નેહરુઆંબેડકર બંનેને સત્તાનો બાધ નહોતો તેમ જ કેવળ સત્તાલક્ષી ન બની રહે તેવા ઉચ્ચાકાંક્ષી પણ એ હતા
ત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચેના આ દિવસોમાં, શ્રાધ્ધપર્વમાં, લાહોરમાં ભગતસિંહનો કેસ પૂરાં પંચાસ-છયાંસી વરસે ખૂલી રહ્યાના સમાચાર રૂડા આવ્યા! ભગતસિંહના સમગ્ર દસ્તાવેજ સંચય ભણી ઉત્તરોત્તર અગ્રસર થઈ રહેલા પ્રો. ચમનલાલને હજુ હમણે જ દાંડીમાં મળવાનું થયું ત્યારે એમણે આગોતરી વધામણી પણ આપી હતી કે સોન્ડર્સની હત્યાની એફ.આઇ.આર.માં ભગતસિંહનું નામ જ નથી એ પાયાની વિગત બહાર આવવાને કારણે આ શક્યતા ઊભી થઈ છે. કુલદીપ નાયરના પ્રયાસોએ થોડીક હવા ઊભી કરી હશે, ખાસ કરીને બંને શરીફ ભાઈઓ સાથેના એમના અનૌપચારિક જેવા સંબંધોને કારણે, પણ પાકિસ્તાનના કેટલાંક સક્રિય નાગરિક વર્તુળોની સતત કોશિશથી આ ઉઘાડ શક્ય બન્યો છે. ભગતસિંહની ક્રાંતિકારી પ્રતિભાને તેઓ ભારત-પાક સંયુક્ત વિરાસત તરીકે જુએ છે.
સંયુક્ત વિરાસતની વસ્તુત: વિશ્વમાનવતાની, જિકર કરી એટલે સ્વાભાવિક જ ‘પાકિસ્તાન ટાઇમ્સે’ ગાંધીજીને આપેલી એ યાદગાર અંજલિનું સ્મરણ થઈ આવ્યું કે મિ. ગાંધીની હયાતીમાં અમારે એમની ટીકા કરવાના પ્રસંગો જરૂર આવ્યા હતા, પણ ત્યારે અને અત્યારે બધો વખત અમે એક વાતે આશ્વસ્ત જ આશ્વસ્ત હતા અને છીએ કે આ ઉપખંડ પર કમસે કમ એક માણસ એવો અવશ્ય છે જે સરહદની બંને બાજુના માણસોની ચિંતા કરે છે.
એવોર્ડ વાપસીએ જગવેલ ચર્ચાથી માંડીને દાંડી પહેલ જેવા સ્વયંભૂ શા અવસરો રાષ્ટ્રવાદની ધર્મકોમી સાંકડી વ્યાખ્યામાંથી જ નહીં પણ માનવતાને ઉદ્દધ્વસ્ત કરી શકવાની હદે હાવી થઈ શકતા રાષ્ટ્રવાદ સુધ્ધાંને માઝામાં રાખી જૂના ચિંતનમાંથી બહાર આવવાનો મોકો અને ધક્કો આપે છે. જેને આપણે માનવ્યની પ્રતિષ્ઠાનું, એને વાસ્તે સમતા-અને-સ્વાતંત્ર્ય-મૂલક સમાજરચનાનું મૂળગામી રાજકારણ કહી શકીએ એવો ઉઘાડ અને ઉપાડ છે.
તમે જુઓ કે બંગભંગના વારાથી ‘વંદે માતરમ’ના નારાનો ચોક્કસ મહિમા રહ્યો છે. એ જ 1905-06ના અરસામાં સુદૂર આફ્રિકામાં સત્યાગ્રહની બારાખડી આલેખાય છે. 1909-10માં રશિયા બેઠે તોલ્સતોય જિંદગીના અંતિમતમ ચરણમાં ગાંધીને લખે છે કે તમે ત્યાં જે કરી રહ્યા છો તે ટ્રાન્સવાલ જેવા એક દેખીતા અંધારા અને છેવાડાના મુલકને આજની (બલકે, નવી) દુનિયાના કેન્દ્રમાં મૂકી આપે છે. ભગતસિંહ હસ્તક ‘વંદે માતરમ’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ લગીની જે સંક્રાન્તિ થાય છે તે રીતભાતે જુદી જણાતે છતે છે તો આ જ તરજ પરની.
તાજેતરનાં વરસોમાં એકથી વધુ વાર ઇતિહાસકાર બિપનચંદ્રનું એ કૌતુકભર્યું અવલોકન નોંધવાનું બન્યું છે કે ભગતસિંહને આયુષ્યનાં વધુ વરસો મળ્યા હોત તો એ ગાંધીવાદી બની કોળ્યા હોત. બિપનચંદ્ર આખરી દોરમાં ભગતસિંહ પર નવેસરથી કામ કરી રહ્યા હતા, અને એમાં તેઓ પોતાની આ નવ્ય પ્રતીતિ ઉપસાવવા ઈચ્છતા હતા. આ દિશામાં એમણે કરેલ કાચુંપાકું કામ બહાર આવે તો જરૂર એક કીમતી સહવિચારસામગ્રી મળી રહે. ગમે તેમ પણ, ભાવુક રાષ્ટ્રવાદમાં નહીં બંધાતા ઈન્કિલાબી ભૂમિકાએ માર્કસવિચારમાં ઠરેલા ભગતસિંહે એ વિચારો છાંડવાની જરૂરત ભલે ન જોઈ હોય, પણ હિંસક ઉદ્રેક કે ઉત્પાતને સ્થાને લોક આંદોલનના શાંતિમય પ્રતિકારમાં ઠરવામાં એમને ગાંધીનો સધિયારો જરૂર ખપ લાગ્યો હોત. સવાલ પરિવર્તન અને પ્રતિકારની (તેમ જ રચનાની) કારગત વ્યૂહરચનાનો છે. બને કે બિપનચંદ્રે ભગતસિંહને આ સંદર્ભમાં ગાંધીવાદી તરીકે ઉત્ક્રાન્ત થતા કલ્પ્યા હોય. તત્ત્વત્: , આમ પણ, ભગતસિંહ હિંસા ખાતર હિંસાના કોઈ રુમાની આશક તો નહોતા.
અસાધારણ, અશ્રુતપૂર્વ દાંડી કૂચ પછી ગાંધી-ઈરવિન સમજૂતી અને ભગતસિંહની ફાંસી તેમ જ યરવડા અનશન અને કરાચી કૉંન્ગ્રેસ, બે ત્રણ વરસના આ ગાળામાં સ્વાતંત્ર્યસંગ્રામના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જે એજન્ડા ઉઘડ્યો, આંબેડકર એકસો પચીસી સાથે તે ફરી એક વાર સાફ રીતે સામે આવી રહ્યો છે. જો 2014માં જે કથિત વૈકલ્પિક વિમર્શ સત્તારૂઢ થયો તેની સામે આ એજન્ડાનો ઉઘાડ એક સાથે પડકાર એટલો જ દીવાદાંડી રૂપ છે. કૉંગ્રેસના સંખ્યાબંધ સાથીઓને બને કે, પુના કરારની તાત્કાલિકતા-અને સવિશેષ તો હરિજનયાત્રાને અગ્રતાનો ગાંધીનિર્ણય સોરવાયો ન હોય. વસ્તુત: આંબેડકરે પોતે નોંધ્યું છે તેમ ગાંધીના અનશને જો એમના પર દબાણ ઊભું કર્યું હોત તો ઉજળિયાત હિંદુ નેતૃત્વને પણ તાણમાં મૂક્યું હતું. સ્વતંત્રતા અને સમતાની ઇન્કિલાબી લડાઈ ભારતને માટે માત્ર વર્ગીય નહીં પરંતુ વર્ણગત વાસ્તવ સાથે પણ કામ પાડવાનું અનિવાર્ય બનાવે છે. આ લાંબી લડાઈમાં સત્તાની ભૂમિકા ખસૂસ છે, પણ તે કેવળ સત્તાના વશની વાત નથી.
બિહારના રાજ્યપાલ કોવિંદ ગાંધીનગર આવી પ્રબોધન કરી ગયા કે ગાંધીનેહરુ સત્તા માટે લડ્યા જ્યારે આંબેડકર સમાજસુધારા માટે. કોવિંદ મશાયે આવા છબછબ છમકલાથી શું કહેવા તાક્યું હશે? ભાઈ, દેશ જ્યારે ‘ક્વિટ ઇન્ડિયા’મય હતો અને કૉંગ્રેસ કારોબારીના વરિષ્ઠ સભ્યો – નેહરુ મૌલાના પટેલ કૃપલાની અહમદનગર જેલમાં હતા એ વર્ષોમાં આંબેડકર વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સક્રિય હતા. એ ગાળામાં એમની મારફતે થયેલી પ્રગતિશીલ પહેલ, પાછળથી આઝાદ હિંદમાં ખપ પણ આવી હશે. કોવિંદ આંબેડકરની એક્ઝિક્યુટિવ કાઉન્સિલને કેવી રીતે ઘટાવશે? અથવા, ગાંધીના સૂચનથી નેહરુપટેલ નિમંત્ર્યા આંબેડકરે સત્તાસ્થાને બેસવું પસંદ કર્યું? એને કેવી રીતે જોશે? નેહરુઆંબેડકર બંનેને સત્તાનો બાધ નહોતો તેમ જ કેવળ સત્તાલક્ષી ન બની રહે તેવા ઉચ્ચાકાંક્ષી પણ એ હતા.
શાસકીય ને સામાજિક હિલચાલ બેઉનો ખપ છે. જે દિવસે આ કોલમ પ્રકાશિત થશે તે જોગાનુજોગ ગાંધીજીના 1916ના એ બિગબેંગ ભાષણની તારીખ છે જ્યારે એમણે ગોખલેદીધા મૌનને છેડે બનારસ હિંદુ કોલેજ(યુનિવર્સિટી)ના આરંભે રાંકડી રૈયતને ભોગે ઘરેણે શોભતા (ગુલામ હોવાનું નહીં સમજતા) રાજવીઓનો ઊધડો લીધો હતો – સભાના પ્રમુખ સહિત સૌ મંચસ્થ મહાનુભાવો સભાગૃહ છોડી ગયા હતા. 1915-16થી 1932-33નાં વર્ષોમાં હિંદુ-મુસ્લિમ એકતા, આર્થિક-સામાજિક ન્યાય (અસ્પૃશ્યતા નિવારણ) મૂળભૂત અધિકારો સહિતનું એક સમગ્ર ચિત્ર (મુકમ્મલ આઝાદી) દેશજનતા સમક્ષ આવે છે. 1929ની લાહોર કૉંગ્રેસ અને તે પછી થોડે વરસે કરાંચી કૉંગ્રેસ : આ બેમાં એ બધી સામગ્રી પડેલી છે જેણે બંધારણ સભામાં ખાસું કામ આપ્યું છે.
આ બે ઐતિહાસિક અધિવેશન-નગરો આજે જો પાકિસ્તાનની ઓળખ પામ્યાં હોય તો એનું એક કારણ ગાંધી-ભગતસિંહ-આંબેડકર સહિતનાઓએ જે વિમર્શકોશિશ કીધી તેની સામે વિખરાવ અને ભટકાવની કોશિશો અંશત: કામયાબ રહી તે છે.
ઉતાવળે, થોડા શબ્દોમાં, આ દાંડી પણ, દીવાદાંડી પણ!
સૌજન્ય : ‘ઇન્કિલાબી ભૂમિકા’, “દિવ્ય ભાસ્કર”, 06 ફેબ્રુઆરી 2016