિપૂજાને ચરણે ને શરણે ન હોય, એવી કોઈ પણ વ્યક્તિને વડાપ્રધાનની કહેણી અને કરણીમાં રહેલો ઘોર વિરોધાભાસ જોઈ શકે છે. તેના માટે દિવ્ય નહીં, સામાન્ય-અહોભાવમુક્ત દૃષ્ટિની જ જરૂર હોય છે. 

હા, તેમની પ્રતિભાની કદર તરીકે એટલું કહી શકાય કે તેમની અભિનયક્ષમતા કાબિલેદાદ છે. મોટા જાદુગરો મંચ પરનો હાથી ગુમ કરવા સુધી પહોંચી શક્યા, જ્યારે વડાપ્રધાન તેમનાથી મોટા જાદુગર નીવડ્યા છે. તે દેશ જેવડા દીવાનખાનામાં ઊભેલા સમસ્યાઓ અને નિષ્ફળતાઓના, કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો અને વિચારધારાકીય દ્વેષના ખૂંખાર હાથીઓને અદૃશ્ય કરી શક્યા છે. હાથચાલાકી કરનારા જાદુગરો પ્રેક્ષકોનું ધ્યાન બીજે ખેંચવામાં પાવરધા ગણાય છે, પરંતુ લોકોનું ધ્યાન અસલી મુદ્દાના-સમસ્યાના હાર્દથી બીજે ખેંચવામાં વડાપ્રધાન વ્યાવસાયિક જાદુગરોને ટક્કર મારે એવા નીવડ્યા છે. 

અફસોસની વાત એ છે કે આ રીતે મળતું મનોરંજન કરમુક્ત નથી — અને એ કરનો જી.એસ.ટી.માં સમાવેશ થતો નથી. વડાપ્રધાનનાં વક્તવ્યોમાં વ્યક્ત થતી ભાવુકતા, લાગણી, સંવેદનશીલતા જો સાચી હોય તો તે આવકાર્ય જ નહીં, પ્રશંસનીય અને આદરણીય ગણાય, પરંતુ તેમની હાલત હોજ સે બીગડી બુંદ સે સુધારવાનો પ્રયત્ન કરનારા જેવી છે.

આર.કે. લક્ષ્મણના એક કાર્ટૂનમાં બે પોલીસ પોલીસચોકીમાં બેસીને ચિંતા વ્યક્ત કરે છે કે, ‘કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી ખાડે ગઈ છે, નહીં?’ સારાં કાર્ટૂનની કરુણતા એ હોય છે કે સમય જતાં તે અતિશયોક્તિમાંથી વાસ્તવિકતા બની જાય છે. હવે વડાપ્રધાનપદે બેઠેલો જણ ‘મેરે દેશ કો ક્યા હો ગયા?’ એવું કહીને ગળગળો થઈ શકે છે – અને દેશની આ હાલત કરવામાં પોતાની વડી ભૂમિકા અને જવાબદારી વિશેની વાત સહેલાઈથી ભૂલવાડી શકે છે. ‘મેરે દેશ કો ક્યા હો ગયા?’ એવું ગાંધીને જ્યારે પણ લાગ્યું, ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મૂકતાં અચકાયા નહીં. આમ તો વડાપ્રધાનના આચરણ સંદર્ભે ગાંધીજીને યાદ ન જ કરીએ, પણ હોર્ડિંગોમાં આજકાલ તેમને આડકતરી રીતે (સત્યાગ્રહીની તરાહ પર) ‘સ્વચ્છાગ્રહી’ તરીકે ઓળખાવવામાં આવે છે અને વડાપ્રધાન પોતે પણ ગાંધીજીના હવાલા આપવાનું ચૂકતા નથી, એટલે આટલું.

ગાંધીજીની વાતથી એ પણ યાદ આવ્યું કે વડાપ્રધાને ગાંધીજીનું નામ વટાવી ખાવાની વાત પણ તેમના ભાષણમાં નાટકીય સંવાદપટુતા સાથે કરી. આ બીજી વ્યાવસાયિક ચાલાકી છેઃ જે છુપાવતાં ભારે મુશ્કેલી પડતી હોય અને છતાં છુપાવવાનું જરૂરી લાગતું હોય, તેને એટલું ઉઘાડુંફટાક કરી મૂકવું કે લોકો તમારી બેશરમીભરી હિંમતથી સ્તબ્ધ થઈ જાય – અને તેની ટીકા કરવાનું ભૂલીને, તમને એમાંથી મુક્તિ આપી દે. કૉંગ્રેસે ગાંધીજીનું નામ વટાવી ખાધું એ હકીકત છે. પરંતુ વડાપ્રધાન બન્યા પછી, સ્વચ્છતાના નામે વડાપ્રધાને ગાંધીજીનું નામ વટાવી ખાવામાં કૉંગ્રેસ સાથે જોરદાર હરીફાઈ આદરી અને પોતાના પ્રચારબળના જોરે એ હરીફાઈ જીતી ચૂક્યા છે.

રાજકારણમાં નામો વટાવી ખાવામાં કોઈ પક્ષ બાકાત નથી હોતો. પરંતુ વડાપ્રધાનની કળા એ છે કે (ગાંધીજીનું નામ વટાવવાના) જે ગુનાના સૌથી મોટા આરોપીઓમાં તે પોતે એક છે, એ હકીકત છુપાવવાને બદલે સામે ચાલીને, પૂરી નાટકીય-લાગણીસભર આક્રમકતાથી તે યાદ કરાવે છે—અને એવો ભારોભાર વિશ્વાસ ધરાવે છે કે આમ કરવાથી લોકો તેમને આરોપી ગણવાને બદલે ફરિયાદી ગણી લેશે. તેમના આ વિશ્વાસનું ‘ગુજરાતી’ કરીએ તો એવું થાય કે ‘લોકોને ક્યાં આવી બધી સમજ પડે? અમસ્તા એ આપણી પર ઓવારી ગયેલા છે. તેમની આગળ આરોપીમાંથી ફરિયાદી બની જતાં વાર કેટલી?’ અને ત્યાર પછી જે આપણને આરોપી ગણાવે તેને કહી દેવાનું કે ‘ક્યાં સુધી જૂનાં ગાણાં ગાયા કરશો? મૂવ ઑન.’

એવું નથી કે વડાપ્રધાનના વક્તવ્ય ટાણે આશ્રમમાં બેઠેલા ‘ભોળા’ હશે ને તેમની આ તરકીબ સમજતા નહીં હોય. તેમાંથી કેટલાક વડાપ્રધાન કક્ષાના માણસની આ હદની બેશરમીથી ડઘાઈને વાચા ગુમાવી બેઠા હોય એવું પણ બને અને કેટલાકને ટકોર-ટિપ્પણી કરવામાં વડાપ્રધાનના હોદ્દાની આમન્યા પણ નડતી હોય. હોદ્દાની આમન્યા નડવી જોઈએ, પણ સવાલ એટલો જ છે કે તે ફક્ત નાગરિકોને જ નડ્યા કરે? ખુદ હોદ્દેદારે પોતાના હોદ્દાની આમન્યાનો વિચાર નહીં કરવાનો? 

ઇંદિરા ગાંધી અને પંડિત નેહરુથી જુદી જુદી રીતે પ્રભાવિત વડાપ્રધાનને કદાચ વિદેશમાં પોતાની છબિથી પૂરતું નહીં લાગ્યું હોય, હવે મધરાતે સંસદની બેઠક બોલાવીને, તેમાં પંડિત નેહરુના શબ્દપ્રયોગ ‘ઍટ ધ સ્ટ્રોક ઑફ ધ મિડનાઇટ અવર’ બબ્બે વખત ઉચ્ચારીને, તેમના એ કોડ પૂરા થઈ ગયા હોય તો તેમણે પોતાના બોલેલા પર અમલ કરવાનો સમય છે. 

એક સવાલ તેમના ચાહકો-પ્રશંસકો માટે પણ છેઃ શું તે વડાપ્રધાનની કાયદો હાથમાં નહીં લેવાની, ગોરક્ષાના નામે ગુંડાગીરી નહીં કરવાની અને ગાંધીનાં સપનાંનું ભારત બનાવવાની અપીલને ગંભીરતાથી લેશે? કે પછી ટીકાકારોની જેમ ચાહકો પણ બતાવવાના અને ચાવવાના દાંત વચ્ચેનો તફાવત બરાબર સમજે છે?

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 04 જુલાઈ 2017

Loading

4 July 2017 admin
← ભારતીય સંસ્કૃિતમાં કામનું ‘સ્ખલન’
Decoding new India →

Search by

Opinion

  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved