Opinion Magazine
Number of visits: 9482674
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌના સહિયારા પ્રેમે ગાંધીજીને રાષ્ટ્રપિતા બનાવ્યા !

મનીષી જાની|Opinion - Opinion|2 October 2019

ગયા અઠવાડિયે છાપામાં એક સમાચાર મહિલા પર ઘરેલું હિંસાને લઈ વાંચવામાં આવ્યા. જો કે આવા સમાચાર રોજેરોજ છાપાંઓમાં આવ્યાં જ કરે છે અને એ વાંચી મનોમન વેદનાઓ ઘૂંટાયા જ કરે છે.

37 વર્ષની અમદાવાદની બે સંતાનોની માતા 2006માં પરણીને પાટણ સાસરે રહેતી હતી. પરણી ત્યારથી એનાં પતિ અને સાસરિયા તેનાં નાકના આકારને લઈ સતત ટોણાં માર્યાં કરતાં અને 'તું બૂચી છે અને એટલે અપશુકનિયાળ છે ને તારા કારણે જ આપણી ચાર મહિનાની દીકરી અકસ્માતે ડૂબીને મરી ગઈ !'

પતિનાં અસહ્ય ટોણાં અને મારઝૂડને લઈ લગ્નનાં બે વર્ષ બાદ જ, ઘરેલુ હિંસાને લઈ પોલીસ ફરિયાદ કરી હતી.

પણ કાયમ જેમ પરિવારો સમાધાન કરી જીવનગાડી દોડાવવાનો પ્રયત્ન કરે છે એમ જ થયું.

બાદમાં બે બાળકો ય પરિવારમાં ઉમેરાયાં પણ પતિ દ્વારા સતત અત્યાચાર ને 'ઘરની બીજી બધી સ્ત્રીઓના નાક કેટલાં સરસ છે અને તારું જ આવું બૂચુ સપાટ!' એમ કહી પતિએ નાકનું ઓપરેશન કરાવવા, પ્લાસ્ટિક સર્જરી કરાવવા દબાણ અને મારઝૂડ ચાલુ જ રાખી. છેવટે આ 2019ના વર્ષમાં પોતાનાં પિયર અમદાવાદ પાછી આવી તેણે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અગાઉ 'તું કાળી છે એટલે મને નથી ગમતી' – એવું લગ્ન બાદ, હનિમૂન કર્યા બાદ, લગ્નના બે વર્ષ બાદ સતત ટોણાં મારીને જુલમ કરનાર પતિ સામે પોલીસ ફરિયાદના સમાચાર પણ થોડાક દિવસો પહેલાં જ મારા વાંચવામાં આવ્યા હતા.

આવાં સમાચાર વાંચતા મને ગાંધીજીએ ઠેઠ 1936માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખપદેથી અમદાવાદમાં જે શબ્દો કહ્યા હતા તે યાદ આવે છે.

તેમણે સ્ત્રીઓની સુંદરતા વિશે પુરુષવર્ગે જે માપદંડો ઘડ્યા છે તેનાં વિશે માર્મિક વાત કરતા સાહિત્યકારો ને કહ્યું : “…. હવે આ બહેનો પૂછે છે કે, અમને આવાં સુંદર વર્ણનો આપીને છેતરે છે શા માટે ? અમે છીએ એવી શા સારું નથી ચીતરતા ? અમે નથી રંભાઓ અને અપ્સરાઓ કે નથી અમે ગુલામડી દાસીઓ. અમે પણ તમારા જેવાં સ્વતંત્ર મનુષ્યો છીએ. શા માટે તમે અમને ઢીંગલી તરીકે વર્ણવો છો ?"

વિશેષમાં સાહિત્યકારોને આગ્રહપૂર્વક કહ્યું : "સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે, સ્ત્રી એ મારી જનની છે. એ વિચાર કરીને તમે લખશો તો તમારી કલમમાંથી જે ઝરશે તે સ્ત્રી સુંદર આકાશમાંથી વર્ષા ઝરે છે તેમ ઝરશે અને પૃથ્વીરૂપી સ્ત્રીને ફળદ્રુપ બનાવશે. પણ આજે તો તમે એ બાપડી સ્ત્રીને શાંતિ આપવાને બદલે એનું મન ઉત્તેજવાને બદલે એને ધગાવી મૂકો છો. એનામાં કદી ન હોય તેવા વિકારો ઉત્પન્ન કરવા તમે કેમ પ્રયત્નો કરો છો !? સાહિત્યના વર્ણન પ્રમાણે તેનું નાક, તેના કાન છે કે નહીં તે જોવા માટે તેને અરીસામાં જોવાને માટે તમે પ્રેરો છો. તેના હૃદયમાં આજ વિચારો ઘૂમી રહ્યા હોય, તેથી તે ખીસ્સામાં અરીસો રાખતી થાય છે. એને શા સારુ એમ મનમાં થાય કે, મને વર્ણવી છે તેવી હું છું કે નહીં ? આવાં વર્ણનો એ સાહિત્યનો અનિવાર્ય ભાગ છે શું ?"

પુરુષપ્રધાન સમાજની સ્ત્રીઓ પરની અસરને ગાંધીજી 84 વર્ષ પૂર્વે પારખી શકેલા અને તે સમજની પાછળ પણ તે સમયનાં સ્ત્રી અગ્રણીઓની ભૂમિકા પણ ખૂબ નોંધપાત્ર છે.

1936ના આ સાહિત્ય પરિષદના ભાષણમાં ગાંધીજીએ સ્ત્રીઓને લઈ જે વાત કરી તેની પાછળ અમદાવાદમાં તે સમયે સ્થપાયેલી મહિલા સંસ્થા જ્યોતિસંઘની સ્ત્રી આગેવાનોએ ગાંધીજીને લખેલો પત્ર મહત્ત્વનો હતો.

જ્યોતિસંઘ તે સમયે મહિલાઓની ચેતનવંતી સંસ્થા હતી અને તે સંસ્થા ઊભી કરવા માટે પણ ગાંધીજીની પ્રેરણા કારણરૂપ હતી.

જ્યોતિસંઘની મહિલાઓ તે સમયે અમદાવાદની ઝૂંપડપટ્ટીઓમાં કામ કરતી હતી. એ સમયે જ્યોતિસંઘે છેક યુરોપથી છ લેડીઝ સાઈકલો મંગાવેલી અને આ સાઈકલો પર મહિલા કાર્યકરો અમદાવાદમાં ગલીએ ગલીએ ઘૂમતી. એ સમયે આ સાઈકલ સવાર મહિલાઓને, એ જાણે કે કોઈ જોવાલાયક ને હસવાલાયક સરકસ હોય એમ અમદાવાદના મધ્યમવર્ગીય લોકો જોતા અને તે છતાં ય શરમસંકોચ રાખ્યાં વિના બહેનો પોતાના કામમાં મસ્ત રહેતી.

આ બહેનોએ સાહિત્ય પરિષદનાં વરાયેલા પ્રમુખ ગાંધીજીને પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે આપણા સાહિત્યકારો સ્ત્રીઓનું ચિત્રણ યોગ્ય રીતે કરતા નથી અને એ પત્રને લઇને પોતાની વાત કરતા ગાંધીજીએ ખાસ કહ્યું હતું કે : "આજે તમે સ્ત્રીને જે રીતે ચીતરી રહ્યા છો તેમાં સ્ત્રીનું નથી સન્માન રહ્યું, નથી પૂજા રહી. મને કહેવામાં આવે છે કે, સ્ત્રીઓ પુરુષોને બહુ દુષ્ટ ચીતરી રહ્યા છે. હા, ચીતરે છે. પણ કેમ ન ચીતરે ? પુરુષોએ એની કનડગત કરવામાં કંઈ રાખી છે કે ? એમ.એ. થયેલા પણ સ્ત્રીને કેવી રીતે રાખે છે એ બતાવનારા દયાજનક કાગળો મારી પાસે પડ્યા છે. એટલે હું તો કહું છું કે, સ્ત્રી પુરુષની સામે થાય એટલું જ નહીં, પણ સ્ત્રી પુરુષના અત્યાચાર સામે તેને દાંતથી પીસવાને તૈયાર થાય તો યે એને હું અહિંસા ગણું."

આ વાત નાનીસૂની નથી જ. ગાંધીજી હમ્મેશાં આ દેશની સ્ત્રીઓનાં સવાલો-સમસ્યાઓ સાથે જોડાયેલા રહ્યા હતા. આઠ દાયકા પૂર્વે વ્યક્ત કરેલા વિચારો આજે પણ આપણાં સાહિત્ય અને સમાજને એટલા જ લાગુ પડનારા છે જ.

આજે જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વિચારોને યાદ કરવા અને તે દિશામાં કાર્યરત થવું એ આપણી ફરજ બની રહે છે.

ગાંધીજીને આપણે મહદઅંશે દેશને આઝાદી અપાવી અને તે પણ અહિંસાના માર્ગે એ રીતે જ વિશેષરૂપે યાદ કરીએ છીએ પરંતુ ખરેખર એ માત્ર રાજકીય નેતા ન હતા. દેશની આઝાદી માટે વિવિધ રાજકીય કાર્યક્રમો આપ્યા એ જ એમનું કાર્ય ન હતું, અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થાય તે માટે જ લડનારા નેતા તેઓ ન હતા.

પણ દેશમાં ખરેખરા અર્થમાં સ્વરાજ સ્થપાય, દેશમાં ધર્મના નફરતભર્યા ભેદભાવ ન રહે, સ્ત્રીઓને સમાન હક્કો મળે, જૂનવાણી સમાજ પલટાય, અસ્પૃશ્યતાનું કલંક દેશમાંથી દૂર થાય, ગ્રામીણ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે કામ મળે, સ્વાવલંબનથી આર્થિક પ્રવૃત્તિઓ ચાલે, દેશના સ્થાનિક ઉદ્યોગો-હસ્તકળા ને પરંપરાગત કાપડ ઉદ્યોગને મહત્ત્વ મળે, સ્થાનિક પંચાયતીરાજ મજબૂત બને એવાં ઘણાબધા વિચારો સાથે ગાંધીજીએ સ્વરાજની કલ્પના ઘડી હતી અને તે માટે મથામણ કરી હતી.

એમણે પોતાના રોજના જીવનમાં બે પ્રવૃત્તિઓને મહત્ત્વ આપેલું. રોજ જાતે હાથમાં ઝાડુ પકડી સફાઈ કરવી, શૌચાલય જાતે સાફ કરવું અને રોજ રેંટિયો-ચરખો કાંતવો.

દેશની સેંકડો વર્ષોથી ચાલી આવતી અસ્પૃશ્યતાની ધાર્મિક ગંદકીને તેઓ હાથમાં રોજ ખુદ ઝાડુ પકડીને દૂર કરવાનો પ્રતિકાત્મક સંદેશ આપતા હતા અને દરેક વ્યક્તિએ માત્ર કોરી વાતો, બોધવચનો કે ભાષણો નહીં પરંતુ ઉત્પાદક કામ પણ સાથે કરવું જ તેનાં પ્રતિક તરીકે તેઓ રેંટિયો-ચરખો નિયમિત કાંતતા. તેઓ સુપેરે જાણતા હતા કે તે સમયે આ દેશની લાખો ગરીબ મહિલાઓ કાંતણ અને વણાટ કામ પર નભતી હતી, પોતાના પરિવારનું ભરણપોષણ કરતી હતી.

અને તે રીતે આ પ્રતિકાત્મક પ્રવૃત્તિઓનાં મહત્ત્વને આપણે નોંધવું જ રહ્યું.

અને બીજો મહત્ત્વનો મુદ્દો હતો ધર્મ-ધર્મ વચ્ચેના વેરઝેર અને નફરતના રાજકારણ સામે સતત સકારાત્મક રીતે લડ્યા કરવું. તેમણે સર્વધર્મ પ્રાર્થના આશ્રમમાં ઊભી કરી હતી અને સમાજ બિન સાંપ્રદાયિક – સેક્યુલર બની રહે તે માટે કાયમ મથતા રહ્યા.

સૌથી અગત્યની વાત એ છે કે તેઓ દેશમાં 1915માં 47વર્ષની ઉંમરે આફ્રિકાથી પરત ફર્યા અને પછી દેશના જાહેરજીવનમાં પલોટાયા ત્યારથી જોઈએ તો તેઓ ક્યાં ય કોઈ મંદિરમાં ગયા નથી કે કોઈ ધાર્મિક પૂજાપાઠમાં ભાગીદાર બન્યા નથી. જો કે દક્ષિણ ભારતનાં કેટલાંક મંદિરોમાં ગયા હતા પણ તે ય એ મંદિરોમાં કહેવાતાં અવર્ણો માટે મંદિર પ્રવેશ નિષેધ હતો તેનાં વિરોધમાં આંદોલનના ભાગ તરીકે.

અલબત્ત, તેમણે તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હોવા છતાં પોતે પહેલાં હિન્દુ છે એવું કહેતા એ પણ હકીકત. તેમણે વર્ણવ્યવસ્થાનો પૂરજોશથી વિરોધ નથી કર્યો એ વાત પણ જરૂર સ્વીકારવી પડે પરંતુ પોતાના આશ્રમમાં દલિતોને સાથે રાખવા જ એ વાત પણ કાયમ રહી જ.

1915માં દક્ષિણ આફ્રિકામાંથી વકીલાત અને પ્રવૃત્તિઓ બન્ને છોડીને આવેલા ગાંધીજીએ સૌ પ્રથમ તો આખા દેશનું 'હિન્દદર્શન' જ કર્યું. દેશમાં તેમણે ટ્રેનમાં અને તે ય થર્ડક્લાસમાં 34,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને દેશના ગરીબો, દલિતો, વંચિતો અને મહિલાઓની દશા નજીકથી જોઈ. જેઓ એક દીવાનના દીકરા હતા, ઇંગ્લેન્ડમાં બેરીસ્ટરનું ભણ્યા હતા, માથે મોટી પાઘડી પણ પહેરતા હતા તેમણે દેશની આમજનતાની સ્થિતિ જોઈ ધોતી સિવાયનાં તમામ વસ્ત્રોનો શરીર પરથી કાયમ માટે ત્યાગ કર્યો અને દેશના સ્વરાજ માટે મચી પડ્યા.

તેમને માત્ર દેશની આઝાદીમાં જ રસ ન હતો. દેશ આઝાદ થયો, દેશના ધર્મને નામે ભાગલા પડ્યા. કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. ગાંધીજી નિર્ભય રહી લોકોની વચ્ચે રહ્યા. દેશ જ્યારે આઝાદીની ઉજવણીમાં પડ્યો હતો ત્યારે હુલ્લડગ્રસ્ત બંગાળના નોઆખલીમાં લોકોની વચ્ચે પહોંચી ગયા અને તેમની વચ્ચે જ રહ્યા.

1948માં હિન્દુ કટ્ટરપંથીની ગોળીએ જ વીંધાયા.

ગાંધીજી રાજકીય આગેવાનની સાથે સાથે સૌના સાથી, દોસ્ત, પારકાની પીડા જાણનારા અને સત્યાગ્રહી સંઘર્ષો કરનારા માનવ હતા અને તેને લઈને જ તેઓ રાષ્ટ્રપિતા ગણાયા.

'રાષ્ટ્રપિતા' એ કંઈ એક વ્યક્તિ કે સત્તાધારીઓ દ્વારા અપાયેલો કોઈ ઈલ્કાબ નથી પરંતુ આ દેશની કરોડોની જનતાએ તેમને પોતાના પિતા સમાન માન્યા અને સૌ કોઈના પિતા સમાન વ્યક્તિ જ રાષ્ટ્રપિતા તરીકેનો આદર મેળવી શકે છે.

સમાજ માટે માત્ર સાધુ-સંત જેવી ફકીરી જ નહીં પરંતુ નિર્ભય બની, નિઃસ્વાર્થ બની સત્ય માટે ઝઝૂમવું એ જ સૌથી મોટી વાત છે.

ગાંધીજીની આજની આ 150મી વર્ષગાંઠે સવાલ તો એ જ છે કે આવો નેતા, આવો રાષ્ટ્રપિતા દેશમાં કેમ કોઈ બીજો પાકતો નથી ? ક્યારે આવો નેતા કે નેત્રી આપણને ફરીથી મળશે ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 02 ઓકટોબર 2019

Loading

2 October 2019 admin
← સુખનો GDP: હર ઘર મેં એક કમરા કમ હૈ?
દેશમાં રાજકીય શૂન્યાવકાશ પેદા થતો હોય તો તેને ભરવાની જવાબદારી નાગરિકની છે →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved