ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના વહીવટી તંત્ર પાસે આ મહામારીને સામાજિક રીતે હેન્ડલ કરવા માટેની જરૂરી સમજદારી, સહાનુભૂતિ અને સંવેદનાનો અભાવ છે, તેવું વારંવાર દેખાઈ આવે છે! સાત શાકભાજી વેચનારા લારીવાળાઓ કોરોના પૉઝિટિવ નીકળ્યા, તેને સમાચાર બનાવીને મીડિયામાં પીરસી કાઢ્યું! ગુજરાતમાં હાલમાં કોરોના પૉઝિટિવનો આંકડો બે હજારને આંબી ગયો છે, તો એમાંથી કોઈ બિઝનેસમૅન, નોકરિયાતો કે બીજા લોકો નહીં હોય? પણ આ સાત શાકભાજીવાળાને કેમ વિલન બનાવીને રજૂ કરવાના? શાકભાજીવાળા અને કરિયાણાવાળાને સુપર-સ્પ્રેડર (સૌથી વધુ ચેપ ફેલાવનાર) તરીકે પણ જાહેર કરવામાં આવે છે. તો પોલીસ પણ એ જ કૅટેગરીમાં ન આવે? મેડિકલ સ્ટાફ એમાં ન આવે? તમામ ધાર્મિક સ્થળોએ મેળાવડા કરતા ભક્તો, ધર્મના ભેદભાવથી પર રહીને, એમાં ન આવે?
શાકભાજીવાળા કોરોના પૉઝિટિવ થયા તે મુદ્દો માહિતી તરીકે મીડિયાને અપાય તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેમને આમ અલગ પાડવાનું અને જેની સતત ના પાડવામાં આવે છે તે, કોઈ પણ પ્રકારના કોરોનાગ્રસ્તોને કલંકિત કરવાનું કેટલું યોગ્ય છે? એટલું જ નહીં, એવો વીડિયો પણ જોયો છે, જેમાં પોલીસવાન સોસાઇટીઓમાં ફરીને માઇક ઉપર રહીશોને આ શાકભાજીવાળાઓ બાબતે માહિતી આપે છે. એ પણ એટલા જ અવિચારી, અસંવેદનશીલ અભિગમથી કહેવાતું જોયું છે કે વહીવટી તંત્ર જ અંતે પ્રજાકીય અશાંતિ માટે જવાબદાર બનીને ઊભું રહેશે. એ પોલીસ અફસરના શબ્દો હતા, "આ શાકભાજીવાળા જ સૌથી વધુ કોરોના ફેલાવે છે … બહેનો, તમે બે દિવસ શાક નહીં બનાવો તો કોઈ ફેર પડી નથી જવાનો." આ વાત માત્ર શાકભાજીવાળા પ્રત્યે નહીં, સ્ત્રીઓ પ્રત્યે પણ એટલી જ પૂર્વગ્રહપ્રેરિત નથી? જાણે કે સ્ત્રીઓ જ સમજતી નથી! "ઘરમાં રોટલી-શાક તો બનવાં જ જોઈએ”, આવું માનનારા મોટે ભાગે પુરુષો જ હશે, આમાંના કેટલાક પોલીસ ઓફિસરો પણ એવા હશે!
હજી પાછળ શું આવે છે, ખબર છે?
શાકભાજીવાળા કે કરિયાણાવાળા ભલે પોતાના ધંધા માટે કરે છે, પણ હાલના સંજોગોમાં તેમનું કામ સમાજસેવાથી જરા પણ ઓછું નથી. એ સ્વીકારવાને બદલે તંત્ર લોકોના મનમાં તેમના વિશે ખરાબ છાપ ઊભી કરી રહ્યું છે. અસંવેદનશીલતાની આ ગંગા છેક ઉપરથી વહેતી વહેતી આવે છે, એ વધુ નિરાશાજનક હકીકત છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020