ભારતીય શાસ્ત્રીય સંગીતનું બ્રહ્માંડ વિશાળ છે અને હજી તો અહીં સૂરજ નહીં પણ આગવી આકાશગંગા સમા કલાકારો અને વિદ્વાનો પણ થયાં છે. એક યુગનું પૂર્ણ વિરામ બીજા યુગની જવાબદારી બને છે.
આ વંચાતું હશે ત્યારે સાત સૂરોના સામ્રાજ્યના ઝળહળતા તાજ સમા સંગીત માર્તંડ પંડિત જસરાજ પંચમહાભૂતમાં વિલિન થઇ ચૂક્યા હશે. 90 વર્ષની ઉંમર અને એંશી વર્ષ સુધી સંગીત સાથેનો સંબંધ ગણતરીના શબ્દોમાં બંધાઇ ન શકે. આ વિભૂતિને ત્રણ સપ્તક કે તાલની માત્રાઓનાં બંધન નહોતાં જ છતાં ય એ ગણતરીઓ, એ સ્વરોની ગોઠવણ વચ્ચે એક જિનિયસ જિંદગી જીવાઇ. જેની તોલે કોઇ ન આવી શકે તેવા પંડિત જસરાજ જેવા તો સદીમાં માંડ એકાદ પાકે એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી. ગહેરાઇ અને સુંવાળપ બન્નેનું પરફેક્ટ બેલેન્સ ધરાવતા પંડિત જસરાજ દેશી અને માર્ગી કળાનો ભેદ તો પારખતા જ પણ તેમનો અભિગમ હંમેશાં લોકલક્ષી રહ્યો. હવેલી સંગીત અને ભજનને શાસ્ત્રીય સ્તરે લાવવા અને ભાવ અને ભક્તિ બન્નેને પરાકાષ્ઠાનો અનુભવ શાસ્ત્રીય સંગીતના માધ્યમથી ભલભલાને કરાવવો તેમનું કૌશલ્ય હતું.
છેલ્લા એક દાયકામાં ભારતીય શાસ્ત્રીય સંગીત વાદ્ય વિશ્વએ જે ગુમાવ્યા છે તે તમામ કોઇ સીમા ચિહ્નોથી કમ નથી. તે દરેક આગવો સૂરજ હતા. પછી તે પંડિત ભીમસેન જોશી હોય, પંડિત રવિશંકર હોય, લક્ષ્મી શંકર હોય, અન્નપૂર્ણા દેવી, કિશોરી આમોણકર, ગિરીજા દેવી, રમાકાંત ગુંડેચા, એમ બાલમુરલીક્રિષ્ના, બબ્બન રાવ હળદનકર, અબ્દુલ હલીમ જાફર ખાન, કાદરી ગોપાલનાથ છેલ્લાં દસ વર્ષની ખોટ છે. તો પહેલાં ઉત્સાદ બિસમિલ્લા ખાન તે પહેલાંના દાયકામાં અને એ દાયકાની શરૂઆતમાં ઉસ્તાદ અલ્લરખ્ખા કુરેશી. છેક અઢી-ત્રણ દાયકાની સફર ખેડીએ તો ય આપણને જે સીમા ચિહ્નો સામા મળે છે તેમની બરોબરી કરી શકે તેવું કે તેમના જેટલું કે તેમના જેવું યોગદાન આપી શકે તેવું આ સંગીત સમ્રાટો પછીનો જે ફાલ થયો છે તેમાં છે, તેવું ગળું ખોંખારીને દરેક કળા, ઘરાના, વાદ્ય માટે કહેવું શક્ય નથી. સિતારવાદક મેસ્ટ્રો શૂજાત ખાને એક મુલાકાતમાં કહ્યું હતું કે, “કાં તો તમે ગુમાવી દીધું છે તેનો અફસોસ કરી શકો કાં તો પછી તમે જે યુગ તેઓ સર્જીને ગયા છે તેને જીવો, સ્વીકારો અને ઉજવો.”
જે ગયાં તેમની કલાની ઝલક પણ ધૂમકેતુ જેવી ઝળાહળાં જ હોય અને માટે ભલે ટૂંકમાં તો ટૂંકમાં પણ તેમના યોગદાનનો એક સૂર તો લલકારવો જ રહ્યો. ઉસ્તાદ અલ્લા રખા જેને એક પેઢી ઝાકીર હુસેનના પિતા તરીકે જાણે છે, તેમને કારણે તબલાંને એક અલાયદા વાદ્યનો દરજ્જો મળ્યો. તેમને તબલાના આઇન્સ્ટાઇન અને પિકાસો કહેવાતા. તેમણે તબલાને સેન્ટર સ્ટેજમાં લાવવાનું કામ કર્યું, જે તે પહેલાં તો ભારતીય શાસ્ત્રીય સંગીતના હાંસિયામાં રહેલા વાદ્ય હતા.
ઉસ્તાદ બિસમિલ્લા ખાન જેમને આપણે 2006ની સાલમાં ખોયા તેમનું ઉત્તર પ્રદેશમાં આવેલું ઘર બચાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. શરણાઇના સૂર બ્રહ્માંડના આયામો સુધી જેને કારણે પહોંચ્યા તેવા આ ઉસ્તાદ તો એવા ધર્મમાં જન્મ્યા હતા, જ્યાં સંગીત ‘હરામ’ ગણાતું અને તેઓ સતત સરસ્વતીની ઉપાસના કરતા જેથી તે શરણાઇવાદન શીખી શકે. એડિનબરા મ્યુઝિક ફેસ્ટિવલમાં શરણાઇવાદન થકી ભારતનું નામ રેલાવ્યું હતું તેવા ઉસ્તાદે કાન આર્ટ ફેસ્ટિવલ, ઓસાકા ટ્રેડ ફેર અને વર્લ્ડ એક્પોઝિશન મોન્ટ્રીએલમાં પણ કાર્યક્રમો કર્યા.
પંડિત રવિ શંકરની વાત કરીએ તો ભારતીય શાસ્ત્રીય સંગીતને વિદેશી ઓપેરા હાઉસિઝ, મોટાં ઑડિટોરિયમ્સની દિશા બતાડવાનો શ્રેય સિતાર પર સડસડાટ ફરતી આંગળીઓને જ જાય છે. દુનિયા આખીમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રતિનિધિ તરીકે પહોંચી વળવાનું જાણે તેમણે બીડું ઝડપ્યું હતું. તેમના પર જે બાયોગ્રાફી લખાઇ છે તેનું મુખ્ય શિર્ષક છે, ‘ઇન્ડિયન સન’ અને પછી ‘લાઇફ એન્ડ મ્યુઝિક ઑફ રવિ શંકર’. તેમની અંગત જિંદગી પર પણ ઘણું લખાયું છે, બોલાયું છે અને એ બધા ઘોંઘાટ અને ગાણાં વચ્ચે એ જ્ઞાનના તેજ અને સેક્સ અપીલથી તરબતર ચહેરાએ સિતાર પરથી દ્રષ્ટિ મચકવા જ ન દીધી. પંડિત રવિશંકરના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં જ્યોર્જ હેરિસન, જોન કોલટ્રેન, ફિલીપ ગ્લાસ અને યેહૂદી મેનુહિનનો સમાવેશ થાય છે. પંડિત ભીમેસન જોશી તેમની ખયાલ ગાયકી માટે પ્રતિષ્ઠિત હતા. 2011માં આપણે તેમને ગુમાવ્યા અને કિરાના ઘરાના સંગીતમાં જાણે કોઇ વ્યાસપીઠ ખાલી થઇ ગઇ. તેમની તાન, તાલ પર પકડ અને તમામ સ્તરનાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકવાની શક્તિ તેમની ઓળખ બની. તેમને પ્રયોગો કરવાનું બહુ ન ગમતું અને તેઓ શાસ્ત્રોક્ત અને નાટ્ય શાસ્ત્રની ભાષામાં કહીએ તો ‘માર્ગી’ શૈલીને અનુસરવાનું જ પસંદ કરતા.
શાસ્ત્રીય સંગીતના વિશ્વનો અન્ય એક ચહેરો હતો કિશોરી આમોણકર. ભારતીય સંગીતની દુનિયામાં ડગ માંડ્યા ત્યારે બડે ગુલામ અલી ખાન અને આમીર ખાનનો જમાનો ચાલતો હતો. દરેક એમનાં નકશેકદમ પર ચાલવા માંગતા હતાં. આ સંજોગોમાં કિશોરી આમોણકરે પોતાની અલગ કેડ કંડારી. ત્રણેયની ગાયકીઓ સાંભળીએ ત્યારે એમની વચ્ચેનાં તફાવતો, એમની વિશેષતાઓ, લક્ષણો, સ્વર ઉપાડવાની શૈલીઓ તમામ અલગ તરી આવે. આમીરખાન અને બડે ગુલામઅલી ખાનનો સમય ચાલતો હોય ત્યારે પોતાની આગવી શૈલીનો સ્તંભ ખડો કરવું લગભગ અશક્ય હતું પણ કિશોરીતાઇએ એ પણ કર્યું. એમનાં સંગીતમાં ગર્વ હતો પણ પ્રતિભામાં નહોતો અને માટે જ એમનાં પટ્ટ શિષ્યા આરતી એમના માર્ગદર્શને હેઠળ પોતાનો ચિલો ચાતરી શક્યાં. 2017માં કિશોરી આમોણકરનો સૂર વિલાયો તો તેમની પાછળ એ જ વર્ષે ગિરીજા દેવીનો અવાજ પણ પરમાત્મા સુધી પહોંચ્યો. બનારસમાં વહેતી ગંગાના ખળખળ અવાજની પ્રતિકૃતિ સમાં ગિરીજા દેવીને કારણે ઠુમરી, દાદરા, ચૈતી, કજરી, હોરી અને ટપ્પા જેવી ગાયકીને મહેફીલમાંથી નીકળીને મંચ પર આવવાનો મોકો મળ્યો અને ત્યાંથી એ સફર ઓલ ઇન્ડિયા રેડિયો સુધી પહોંચી. ગિરીજા દેવીએ પુરબિયા ગાયકીને એક નવો જ દરજ્જો બક્ષ્યો. આ કલાકારોની સાથે તો ધ્રુપદ ગાયક સૈયુદ્દિન ડાગર, સારંગી ઉસ્તાદ રમેશ મિશ્રા અને ધ્રુબા ઘોષે શાસ્ત્રીય સંગીતનાં મંચ પરથી આ અરસામાં જ એક્ઝિટ લીધી.
ભારતીય શાસ્ત્રીય સંગીતનું બ્રહ્માંડ વિશાળ છે અને હજી તો અહીં સૂરજ નહીં પણ આગવી આકાશગંગા સમા ઓમકાર નાથ ઠાકુર, કુમાર ગાંધર્વ, વિદુષી સિદ્ધેશ્વરી દેવી અને શોભા ગુર્તુ જેવાં નામો પણ છે. આ નામોની ગણતરી અને તેમના યોગદાનની ઝલક મેળવવા માટે એક યુગ વિતે. શબ્દોની મર્યાદામાં સૂરો નથી જીવી શકાતા.
બાય ધી વેઃ
જે ગયાં છે તેમનો વારસો સાચવવો પણ બહુ મોટી જવાબદારી છે. નવા ગાયકો આવે છે, નવું કરે છે, જૂનું સાચવતા જાય છે. બહેતર કરવાનો પ્રયાસ કરે છે, સફળ પણ થાય છે પણ કોણજાણે કેમ જે સૂર્ય હતા તે સૂર્ય જ હતા અને તેમની તોલે કોઇને ન મુકી શકાય. આ બધું સાચા સોનાના તારે તૈયાર થયેલી જરી જેવું છે, ખૂબ મૂલ્યવાન પણ સાચવવાનું પણ અઘરું. સંગીત લોકો સુધી પહોંચાડવાના માર્ગ બદલાઇ ગયા છે, ઑડિયન્સિઝ પણ બદલાયાં છે. પ્રયોગોમાં અને કંઇક નવું હોય એમાં લોકોને રસ છે પણ છતાં ય આલાપ, રાગ, તાન અને હરકતની શુદ્ધતા માણતાં લોકોને આવડી જ જાય છે, એટલું સારું છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2020