
હેમન્તકુમાર શાહ
સમીર અમીન (૧૯૩૧-૨૦૧૮) નામના એક ઇજિપ્શિયન-ફ્રેન્ચ અર્થશાસ્ત્રીએ એમ કહ્યું છે કે દુનિયાભરમાં પાંચ જૂથો સામાન્ય લોકો પર પોતાનો અડ્ડો જમાવીને બેઠાં છે. એ બધાં સામાન્ય લોકો સામે કાવતરાં કરવામાં ભેગાં જ છે. સામાન્ય લોકોનું આર્થિક, સામાજિક અને રાજકીય શોષણ કરવામાં તેઓ એકબીજાને સહકાર આપે છે અને તેમાંથી મળતા લાભો મેળવે છે.
આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા બ્રિટિશ અર્થશાસ્ત્રી એડમ સ્મિથ (૧૭૨૩-૯૦) દ્વારા એમ લખવામાં આવ્યું હતું કે, “વેપારીઓ જ્યારે ભેગા મળે છે ત્યારે ગ્રાહકો સામે કાવતરાં કરીને છૂટા પડે છે.” આ વાક્ય સમીર અમીન જે પાંચ જૂથોનો ઉલ્લેખ કરે છે તેમને સહિયારી રીતે લાગુ પડે છે.
સમીર અમીન આ પાંચ જૂથો આ મુજબ ગણાવે છે :
(૧) સામાજિક અને રાજકીય નેતાઓ
(૨) સરકારી અમલદારો
(૩) ઉદ્યોગપતિઓ
(૪) લશ્કર
(૫) વ્યવસાયીઓ (એટલે કે પ્રોફેસરો, વકીલો, ડોક્ટરો, મેનેજરો, સ્થપતિઓ, મોટા વેપારીઓ, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સાહિત્યકારો, પત્રકારો, આઈ.ટી. જેવા દરેક ક્ષેત્રના ટેકનિકલ નિષ્ણાતો તેમ જ મોટિવેશનલ સ્પીકરો, વગેરે)
મને આ પાંચમાં એક બીજું જૂથ ઉમેરવાનું મન થાય છે અને તે છે :
(૬) બધા ધર્મોના ‘ધધૂપપૂ એક હજાર આઠો’ કે જેમાં કહેવાતા સાધુઓ, ભગવંતો, મૌલવીઓ, આયાતોલ્લાહો, પાદરીઓ, પોપ, કથાકારો વગેરેનો સમાવેશ થાય છે.
આ અર્ધો ડઝન લોકો, કે જેમની વસ્તી દુનિયાની કુલ વસ્તીના દસ ટકાથી વધારે હોતી નથી, દુનિયાના નેવું ટકા લોકો પર અડિંગો જમાવીને બેઠા છે. તેઓ શોષણજનક વ્યવસ્થાઓ ઊભી કરે છે, તેમને પોતાને જ લાભકર્તા એવા કાયદા અને નિયમો બનાવે છે અને બાકીની ૯૦ ટકા વસ્તીનું શોષણ કરે છે.
લોકોએ ખરી આઝાદી આ અર્ધો ડઝન લોકોથી મેળવવાની છે. આ લોકો પાસે જ અર્થસત્તા, રાજસત્તા અને ધર્મસત્તા છે. ઘણી વાર તો ખ્યાલ પણ ન આવે કે કયા જૂથ પાસે કઈ કઈ સત્તા છે. આ ત્રણેય સત્તાના કોકટેલ સામે મહાત્મા ગાંધીએ બગાવતનો ઝંડો ઉગામ્યો. આવો અહિંસક ઝંડો ઉઠાવનારા માનવજાતના હજારો વર્ષોના ઇતિહાસમાં એ પહેલા હતા. તેમણે દરેક વ્યક્તિના “સ્વરાજ” માટે સર્વોદય, સ્વદેશી અને સત્યાગ્રહના માર્ગો બતાવ્યા છે.
ઈશ્વર, અલ્લાહ અને ગોડ જેવા ભગવાનો અને તેમના પૃથ્વી પરના જાતે બની બેઠેલા એજન્ટો મનુષ્યને ગુલામ બનાવે છે અને તેને ગુલામ બનાવતી તમામ વ્યવસ્થાઓને ઉછેરે છે, બરાબરની પોષે છે અને ટકાવે છે; એટલે એ ભગવાનોથી આઝાદ થઈએ તો સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામીમાંથી બહાર નીકળવાના અને તમામ પ્રકારની બેફામ સત્તા સામે સત્યાગ્રહ કરવાના રસ્તા મળે, નહીં તો નહિ મળે.
તા.૧૭-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર