ત્રણ દાયકા પહેલાં આસામમાં જ્યારે પરદેશીઓ સામે ચળવળ પૂરજોશમાં ચાલતી હતી, ત્યારે એ ચળવળનો મુખ્ય હેતુ એક હતો – આસામી પ્રજા ‘પર’દેશીઓની – ‘ઘૂસણખોરી’થી ત્રાસી ગઈ હતી. આસામી જનતાની અસ્વસ્થતા સ્વાર્થી કે ગેરવ્યાજબી નહોતી. એક તો પૂર્વ પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશ અને બીજી બાજુ બંગાળના ભારતીય નાગરિકો મોટી સંખ્યામાં આસામમાં રહેવા માંડ્યા હતા – એમાંના કેટલાક નિર્વાસિત હતા, જ્યારે કેટલાક પૈસા કમાવા આવ્યા હતા – એમાંનાં ઘણા ભારતીય હતા, અને ઘણા બાંગ્લાદેશી કે બર્મીઝ પણ હોઈ શકે. પણ એને કારણે આસામી પ્રજાને ચિંતા થઈ હતી, કે પોતાના જ રાજ્યમાં પોતે લઘુમતી બની જાય. કોઈને ગતાગમ કે ખબર નહોતી કે કેટલા પરદેશીઓ આસામ આવ્યા હતા, અને એને જ કારણે સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો કે નાગરિકોની એક રાષ્ટ્રીય રજિસ્ટ્રી બનાવવી. પણ માણસોની ગણના કરવી એ એક વાત છે; પણ ગણ્યા અને ભાગલા પડ્યા પછી શું કરવું, એ બીજો જ પ્રશ્ન છે.
રજિસ્ટ્રીનું કામ હવે પૂરું થયું છે અને ઓગણીસ લાખ લોકો પાસે એવા પૂરા દસ્તાવેજ નથી જેથી એ લોકો પુરવાર કરી શકે કે એ લોકો ભારતીય છે. આ આંકડો ધાર્યા કરતાં ઘણો નાનો નીકળ્યો. પહેલા તો અંદાજ હતો કે કદાચ એકાદ કરોડ લોકો પાસે દસ્તાવેજ નહીં હોય, અને આને લીધે સાંપ્રદાયિક તત્ત્વોને તો ઘી-કેળાં મળ્યાં! આવા પરિણામને લીધે આસામી પ્રજાને હૈયે કદાચ થોડી શાંતિ પડવી જોઈએ, પણ એનો અર્થ એમ નથી થતો કે લોકોની ચિંતા ઘટે કે દૂર થાય, કારણ કે સાંપ્રદાયિક તત્ત્વો તો ઢોલનગારા વગાડવા તત્પર તૈયાર છે.
ભારતીય જનતા પક્ષ માટે તો આસામની ચળવળ એક સુવર્ણી તક હતી, જેથી એ પોતાનું હિન્દુત્વ અભિયાન પૂર્વ ભારતમાં પ્રસરાવી શકે. પણ આખા રાજ્યમાં ત્રીસ ટકાને બદલે માત્ર છ-સાત ટકા લોકો જ દસ્તાવેજ વગરના નીકળ્યા. અને એમાંના ઘણા બધા તો હિન્દુ નીકળ્યા! સરકારી નિર્ણય સામે અપીલ તો થવાની જ, અને એ પછી કદાચ આ સંખ્યા હજુ ઘટવાની – તો આ બધા નાટકની શું ખરેખર જરૂર હતી?
આ દ્વિધાનું મૂળ કારણ છે કે જે ઉદ્દેશ આસામી પ્રજાનો છે અને ભા.જ.પા.નો છે, એ વચ્ચે ઘણો મહત્વનો ફરક છે. આસામની ચળવળનો પાયો ધાર્મિક નહોતો; ભાષા અને પ્રાંતના વ્યક્તિત્વ જાળવવા વિષે હતો. ન્યૂ યોર્ક રહીશ લેખક સુકેતુ મહેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું : “આસામની ચળવળનો ઉદ્દેશ આર્થિક અને સાંસ્કૃતિક છે અને એ વાત આપણે સમજવી જરૂરી છે. પણ એનો અર્થ એમ નથી કે ભારતની મુસ્લિમ પ્રજાને આપણે અલગ કરવી કે જુદી રીતે જોવી. જો ભારતની મુસ્લિમ પ્રજાને જુદી ગણીશું તો એ માંદગીમાંથી આપણે ક્યારે ય સાજા નહીં થઈએ.”
અગત્યની વાત તો એ છે, કે રજિસ્ટ્રી પ્રમાએ જે લોકો ‘પર’દેશી ગણાશે, એમનું ભવિષ્ય શું એ વિશે કોઈએ કંઈ પણ વિચાર નથી કર્યો. હદ પાર કરો એમને, એવું કેટલાક લોકોએ કહ્યું – પણ ક્યાં? કે એમને ભારતમાં જ જેલમાં રાખીશું? હદ પાર કરે તો પણ ક્યાં? બાંગ્લાદેશ શું એમને પોતાના દેશમાં આવવા દેશે? શું કામ? એ લોકો બાંગ્લાદેશી છે એનો શું પુરાવો? અને આવાં મોટાં પગલાંની અસર ભારતના બાંગલાદેશ જોડેના સંબંધ પર શું થશે, એનો કોઈએ પણ વિચાર કર્યો હતો?
એથી પણ મૂળભૂત પ્રશ્ન એ છે કે નાગરિકતાનો અર્થ શું? એ કઈ રીતે પૂરવાર કરી શકાય? કોઈ હિમાચલ પ્રદેશની મહિલા આસામ રહેતી હોય, એ કઈ રીતે પુરવાર કરી શકે એ ભારતીય છે? ક્યાંથી લાવે એ પુરાવા અને કઈ રીતે એ બતાવી આપે કે એ ભારતીય છે? એ દસ્તાવેજો મેળવવા જો એને હિમાચલ પ્રદેશ જવું પડે, તો એનો ખર્ચો કોણ આપશે? રજિસ્ટ્રીને કારણે આપણે જ એકબીજાને શંકાસ્પદ વ્યક્તિ સમજવા માંડ્યા છીએ, અને રજિસ્ટ્રી આપણા અસ્તિત્વની સાબિતી આપણી પાસે માંગે છે. આ તે કેવી રાજનીતિ? પ્રા. ચિન્મય તુમ્બેના નવા પુસ્તક(India Moving : A History of Migration)માં બતાવ્યું છે કે કરોડો લોકો એક રાજ્ય છોડી બીજા રાજ્યમાં રહેવા જતા હોય છે. આ નવી વાત નથી; વર્ષોથી એવું ચાલતું રહ્યું છે. એ સંખ્યા કદાચ અઢાર કરોડ જેવડી મોટી હોય. હવે તો દરેક રાજ્યને રજિસ્ટ્રી બનાવવી છે. એટલા બધા લોકો પુરાવા ક્યાંથી લાવશે?
હવે વિચાર કરો કોને માટે આ પ્રશ્ન અઘરો છે – ગરીબ, પીડિત, આશ્ચર્યચક્તિ અને ભયભીત પ્રજા માટે, જે લોકોને સત્તાધારી નેતાઓ, પોલીસ અને અધિકારીઓનો ડર હોય છે. એમાંના ઘણા હોય છે નિરક્ષર, ઘણા પાસે નથી હોતા દસ્તાવેજો. રજિસ્ટ્રીમાં ભરપૂર ખામીઓ છે. કેટલાક કુટુંબમાં અમુક કુટુંબીજનોને રજિસ્ટ્રીએ સ્વીકાર્યા છે, અને અમુકને નથી સ્વીકાર્યા થોડા એવા પણ કિસ્સા દેખાયા છે, જ્યાં ગભરાયેલી વ્યક્તિએ હતાશ થઈ આત્મહત્યા કરી હોય. કેટલાક લોકો તો અધિકારીઓથી એટલા બીતા હોય છે કે એમણે સરકારી પત્રવ્યવહારની અવગણના કરી છે, કારણ કે સરકારી અમલદારી ભાષામાં લખાયેલા પત્રો એમને નથી સમજાતા, અને એમના પૂરગ્રસ્ત નાના ગામડેથી ગુવાહાટી જવું, એનો ન એમને ખર્ચો પોસાય, ન એમને રસ્તો ખબર હોય.
આજકાલ ઘણાને રાષ્ટ્રવાદનું ઝનૂન ચડ્યું છે, પણ એનો અર્થ એવો તો નથી થતો ને કે દરિદ્ર પ્રજા દેશની સુરક્ષાને જોખમમાં મૂકે છે. તો ય આ રજિસ્ટ્રીના બલિ બન્યા છે દરિદ્ર લોકો. એમને આમજનતાથી જુદા રાખી સુરક્ષાને નામે વિભિન્ન ગણ્યા છે. એથી પ્રજા વ્યાકુળ થાય છે. ભા.જ.પા.ના નેતાઓ તો ઉપરાંત એમ કહે છે કે આ ઓગણીસ લાખમાં જે હિન્દુ હોય એમણે ચિંતા કરવાની જરૂર નથી. એનો અર્થ કે જે મુસ્લિમ હોય, તેમણે વ્યથિત રહેવું. એનો અર્થ એમ પણ થયો કે ભારતીય એટલે હિન્દુ અને હિન્દુ એટલે ભારતીય.
ભા.જ.પ.ના નેતાઓએ એમ પણ કહ્યું છે કે આપણા પાડોશના દેશમાંથી શીખ, જૈન, બૌદ્ધ અને હિન્દુ લોકો જો ભારત આવીને આશરો માંગશે તો એમનો તરત સ્વીકાર થશે. એટલે કે મુસ્લિમ નિર્વાસિતોને તાબડતોડ આશ્રય નહીં મળે. ભારતના બે નજીકના પાડોશી દેશ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રજાની બહુમત છે. ત્યાંના વિકૃત રાજકારણને લીધે સરકારે બલુચી, અહમદી, અને શિયા પ્રજા (પાકિસ્તાનમાં) પર અથવા નાસ્તિક કે સમલૈંગિક લોકો (બાંગલાદેશમાં) પર ઘણા અત્યાચાર કર્યા છે. પણ એ લોકોને આશ્રય ન પણ મળે, કારણ કે ૨૦૧૪ પછી ભારતે પોતાની શરણાર્થી નીતિ બદલી છે.
આઝાદી વખતે દેશના ભાગલા તો પડ્યા, પણ ‘ટુ-નૅશન થીઅરી’ તો પાકિસ્તાનની નેતાઓએ ગજાવી હતી; ભારતના નેતાઓએ એનો સૈદ્ધાંતિક દૃષ્ટિએ વિરોધ કર્યો હતો, પણ વાસ્તવિકતા સ્વીકારી હતી. પણ આ બે દેશ કંઈ મુસ્લિમ પાકિસ્તાન અને હિન્દુ ભારત નહોતા; પણ મુસ્લિમ પાકિસ્તાન અને બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ ભારત હતા. ધાર્મિક ભેદભાવ તો મુસ્લિમ લીગનું ધ્યેય હતું.
ભારત તો એક મોટો દેશ હતો – માત્ર ક્ષેત્રફળની દૃષ્ટિએ નહીં. એ તો પ્રત્યેક વ્યક્તિ, જે પોતાને ભારતીય સમજે, એમનું નિવાસસ્થાન હતું. બાકી ભલેને જે હોય એનો ધર્મ, ભાષા, જાતિ કે જ્ઞાતિ, જો રજિસ્ટ્રી દેશભરમાં પ્રસરાવાઈ તો તો પાકિસ્તાનની વિચારસરણીનું ભારતમાં સમર્થન થયું કહેવાય, કે જ્યાં કોણે ક્યાં રહેવું, એ એક નાગરિકનો હક નથી, પણ સરકારે આપેલો વિશેષાધિકાર બની જાય છે.
શું હવે ભારતીય પ્રજાએ એવા તૂટેલા, ભાંગેલા, સાંકડા અને સંકોચાયેલા દેશમાં રહેવાનું છે?
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 04-05