“એવા આવે છે ધરતીના સાદ રે હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ! ગામડે.
*
“સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મ્હેર રે
ભાઈ ! મોસમ આવી મહેનતની.
*
“કામ કરે ઈ જીતે રે માલમ !
કામ કરે ઈ જીતે.
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઈ રીતે રે.
કામ કરે ઈ જીતે.”
*

નાથાલાલ દવે
ઉપરોકત રચનાઓ અવારનવાર મોઢે આવી જાય અને ગણગણવાની મજા પડે. કારણ કે એ પાઠયપુસ્તકોમાં ભણવામાં આવી ચૂકી હોય અને રચનાની ગેયતાને કારણે વારંવાર ગણગણી હોય એટલે હૈયાના ખૂણે સચવાયેલી જ રહી હોય, જ્યારે પણ મન મોજમાં આવે એટલે અચૂક હોઠે આવી જાય. મીઠીમધૂરી આવી ઘણી રચનાઓ ઘણાને મોઢે હશે. આપણે આજે આ રચનાઓ યાદ કરવાનું કારણ એટલું જ કે આ રચનાઓના સર્જક નાથાલાલ દવેનો આજે (03 જૂન 2025) જન્મદિવસ છે. તેઓ ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વાર્તાલેખક અને અનુવાદક હતા. શિક્ષણ અને સાહિત્ય સાથે સંકળાયેલા હતા શિક્ષક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હતી.
1942માં ‘કાલિંદી’(નવલકથા)થી શરૂઆત કરીને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને પ્રેમાંજલિ આપતો કાવ્ય સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ 1985માં આપીને તેમની લાંબી સાહિત્યસર્જન સેવા આપી છે. તેમની કવિતામાં પ્રકૃત્તિપ્રેમ, ગ્રામીણ પરિવેશ અને મજાની ગેયતાને કારણે ખૂબ જ લોકપ્રિય થયાં છે. તેમણે ‘કાલિંદી’, ‘જાહ્નવી’, ‘અનુરાગ’, ‘પિયા બિન’, ‘ઉપદ્રવ’, ‘મહેનતનાં ગીત’, ‘ભૂદાનયજ્ઞ’, ‘સોનાવરણી સીમ’, ‘હાલો ભેરુ ગામડે’, ‘મુખવાસ’ જેવા વીસ કાવ્યસંગ્રહો આપ્યા છે. તો’ઊડતો માનવી’, ‘મીઠી છે જિંદગી’ જેવાં વાર્તાનાં પાંચેક પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત સંપાદનનાં અગિયાર અને અનુવાદ ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો સહિત તેમનું ગુજરાતી ભાષામાં બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે.
સર્જકનો જન્મ 3 જૂન 1912ના રોજ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. તેમના પિતાનું નામ ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તૂરબહેન. તેમણે 1934માં બી.એ. અને 1936માં એમ.એ.ની પદવી મેળવી હતી. તો 1943માં શામળદાસ કૉલેજ, ભાવનગરથી બી.ટી. થયા. અને 1956 થી 1970 દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે સેવારત્ત રહ્યા.
કવિ નાથાલાલનો વિસ્તૃત પરિચય આપતાં અમેરિકા સ્થિત તેમનાં ભાણેજ સરયૂ મહેતા-પરીખ લખે છે :
“અમારું બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી જ્યારે પણ અમારે ત્યાં આવતા ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારાં બા તૈયારી કરતાં હોય એ જોવાનો લ્હાવો હતો.
એ સમયે હું આઠેક વર્ષની હતી અને મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકઝકની યાદ આવતા હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે. ખાદીના સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શિબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતાગણની પ્રશંશા સાંભળીને મામા માટે ગર્વનો અનુભવ થતો.
પાઠ્યપુસ્તકમાં “પિંજરના પંખીની વાત” એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાના લખેલાં ગીતો ગવાયેલાં અને વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, “અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?” કે “આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની”, ઉમંગ અને સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી. મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્ય રસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ “હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી.”
મારા બા, ભાગીરથી, એક બાલિકા બહુ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહસંસારમાં મૂંઝાતાં હતાં, ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે એમને સ્વામિ વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતા જે એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયા અને અઢાર વર્ષની ઉંમરે ફરી ભાવનગરની શાળામાં ભણવાનુ શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં શિક્ષિકા બન્યાં. નાનાજી અને ઘરના લગભગ બધા સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો. એક પ્રસંગ બા કહેતાં કે એમના ગુરુ વજુભાઈ શાહના જન્મદિવસે બધા એકઠાં થવાના હતાં અને મારા નાનાજીએ બાને જવાની મનાઈ કરી, ત્યારે મામાએ સિર્ફ એટલું જ કહેલું, “બહેન જશે, એને જવાનુ છે.” ઘરના વડીલની સામે આ રીતનો વિરોધ કરવો એ પ્રેમાળ ભાઈ જ કરી શકે. આવા અનેક પ્રસંગોએ અમારા મામા હિંમત આપતા અચૂક આવીને ઊભા રહેતા.
એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારા સામે સ્થિર નજર કરી મામાએ કહેલ, ‘બી બ્રેવ’ એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે. મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતા હોય એવી રસિક પળો જોઈ છે. તેમ જ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપુ અને ચશ્માં તૈયાર કરીને રાખ્યાં હોય કે અરવિંદને વાર્તા કહેતા હોય, એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે.
એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું જ્યારે નાના જીવનમામા, જે મુંબઈમાં વકિલ હતા, એમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. મામાનું ઋજુ હ્રદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદાની યાદમાં આળું હતું. પછી બીજી દીકરીનો જન્મ થતાં નામ પ્રિયંમવદા આપેલું, પણ આપણે બધાં એને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ. ધીરૂભાઈ-પ્રફુલ્લા, નીરૂભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ પણ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.
એક સફળ અને સહાનુભૂતિભર્યા કવિહ્રદયની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા મામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.” તેમની આ મજાની રચના માણીએ :
ઘડુલિયા. • નાથાલાલ દવે
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથનીઅવળી સવળી થપાટ.
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે કર્મે લખિયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે જાંળુ સળગે ચોમેર.
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
વેળા એવી વીતી રે વેદનતણી ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે પાકા પંડ રે પરમાણ.
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા.
—–
03 જૂન 2025
e.mail : saryuparikh@yahoo.com
https://saryu.wordpress.com
https://www.amazon.com/-/e/B06XYS9HH9