કુદરતને આપણી ઉપર વ્હાલ વરસાવવાનું મન થાય તો શું કરે ? એ સ્વજનોનું રૂપ લઈને ઘરે આવી જાય ! હેત વરસાવે, સાથે જમે, ઊઠે , બેસે ને વાતાવરણ ભર્યું ભર્યું કરી દે !
મારા પ્રિય કવિ વંચિત કુકમાવાલાની મારી અત્યંત પ્રિય કવિતા આ વાતની હામી ભરે છે. ‘મારી હરિ ખોલશે ડેલી’ કવિતામાં તેઓ લખે છે કે :
હરિ હાથ પકડીને અમને ઘર વચ્ચે લઈ જાશે,
રાંધણિયામાં મારી સાથે મારા જેવું ખાશે,
આડા પડશે ખેંચી લેશે મારી ચાદર મેલી …
મારી હરિ ખોલશે ડેલી ..
સમી સાંજના આંગણ વચ્ચે આટા પાટા રમશે,
મને જીતાડી દેશે પોતે હાર બધીયે ખમશે,
સ્હેજ મલકશે ને ઘર થાશે આપોઆપ હવેલી …
મારી હરિ ખોલશે ડેલી ..
આપણા ઘરે પણ હરિ આવું જ કંઈક કરવા થોડા સ્વજનોનું રૂપ લઈને આવી ગયા ! ૨૩મી તારીખની સવારે સૂર્ય મહારાજના સોનેરી કિરણો સાથે ધીમે ધીમે આવતી એક ટ્રેન આ દેવદૂતોને મુંબઈથી સામખિયારી લઈ આવી. સ્ટેશન પર જ મિલનનાં દૃશ્યો આસપાસના લોકો માટે કૌતુકનું કારણ બની રહ્યાં. એક એક જણ પ્રેમના છલકાતાં સાગર લઈને ઊમટી પડ્યા હતા. પ્રથમ સ્પર્શે જ એમની ભીતરની ભીનાશ મને ભીંજવી ગઈ. નિયામત અઠવાડિયા અગાઉથી તૈયારીમાં ઘર સરખું કરી રહી હતી. આગલી સાંજે એણે આખ્ખું આંગણું વાળીને સજ્જ કરી દીધેલું. ઘરમાં હાજર હોય એવાં ધૂળેટીનાં વધેલાં રંગોથી બાળકોએ મનમાં આવી એવી નાની નાની રંગોળીઓ કરી દીધેલી. સવારના પહોરની ઠંડકમાં સ્વજનોના પ્રેમની ભીનાશ અનુભવતાં અનુભવતાં વાતોના વડા ઉતારતા ઉતારતા ક્યારે નીલપરનું આંગણું આવી ગયું એની ખબર જ ન રહી.
બધા આવીને ઘરની નાનકડી વ્યવસ્થાઓમાં ગોઠવાયા. મુકતાબહેન અને નકુલભાઈએ બીજા પણ બે ઘરની વ્યવસ્થા કરી આપેલી, એટલે કેટલાંક સ્વજનોની અનુકૂળતા ત્યાં સરસ સચવાઈ. પણ એ ઓરડા તો ન્હાવા ધોવા કે સૂવા પૂરતા જ. બાકી તો આપણું ઘર જ મુખ્ય થાણું બની રહ્યું.
સંગાથનું સુખ બહુ મોટું સુખ છે. ગત નવ દિવસ આ સુખ પેટ ભરીને મેળવ્યું. બે સાંજ થોડું આસપાસની જગ્યાઓએ ભ્રમણ કર્યું. એક દિવસ બાદરગઢના મીની ગિરનારની પરકમ્મા કરી તો બીજા દિવસે દેવલમાની નિશ્રામાં અલખ ઘણી આશ્રમે ટીન્ડલવા જઈ આવ્યાં. બંને દિવસે સંધ્યાના રંગો ને અસ્ત થતાં સૂરજનું સૌંદર્ય સૌએ માણ્યું, પણ અમને તો એની સાથે પ્રેમના સૂર્યનો ઉદય પણ અનુભવાયો. સંધ્યા આરતીનો સહજ લાભ સૌને મળ્યો ને સાથોસાથ ભજનનું ભોજન પણ લીધું. ઉડતાં પોપટને જોવાની મજા, ટેકરીએ ચડવાની મજા, ગુફામાં ઉતરવાની મજા, ખુલ્લી ગાડીમાં ગીતો ગાવાની મજા ને આસપાસ આવતાં ઝાંખરાથી બચવા એકબીજાના ખોળામાં પડી જવાની મજા સૌએ લીધી. જગ્યાઓ તો સરસ હતી જ પણ એને વધુ સુંદર બનાવી રહ્યો હતો સૌનો પ્રેમલ સંગાથ !
રોજ સવારે આંખ ખૂલે ત્યારે લીમડાની મઘમઘતી સુગંધને નાકમાં ભરવા ને સવારની તાજપને ભીતર ભરી લેવા બધાં નીકળી પડતાં. સાંજ થાય એટલે ફરી એ જ ભ્રમણ ! નિયામત ને હું અમારા નિત્યક્રમમાં હોઈએ પણ આ તો ઘરનાં જ સ્વજનો એટલે મન પડે ત્યાં ફરવા જાય. ક્યારેક કોઈની વાડીએ જતા રહે તો ક્યારેક સેતુર ખાવા જતા રહે. ક્યારેક તળાવ તો ક્યારેક અમસ્તા પરિસરમાં ભ્રમણ કરી આનંદ લૂંટી લે એવા આ ચતુર લૂંટારા ! એકાદ દિવસ દેરાસર જઈ આવ્યા, બાકી કોઈપણ પ્રકારની આમતેમ દોડાદોડ વગર બસ નિરાંતે રહ્યાં સૌ સંગાથે.
ઘરનો હોલ સતત ધબકતો રહ્યો. વાહ ! વાહ ! ના નાદથી. આનંદની છોળો સતત ઉછળતી રહી. પરીક્ષાના દિવસો હતા એટલે હું થોડો રોકાયેલો રહ્યો, પણ એમાંયે મારા કોલેજના સૌ સાથી મિત્રો ને આચાર્યશ્રીએ બને તેટલી અનુકૂળતા કરી આપી. વહેલી સવારથી મોડી રાત સુધી બસ, ચોતરફ પ્રેમની વર્ષામાં ન્હાવાની મજા પડી. કુદરત પણ એટલી રાજી કે એણે વાતાવરણમાં ઠંડક વધારી દીધી. બધું અનુકૂળ અનુકૂળ જ થતું ગયું. ટેટી ને કલિંગર ખાવાની મજા પડી. ગરબા રમવાની મજા. બધા બોક્સ ને થેલા ભરીને લાવેલા તે મુંબઈ, પુનાનો નાસ્તો ઝાપટવાની પણ મજા પડી.
બસ લીલા લ્હેર જ સમજોને !
આવેલાં વડીલોમાં એક સરોજબહેન નામે ૮૬ વર્ષના દાદી હતાં, એકટાણું જ કરે. બપોરે જ જમે, બાકી અમને જમાડે. ૮૬ વર્ષે એટલી સ્ફૂર્તિ કે જુવાનને પણ શરમાવે. પણ ક્યાં ય ધર્મ કરતાં હોવાની સભાનતા નહિ. અમે ઊઠીએ એ પહેલા ઊઠી પોતાનું પ્રતિક્રમણ, સામાયિક કરવા બેસી જાય. સરસ વાંચે ને રાતે બધા થાકી જાય ત્યારે અજબ ગજબની શબ્દ રમતો રમાડી બધાને ફરી તાજા માજા કરી દે. કોઈ આગ્રહ નહિ, કોઈ ડિમાન્ડ નહિ. એમનું હોવું અનુભવાય જ નહીં એટલા હળવા. તો જયંતભાઈ અને જ્યોતિબહેન જેવા પ્રેમાળ દંપતીની તો શી વાત કરવી ! જ્યોતિબહેન સવારે વહેલા ઊઠીને ધ્યાન કરવા બેસે ને ઓરડો સાધનાખંડમાં ફેરવાઈ જાય. એમને ધ્યાનમાં બેઠેલા જોવાનું સુખ આંખોને મળ્યું એ પણ એક ધન્યતા જ. રસોડાનાં કામમાં ચુપચાપ ગોઠવાઈ જાય. ઓછું જમે ને વધુ જમીએ એવી રસોઈ બનાવે. ખાસ તો રોટલી એવી સરસ કે જાણે ખાધા જ કરીએ. તો જયંતભાઈનું હોવું જ સાધુતાનું હોવું લાગે. એમનું ભીતરનું ઊંડાણ તાગ ન મળી શકે એવું. બધી વસ્તુને વિધાયક નજરથી જોતા આ સ્વજનને અમે બધા ગાંધીજી કહીને બોલાવીએ. કિરણભાઈ, ભુવનચંદ્રજી મહારાજ આદિ પાસે એમની ચેતના ઘડાઈ છે, ખૂબ ભીતરી ઉઘાડ એટલે હાથ વારંવાર એમના ચરણ ભણી લંબાઈ જાય. જે હોય એમાં રાજી રહેનારા, ચુપચાપ સેવાનાં મોટાંમોટાં કામ કરનારા ને અહીં આવીને દૂધ લેવા પણ જાય ને અમને ઠંડુ પાણી હાથમાં આપે એવા આ સ્વજન ! ખબર ન પડે તેમ દૂધના કૂપન લઈ આવે ને સંસ્થાને પણ માતબર દાન આપી મોટો ટેકો કરી જાય. ચહેરા પર સ્મિત પણ ખરું ને ભીતર ગંભીરતા પણ ખરી. હસે, હસાવે ને જલસા કરાવે.
કીર્તિદાબહેન સાવ બાળક જેવાં, ભોળાં, નિર્દોષ. એમના તો કુંજબાળા, કુંદનબાળા જેવા કેટલાં ય નામો પાડ્યાં ને આનંદ કર્યો. ભારતીબહેન પણ એવા જ ભાવથી ભર્યાં ભર્યાં. એમણે બાળકોને કુલ્ફી ખવડાવીને જલસો કરાવ્યો. ત્રણેક વખત કુલ્ફીની મજા બાળકો સાથે સૌએ લીધી. ભાઈ ગૌરવે મોકલેલી નવી કુર્તીઓ સંસ્થાની બધી દીકરીઓએ ઈદના દિવસે જ પહેરી ને રાજી રાજી થઈ ગઈ. બધાં સ્વજનોને સંસ્થા માટે ભાવ એટલે ચુપચાપ દાનની રકમ નકુલભાઈના હાથમાં પહોંચાડી આવે. દીકરી કિંજલ અને મિહિરના નાનકડા રાજકુમાર નિરાગના જન્મની ખુશીમાં તેઓ ગાયોને લાડુ ખવડાવે, પક્ષીઓને ચણ નખાવે, કૂતરાને રોટલાં અપાવે ને આ બધા એ કામ સ્વહાથે કરી એનો આનંદ લે. મનસુખદાદાને લોનાવાલા બેઠે બેઠે પાનુમાની સ્મૃતિમાં કુલ્ફી ખવડાવવાનું મન થાય ને બાળકોને જલસા થઈ પડે.
આ આનંદમંડળીમાં સાથે એક તેંત્રીસેક વર્ષનું બાળક પણ આવેલું. કેવલ એનું નામ. બહુ મજાનો. ગોલુ મોલુ. બરાબર ખાવા મળે એટલે રાજી. બસ ખાવું, પીવું, હમ સાથ સાથ હૈ ફિલ્મ જોવી ને સુઈ રહેવું એ એના ગમતાં કામ. પણ મારા પર એને બહુ ભાવ. મને સગો ભાઈ માને. ને ‘બોલ ભાઈ બોલ’, ‘બિન્દાસ બિન્દાસ’ જેવા શબ્દો બોલી મજા કરાવે. એના મોટા પેટ સાથે રમવાની, એની સાથે વાતો કરવાની બહુ મજા પડે. એની સાથે ડાન્સ કરવાની પણ એક અનોખી મજા. આવા વિશિષ્ટ બાળકના ઉત્તમોત્તમ મા-બાપ એટલે ભાવનાબહેન અને મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ તારક મહેતાના ચંપકચાચા જેવા લાગે એટલે એમને અમે પહેલેથી બાપુજી જ કહીએ. બાપુજી ને ભાવનાબહેન દેખાવે સાવ સાદા સીધા લાગે. પગમાં ચંપલ પણ જરૂર ન હોય તો ન પહેરે એવા. ટ્રેનમાં સ્લીપર કોચમાં મુસાફરી કરે, ઘરમાં પણ ખપ પૂરતું જ રાચરચીલું. પણ બીજાનું દુઃખ સ્હેજે ન જોઈ શકે એવા. મેં કોઈની પણ મદદ માટે ટહેલ નાખી હોય તો એમનો મદદની રકમનો આંકડો કાયમ મોટો હોય. ક્યારેક તો મારે રોકવા પડે એટલા ભાવવિભોર થઈ જાય. પોતે બહુ જ સાદગીથી રહે ને બીજા માટે ખરચતા સ્હેજ પણ ન અચકાય. મોટી મોટી મદદ કોઈને ખબર ન પડે તેમ કરે. ભાવનાબહેન પણ અંદરથી એકદમ સુલઝેલ વ્યક્તિ. તરત આંખ ભીંની થઈ જાય એવા ભર્યાં ભર્યાં. કેવલની વિશેષતાઓનો સ્વીકાર ને એની વિશેષ કાળજી જ આ બંનેની મોટી સાધના. બંનેને બાળકો બહુ ગમે. બાપુજી મીઠી આંબલી ઉતારવા મથતા કોઈ બાળકની મદદે દોડી જાય તો ભાવનાબહેન પણ છોકરીઓના ચોટલા વાળવા લાગી જાય ને નિયામતને કમ્પની આપવા પગપાળા પ્રવાસમાં પણ જાય.
બધાં એવાં કે એક એક વ્યક્તિ નોખું વ્યક્તિચિત્ર માંગી લે; પણ આ તો એક આછી પીંછીએ કરેલું લસરકું જ ગણજો.
આવા સ્વજનો નવ દિવસ અકારણ સાથે રહેવા આવે, સાવ સહજ સાથે રહે, સતત પ્રેમ વરસાવે ને રમઝાન મહિનામાં અલ્લાહ પાકની રહેમત ઉતરી આવ્યાનો અનુભવ કરાવી ઈદની સાંજે ભેટી ભેટીને ભીતર ભરી દઈ વિદાય લે, એ પહેલાં દીકરીઓને ક્યારે ય ન મળી હોય એટલી મોટી ઈદી આપી જાય અને અમને એથીયે મોટી પ્રેમની ઈદી આપી ધન્ય કરી જાય.
કહે છે કે રમઝાન મહિનામાં અલ્લાહના ફરિસ્તા ઘરે આવે છે ને ઘરને ખુશીઓથી ભરી દે છે. અમને તો આ રમઝાન મહિનામાં અલ્લાહે એનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. બસ, પરસ્પરનો આ પ્રેમ ચોતરફ વિસ્તરો, નફરતોની દીવાલો ઓગળી જાઓ ને પ્રેમનો સાગર છલકાઈ જાઓ.
આમીન … આમીન .. આમીન.
સાધુ … સાધુ …. સાધુ …
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર