વાચકોને એટલી તો પ્રતીતિ થઈ જ ગઈ હશે કે પાશ્ચાત્ય ધર્મોની જેમ સનાતન ધર્મનો ચહેરો સહેજે બદલી ન શકાય કે ઘાલમેલ કરી ન શકાય એવો નક્કર સ્વરૂપનો કંડારવો એ અશક્ય છે. આમ તો સદીઓથી હિંદુઓને તેનાથી કોઈ ફરક નહોતો પડતો; પરંતુ હિંદુઓને ઈસાઈ અને ઇસ્લામ ધર્મનો પરિચય થયો, વિધર્મીઓ સામે વારંવારના પરાજયનો ઇતિહાસ અંગ્રેજોએ લખીને આપ્યો એ પછી હિંદુઓ શરમ, સંકોચ અને નાનપ અનુભવવા લાગ્યા. કેટલાક લોકો ધર્મનાં માળખામાં કે ચહેરામાં પૌરુષત્વ શોધવા લાગ્યા. ૧૯મી સદીમાં તેમણે શરમ, સંકોચ અને નાનપ અનુભવીને સનાતન ધર્મનો ચહેરો કંડારવાના કેવા કેવા પ્રયાસ કર્યા અને તે કેમ નિષ્ફળ નીવડ્યા તેની વિગતો આપી છે.
૧૯મી સદીમાં ચહેરો કંડારવામાં મળેલી નિષ્ફળતા પછી હવે ઉપાય બચતો હતો હિંદુને હિંદુ બનાવવાનો અને હિંદુનો ચહેરો કંડારવાનો. વીસમી સદીમાં આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. એ પ્રયાસ હિંદુ રૅનેસાઁ માટેનો હતો. સનાતન ધર્મનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જેમાંથી હિંદુ ચેતના (હિંદુ કોન્શ્યસનેસ) વિકસે. એ ચેતના હિંદુને ઓળખ પણ આપતી હોય પણ એ સાથે હિંદુ અંતર્ગત પૃથક્તાવાદી ન હોય. સમગ્ર હિંદુ ચેતના સાથે આખો હિંદુ ઘડવામાં આવે. કોઈક પ્રકારનું હિંદુઈઝમ. તેમણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે તે પાશ્ચાત્ત્ય શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. બનારસ હિંદુ યુનિવર્સિટી આવો એક પ્રયાસ હતો. આર્યસમાજીઓએ પણ દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલો સ્થાપીને આવો એક પ્રયાસ કર્યો હતો. બીજા પણ કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા.
પ્રારંભમાં જ જણાવી દઉં કે આ પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યો. કેસ સ્ટડી તરીકે આપણે કેવળ બનારસ હિંદુ યુનિવર્સિટી(બી.એચ.યુ.)નો દાખલો જોઈએ. આધુનિક શિક્ષણ સાથે હિંદુ ચેતના જાગ્રત કરવા માટે ૧૯૧૬માં બી.એચ.યુ. સ્થાપવામાં તો આવી પણ હિંદુ ચેતના ઘડવાના પદાર્થ લાવવા ક્યાંથી? બનારસ હિંદુ યુનિવર્સિટીનો પ્રયાસ અલીગઢ મુસ્લિમ કોલેજના જવાબરૂપે હતો એ વાત આપણે અહીં જવા દઈએ.
સર સૈયદ મહમ્મદ ખાનને, પંડિત મદનમોહન માલવિયા એમ બંનેને અને બીજા કોઈને પણ બે પદાર્થ ઉપલબ્ધ હતા; એક, પોતપોતાના ધર્મનું દર્શન અને પોતપોતાના ધર્મનું જેવું હોય એવું માળખું.
હવે સનાતન દર્શન તો વસુધૈવ કુટુંબકમ્ અને એકોહમ્ બહુસ્યામવાળું છે એટલે એમાં છીણી-હથોડો ચાલી શકે એમ નહોતાં. માખણમાં છીણી અને હથોડો શું કામમાં આવે? પોપોતાના ધર્મના માળખાએ સર સૈયદ અને માલવિયા એમ બંને મહાનુભાવોને તકલીફ આપી હતી. સર સૈયદને માળખામાં રહેલી – જલદી ન તૂટે કે ન બદલાય એવી – કઠણતાનો અનુભવ થયો હતો તે એટલે સુધી કે તેમનાં છીણી અને હથોડો હાંફી ગયા હતા. માલવિયાજી નક્કી જ નહોતા કરી શકતા કે શરૂઆત ક્યાંથી કરવી. જેવો કોઈક જગ્યાએ હાથ મૂકે કે વિરોધ શરૂ થાય.
તેમણે સનાતન ધર્મના પહેલા ગ્રંથ તરીકે વેદોથી શરૂઆત કરી તો કહેવામાં આવ્યું કે વેદો તો શ્રુતિ કહેવાય. શ્રુતિની વાત આવી કે અધિકારભેદ આવ્યા. બ્રાહ્મણ જ ભણી શકે અને બ્રાહ્મણ જ ભણાવી શકે. માલવિયાજી પોતે રૂિચુસ્ત સનાતની હતા એટલે તેમને તો એની સામે વાંધો નહોતો, પણ બહારથી વિરોધ થયો. માલવિયાજીએ વચલો રસ્તો કાઢ્યો કે ચાલો શુદ્રોને છોડીને બાકીના બધા વિદ્યાર્થીઓને શ્રુતિ ભણાવવામાં આવે તો એની સામે પણ વિરોધ થયો. કોઈકે કહ્યું કે ખાનગી પાઠશાળા ચલાવો, વિશ્વવિદ્યાલય આ રીતે ન ચાલે. તેમણે બીજો પ્રસ્તાવ મૂક્યો કે ચાલો દરેકને ભણાવવામાં આવે, પણ કમસેકમ શિક્ષક બ્રાહ્મણ હોય. એની સામે પણ વિરોધ થયો.
તો કોણ ભણી શકે અને કોણ ભણાવી શકે એના વાદવિવાદનો વર્ષો સુધી અંત જ નહોતો આવ્યો. બીજી સમસ્યા હતી શું ભણાવવું એની. ષડ્ દર્શન, જૈનોના અને બૌદ્ધોના આગમગ્રંથો, લોકાયત દર્શન, દ્વૈતવાદીઓની શાખા-ઉપશાખાઓ, શાક્ત-શૈવ જેવી પરંપરાઓ અને તેના ગ્રંથો જો એમને એમ ભણાવવામાં આવે તો એ તો અંગ્રેજોએ સ્થાપેલી ઓરિયેન્ટલ કૉલેજો પણ આપે છે તો એમાં નવું શું કર્યું? અંગ્રેજોએ સ્થાપેલી એક સંસ્કૃત યુનિવર્સિટી તો બનારસમાં જ હતી અને બી.એચ.યુ. કરતાં એક સો પચીસ વરસ જૂની હતી. બીજું કોના કયા ગ્રંથને અધિકારી ગ્રંથ માનવો? એમાં પણ જે તે ધર્મ અને સંપ્રદાયોમાં જ મતભેદ હતા. જો અંગ્રેજોએ સ્થાપેલી ઓરિયેન્ટલ કૉલેજોની રાહે બી.એચ.યુ.માં પણ ભણાવવામાં આવે તો વિદ્યાર્થી પૌર્વાત્ય જ્ઞાનનો વિદ્વાન તો બને, પણ હિંદુ ન બને. અહીં તો આખો હિંદુ ઘડવાનો હતો જે હિંદુ પહેલા હોય, સંપ્રદાયીક પક્ષપાતોથી ઉપર હોય અને આધુનિક શિક્ષાવિભૂષિત પહેલી કક્ષાનો વિજ્ઞાની પણ હોય. જો આમ કરવામાં આવે તો હિંદુ રૅનેસાઁ શક્ય બને. હિંદુ રૅનેસાઁનું રોમાંચ એકલા પંડિતજી નહોતા ધરાવતા, કનૈયાલાલ મુનશી જેવા બીજા લોકો પણ ધરાવતા હતા.
પંડિતજીને અહીં પણ મુશ્કેલી નડી. પાશ્ચાત્ય ઢબે ઓરિયેન્ટલ સ્ટડી તો કરાવી શકાય; પણ હિંદુ ઢબે હિંદુ ભારતીય વિદ્યા કેવી રીતે આપવી? પંડિતજીએ પાછળથી જેમને ભારતરત્ન તરીકે નવાજવામાં આવ્યા હતા તે ભગવાન દાસની મદદ લીધી. ડૉ. રાધાકૃષ્ણન્, આપણા આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, મહામહોપાધ્યાય ગંગનાથ ઝ્હા જેવા મેધાવી વિદ્વાનોની મદદ લેવામાં આવી; પણ આ સમસ્યાનો ઉકેલ ન જ આવ્યો. આજે બનારસ હિંદુ યુનિવર્સિટી બીજી કોઈ પણ યુનિવર્સિટી જેવી બનીને રહી ગઈ છે. તેની અંદર આવતો હિંદુ શબ્દ નામ પૂરતો છે. રહી વાત ભારતીય વિદ્યાઓના અભ્યાસની તો એમાં બી.એચ.યુ. કરતાં અંગ્રેજોએ સ્થાપેલી બનારસ સંસ્કૃત કૉલેજ (નવું નામ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી)નું યોગદાન ઘણું મોટું છે. અંગ્રેજોને ઓરિયેન્ટલ શિક્ષણ પાશ્ચાત્ય સેક્યુલર (પક્ષપાતના અભાવના અર્થમાં) ઢબે આપ્યું હતું, પરંતુ પંડિતજી તો હિંદુ ઓરિયેન્ટલ શિક્ષણ હિંદુ સેક્યુલર ઢબે આપવા માગતા હતા. આ ગૂંચવાડાનો કોઈ અંત આવતો નહોતો. અરે, બી.એચ.યુ. કરતાં ઘણું મોટું યોગદાન સાંપ્રદાયિક હોવા છતાં પરંપરાગત પાઠશાળાઓનું છે. એમાં અભ્યાસની સ્પષ્ટતા અને સઘનતા તો હતી જ જે બી.એચ.યુ.માં ન આવી શકી.
કહેવાની જરૂર નથી કે જેવો અનુભવ પંડિત મદનમોહન માલવિયાને થયો એવો જ અનુભવ હિંદુ રૅનેસાઁના અન્ય સ્વપ્નદૃષ્ટાઓને પણ થયો. પંડિતજીની સ્થિતિ એવી બની કે તેમણે બધાં ફાંફાં મારવાનું છોડીને છેવટે એક વિનંતી કરી કે કંઈ નહીં તો ગીતાનો વર્ગ ફરજિયાત કરવામાં આવે. આ બાબતે પણ સંમતિ બની નહીં. અંતે ગીતાનો વર્ગ સ્વૈછિક કરવામાં આવ્યો, એ પણ રવિવારે અને એમાં પણ કેટલીકવાર પંડિતજી સાથે માંડ બે-ચાર જણ હાજર હોય. બી.એચ.યુ.ના ઉપ કુલપતિ ડૉ. રાધાકૃષ્ણન્ પણ નિયમિત ઉપસ્થિત નહોતા રહેતા.
બી.એચ.યુ.નો અનુભવ મેં અહીં સંક્ષેપમાં આપ્યો છે, પરંતુ જે વાચકોને તેની પૂરી વિગતોમાં રસ હોય તેમણે રિનાલ્ડ લીહનું ‘હિંદુ એજ્યુકેશન: અર્લી યર્સ ઑફ બનારસ હિંદુ યુનિવર્સિટી’ નામનું પુસ્તક વાંચવું.
અલગ અલગ પ્રકારના લગભગ બસો વરસના નિષ્ફળ પ્રયાસ પછી હિંદુઓએ એક તાત્પર્ય પર આવવું જોઈએ. સનાતન ધર્મ આવો વાડ વિનાનો મોકળો છે એ માટે શરમાવાથી જગ્યાએ ગર્વ લઈએ તો? જગતમાં કયો ધર્મ આવી મોકળાશ આપે છે? હિંદુઓએ અન્ય ધર્મીઓને કહેવું જોઈએ કે શ્રદ્ધા ને ઉપાસના મહત્ત્વના છે, કારણ કે તે અંગત છે. કલેવર અને કલેવરજન્ય ઓળખો મહત્ત્વની નથી, કારણ કે તે બાહ્ય છે. ભારતમાં ઉદ્ભવેલા ધર્મો પાસે જે દર્શન છે એવું સમૃદ્ધ દર્શન અન્ય ધર્મો પાસે નથી. વળી કોઈ ઉપાય પણ નથી અને જેટલા ઉપાય અજમાવવામાં આવ્યા એ બધા નિષ્ફળ નીવડ્યા છે એટલે જેમ ચાલે છે એમ ચાલવા દેવા સિવાય બીજો વિકલ્પ પણ નથી.
હવે એક વાત મોરારિબાપુ માટે. મને ખાતરી છે કે તેમણે માત્ર લાગણીથી પ્રેરાઈને અને પીડાના ભાગરૂપે ગોંદરે ઢોલ પીટ્યો હશે. બાકી ૧૭૦૭માં ઔરંગઝેબના અવસાન પછી મુસલમાન શાસકોના હાથમાંથી સત્તા જવા લાગી ત્યારે શાહ વલીઉલ્લાહે ઇસ્લામ ખતરે મેં હૈ નો ઢોલ પીટ્યો હતો. એ પછી છેલ્લાં સો વરસમાં એક ડઝનવાર ઇસ્લામ ખતરે મેં હૈ ના ઢોલ પીટાયા છે. એનું પરિણામ મુસ્લિમ દેશોમાં નજરે પડી રહ્યું છે. ધર્મરક્ષક બનીને ઢોલ પીટતા પહેલાં સો વાર વિચારવા જેવું છે. ધર્મ નિર્દોષ સંસ્થા છે એવો ભ્રમ દિમાગમાંથી કાઢી નાખવા જેવો છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2019