
રવીન્દ્ર પારેખ
અંગ્રેજી માધ્યમની સ્કૂલોને લાઈસન્સ આપીને અને ગુજરાતી માધ્યમની સ્કૂલોને બંધ કરીને ગુજરાત સરકારે દાટ વાળ્યો છે, તો, બીજી તરફ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવાનો ને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ કરવાનો ઉપક્રમ એક નફાખોર વેપારીની જેમ રાખીને, સરકારે ધંધો જ કર્યો છે. સાચું તો એ છે કે સરકારને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ચલાવવાનું જીવ પર આવે છે, એટલે તે બંધ થાય અને ખાનગી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીને ઉત્તેજન મળે એવી પેરવી કર્યા કરે છે, જેથી સરકારનો એજ્યુકેશન પર ખર્ચો બચે ને સરકારી અધિકારીઓ, વિધાનસભ્યોની ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઉત્તેજન મળે ને તેમની કમાણી વધે. આવો હેતુ હોય તો, તે શરમજનક છે. સરકાર, ગ્રાન્ટેડ ને સરકારી સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ ચલાવે છે ને તેનો ખર્ચ ઉપાડે છે તો તે ઉપકાર નથી કરતી. આ ખર્ચ સરકાર, પ્રજાના જુદા જુદા ટેક્સમાંથી કરે છે. સરકાર એટલી ગરીબ નથી કે તેનો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ચલાવવામાં હાથ તંગ રહે. ખરેખર, તો તે બધું ખાનગી સંસ્થાઓને સોંપીને હાથ ઊંચા કરી દેવા માંગે છે. આમ તો શિક્ષણ ‘ખાતું’ છે, પણ તે તઘલખી કારભાર માટે ‘ખ્યાત’ છે. એને એટલા બધા તુક્કાઓ આવે છે કે શિક્ષણનો ધુમાડો થયા વગર રહે નહીં !
પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી સુધીમાં સરકારનો હેતુ – ખાનગીને ઉત્તેજન અને સરકારી કે ગ્રાન્ટેડનું ઉઠમણું – એટલો જ રહ્યો છે. સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિકમાં શિક્ષકોનો દુષ્કાળ સર્જીને અને છે તે શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિમાં જોતરીને, સરકારે પ્રાથમિકથી જ બાળકોને શિક્ષણથી વંચિત કર્યાં છે. તે એટલે પણ કે તેઓ ભણીગણીને, વિચારશીલ બનીને સામે શિંગડાં ન કરે. શિક્ષણ સંસ્થાઓ ચાલે, પણ શિક્ષણ ન ચાલે એવી વ્યવસ્થા યુનિવર્સિટી સુધી કરી દેવાઈ છે. સ્કૂલો બંધ કરવાનું હવે કોલેજો બંધ કરવા સુધી વિસ્તર્યું છે. મોટે ઉપાડે કોલેજો તો ખૂલી, પણ હવે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા જ પૂરતાં પ્રમાણમાં નથી.
ગુજરાત કોમન એડમિશન સર્વિસથી 2025-’26 માટે અન્ડર ગ્રેજ્યુએટ એડમિશન ગયા જૂનથી શરૂ થયાં. એડમિશન્સ ત્રણ તબક્કાઓમાં 19 ઓગસ્ટે પૂરાં થયાં, છતાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં 22,745 સીટ ખાલી રહી છે. કોણ જાણે કેમ, પણ ગ્રાન્ટેડ તેમ જ સરકારી આર્ટસ, સાયન્સ, કોમર્સમાં સીટ ખાલી રહે છે. બી.કોમની 5,87૦, બી.એ.ની 12,50૦, બી.એસસી.ની 4,375 બેઠકો વીર નર્મદ યુનિવર્સિટીમાં ખાલી રહી છે. બી.કોમની 5,87૦ ખાલી સીટમાંથી 4,050 ગ્રાન્ટેડમાં અને સરકારી કોલેજમાં 1,820 સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 6,97૦ અને સરકારી કોલેજોમાં 5,53૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 1,330 અને સરકારી કોલેજોમાં 3,045 સીટ ખાલી છે. આ તો વીર નર્મદ યુનિવર્સિટીની વાત થઈ, રાજ્યની વાત કરીએ તો બી.કોમની 22,920, બી.એ.ની 32,450 અને બી.એસસી.ની 35,250 બેઠકો ખાલી રહી છે. ટૂંકમાં, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની કુલ 90,620 બેઠકો ખાલી છે. બી.કોમની ગ્રાન્ટેડ કોલેજોમાં 17,350 અને સરકારીમાં 5,57૦ સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 24,990 અને સરકારીમાં 7,46૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડમાં 21,195 અને સરકારીમાં 14,055 સીટ ખાલી છે.
એવું નથી કે વિદ્યાર્થીઓ નથી. વિદ્યાર્થીઓ તો છે, પણ આર્ટસ, કોમર્સ, સાયન્સ ગ્રેજ્યુએટ થવા કરતાં તેમને સેલ્ફ ફાઈનાન્સ કોર્સનું ખેંચાણ વધુ છે, એ સાથે જ રોજગારલક્ષી અભ્યાસક્રમમાં પણ તેમને વિશેષ રુચિ છે. એક તરફ ફોરેન એજ્યુકેશનની નવી ક્ષિતિજો ખૂલી છે, તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તથા સેલ્ફ ફાઈનાન્સ કોર્સિસ ઝડપી પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સ્થિતિમાં ગ્રેજ્યુએટ થઈને શિક્ષિત બેકારમાં ખપવાનું ભાગ્યે જ કોઈ સ્વીકારે. એક તરફ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં હજારો સીટ ખાલી છે, તો બીજી તરફ કેન્દ્રીય પ્રવેશના નાટક પછી હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ સ્થિતિ આયોજનની ખામીને કારણે થઈ છે. એ કેવી અરાજકતા છે કે એક તરફ એડમિશન નથી ને બીજી તરફ ખાલી જગ્યાઓ ભરાતી નથી !
એ ખરું કે અર્થોપાર્જનની દૃષ્ટિએ વિદ્યાર્થીઓ એવું જ ભણતર કોલેજ કક્ષાએ ઈચ્છે છે. તેઓ ગ્રેજ્યુએટ થઈને નોકરી વગર લાંબો સમય રહેવાનું ન જ ઈચ્છે તે સમજી શકાય એવું છે. ઇવન બી.કોમ. કે બી.એસસી.ને પણ નોકરીના થોડા સ્કોપ છે, પણ આર્ટસ ને તેમાં ય સાહિત્ય શિક્ષણ મેળવનારને શિક્ષક સિવાયની તકો બહુ ઓછી રહે છે. એ સંજોગોમાં જતે દિવસે આર્ટસ કોલેજો બંધ થાય એવા પૂરા સંજોગો છે. 40 વર્ષ જૂની અમદાવાદની ગુજરાત કોલેજ બંધ થવાને આરે છે. ત્યાં એમ.એ., એમ.એસસી.ના વર્ગો ગયે વર્ષે જ બંધ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ઘણી કોલેજો અમદાવાદમાં બંધ થવાને આરે છે. 2022માં સાબરમતી આર્ટસ કોલેજે સામે ચાલીને બંધ કરવાની અરજી કરી. એ અને એવી બીજી કોલેજો એટલે બંધ થાય એમ છે, કારણ તેને સરકાર ગ્રાન્ટમાં 50,000 જ આપે છે. એટલામાં નિભાવ કરવાનું મુશ્કેલ થતાં ને પૂરતો સ્ટાફ ન મળતા તે બંધ જ થાય એમાં નવાઈ નથી. પગાર ન આપવો પડે એટલે સ્ટાફ ન રાખીને કે ગ્રાન્ટ ચીંથરા જેટલી આપીને સરકાર શિક્ષણની જ્યોત જલતી રાખવા માંગે છે, તો એનાથી અજવાળું નહીં, ધુમાડો જ વધે, તે સમજી લેવાનું રહે.
અહીં સવાલ એ થાય કે સાહિત્ય, કલાની પ્રાપ્તિ શી છે? આમ પણ કળા, સાહિત્ય, સંગીત. શિલ્પ-ચિત્રકળાની અનિવાર્યતા આજકાલ બહુ વર્તાતી નથી. જે શિક્ષણ અપાય છે તે પણ હવે કળા, સાહિત્યલક્ષી રહ્યું નથી અને કેવી રીતે ન રહે એની સરકાર ચિંતા કરે છે, એ જોતાં જતે દિવસે આર્ટસ કોલેજ બંધ થાય ને ન થાય તો સાહિત્ય, સંગીત તો બંધ થાય જ એમાં શંકા નથી ! આજે જે પ્રકારનું જીવન સામે આવી રહ્યું છે તે આનંદ આપનારું ઓછું જ છે. જે પ્રકારનો ધર્માંધ અને સંવેદનહીન સમાજ બહાર આવી રહ્યો છે તે કોઇથી અજાણ્યો નથી. શાળાના વિદ્યાર્થીઓ ચાકુ ચલાવતા થયા છે. આજે જે રીતે હત્યા, આત્મહત્યા, દુષ્કર્મ, હિંસા, શોષણનું વાતાવરણ ઘેરાતું આવે છે, તે આપણી સંવેદના બુઠ્ઠી થઈ રહી છે તેનું પ્રમાણ છે. એક તરફ કળા, સાહિત્ય, સંગીત….નો મહિમા ઘટતો આવતો હોય ને શિક્ષણ પણ સંવેદનહીન થતું આવતું હોય, તો સત્યનું સ્થાન અસત્ય, અહિંસાનું સ્થાન હિંસા અને પ્રેમનું સ્થાન તિરસ્કાર લે એમ બને. આપણે વધુને વધુ મટિરિયાલિસ્ટિક થવા તરફ છીએ, ત્યાં શિક્ષણ પણ એ જ દિશા ચીંધવાનું હોય તો આંસુ પણ ન બને એવી નિષ્ઠુરતા માટે માણસે તૈયાર રહ્યે જ છૂટકો છે. આ બધું અત્યારે બહુ નજરે પડે એવું ન હોય, તો પણ જે ગતિ શિક્ષણની છે તે ભવિષ્ય માટે બધું ન રહેવા દેતાં, વર્તમાનમાં લઇ આવે તો આઘાત ન લાગવો જોઈએ.
કમાવા કે આર્થિક લાભ અંગે ન વિચારવું એવું કહેવાનું નથી, પણ કમાણી આપે તે જ શિક્ષણ એવી વ્યાખ્યા સાકાર થઈ રહી હોય તો તે અંગે વિચારવું જોઈએ. ઉપજાઉ ન હોય તે શિક્ષણ નહીં. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉપજાઉ ન હોય તેવા વિષયો પ્રવેશી જ ન શકે એવી જડબેસલાક વ્યવસ્થા થાય તો નવાઈ નહીં ! હવેની મમ્મી પોતાનાં બાળકને હાલરડું સંભળાવવાને બદલે શેર બજારના ભાવ સંભળાવે એમ બને. શિક્ષણ આર્થિક બાબતો સાથે સંકળાય તેની ના જ નથી, પણ તે શેરના ભાવની સાથે ગઝલનો શેર પણ સાંભળે તે અપેક્ષિત છે. આપણે રોબોટ્સ તો ઘણાં બનાવ્યાં, પણ શિક્ષણ, માણસને રોબોટ તો નહીં બનાવે ને- એવી દહેશત પાળવા જેવી છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2025