સૌંદર્ય! આજકાલ બોલબાલા છે, એની. અને ભારતની. જ્યારે વિશ્વ-શ્રેષ્ઠ-સૌંદર્યનો ઇલ્કાબ એક ભારતીય નારીને એકવીસ વર્ષના લાંબા ગાળા પછી, મળે એટલે પોરસ ચઢે જ, ગૌરવ પણ વધે, અને કેટલાંક સૌંદર્ય પ્રેમીઓને, અને દેશ પ્રેમીઓને, એક 'હમ કિસીસે કમ નહિ'ની ભાવના થાય.
દૃશ્ય કે વ્યક્તિ સુંદર ગણવાં એ એક જોનારની દૃષ્ટિ પર આધારિત છે, તે વાત કાંઈ નવી નથી. વળી, અનેક વાર આંતરિક સૌંદર્ય અને શારીરિક સૌંદર્યની વાતો પણ ખૂબ ચર્ચાયેલી છે.
આજે સૌંદર્ય અને સુંદરતા વિશેની વાતો કરીએ, સહેજ જુદી દૃષ્ટિએ.
સુંદરતા કોને નથી ગમતી? સૌને ગમે. પણ જ્યારે વિશ્વ આખું એક સુંદર વ્યક્તિનું અભિવાદન કરે, ત્યારે તેની સુંદરતા સામાન્ય સૌંદર્ય કરતાં કંઈક વિશેષ બની જાય છે. મોનાલિસા એક સુંદર સ્ત્રી હતી. તેના કરતાં અનેક સુંદર સ્ત્રીઓ તે સમયમાં હતી, અને હજી છે, પરંતુ મોનાલીસાનું મહત્ત્વ કંઈક જુદું છે. કારણ કે તેને એક વૈશ્વિક અભિવાદન મળ્યું. એક કલાકૃતિ તરીકેની આવી વૈશ્વિક ગણના એ આ ચિત્રને એક માપદંડ તરીકેની ઓળખ આપી. તે એક આધારભૂત ધોરણ બન્યું.
તેવી જ રીતે વૈશ્વિક ગણના થવાથી સુંદરતાનું એક ગર્ભિત દાયિત્વ બને છે. આ દાયિત્વ ભૌતિક કે શારીરિક ઉપરાંત એક ગુણપ્રધાન દાયિત્વ છે. ચારિત્રપ્રધાન દાયિત્વ છે. તેની પાસેથી પ્રેરણા અપેક્ષિત છે.
આ સુંદરતાના ઇલ્કાબ મેળવનારને માટેના આનંદ કરતાં પણ કદાચ ઘણાને માટે આ ઈલ્કાબ પ્રેરણા બને તે વધુ શક્ય છે. બોલીવુડ દ્વારા પ્રભાવિત એવા સમાજમાં તો ખાસ.
દરેક વ્યક્તિની સુંદરતાની વ્યાખ્યા અથવા પરિમાણો જુદા હોઈ શકે. તે ઉપરાંત જે પાંચ ઇન્દ્રિયો છે તે દરેક ઇન્દ્રિય એ પોતાને ગમતી આગવી સુંદરતા શોધી કાઢી છે. શ્રાવ્ય, દૃશ્યથી માંડીને પાંચે પાંચ એ. ઇન્દ્રિય દીઠ જુદી સુંદરતા!
સુંદરતા અને સૌંદર્ય એ ભાવવાચક શબ્દો છે. સુંદરતા ત્યારે ગમે છે જ્યારે તેનાથી ભાવ આવે. સુંદરતા ત્યારે જ શક્ય છે, જ્યારે વિવિધતા હોય, અને વિવિધતા હોય ત્યારે તેમાં સાપેક્ષપણું હોય જ, અને તેથી ભાવ એ સ્વાભાવિક રીતે વધતો ઓછો હોય. સુંદરતા એક ભાવ છે. ભાવ ઓછો વધતો હોઈ શકે! જ્યારે સુંદરતાનો ભાવ થાય છે ત્યારે ખબર નથી હોતી કે આ કેમ વધુ સુંદર લાગે છે. સૌંદર્ય એ એક ભાવ છે, સુંદર છે, વધુ સુંદર છે અદ્દભુત સૌંદર્ય છે, વગેરે, બસ. સૌંદર્યનું પારિમાણિક માપ નથી. એક સમગ્રતા છે જે વધુ ગમે છે.
રમૂજી પણ સચોટ વાત કરીએ તો સુંદરતાની સાપેક્ષતા ત્યારે જ ખબર પડે કે ભૂતકાળમાં કોલેજના યૌવનકાળમાં ગમતી અને ખૂબ સુંદર લાગતી સ્ત્રી-મિત્ર જ્યારે તેની ચાલીસી કે પચાસી વટાવેલી ઉંમર પછી અચાનક મળે, અને જો ત્યારે પણ એ પહેલાં લાગતી હતી તેટલી જ સુંદર લાગે તો સમજવું કે તમારી સુંદરતા વિષયક દૃષ્ટિ 'અબ્સોલ્યૂટ દૃષ્ટિ' છે, સાપેક્ષ નથી. અને આ સ્ત્રીની અબ્સોલ્યૂટ સુંદરતા તમારી દૃષ્ટિ પારખે છે. પણ એવું જવલ્લે જ બને, કદાચ ફિલ્મોમાં કે વાર્તાઓમાં જ.
જો વ્યક્તિ ખૂબ જ સુંદર, ઓછી સુંદર, કે નહિ સુંદર એવા ભેદ જ ન હોત તો?
કોઈ SCI FI ફિલ્મમાં એમ કે આખા વિશ્વની દરેક સ્ત્રી એક જ સરખી અને દરેક પુરુષ પણ એક સરખો દેખાય. બધાં જ એક સરખા! કોઈની ઉંમર ના વધે. મરણના દિવસે માત્ર માણસ જાગે નહિ, બસ. કોઈને બીમારી કે ઘડપણ નહિ. નવા જન્મેલાં બાળકો થોડા જ દિવસોમાં બીજા પુખ્ત જેવાં જ દેખાતાં થઈ જાય. હવે વાત એમ બની કે હવે સૌંદર્ય કોને કહેવું? કોઈ સરખામણી જ ન રહી! પછી તેમાં એ માનવના આંતરિક વિખવાદ કેવાં હશે? આપણા વિખવાદોથી સાવ જ જુદા. વધુ સુંદર કેવી રીતે દેખાવું? સૌંદર્યની વ્યાખ્યા શું?
વિશેષ ખૂબીઓ, શક્તિ અને સદ્દગુણો – બસ એની જ ચડસા ચડસી! સતયુગમાં કંઈક એવું જ હશે, કદાચ!
મોટે ભાગે માનવ સ્વભાવ એવો છે કે એને લેવું વધુ ગમે, આપવા કરતાં. અમુક બાબતો અપવાદ છે, પણ તેમાં અત્યારે નથી પડવું. મારું અવલોકન એ છે કે દરેકને સુંદરતા જોવી ગમે છે. સુંદરતાનો આસ્વાદ ઇન્દ્રિયોમાં લેવો ગમે છે, પણ એ સિક્કાની વાસ્તવિક બીજી બાજુ એવી પણ છે કે કદાચ સુંદરતાનો આસ્વાદ લેવા કરતાં સુંદર થઈને પોતાના સૌંદર્યનો આસ્વાદ બીજાને આપવો બધાં વધુ ગમે છે!
BEING A BEAUTIFUL OBJECT FOR OTHERS TO ENJOY IS MORE JOYOUS THAN WATCHING A BEAUTIFUL OBJECT!
સૌંદર્ય વિષેનું એક બીજું પાસું કે આકાશની સામે જોઈને કોઈ એમ ન કહે કે આકાશનો પેલો ભાગ વધારે સુંદર છે. જો કે આકાશનું તેની સમગ્રતાથી અને તેની અમાપ વિશાળતાથી એક સૌંદર્ય છે જ. પણ એક માત્ર શુક્ર તારાકણી સમી સાંજે આકાશમાં જોઈએ તો આકાશ વધુ સુંદર લાગે!
દરિયો તેની રીતે આખે આખો સુંદર છે. મજધારે જાવ અને જ્યારે કિનારો ન દેખાય ત્યારે દરિયો ખંભાતનો, અરબી, કે હવાઈ ટાપુઓનો, બધાં જ સરખા લાગે!
હવાઈ ટાપુઓનો જગપ્રસિદ્ધ સુંદર દરિયો, દરિયાના સુંદર કિનારાને લીધે બીજા દરિયા કરતાં સુંદર લાગે છે.
કિનારો પણ વધારે છે દરિયાના સૌંદર્ય ને, દોસ્તો! (ક્યા બાત! આ તો કવિતા થઈ ગઈ!)
કોઈ પણ સૌંદર્ય જે આપણને વિશેષ ગમે છે તેની પાછળ અનેક દેખીતા, ગર્ભિત, દૃષ્ટાલક્ષી, જાણ્યાં, અજાણ્યાં કારણો હોઈ શકે. પણ સૌંદર્ય વિશિષ્ટ બને છે માત્ર તેની સમગ્રતાની સુંદરતાથી જ.
માટે જ સૌંદર્ય એ કવિઓની પ્રેરણા છે. આપણા સંત કવિ સાંઈ મકરંદ દવેએ પણ લખ્યું કે :
… જાતાં ય એવું રાખજો,
ઉત્સવતણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
લોસ એન્જલ્સ, ડિસેમ્બર 14, 2021
e.mail : vijaybhatt01@gmail.com