
દીપક મહેતા
આજનું સાંતાક્રુઝ એટલે મુંબઈનાં અનેક સમૃદ્ધ પરાંમાંનું એક પરું. પણ ૧૯૨૭નું સાંતાક્રુઝ એટલે તો જેની હદ માહિમ સુધી જ હતી એવા મુંબઈથી થોડે દૂર આવેલું એક નાનકડું ગામડું. પણ એ વરસે ત્યાં એક સાથે ત્રણ જુદી જુદી રીતે અજવાળું પથરાયું. ફતેહઅલી એન્ડ કંપનીએ દિવાસળી બનાવવાનું કારખાનું સાંતાક્રુઝમાં શરૂ કર્યું. કિલિક નિકસન નામની બ્રિટિશ કંપનીએ સાંતાક્રુઝના રસ્તાઓ પર પહેલી વાર સ્ટ્રીટ લાઈટ નાખી. અને શેઠ આનંદીલાલ પોદ્દારે આજના ટાગોર રોડ પર આવેલ મયૂરી નામનું એક ચાલ જેવું મકાન ભાડે લઈને તેમાં પોદાર હાઈ સ્કૂલ શરૂ કરી અને શિક્ષણનું અજવાળું ફેલાવ્યું. જે ટ્રસ્ટ દ્વારા આ સ્કૂલ શરૂ થયેલી તેના ૧૯૩૦ સુધી અધ્યક્ષ હતા મહાત્મા ગાંધી. પછી વધતી જતી રાજકીય પ્રવૃત્તિને કારણે તેમણે રાજીનામું આપ્યું. પછી ૧૯૪૬ સુધી મદન મોહન માલવિય અધ્યક્ષ હતા.

એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલ, ધોબી તળાવ, ૧૮૭૨માં

સાંતાક્રુઝ રેલવે સ્ટેશન, ૧૯૨૦માં
આ નવી સ્કૂલના પ્રિન્સિપાલની જગ્યા માટે પોદ્દાર શેઠની નજર મુંબઈમાં ધોબી તળાવ પાસે આવેલી એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલના શિક્ષક રામપ્રસાદ બક્ષી પર પડી. એ જમાનામાં માત્ર મુંબઈ શહેરની જ નહિ, આખા મુંબઈ ઇલાકાની એ સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્કૂલ. મુંબઈ ઇલાકામાં આધુનિક શિક્ષણનો પાયો નાખનાર અને મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન પ્રત્યેનું ઋણ અદા કરવા ૧૮૨૪માં આ સ્કૂલની સ્થાપના થયેલી. સો કરતાં વધુ વરસ સુધી આ સ્કૂલના પ્રિન્સિપાલ તો અંગ્રેજ જ હોય એવો શિરસ્તો. ૧૯૨૭ના એક દિવસે પ્રિન્સિપાલ પોતાની ઓફિસમાં બેઠા છે. એક શિક્ષક મળવા આવે છે. હાથમાંનો કાગળ તેમને આપે છે. વાંચીને પ્રિન્સિપાલ ચોંકે છે: ‘મિસ્ટર બાક્શી! આ શું? તમે રાજીનામું આપો છો? કેમ?’ ‘સર, સાંતાક્રુઝમાં એક નવી સ્કૂલ શરૂ થવાની છે તેમાં પ્રિન્સિપાલ તરીકે જોડાવું છે.’ અંગ્રેજ પ્રિન્સિપાલે પહેલાં તો એલ્ફિન્સ્ટન સ્કૂલ ન છોડવા સમજાવ્યા. ભવિષ્યમાં સરકારી નોકરીમાં કેવી ઉજળી તકો છે એ કહ્યું. પણ ‘મિસ્ટર બાક્શી’ એકના બે ન થયા. પ્રિન્સિપાલ કહે : ‘એક-બે વરસ પછી અહીં પાછા ફરવાની ઇચ્છા હોય તો તે પ્રમાણે કાગળિયાં કરું.’ જવાબ : ‘સાહેબ, હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કરું તે પછી જ અહીં પાછા ફરવાનો વિચાર કરી શકું.’ અને મિસ્ટર ‘બાક્શી’એ એલ્ફિન્સ્ટન સ્કૂલ છોડી. આ ‘મિસ્ટર બાક્શી’ એટલે રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, એટલે રામભાઈ.

આનંદીલાલ પોદ્દાર
પોદ્દાર સ્કૂલ શરૂ થઈ તે પહેલાં લગભગ રોજ રામભાઈ પોદ્દાર શેઠને મળવા જાય. સ્કૂલ વિષે ચર્ચા થાય. એક દિવસ પોદ્દાર શેઠ કહે : ‘રામભાઈ, આપણે આ સ્કૂલમાં બધાં છોકરા-છોકરીને મફત ભણાવશું. ફી નહિ લઈએ.’ ‘પણ કેમ?’ ‘તમે તો જાણો જ છો, હું કાંઈ પૈસા કમાવા માટે આ સ્કૂલ કાઢતો નથી. કમાયેલા પૈસા સારા કામમાં વાપરવા માટે સ્કૂલ શરૂ કરું છું.’ ‘ના જી. ફી તો લેવી જ જોઈએ.’ ‘કેમ?’ ‘ફી આપતા હોય તો જ વાલીઓ આપણને આપણી ભૂલો બતાવી શકે, સૂચનો કરી શકે. જો ફી ન ભરતા હોય તો જે મળે તે મૂંગે મોઢે લઈ લે. અને તો આપણી સ્કૂલનો વિકાસ ન થાય.’ પોદ્દાર શેઠ બે ઘડી રામભાઈના મોઢા સામે તાકી રહ્યા. પછી કહે : ‘રામભાઈ! એક વચન આપો.’ ‘શું?’ ‘તમે આ સ્કૂલ છોડીને બીજે ક્યાં ય નોકરી કરવા નહિ જાવ.’ એકાદ ક્ષણનો ય વિચાર કર્યા વગર રામભાઈએ જવાબ આપ્યો : ‘વચન આપું છું કે પોદ્દાર સ્કૂલની નોકરી સિવાય બીજી કોઈ નોકરી નહિ કરું.’
*
૧૮૯૪ના જૂનની ૨૭મી તારીખે જૂનાગઢમાં જન્મ. પછી ફક્ત દસ જ દિવસમાં રામભાઈએ પિતા પ્રેમશંકરને ગુમાવ્યા. પિતા વગરનું એ બાળક માતા મેવાકુંવર બા અને નાની બા પાસે ઊછર્યું. મૂળ વતન તો મોરબી, પણ કુટુંબે રાજકોટમાં વસવાટ કરેલો એટલે ત્યાંની સરકારી તાલુકા સ્કૂલમાં રામભાઈએ અભ્યાસ શરૂ કર્યો. પછી ત્યાંની જ કરણસિંહજી મિડલ સ્કૂલ અને આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં ભણ્યા. મેટ્રિકનો અભ્યાસ વઢવાણમાં કાકાને ત્યાં રહીને દાજીરાજ હાઈ સ્કૂલમાં કરીને ૧૯૧૦માં મેટ્રિક થયા.

રામપ્રસાદ બક્ષી
કોલેજના અભ્યાસ માટે ગયા અમદાવાદ. ત્યાં ગુજરાત કોલેજમાં આનંદશંકર ધ્રુવ જેવા અધ્યાપક મળ્યા. ૧૯૧૪માં વીસ વરસની ઉંમરે સંસ્કૃત સાથે બી.એ. થયા. એ જમાનામાં મુંબઈના ગુજરાતી સાહિત્ય જગતમાં રામભાઈના મામા હિંમતલાલ અંજારિયાનું નામ મોટું. તેમણે રામભાઈને પોતાની પાસે મુંબઈ બોલાવી લીધા. ત્યારથી રામભાઈ સાંતાક્રુઝવાસી બન્યા. પછી ૩૩મા વરસે સાંતાક્રુઝની પોદ્દાર સ્કૂલમાં પલાંઠી વાળીને બેઠા, તે ૧૯૫૯માં ૬૫મે વરસે આચાર્યના પદેથી નિવૃત્ત થયા. તે પછી પણ એ જ સ્કૂલના સલાહકાર તરીકે રોજેરોજ સ્કૂલમાં જાય. વખત જતાં એ કામ પણ બંધ થયું. મીઠીબાઈ કોલેજના પ્રિન્સિપાલ અમૃતલાલ યાજ્ઞિકે ગુજરાતીના અધ્યાપક અને પીએચ.ડી.ના ગાઈડ તરીકે જોડાવા આમંત્રણ આપ્યું. રામભાઈ કહે ‘આવું તો ખરો, પણ મારી બે શરત છે.’ ‘શું?’ ‘એક: હું અઠવાડિયામાં બે દિવસ જ કોલેજમાં આવીશ. લેકચર તમે કહેશો તેટલાં લઈશ. અને બે : હું એક રૂપિયાનું પણ વેતન નહિ લઉં.’ ‘એમ કેમ?’ ‘પોદ્દાર સ્કૂલમાં જોડાયો ત્યારે મેં પોદ્દાર શેઠને વચન આપેલું કે હવે પછી બીજી કોઈ નોકરી નહિ કરું.’ યાજ્ઞિકસાહેબને ખબર કે રામભાઈ એકના બે નહિ થાય. એટલે શરત સ્વીકાર્યા વગર છૂટકો નહોતો. જ્યારે કોલેજ જાય ત્યારે રામભાઈ પોતાને ખર્ચે ટેક્સીમાં જાય. પછી શરીરનો સાથ ઓછો થયો ત્યારે અધ્યાપક પદ છોડ્યું. બે-ચાર દિવસ પછી પ્રિન્સિપાલ યાજ્ઞિક રામભાઈને ઘરે ગયા અને તેમના હાથમાં એક કવર મૂક્યું. ખોલ્યા વગર રામભાઈએ પૂછ્યું : ‘શું છે આમાં?’ ‘આટલાં વરસ તમે અમારી કોલેજમાં આવીને ભણાવ્યું, એ માટે તમારે ખર્ચે ટેક્સીમાં આવતા. ટોકન તરીકે આ દસ હજાર રૂપિયા સ્વીકારવાની મહેરબાની કરો.’ જાણે સાપ પકડાઈ ગયો હોય તેમ કવર પાછું આપતાં રામભાઈએ કહ્યું : ‘પોદ્દાર શેઠને આપેલું વચન હું ભૂલ્યો નથી. આ પૈસાને મારાથી હાથ પણ ન અડાડાય.’ યાજ્ઞિકસાહેબે એ જ કવર રામભાઈનાં પત્ની કંચનબહેન સામે ધર્યું. તેમણે તરત કહ્યું : ‘એમને જે ન ખપે તે મને કઈ રીતે ખપે?’
એવી જ રીતે પ્રાથમિક શાળાથી માંડીને પીએચ.ડી. સુધીનો કોઈ પણ વિદ્યાર્થી ભણવા આવે તો એક પણ પૈસો લીધા વગર રામભાઈ પૂરેપૂરી ખંત અને પ્રેમથી ભણાવે. તેમની પાસે પીએચ.ડી. કરનાર ડો. ધનવંત શાહ લખે છે : “અભ્યાસ સાથે અમારું સંસ્કાર ઘડતર પણ થતું રહે. પુસ્તકો અને જીવનગ્રંથ જેવા રામભાઈના ચરણોમાં બેસવું એટલે જ્ઞાનના ઝરણા હેઠળ, અને હિમાલયની કોઈ કંદરામાં બેસવાનું સદ્ભાગ્ય. આપણા ભીતરના જીવનનું ક્યાં, કેવું પરિવર્તન થઈ જાય, એ ખબર પણ ન પડે … અભ્યાસમાં સતત પુરુષાર્થ કરાવે અને ચોકસાઈના આગ્રહે તો એમનાં ધવલ વસ્ત્રો કરતાં પણ વિશેષ.” (“પ્રબુદ્ધજીવન”, જુલાઈ ૨૦૧૪)
લાંબી માંદગી પછી ૯૫ વરસની ઉંમરે ૧૯૮૯ના માર્ચની ૨૨મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું.
*
રામભાઈનો સાહિત્ય-પ્રવેશ થયો અનુવાદથી. સંસ્કૃતના બૃહદ્દ કથાગ્રંથ ‘કથાસરિતસાગર’ની કેટલીક કથાઓનો ગુજરાતી અનુવાદ ‘કથાસરિતા’ નામે ૧૯૧૭માં પ્રગટ થયો. આ પહેલો અનુવાદ બાળભોગ્ય, તો બીજો અનુવાદ વિદ્વદ્ભોગ્ય. યુનિવર્સિટી ઓફ બોમ્બે(આજની મુંબઈ યુનિવર્સિટી)ની ધ વિલ્સન ફિલોલોજિકલ લેક્ચર્સ શ્રેણી અંતર્ગત નરસિંહરાવ દીવેટિયાએ ૧૯૧૫-૧૯૧૬માં અંગ્રેજીમાં Gujarati Language and Literature એ વિષય પર સાત વ્યાખ્યાનો આપેલાં. પછીથી ૧૯૨૧માં તે બે ભાગમાં પુસ્તક રૂપે પ્રગટ થયેલાં. નરસિંહરાવની દેખરેખ નીચે તેનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ ૧૯૧૮માં રામભાઈને સોંપાયું. તેમણે ચારેક વરસમાં અનુવાદનું કામ પૂરું કર્યું. પણ કોઈક કારણસર માત્ર પહેલા ભાગનો અનુવાદ ફાર્બસ ગુજરાતી સભા તરફથી છેક ૧૯૩૬માં પ્રગટ થયો. દાયકાઓ પછી, છેક ૧૯૫૭માં બીજા ભાગનો અનુવાદ ગુજરાત યુનિવર્સિટીએ પ્રગટ કર્યો. અલબત્ત, આ અસાધારણ વિલંબ માટે રામભાઈ જવાબદાર નહોતા.
રામભાઈનું પહેલું મૌલિક પુસ્તક ૧૯૫૯માં પ્રગટ થયું, ‘નાટ્યરસ.’ વડોદરાના ભારતીય સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયના ઉપક્રમે રામભાઈએ ૧૯૫૮માં આપેલાં વ્યાખ્યાનો આ નામથી પુસ્તક રૂપે પ્રગટ થયાં. જેની સાથે સુરેશ જોષી અનૌપચારિક રીતે સંકળાયેલા હતા તે ‘મનીષા પ્રકાશન’ દ્વારા પ્રગટ થયેલું આ પહેલું પુસ્તક. ચોથા પૂંઠા પર છાપેલા લખાણ પ્રમાણે ‘મનીષા’ સામયિકના બે પરામર્શક હતા. તેમાંના એક હતા રામભાઈ, અને બીજા હતા ડોલરરાય માંકડ. કુલ ૧૪ પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકમાં રામભાઈએ ભારતીય નાટ્યશાસ્ત્રની અને રસસિદ્ધાંતની બહુ જ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી છે.
દળદાર અને વ્યાપક પરિઘવાળું રામભાઈનું એક પુસ્તક તે ૧૯૬૩માં પ્રગટ થયેલું ‘વાંગ્મય વિમર્શ.’ મુખ્યત્ત્વે સાહિત્યના તત્ત્વની મીમાંસા કરતા સત્ત્વશીલ લેખો તેમાં સંગ્રહાયા છે. આ પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૭૦માં પ્રગટ થઈ હતી. ૧૯૪૭થી ૧૯૬૧ દરમ્યાન લખાયેલા કુલ ૪૪ લેખો તેમાં સંગ્રહાયા છે. આ લેખોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે : ૧ કાવ્યતત્ત્વ, ૨ રસ અને અલંકાર, અને ૩ નાટક-એકાંકી અને પ્રકીર્ણ. આ પુસ્તકમાંના લેખો વિષે પંડિત સુખલાલજીએ કહ્યું હતું કે “તેઓ (રામભાઈ) પોતાના વિષય પરત્વે માત્ર બહુશ્રુત જ નથી, પણ ઊંડી સમજણ ધરાવનાર દાર્શનિક છે. કાવ્યનાં લક્ષણો પરત્વે ચાલતા મતભેદો, વિવાદો, અને ખંડન-મંડન એ બધાંની સીમા દર્શાવી દરેકને યથાસ્થાને ગોઠવી એક એવું દર્શન-રસાયણ રજૂ કર્યું છે, જે મારી દૃષ્ટિએ માત્ર કાવ્યતત્ત્વને જ નહિ, પણ જીવનને સ્પર્શતા દરેક ક્ષેત્રે ઉપયોગી થાય તેવું છે.”
૧૯૬૩માં જ રામભાઈનું બીજું એક પુસ્તક પણ પ્રગટ થયું તે ‘કરુણરસ’. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાને ઉપક્રમે ૧૯૫૪માં રામભાઈએ આપેલાં વ્યાખ્યાનોનું આ મુદ્રિત રૂપ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પશ્ચિમની સાહિત્ય વિચારણામાં થયેલી કરુણ રસ અંગેની ચર્ચા-વિચારણાનું તુલનાત્મક વિશ્લેષણ કર્યા પછી સંસ્કૃત નાટક પરંપરામાં ‘ટ્રેજડી’ નાટકો કેમ લખાયાં નથી તેની રામભાઈએ તલસ્પર્શી ચર્ચા કરી છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા અધિવેશનના પ્રમુખપદે રામભાઈની વરણી થઈ ત્યારે તેમણે ગોવર્ધનરામ વિષે લખેલા લેખો એકઠા કરી ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું. તેની બીજી આવૃત્તિ ૧૯૯૨માં પ્રગટ થઈ. તેમાં સંઘરાયેલા સાત લેખો ગોવર્ધનરામ વિશેના સઘન અને સર્વગ્રાહી અભ્યાસના નમૂનારૂપ છે. પહેલો, ૪૯ પાનાંનો લેખ ગોવર્ધનરામની સ્ક્રેપ બુકના રામભાઈના સંપાદનના આમુખરૂપે લખાયેલો છે. બીજા લેખોમાં રામભાઈએ ગોવર્ધનરામ અને શોપનહાઉઅર, ગોવર્ધનરામ અને આનંદશંકર, બાણ અને ગોવર્ધનરામ, વગેરેની સાંગોપાંગ તુલના કરતા લેખો આપ્યા છે. તો સ્નેહમુદ્રા તથા ગોવર્ધનરામનાં બે અજ્ઞાત વિરહકાવ્યો વિષે પણ ચર્ચા કરી છે. આપણે ત્યાં પંડિતયુગના લેખકોમાં ગોવર્ધનરામ વિષે જેટલું લખાયું છે તેટલું બીજા કોઈ લેખક વિષે ભાગ્યે જ લખાયું હશે. આ વિપુલ રાશિમાં પણ રામભાઈનું આ પુસ્તક અલગ તરી આવે તેવું છે.
રામભાઈના કેટલાક અગ્રંથસ્થ લેખો ભેગા કરી તેનું સંપાદન ૧૯૮૫માં ‘ઉપાસના’ નામે પ્રગટ થયું. તેમાં રામભાઈના નવ વિવેચન લેખો સમાવ્યા છે. તેમાં નરસિંહ મહેતાની કવિતાથી માંડીને નવી ગુજરાતી કવિતા સુધીના વ્યાપક પટને આવરી લીધો છે. રામભાઈની એક મુલાકાત પણ આ પુસ્તકમાં મૂકાઈ છે.
વર્ષો સુધી રામભાઈએ સાંતાક્રુઝ સાહિત્ય સંસદનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. મુંબઈની બીજી કેટલીક સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. છતાં રામભાઈને ‘સંસ્થાઓનો જીવ’ ન કહી શકાય. એમનો જીવ તો સતત રહેતો વિદ્યાનું ઉપાર્જન અને વિદ્યાનું દાન કરવામાં.
રામભાઈનો પહેરવેશ પૂરો પરંપરાગત. સફેદ ધોતિયું, સફેદ ડગલો, માથે સફેદ ફેંટો. વાણી-વર્તનમાં નાગરી વિવેક, ચાતુરી, રમૂજ ઊભરાય. પણ વિચારો જરા ય રૂઢિવાદી નહિ. રામભાઈનાં દૌહિત્રી ડો. પ્રજ્ઞા પાઈએ કેટલીક વાતો નોંધી છે. “સાચાખોટા અસ્પષ્ટ ઉચ્ચારમાં બોલાયેલા સંસ્કૃત શ્લોક અને દાન, સીધું, ભોજન કે દક્ષિણાની મદદથી મૃતાત્મા માટે આંગડિયાની ગરજ સારવાનો દાવો કરતા કર્મકાંડી બ્રાહ્મણોની વિધિમાં રામભાઈને શ્રદ્ધા નહોતી. આ ઉપરાન્ત જે વ્યક્તિને પેટ ભરીને જમી શકાય તેના કરતાં પણ વધારે સીધું, દાન અને ભરપૂર દક્ષિણા મળતાં હોય, તેનું જ તરભાણું છલકાવવાને બદલે જેમ તેમ બે ટંક કાઢતાં અને કપરી પરિસ્થિતિનો સામનો કરતાં જરૂરતમંદ બાળકોને આમન્ત્રણ આપવું તેમને યોગ્ય લાગતું. પોતાના મૃત્યુ પછી પણ ક્રિયાકાંડ ન કરવાની તેમની સ્પષ્ટ સૂચના હતી. ઘરમાં કોઈ પ્રસંગે જમણવાર હોય તો આમન્ત્રિત મહેમાનો ઉપરાંત માળી, સફાઈ કામદાર, ટપાલી અને હાજર હોય તો ફેરિયાને પણ જમવા બેસાડી દેતા.” એટલું જ નહિ, અંગત કટોકટીને વખતે પણ અંધશ્રદ્ધાને શરણે જવાનો સ્પષ્ટ અને મક્કમ નકાર કરતા. પ્રથમ પ્રસૂતિ વખતે કંચનબહેનને મૃત પુત્ર જન્મ્યો. બીજી પ્રસૂતિમાં પુત્ર થોડી જ મિનિટોમાં મૃત્યુ પામ્યો. ત્રીજી સગર્ભાવસ્થા દરમિયાન કોઈ વડીલે સલાહ આપી, ‘જામનગર નજીક માતાનું મંદિર છે. આ મંદિરમાં ઘંટ બાંધવાની માનતા બધાંને ફળતી હોવાથી મંદિરમાં ઘણા ઘંટ બંધાયા છે. રામભાઈ, તમે પણ કંચનબહેનને દીકરો આવે તો એક ઘંટ બાંધવાની માનતા લઈ લ્યો. ભગવાનની ઇચ્છા અને માતાજીની કૃપાથી તમારે ઘેર દીકરો આવશે.’ રામભાઈએ જવાબ આપ્યો, ‘જો મારે ઘરે દીકરો આવશે તો હું બધા ઘંટ છોડી આવીશ એવી માનતા લેવા તૈયાર છું. મારે મન માતા અને સંતાનનું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે.’ ગુજરાતી કે અંગ્રેજી જેટલી જ સહજતાથી રામભાઈ સંસ્કૃતમાં વાતચીત કરી શકતા. આ લખનારે તેના ગુજરાતી અને સંસ્કૃતના અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા અને રામભાઈને સંસ્કૃતમાં વાતચીત કરતા એક કરતાં વધારે વાર જોયા-સાંભળ્યા છે. (તેમાંથી સમજાયું કેટલું, એમ ન પૂછવું.)
દુનિયાદારીની નજરે જે વસ્તુઓ મેળવવા જેવી ગણાય છે, તેમાંની ભાગ્યે જ કોઈ વસ્તુ રામભાઈ પાસે હતી. નહોતો અઢળક પૈસો, નહોતી અમાપ સત્તા, નહોતી બહોળી લોકપ્રિયતા, નહોતી અદ્ભુત કલાકૃતિ રચવાની સર્જનાત્મક શક્તિ. પણ ‘સર્વધનપ્રધાન’ એવી વિદ્યાને એમણે આજીવન સેવી હતી. રામભાઈ હંમેશાં સફેદ કપડાં જ પહેરતા. પણ તેમનાં આ શ્વેત કપડાં વધુ ચમકી રહેતાં તે તો તેમની અંદરની ઉજળાશને કારણે. શ્વેત રંગ એ માત્ર રામભાઈનાં વસ્ત્રોનો જ રંગ નહોતો, એ રંગ તેમનાં વાણી, વિચાર અને વર્તનનો પણ હતો. મન, બુદ્ધિ, અને આત્માનો પણ હતો. દેવી સરસ્વતી જેના પર આરૂઢ થયેલી છે તે શ્વેત પદ્મની એક પાંખડી સમા હતા રામભાઈ.
XXXXXX
પ્રગટ : “પરબ” માસિક; ઓક્ટોબર 2025
ખાસ નોંધ : આ લેખ સાથેનાં ચિત્રો “પરબ”માં પ્રગટ થયાં નથી. અહીં ઉમેર્યાં છે.
e.mail : deepakbmehta@gmail.com