
રાજ ગોસ્વામી
ગયા શનિવારે, અંગ્રેજી ભાષાના લેખક, ઉદારવાદી વિચારક અને વ્યવસાયિક ગુરુચરણ દાસનો એક ઇન્ટરવ્યૂ સાંભળવા મળ્યો હતો. તેમાં તેમણે, તેઓ જ્યારે રિચર્ડસન હિન્દુસ્તાન લિમિટેડના વડા હતા, ત્યારનો એક કિસ્સો કહ્યો હતો. આ કંપની છે જેણે ભારતમાં ઘરે ઘરે વિકસ વેપોરબનું નામ મશહૂર કર્યું છે.
તેઓ એવા સમયે કંપનીના વડા બન્યા હતા, જ્યારે કંપની નફો કરી શકતી નહોતી, કારણ કે સરકારની સમાજવાદી નીતિઓના કારણે કિંમતો નિર્ધારિત કરવા પર નિયંત્રણ હતું. દાસે એક રસ્તો શોધી કાઢ્યો. વેપોરબ બનાવાની સામગ્રી પ્રાકૃતિક હતી અને તે આયુર્વેદિક ગણાતી હતી, જેના પર કિંમતનું નિર્ધારણ નહોતું.
ગુરુચરણ દાસે વિક્સને આયુર્વેદિક પ્રોડક્ટ તરીકે વેચવાનું નક્કી કર્યું, અને છ મહિનામાં જ તેનું વેચાણ વધી ગયું. અગાઉ, માત્ર 60,000 ફાર્મસીઓ વિક્સ વેચતી હતી, પણ હવે વિક્સ વેપોરબ 7,50, 000 જનરલ સ્ટોર્સમાં ઉપલબ્ધ હતું.
એક વર્ષે, દેશમાં ઝેરી તાવનો વાવળ આવ્યો. તે વખતે વિક્સ વેપોરબની માંગ વધી ગઈ. સ્વાભાવિક રીતે જ, કંપનીની ફેક્ટરીમાં તેનું ઉત્પાદન પણ ધમધમવા લાગ્યું. વર્ષના અંતે, દાસ પર સરકાર તરફથી સમન્સ આવ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની કંપનીએ કાયદાનો ભંગ કર્યો છેઃ તેમને જે લાયસન્સ મળ્યું હતું, તેના કરતાં વિક્સનું ઉત્પાદન વધી ગયું હતું. તે એક ફોજદારી ગુનો હતો, એવું તેમને કહેવામાં આવ્યું.
દાસ બે વકીલો સાથે મંત્રાલયમાં સચિવને મળવા ગયા, અને તેને સમજાવ્યું કે દેશમાં રોગચાળો હતો એટલે માંગ વધી ગઈ હતી અને અમે તો જનતાના હિતમાં કામ કર્યું છે. બાબુને ખુલાસામાં રસ નહોતો. તેણે કહ્યું, તમે કાયદાનો ભંગ કર્યો છે.
નિરાશ થઈએ દાસ જવા માટે ઊભા થયા અને બોલ્યા, “જરા વિચાર કરજો કે અખબારોમાં કેવા સમાચાર આવશે કે સરકારે લાખો લોકોની દુર્દશા દૂર કરવા માટે કોઈને સજા કરી છે! અને આ તો આંતરરાષ્ટ્રીય કંપની છે એટલે વિદેશમાં પણ આવું જ છપાશે. દેશની કેવી બદનામી થશે!”
નસીબજોગે, સરકારમાં કોઈકની વિવેક બુદ્ધિના કારણે આ કેસ પડતો મુકવામાં આવ્યો અને દાસ સામે પગલાં ન લેવાયાં. આ એ સમયની વાત હતી, જ્યારે દેશમાં કઈ કંપની ચીજવસ્તુઓનું કેટલું ઉત્પાદન કરશે અને તેની કિંમત શું હશે તે સરકાર નક્કી કરતી હતી. તેને લાયસન્સ રાજ કહે છે.
જે દિવસે ગુરુચરણ દાસનો આ ઇન્ટરવ્યૂ સાંભળ્યો, એ જ રાત્રે સમાચાર આવ્યા કે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. નહેરુ પછી લગાતાર બેવાર વડા પ્રધાન રહેલા ડો. સિંહને લોકો અલગ અલગ રીતે યાદ રાખશે, પણ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેમણે લાયસન્સ રાજ નાબૂદ કર્યું હતું અને દેશમાં આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો હતો.
1947ની આઝાદી પછી, દેશમાં આર્થિક ઉદારીકરણ જેવી ક્રાંતિ કોઈ સરકાર કરી શકી નથી. 1991નું વર્ષ, આધુનિક ભારતનું પહેલું સોનેરી પ્રકરણ છે. રાધર, એવું કહેવાય કે ભારતને 1947માં રાજકીય આઝાદી મળી હતી, અને 1991માં આર્થિક આઝાદી મળી હતી. આજે આપણે જે વિદેશી મોબાઇલ વાપરીએ છીએ, ડિઝાઈનર કપડાં પહેરીએ છીએ, 36 ઇંચનાં સ્માર્ટ ટી.વી. જોઈએ છીએ, નેટફ્લિક્સ પર ફિલ્મો જોઈએ છીએ, હોટેલોમાં કોન્ટીનેન્ટલ ફૂડ ખાઈએ છીએ અને વિમાનોમાં ઉડાઉડ કરીએ છીએ તે ડો. મનમોહન સિંહનાં કારણે છે.
સોવિયત પ્રેરિત સમાજવાદી નીતિઓના કારણે 40 વર્ષ સુધી ભારતનાં બજારો દુનિયા માટે સુધી બંધ હતાં. દેશમાં ત્યારે એક સ્થાનિક એરલાઇન ઇન્ડિયન એરલાઇન્સ, બે ફોન સર્વિસ કંપનીઓ બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ., એમ્બેસેડર, ફિયાટ અને મારુતિ જેવી ત્રણ કાર હતી. તે સમયે લેન્ડલાઇન ફોન, ગેસ કનેક્શન, સ્કૂટર વગેરે માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ રહેતું હતું, કારણ કે તેના ઉત્પાદન પર સરકારનો અંકૂશ હતો. તે સમયે વિદેશી ચલણ મેળવવું સૌથી મુશ્કેલ હતું. વિદેશમાં અભ્યાસ કરવા જવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું.
આજે દુનિયાના દેશોની નજર ભારતીય બજાર પર છે. દરેક વિકસિત દેશ ભારતના ખુલ્લા બજારમાં રોકાણ કરવા આતુર છે. ભારતનું બજાર ખોલવાનું આ પહેલું પગલું નાણાં મંત્રીની રુએ મનમોહન સિંહે તેમના પ્રથમ બજેટમાં લીધું હતું.
૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે બજેટ પેશ કરતી વખતે, ડો. સિંહે, ફ્રેંચ કવિ વિકટર હ્યુગોનું ઇતિહાસ પ્રસિદ્ધ વિધાન દોહરાવ્યું હતું; નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ- દુનિયાની કોઈ તાકાત એ વિચારને રોકી નથી શકતી, જેનો સમય આવી ગયો છે. એ શબ્દો સાથે ‘નવા ભારત’નો જન્મ થયો હતો.
આપણે ઘણીવાર વર્તમાન રાજનીતિમાં ચાલતા પ્રોપેગેન્ડા, નેરેટિવ્સ અને ફેક ન્યૂઝમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘણીવાર આપણા નજીકના ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓની, કદર તો ઠીક, સમજ પણ રાખતા નથી.
આજે ભલે આપણે ડો. મનમોહન સિંહની હાંસી ઉડાવીએ, પણ તેમણે એક એવા કપરા સમયે અર્થતંત્રની કમાન સાંભળી હતી, જેમાં ભારત ડૂબી જવાની તૈયારીમાં હતું. ભારતનું વિદેશી હૂંડિયામણ ૨,૫૦૦ કરોડ સુધી આવી ગયું હતું જેનાથી બહુ બહુ તો ત્રણ મહિના સુધીની આયાત થઇ શકશે. નાણાં મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વૉલ્ટમાં પડેલું સોનું ગીરવે મુકવાનું નક્કી કર્યું હતું.
તેના વૈકલ્પિક ઉપાય તરીકે, વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 20 મહિના માટે 2.3 મિલિયન ડોલરની લોન આપવા તૈયારી બતાવી હતી. બદલામાં ફંડે અમુક લેખિત અને અમુક મૌખિક શરતો મૂકી છે. આ એ જ ‘શરતો’ હતી, જેમાં ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય બજારો અને બિઝનેસ માટે ખોલવાની વાત હતી. એ સાહસ, તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવ અને તેમણે પસંદ કરેલા નાણાં મંત્રી ડો. સિંહે કર્યું હતું.
વર્ષો પછી, ડો. મનમોહન સિંહ તે દિવસોને યાદ કરીને કહેવાના હતા, “આગળનો રસ્તો કઠિન હતો, પરંતુ એ સમય દુનિયાને ખોંખારીને એ કહેવાનો હતો કે ભારત જાગી ગયું છે. બીજી બધી વાતોનો ઇતિહાસ તો તમારી સામે જ છે. પાછળ નજર કરીને જોઈએ તો નરસિંહ રાવને વાસ્તવમાં ભારતમાં આર્થિક સુધારાઓના જનક કહી શકાય કારણ કે તેમની પાસે સુધારની દૃષ્ટિ અને સાહસ બંને હતાં.”
ડો. મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં વિરોધ પક્ષોએ, અને વિશેષ તો મીડિયાએ, અનુચિત રીતે તેમના અનાપસનાપ આરોપો કર્યાં હતા, ત્યારે પત્રકારોને જેલમાં પૂરી દેવા કે તેમનું મોઢું બંધ કરી દેવાના બદલે, નિરાશ મને તેમણે તેમની પીડા વ્યકત કરતાં કહ્યું હતું, “સાચું કહું તો, હું એવી આશા રાખું છું કે આજના મીડિયા કે સંસદમાં વિપક્ષી દળોની તુલનામાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ ઉદાર હશે.”
2012માં, તેમની પરના આરોપો અંગે, સંસદ બહાર ડો. સિંહે પત્રકારો સમક્ષ શાલીનતાથી કહ્યું હતું; “હજારો જવાબો સે અચ્છી મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખ લેતી હૈ.”
ડો. મનમોહન સિંહને ઇતિહાસ ભારતના સંકટમોચન તરીકે જરૂર યાદ રાખશે. પણ આપણે જીવતેજીવ તેમને અન્યાય કર્યો હતો તે વાત પણ એટલી જ સાચી છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર