Opinion Magazine
Number of visits: 9484792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર એટલે નો-નોનસેન્સ નિશ્ચયાત્મકતા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|31 October 2015

આ માણસનું સરદારપણું એના સિપાઈ હોવામાં હતું; ટીમ બાંધવામાં હતું, બાકી સૌને ખસેડી ખદેડી છાઈ જવામાં નહોતું.

જેમ જેમ વરસો વીતતાં જાય છે, કેમ જાણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ ઉત્તરોતર ઉત્કટ થતું જાય છે! એક સ્વરાજ નિર્માતા તરીકે એમનું અસાધારાણ યોગદાન જોતાં આ ઉત્કટતા અસ્વાભાવિક નથી એ સાચું, પણ એને જરી વળ અને આમળો ચડતા હોય તો પાછલાં વરસોમાં દેશની કેટલીક નાજુક પળો જાળવી જાણે એવા નેતૃત્વની મનોવૈજ્ઞાનિક ખોટ અનુભવાતી રહી છે એ ય સાચું અને એક ખાસંખાસ મુદ્દો આ સાથે અંબોળી દેવો જોઇએ કે મે 2014થી પાટનગરીમાં જે નવસંવતનો થનગનાટ છે, એમાં કથિત નેહરુ વિમર્શને સ્થાને પટેલ વિમર્શની પ્રતિષ્ઠાનો મહિમા છે. જો કે, કથિત પટેલ વિમર્શનાં ધોરણો પણ તપાસલાયક છે. હવે તો સહેજે પંદરેક વરસ થયાં એ વાતને, પણ બિહારમાં કુર્મીઓએ સરઘસ કાઢ્યું ત્યારે મોખરે વલ્લભભાઈની તસવીર રાખ્યાના હેવાલો વાંચી હસવું કે રોવું એ નક્કી કરી શકાયું નહોતું. એવી જ એક મન:સ્થિતિ તાજેતરનાં અઠવાડિયાઓમાં, કદાચ વધુ તીવ્રતાથી અનુભવાઈ હતી જ્યારે સરદાર સરખી પુરુષાર્થી પ્રતિભાનો હવાલો આપીને પાટીદાર અનામતનું સમર્થન કરવાની ચેષ્ટા થઈ હતી.

ભાઈ, પાટીદાર તે કોણ, કેવો અને શું એ નવભારતના નાગરિક સંદર્ભમાં વલ્લભભાઈએ જે રીતે વ્યાખ્યાયિત કરી આપ્યું એમાં સ્તો એમનું સરદારપણું વિલસી ઊઠયું હતું. સ્વરાજની લડતમાં ચરોતરના પાટીદારોનો રૂડો હિસ્સો સૌ જાણે છે. મૂળે જમીનમાલિક એટલે શેહમાં નહીં આવવાની પ્રકૃતિ, અને સ્વરાજનો વાયરો, પછી બાકી શું રહે. પણ કેટલાક જાગ્રત પાટીદારોએ આત્મનિરીક્ષણરૂપે એક બીજી વાતે કરી છે : અમે જમીનમાલિકો એટલે છેવાડે રહેતા – ને ‘વહવાયું' કહેવાતા બીજા – ‘ગામ'ની અમારી વ્યાખ્યામાં નયે આવે. પણ પોતાને ખેડૂત અને વણકર તરીકે ઓળખાવવામાં મોક્ષ જોતા ગાંધીજી આવ્યા, અને શું થયું? પૂછો વલ્લભભાઈને. 1922માં અંત્યજ પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે જવાનું થયું ત્યારે આ ચાણાક્ષ એટલા જ સંવેદનશીલ પટેલે તત્કાળ નોંધ્યું કે જેમને સારુ મળ્યા છીએ તે તો છેવાડે અને છેટા બેઠા છે. વલ્લભભાઈએ નિયત મંચ ભણી નહીં જતાં પોતાની બેઠક આ છેવાડે અને છેટે બેઠેલ (કે બેસાડાયેલ) સમુદાય વચાળે જમાવી – અને પરિષદનું કેન્દ્ર જ બદલાઈ ગયું. કણબી કહેતાં કુટુમ્બીની વ્યાખ્યા લીલયા વિસ્તરી ગઈ ને નાગરિકતાના દફતરમાં હરિજન(દલિત)નું નામ ન હોય એ વાત ઇતિહાસવસ્તુ બનવાની શરૂ થઈ. હજુ બારડોલી થકી સરદાર બનવાનું અને દેશી રજવાડાંને નાથવા પરોવવાનું બાકી હતું, અને એમનું ‘સરદાર'પણું આમ ઝળકી ઊઠયું હતું.

જેઓ નેહરુ વિમર્શના વિકલ્પે પટેલ વિમર્શની જિકર કરે છે તેઓ – પછી તે હાર્દિક પટેલના છેડેથી હોય કે ભાજપ શ્રેષ્ઠીઓના છેડેથી – કાં તો અનામત નાબૂદી અગર તો પાટીદાર અનામત પ્રકારનો આલાપ છેડતા માલૂમ પડે છે. સરસંઘચાલક ભાગવતના ઉદ્દગારો પછી (રાબેતાશાઈ ‘સ્પષ્ટતા' છતાં) બિહારની ચૂંટણી ઝુંબેશમાં ભાજપ શ્રેષ્ઠીઓએ ‘ક્રાઇસિસ મેનેજમેન્ટ' કેમ કરવી પડી હશે? સામાજિક સમાનતા, ઊંચનીચ નાબૂદી એ પટેલને સારુ જે અર્થમાં અને જે હદે, કહો કે મજ્જાગત એવું પાયાનું મૂલ્ય હશે તે મતબેંકી ગણિતથી નિરપેક્ષપણે બાકી રાજનીતિમાં નહીં હોય, એથી સ્તો.

હશે, રઘવાયા બઘવાયા ચાલુ રાજકારણીઓને આ મુદ્દે જીવદયાને ધોરણે જતા કરીએ, પણ એક વાનું ચોક્કસ જ અધોરેખિતપણે નોંધીએ કે સ્વતંત્રતા અને સમતા પર અધિષ્ઠિત બંધારણના ઘડવૈયા તરીકે આંબેડકરને અગ્રપદે સંયોજવાનું યુગકાર્ય ગાંધી નેહરુ પટેલની સ્વરાજ ત્રિપુટીને ચોપડે જમે બોલે છે. નેહરુ પટેલના સરકાર સ્થિત સલાહકારો દેશ બહાર પ્રતિભાશોધ ચલાવી રહ્યા હતા -આઇવર જેનિંગ્ઝની હેડીના સજ્જ જણ કદાચ પસંદ પણ થઇ ગયા હોત – પણ ગાંધીજીએ સૂચવ્યું કે આંબેડકરને નિમંત્રો : એ ‘પંડિત' છે, અને જોડો ક્યાં ડંખે છે તે પણ જાણે છે. એકવાર આ સૂચન પકડાયું, પછી તો વ્યૂહકાર સરદાર આંબેડકરને ગૃહમાં લઈ પણ આવ્યા અને નેહરુએ એમને કેબિનેટમાંયે સમાવ્યા.

આઇસીએસ અધિકારીઓની સ્ટિલ ફ્રેમને આ લોહપુરુષે સાચવી લીધી અને એમની પાસેથી કામ પણ લઈ જાણ્યું. આ ક્ષણે આટલી એક વિગત સંભારી આપવાનો ધક્કો અરુણ શૌરિના એ તાજેતરના સચોટ નિરીક્ષણથી લાગ્યો છે. કે હાલની સરકાર એટલે કોંગ્રેસ વત્તા ગાય. બીજા શબ્દોમાં, શિથિલ તંત્ર અને કોમી ઉશ્કેરણી. નેહરુ પટેલની સરકાર શિથિલ તંત્રને ચલાવી લેનારી નહોતી. અને ગાય કહેતાં કોમી ઉશ્કેરણી? હરગિજ નહીં. તમે જુઓ પ્રભાસ પાટણની બિનતકરારી, રિપીટ, બિનતકરારી જમીન ઉપર અને જાહેર ટ્રસ્ટ, રિપીટ, જાહેર ટ્રસ્ટ હેઠળ સરકારે જે કર્યું તે અયોધ્યાની તકરારી ભૂમિ પર ધરાર ન કર્યું. અયોધ્યામાં ભેદી રીતે રામલલ્લા ‘પ્રગટ' થયા ત્યારે સરદારે મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંતને આપેલી સલાહ તાળું મારી દેવાની હતી.

અહીં આશ્ચર્યકારણપણે ઊપસી રહેતો બુનિયાદી મુદ્દો કદાચ એ છે કે છતે ભાગલે જેમણે ‘હિંદુરાષ્ટ્ર નહીં પણ બિનસાંપ્રદાયિક ભારત'નો અભિગમ છોડયો નહીં, એ સ્વરાજ ઘડવૈઓની અગ્રપંક્તિમાં ગાંધી નેહરુ પટેલ જેવી નિર્ણાયક સ્વરાજ ત્રિપુટી હતી. એક તબક્કે ગાંધીજીને બાજુએ રાખીને જેમને ભાગલા અનિવાર્ય જણાયા તેમાં વાસ્તવવાદી સરદાર પહેલા અને ભાવવિહવળ નેહરુ લગોલગ છતાં લગરીક બીજા હતા. તેમ છતાં, ઇતિહાસની કપરી ઘડીમાં બિનસાંપ્રદાયિક બંધારણ ઘડતરની દ્રષ્ટિએ ત્રણે બરોબરના સાથે રહ્યા. નેહરુની ભાવનાત્મક અપીલ, પટેલની નો-નોન્સેન્સ નિશ્ચયાત્મકતાનો ડારો અને હૂંફ, ગાંધીની પ્રાર્થનામય તપસ્યા ત્રણે મળીને એની બધી મર્યાદાઓ સાથે અને છતાં રચાયેલું એ પ્રયાગ હતું.

વેંકય્યા નાયડુએ એકવાર ‘વિકાસપુરુષ' અને ‘લોહપુરુષ' એવા બે ભેદ પાડવાની ચેષ્ટા કરી હતી. કોને ખબર, નિત્ય બ્રીફ બહાદુર અરુણ જેટલી હવે વિકાસતત્ત્વ અને લોહતત્ત્વ જેમાં એકાકાર માલૂમ પડતાં હોય એવી શખ્સિયત બાબતે બ્લોગકારીમાં પડવામાં હોય. પણ પાકિસ્તાનની અનિવાર્યતા પ્રમાણવામાં સરદારે જે લોહપરચો આપ્યો તે દાયકાઓ પછી એનડીએ-1ના કાળમાં અટલબિહારી વાજપેયીએ આપ્યો હતો. અહીં તો એમની તારીફ ‘પંડિત અટલબિહારી નેહરુ' તરીકેની હતી, અને એમાં દમ પણ છે. પણ બસમાં બેસી એ લાહોર ગયા અને પાકિસ્તાન માટેના સંકલ્પ સ્થળ મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત લીધી એમાં ક્યારેક અહો રાત્ર અખંડ ભારત રટતા સંઘ પરિવારથી ઉફરાટે જતું સાહસ ખસૂસ હતું, જેમ નેહરુપટેલ તેમ વાજપેયી પણ ‘અ ફૅક્ટ ઓફ લાઇફ'ને સ્વીકારવાનું સાહસ ધરાવતા હતા એમ જ કહેવું જોઈએ.

જેમ ‘સ્ટિલ ફ્રેમ' થકી કામ લેવાનું તેમ, ઑલ ઇન્ડિયા રેડિયોમાં ઉર્દૂ સર્વિસ દાખલ કરવાનો ખયાલ હોય કે લઘુમતીના અધિકારોની વાત હોય. બંધારણીય સંસ્થાઓના સંગોપન-સમાર્જનનું કામ પણ એમણે રૂડી રીતે પાર પાડ્યું. તમે જુઓ, આ માણસનું સરદારપણું એના સિપાઈ હોવામાં હતું; ટીમ બાંધવામાં હતું, બાકી સૌને ખસેડી ખદેડી છાઈ જવામાં નહોતું. એ થઈ શક્યા એટલા સારા અને અસરકારક ‘નેકસ્ટ મેન' જવાહરલાલ થઈ શક્યા હોત? કદાચ નહીં.   

સૌજન્ય : ‘વિશિષ્ટતા’, “દિવ્ય ભાસ્કર”, 31 અૉક્ટોબર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-sardar-means-no-nonsense-determination-5156081-NOR.html

Loading

31 October 2015 admin
← ‘Issues’
‘સરસ્વતીચંદ્ર’નો અનુવાદ: ૧૨૮ વર્ષ પછી થયેલું મહાકાર્ય →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved