
હેમન્તકુમાર શાહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંગઠન તરીકે વિનાયક દામોદર સાવરકર અને તેના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની વિચારધારાને વરેલો છે. આ બંનેની વિચારધારામાં મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :
(૧) હિન્દુત્વ હિંદુ ધર્મથી અલગ છે. હિન્દુત્વમાં હિંદુ ધર્મનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મ માત્ર એક ધાર્મિક સિદ્ધાંત છે જ્યારે હિન્દુત્વ એ સાંસ્કૃતિક, રાજકીય અને રાષ્ટ્રીય ઓળખનો સિદ્ધાંત છે.
(૨) ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના કરવાનું ધ્યેય છે. હિંદુત્વ રાષ્ટ્રીયતાનો આધાર છે. ધર્મસત્તા અને રાજસત્તા બંને એક જ હોય. એટલે કે રાષ્ટ્રની અને રાજ્યની રચનાનો આધાર ધર્મ છે.
(૩) માત્ર હિંદુઓ જ રાષ્ટ્રના નાગરિકો બની શકે અને તેમને જ બધા અધિકારો હોઈ શકે, બીજા કોઈ ધર્મના લોકોને કોઈ અધિકારો હોઈ શકે નહિ, બીજા ધર્મોના નાગરિકો દ્વિતીય કક્ષાના નાગરિકો બને. જૈન, બૌદ્ધ અને શીખ લોકો હિંદુ છે પણ યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી હિંદુ નથી; એટલે તેઓ ‘હિંદુ રાષ્ટ્ર’ના નાગરિકો નથી. આમ, દેશના હાલના નાગરિકોને તે ‘અમે’ અને ‘તમે’માં વહેંચી નાખે છે.
(૪) હિંદુ સમાજનું જીવન જ રાષ્ટ્રજીવન છે. તે જ પૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે તેમ છે.
(૫) જેઓ હિંદુ રાષ્ટ્રની વ્યાખ્યાની બહાર છે તેઓ માત્ર હિંદુ બનીને એટલે કે હિંદુ સાથે લગ્ન કરીને અથવા ભારતને પુણ્યભૂમિ બનાવીને અર્થાત્ હિંદુ ધર્મ અપનાવીને જ ભારતની નાગરિકતા મેળવી શકે. ભારતીયતાને નામે એક થવું નથી પણ હિંદુ ધર્મને નામે એક થવું છે.
(૬) ‘હિંદુ રાષ્ટ્ર’ માટે દરેક નાગરિકે ફના થવાનું છે; રાષ્ટ્ર પિતૃભૂમિ, છે, માતૃભૂમિ છે, પુણ્યભૂમિ છે અને તેને માટે વ્યક્તિએ બલિદાન આપવાનું છે. વ્યક્તિ મહત્ત્વની નથી, રાષ્ટ્ર મહત્ત્વનું છે. રાષ્ટ્રની ભક્તિ કરો, અને તેના નેતાની ભક્તિ કરો.
(૭) ‘હિંદુ રાષ્ટ્ર’માં માત્ર હાલના ભારતનો સમાવેશ થતો નથી પણ બીજા અનેક દેશોનો સમાવેશ થાય છે અને તેમને ‘હિંદુ રાષ્ટ્ર’માં સમાવવાના છે.
(૮) દુનિયામાં માત્ર ભારત જ મહાન છે, હિંદુઓ જ મહાન, હિંદુઓ જ સર્વશ્રેષ્ઠ છે. દુનિયાના બીજા બધા લોકો કનિષ્ઠ કક્ષાના છે, તેમની સંસ્કૃતિ નિમ્ન કક્ષાની છે.
(૯) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓની સમાનતા માટેનાં આંદોલનો અલગતાવાદી સભાનતા ઊભી કરે છે, ઈર્ષા અને સંઘર્ષ ઊભો કરે છે. તેમને વિશેષ રાહતો આપવી એ તેમને ગુલામ બનાવવા બરાબર છે.
આ મુદ્દાઓને આધારે જોઈએ તો આ વિચારધારામાં –
(૧) સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, માનવ અધિકારો અને વ્યક્તિનું ગૌરવ જેવાં આધુનિક મૂલ્યોનો છેદ ઉડાડવામાં આવે છે. મનુષ્ય રાષ્ટ્ર માટે જ છે એમ કહીને તેમાં મનુષ્યનું બલિદાન માગવામાં આવે છે. વ્યક્તિ એક એકમ તરીકે મહત્ત્વની છે જ નહિ, દેશ જ મહત્ત્વનો છે. એમાં એમ ભૂલી જવામાં આવે છે કે ઐતિહાસિક રીતે મનુષ્યો દેશ બનાવે છે, દેશ મનુષ્યોને બનાવતો નથી.
(૨) ભારત નામનું રાજ્ય ધર્મનિરપેક્ષ ન બને પણ હિંદુ ધર્મથી લિપ્ત બને તેવી તેમાં ઈચ્છા છે અને તેથી રાજ્યના અસ્તિત્વના સિદ્ધાંત તરીકે ધર્મનિરપેક્ષતાનો તેમાં છેદ ઉડાડવામાં આવે છે.
(૩) લોકશાહીને અત્યાર સુધીમાં શોધવામાં આવેલી એક સારામાં સારી રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવતી નથી. હિંદુ ભૂતકાળ ભવ્ય હતો તેમ કહીને રાજાશાહી શ્રેષ્ઠ રાજકીય પદ્ધતિ હતી તેમ પ્રસ્થાપિત કરવામાં આવે છે. રાજાશાહી એટલે આધુનિક યુગમાં તાનાશાહી.
(૪) અન્ય ધર્મોના લોકો દ્વિતીય કક્ષાના નાગરિક બને એમ જ્યારે સમજવામાં આવે છે ત્યારે રાજ્ય નામના સંગઠનનો આધાર ધિક્કાર બને છે; લોકો વચ્ચેનો પારસ્પરિક પ્રેમ અને સદ્દભાવ નહિ.
(૫) ‘હિંદુ રાષ્ટ્ર’ની વિચારધારા રાજકીય વિસ્તારવાદી છે. તે અન્ય દેશોને તેની ભૌગોલિક સીમાઓમાં સમાવવા માગે છે, તે એમ કહીને કે ભૂતકાળમાં એટલી સીમાઓ હતી જ. એનો અર્થ એ છે કે અન્ય દેશો જો ‘હિંદુ રાષ્ટ્ર’માં આપમેળે, સ્વેચ્છાએ સામેલ ન થાય તો તેમની સાથે યુદ્ધો કરીને ‘હિંદુ રાષ્ટ્ર’ બનાવવા માગે છે.
(૬) અત્યારે જે ભારત છે તેમાં સદીઓથી બીજા લોકો આવ્યા અને રહ્યા અને તેમણે હાલનું ભારત બનાવવામાં ભજવેલી ભૂમિકાનો સદંતર ઇન્કાર છે. એમ સમજવામાં આવે છે કે એ બધાએ અહીંના લોકો પર ત્રાસ ગુજાર્યો, એટલે હવે એનો બદલો લેવાનો સમય છે. આ બદલો હિંસક પણ હોઈ શકે.
(૭) રાજ્યે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, મહિલાઓ જેવા વંચિત વર્ગોની કાળજી ન રાખવી જોઈએ એમ માનવામાં આવે છે. એટલે કે અસમાનતા અને અન્યાય કુદરતી છે અને રહેશે, માનવસર્જિત નથી એમ સમજવામાં આવ્યું છે.
(૮) રાષ્ટ્રની ભક્તિ કરવાની છે, તેથી તેના નેતાની પણ ભક્તિ કરવાની છે. નેતા જે કંઈ કરે છે તે રાષ્ટ્ર માટે સારું જ કરે છે એમ સમજવાનું છે અને તેથી તેની સામે કોઈ સવાલ ઉઠાવવાનો નથી. જેઓ રાષ્ટ્રની અને તેના નેતાની ભક્તિ કરતા નથી તે બધા દેશદ્રોહીઓ છે.
આ રીતે જોતાં એમ લાગે છે કે સંઘ જે વિચારધારાને વરેલો છે તે વ્યક્તિની સ્વતંત્રતાને અને વ્યક્તિઓ વચ્ચે પ્રવર્તમાન રાજકીય, આર્થિક અને સામાજિક અસમાનતાના નિવારણને મહત્ત્વ આપતી નથી, તે વ્યક્તિઓ વચ્ચે ધર્મને આધારે ભેદભાવ ઊભો કરે છે અને ધર્મને આધારે રાષ્ટ્રની રચના કરવા માગે છે કે જે ભારત જેવા દેશ માટે વિભાજનકારી સાબિત થાય છે.
(‘અભિયાન’ સામયિકના તંત્રીશ્રી તરુણ દત્તાણીના નિમંત્રણથી તેમાં પ્રકાશનાર્થે આ લેખ તા. ૨૭-૦૯-૨૦૨૫ના રોજ મોકલવામાં આવ્યો હતો.)
તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર