જ્યાં સુધી બેકાબૂ તત્ત્વોને કાબૂમાં લાવવાની પ્રતિબદ્ધતા નહિ દેખાય ત્યાં સુધી સલામતીનું વાતાવરણ અશક્ય છે
છેલ્લા દસ દિવસ ભારતીય સ્ત્રીઓ, ખાસ કરીને બાળકીઓ માટે જાણે શાપિત હતા. એક પછી એક જુદી જુદી જગ્યાએથી બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના બનાવની ઘટના બહાર આવતી જ રહી છે. કઠુઆ, ઉન્નાવ, સુરત, રાજકોટ, દિલ્હી … યાદી લાંબી થતી જાય છે. એકની કળ વળતી નથી ત્યાં નવો કિસ્સો બહાર આવી રહ્યો છે.
 2012માં પોક્સો (Protection Of Children from Sexual Offense) કાયદો આવ્યો, જે બાળકો પર થતાં જાતીય હુમલાના કિસ્સામાં કડક હાથે કામ લઈ શકાય એ માટેનો ખાસ કાયદો છે. જ્યારથી કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી દર વર્ષે તેના કેસની સંખ્યા વધતી જ ગઈ છે. ફરિયાદ હેઠળ જેટલા લોકોની ધરપકડ થઇ હોય તેના એક ટકા પણ ગુનેગાર સાબિત નથી થયા. નિર્ભયા કેસ પછી 2013માં બળાત્કારના કાયદા વધુ કડક બન્યા. દાખલો બેસાડવા આરોપીઓને ફાંસીની સજા થઇ જેને સમગ્ર દેશે વધાવી લીધી.
ઘણાની દલીલ હતી કે હવે કોઈ દુષ્કૃત્ય કરતાં પહેલાં વિચારશે. પણ, છેલ્લા દસ દિવસની ઘટનાઓએ બધી આશાઓને ઠગારી સાબિત કરી છે. ફરી એક વાર દૃઢપણે સાબિત કરી આપ્યું છે કે માત્ર કડક કાયદા ઘડવાથી પ્રશ્નનો હલ નથી આવવાનો, કારણ કે બળાત્કારની માનસિકતાનાં મૂળિયાં સ્ત્રીને ઉપભોગની વસ્તુ સમજતી વિચારસરણીમાં ઊંડા ખૂંપેલા છે. કાયદાનો અમલ કરાવનારા પણ આ જ સંસ્કૃિતનો ભાગ છે.
2012માં પોક્સો (Protection Of Children from Sexual Offense) કાયદો આવ્યો, જે બાળકો પર થતાં જાતીય હુમલાના કિસ્સામાં કડક હાથે કામ લઈ શકાય એ માટેનો ખાસ કાયદો છે. જ્યારથી કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી દર વર્ષે તેના કેસની સંખ્યા વધતી જ ગઈ છે. ફરિયાદ હેઠળ જેટલા લોકોની ધરપકડ થઇ હોય તેના એક ટકા પણ ગુનેગાર સાબિત નથી થયા. નિર્ભયા કેસ પછી 2013માં બળાત્કારના કાયદા વધુ કડક બન્યા. દાખલો બેસાડવા આરોપીઓને ફાંસીની સજા થઇ જેને સમગ્ર દેશે વધાવી લીધી.
ઘણાની દલીલ હતી કે હવે કોઈ દુષ્કૃત્ય કરતાં પહેલાં વિચારશે. પણ, છેલ્લા દસ દિવસની ઘટનાઓએ બધી આશાઓને ઠગારી સાબિત કરી છે. ફરી એક વાર દૃઢપણે સાબિત કરી આપ્યું છે કે માત્ર કડક કાયદા ઘડવાથી પ્રશ્નનો હલ નથી આવવાનો, કારણ કે બળાત્કારની માનસિકતાનાં મૂળિયાં સ્ત્રીને ઉપભોગની વસ્તુ સમજતી વિચારસરણીમાં ઊંડા ખૂંપેલા છે. કાયદાનો અમલ કરાવનારા પણ આ જ સંસ્કૃિતનો ભાગ છે. 
બળાત્કાર માત્ર હવસનું પરિણામ નથી. સત્તા સાબિત કરવાનું સાધન પણ છે. કઠુઆ (જમ્મુ અને કાશ્મીર) અને ઉન્નાવ(ઉત્તર પ્રદેશ)ના કિસ્સા અન્ય કરતાં આ જ કારણોસર અલગ પડે છે અને ખાસ ચર્ચા માંગી લે છે. બંને કિસ્સામાં જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓ રાજકીય વગ ધરાવનાર છે. તેમણે પોતાની સત્તા અને વગનો દુરુપયોગ કર્યાનું સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત બંને કિસ્સામાં આરોપીઓને છાવરવાની સરકારી તંત્ર દ્વારા કોશિશ થઇ. જેમાં ત્યાંના સત્તાધીન પક્ષના સ્થાનિક નેતાઓએ ખૂબ આગળ પડતી ભૂમિકા ભજવી. ઉન્નાવમાં ભાજપનાં ધારાસભ્ય કુલદીપસિંઘ સેંગર અને તેમના ભાઈઓ પર પીડિતાને નોકરી આપવાના બહાને બોલાવી, તેની પર બળાત્કાર કર્યાનો આરોપ છે. સેંગર બંધુઓ પાસે આર્થિક, રાજકીય, સામાજિક સત્તા અને બાહુબળ બધું જ છે. પીડિતાની ફરિયાદ ન નોંધાતા તેણે મુખ્યમંત્રીની કચેરી સામે આત્મદાહનો પ્રયત્ન કર્યો. તેની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે પીડિતાના પિતા સામે જ ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી ખૂબ માર માર્યો. પરિણામે તેમનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું. જો આ કમનસીબ મૃત્યુ ન થયું હોત તો કદાચ આખી ઘટના પ્રકાશમાં આવી જ ન હોત. રાજકારણી અને પોલીસની સાંઠગાંઠ તેમ જ સત્તાનું વરવું પ્રદર્શન આ કેસમાં થયું.
કઠુઆનો કેસ જેમાં નિવૃત્ત અમલદાર, પોલીસકર્મી અને વિદ્યાર્થી સામેલ હોય, તે વધુ ગંભીર છે કારણ કે, ચાર્જશીટમાં નોંધાયું છે એ મુજબ આખી ઘટના બાકારવાલ કોમના લોકોને રસના ગામમાં વસતા અટકાવવા માટેનું સુનિયોજિત કાવતરું હતું. ઉપરાંત જેટલો ઘાતકી અને કંપાવનારો બનાવ આઠ વર્ષની આસિફાના બળાત્કાર અને હત્યાનો છે એટલા જ ધ્રૂજાવનારા ન્યાય પ્રક્રિયામાં રોડા નાખવાના પ્રયત્નો છે. જાન્યુઆરીમાં ઘટના બની ત્યારથી જ તપાસમાં વિઘ્નો નાખવાની કોશિશ કરાઈ રહી છે. પુરાવાનો નાશ કરાયો છે. એટલું જ નહિ, આરોપીઓની તરફેણમાં જમ્મુમાં રેલી નીકળી જેમાં સ્ત્રીઓ મોખરે હતી અને જમ્મુ-કાશ્મીરની વર્તમાન ગઠબંધન સરકારમાં ભાજપના બે પ્રધાનો પણ મોજુદ હતા. વિચારો તો ખરા, આઠ વર્ષની બાળકી પર થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યાના આરોપીઓનો જાહેરમાં બચાવ વકીલો, સત્તા પક્ષના કાર્યકરો તેમ જ મંત્રીઓ તરફથી થાય છે! તે પણ તિરંગો ફરકાવીને. તિરંગાનું આનાથી મોટું અપમાન બીજું કયું હોઈ શકે?
પીડિતાની વકીલ દીપિકા સિંઘ રાજાવત, જે હિંમતભેર ન્યાય માટે લડી રહી છે એને ચાર્જશીટ ફાઈલ કરતી રોકવા કોર્ટના પ્રાંગણમાં ધમકી અપાય છે. એને કોર્ટમાં હાજર રહેતી અટકાવાઈ. મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ એને મળતી રહે છે. અરે, આપણું બંધારણ તો ગુનેગારને પણ પોતાની રજૂઆત કરવાનો હક આપે છે. પણ, અહીં તો પીડિતાના ન્યાય મેળવવાના હકનો કોર્ટના પ્રાંગણમાં, કાયદાના રખેવાળો દ્વારા જ ખુલ્લેઆમ ભંગ થાય છે! ભારતની લોકશાહીના કલંકિત પ્રકરણમાંનું આ એક ગણાવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને જમ્મુ અને કાશ્મીરના બાર કાઉન્સિલ પાસેથી આનો જવાબ માંગ્યો છે.
ગુનેગારોને છાવરવાની કોશિશ હજુ પણ સતત ચાલુ છે. વળી, વૉટ્સએપ યુનિવર્સિટીમાં એક પછી એક જૂઠા સંદેશા આવ્યા જ કરે છે. ભણેલાં-ગણેલાં છતાં ય અભણ લોકો એની યોગ્ય તપાસ કાર્ય વિના સાચા માનીને આગળ ફેલાવ્યા કરે છે. ‘બળાત્કાર થયો જ નથી’, ‘બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા છે, પૈકી પહેલાં રિપોર્ટમાં બળાત્કારનો ઉલ્લેખ જ નથી’ જેવા ગપગોળા કોઈ વણચકાસેલ વેબસાઇટ પર છપાયા અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા. પ્રથમદર્શીય પણ જે બળાત્કારનો કેસ દેખાતો હતો, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સમર્થન આપી ચૂક્યું છે. ડી.એન.એ. પરીક્ષણમાં પણ ગુનેગારો કોણ છે એ સ્પષ્ટ સાબિત થાય છે. છતાં આ સમાચાર ચકાસવાની તસ્દી ક્યાં કોઈને લેવી જ છે? પોતાને જે માનવું છે એવા પ્રકારના સંદેશાઓ આસાનીથી સમાચારમાં ખપી જાય છે. એમાંથી એક મોટા વર્ગનો અભિપ્રાય ઘડાય છે. જોવાનું એ છે કે જે જુઠાણું ફેલાવે છે, એ તો સમજી વિચારીને ફેલાવે છે. એમની દાનત શું છે? તેઓ સત્તાધીશોના આટલા નજીક કેમ છે? લોકશાહી સમાજ તરીકે આ પ્રશ્નનો જવાબ આપણે સૌએ સોશિયલ મીડિયાની બહાર નીકળી શોધવો પડશે. બાકી, નિર્ભયા કેસમાં એક બનીને ઊભા રહેલા દેશવાસીઓ આજે પીડિતા પ્રત્યે અનુકંપા હોવા છતાં આરોપીઓને શંકાનો લાભ આપવા લાગ્યા! પુરાવામાં વાંક હોવાની શક્યતા શોધવા લાગ્યા! બળાત્કાર જેવા જઘન્ય અપરાધ પ્રત્યેની સંવેદનશીલતા રાજકારણથી તટસ્થ હોય એવા દાવા ફરી એક વાર ખોટા પડી રહ્યા છે.
પીડિતાઓને ન્યાય મળશે અને આરોપીને સજા મળશે એ પ્રકારની વડાપ્રધાનની કેફિયતથી દિલને આશ્વાસન મળતું નથી. કારણ કે, ધાર્મિક લાગણીઓનો જે ક્રેઝી બૉલ છેલ્લાં એક દોઢ દાયકાથી રમતો મૂકાયો છે એ હવે ઉછળી ઉછળીને ગમે ત્યાં દોડી રહ્યો છે. બેકાબૂ બની ગયો છે. ધર્મ રક્ષાના નામે એ કોઈ પણ દિશામાં જઈ શકે છે. જ્યાં સુધી આ બેકાબૂ તત્ત્વોને કાબૂમાં લાવવાની પ્રતિબદ્ધતા નહિ દેખાય ત્યાં સુધી સલામતીનું વાતાવરણ ઊભું કરવું અશક્ય છે. આમાંની એક પણ ઘટનાની રાજકીય બાજુને અવગણી શકાય નહિ.
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : ‘લોકનીતિ’, “દિવ્ય ભાસ્કર”, 20 અૅપ્રિલ 2018
 

