આજે જેમને ટીવી જોવાની ટેવ હશે તે સહજતાથી સમજી જશે કે પત્રકાર એટલે જેટલું જેનું ગળું સારું હોય, જે બૂમબરાડા પાડવાની ક્ષમતા ધરાવતો હોય એ! પત્રકારો આજે સરકારી પ્રચારકો બની ગયા છે. જ્યારે એક તબક્કે નિર્ભીક પત્રકારત્વ જોવા મળતું. જે આજે વિરલ થઈ રહ્યું છે. ‘નવભારત ટાઇમ્સ’ના જાણીતા પત્રકાર દિવંગત રાજેન્દ્ર માથુરે અડવાણીની સોમનાથથી નીકળેલી ટૉયોટૉવાનવાળી રથયાત્રા વખતે સંપદકીય લખેલું – ‘શેર કી સવારી’, નખશિખ રાષ્ટ્રવાદી પત્રકારનો આ લેખ ભવિષ્યવાણીની જેમ આજે સાચો પડ્યો. અડવાણીની રથયાત્રાના મૅનેજર નરેન્દ્ર મોદીએ અડવાણી માટે આ ભવિષ્યવાણી સાચી ઠેરવી! ધર્મકેન્દ્રી ઝનૂની રાષ્ટ્રવાદની પરિણુતિ અખલાક કે ઉના સુધી વિસ્તરતી જોવા મળે છે.
મનોવિશ્લેષણના પિતા મનાતા ફ્રૉઈડના ભત્રીજા ઍડવર્ડ બર્નીજ પ્રચાર અને જનસંપર્કના મનોવિજ્ઞાનના પિતા મનાય છે જેમને ‘propaganda’ નામનું પુસ્તક લખ્યું છે. બહુસંખ્યક સંભ્રાત નાગરિકોનું માનસનિર્માણ પ્રચાર દ્વારા કરવામાં આવે છે. સમાજવિજ્ઞાની ડાલ્ટન કોનોલીએ પણ વર્ચસ્વ ધરાવતો વર્ગ આ દ્વારા બહુજનની ‘સહમતિ’ પોતાની વિચારધારા માટે મેળવી લે છે તે બતાવ્યું છે. એક વેળાએ નરેન્દ્ર મોદી માટે કામ કરતા પ્રશાંત કિશોર હવે નીતિશકુમારની જીતનું શ્રેય મેળવે છે ! ચૂંટણી નજીક આવે તેમ આવી સુપરહીટ ચીજો વધતી જાય છે. જે નાગરિકોનું રૂપાંતર ચાહકો, ભક્તો(fan)માં કરી નાંખે છે, જે પાણીપૂરી ખાતાં-ખાતાં ‘India is Indira’ કે ‘I love Modi’ લખવા માંડે છે!
આજે કોઈ પત્રકાર સરકારની ટીકા કરે એ રાષ્ટ્રદ્રોહી પત્રકાર ગણાય! સરકાર એ રાષ્ટ્ર નથી. વડાપ્રધાનની ટીકા કરે એ પત્રકાર રાષ્ટ્રવિરોધી! આ માનસિકતા આજે દૃઢ થતી જાય છે. કાશ્મીરના ‘ક’ પણ કોઈ પત્રકાર બોલે, તો એ રાષ્ટ્રવિરોધી! વિભીષણની કથાના આ દેશમાં આજે વિભીષણવૃત્તિ ટીકાપાત્ર ગણાય છે. ‘રાષ્ટ્રપ્રેમી’ પત્રકારો ગાળ દેવા માટે એક શબ્દ વાપરતા થયા છે અને એ શબ્દ છે – ‘બુદ્ધિજીવી’ ! જાણે શું પત્રકારો બુદ્ધિજીવી નથી? આવી ગાળો સમાજની વૈચારિક બીમારી સૂચવે છે.
લોકશાહીના ચોથા સ્તંભ સમા પત્રકારત્વમાં આજે રાષ્ટ્રવાદનો ગોકીરો મચ્યો છે. એકાએક મીડિટાની યજ્ઞશાળામાં રાષ્ટ્રવાદનો ઓવરડોઝ દેખાય છે. શું એની પાછળ રાજનીતિ નથી? શું આ શબ્દ ફૅશનદાખલ વપરાઈ રહ્યો છે કે ઊંડી નિસબતથી? જેના માટે ચાની લારીથી માંડી સંસદ સુધી હોબાળો મચી જાય છે! અબજો રૂપિયાના (૧૧૦૦ બિલિયન કરોડ) આ વ્યવસાય માટે આ રાષ્ટ્રપ્રેમ બજારુ માલ નથી? રાષ્ટ્રપ્રેમ T.R.P.નો ભાગ છે. ૭૫૦ ચૅનલો શું સ્વાન્તઃસુખાય ચાલે છે? ટીવી સેટ ‘યુદ્ધખંડ’(war-room)માં પરિવર્તન થઈ રહ્યા છે. ફેસબુક કે ટ્વીટર પર તો પગાર આપીને trolling માટે માણસો રોકવામાં આવી રહ્યાં છે. જે વીણીવીણીને ‘રાષ્ટ્રદ્રોહી’ને અશ્વીલ ગાળોથી એવા નવાજે કે રવીશકુમારે મેદાન છોડી દેવું પડે! જો સાંસદો જ માયાવતી, સ્મૃિત ઇરાની કે સોનિયા ગાંધીને અશ્લીલ શબ્દોથી નવાજતાં હોય તો, કૂવામાં હોય તે હવાડામાં આવે. પણ જો હવે સમૂહ-માધ્યમો પણ આમાં જોડાઈ જાય તો ? આજે બરખા દત્ત સાથે, કારગિલની બાહોશ પત્રકાર સાથે સહવ્યવસાયકર્મીઓ આ જ ભાષા વાપરી રહ્યા છે. રાષ્ટ્રવાદની જેમ આજે મીડિયાનું એક વલણ ભારતીયતાનું ઊમટેલું મોજું પણ છે. શિલ્પા શેટ્ટીથી શરૂ થઈ બાબા રામદેવ એના બ્રાંડ ઍમ્બેસેડર છે! ગાયની જેમ યોગ રાજનૈતિક હથિયાર બની રહ્યો છે.
મીડિયાની કેટલીક ઘટનાઓ પણ એમની રાજકીય ગોઠવણોનો સીધો પુરાવો પૂરો પાડે છે. ઉત્તરાખંડની તબાહી વખતે ૧૭,૦૦૦ પત્રકારો કે સેના જ્યાં જઈ શકી ન હતી, ત્યાં એકાએક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા હતા! આજે આવા પૂર્વયોજિત (planned story) સમાચારો મીડિયાની વિશ્વસનીયતાને હાનિ પહોંચાડે છે! કન્હૈયાકુમારની મુલાકાત લીધા પછી ટેક્નોલૉજીનો લાભ લઈ સ્મૃિત ઇરાનીની મિત્ર પત્રકાર પાકિસ્તાનનો નકશો એની પાછળ ગોઠવી દે! આજે આવી કપટપૂર્ણ નીતિઓ પકડાઈ ગઈ છે, પણ કેટલી નહીં પકડાઈ હોય તેનું શું? કન્હૈયાકુમારની છબી ખરાબ કરનાર આ પત્રકાર મહિલાને શી સજા થઈ? ગુજરાતના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન બનવાની તૈયારીમાં હોય કે તરત શૅરબજાર સડસડાટ ઊંચું ચાલ્યું જાય! કશી ટીકાટિપ્પણ વિના આ ઘટના ‘બ્રેકિંગ ન્યુઝ’ બની જાય!
ગુડગાંવમાં પાણી ભરાય અને અનેક વેપારીઓ અટવાય એ બ્રેકિંગ ન્યુઝ, પરંતુ આસામના સમાચાર માટે આપણે પ્રતીક્ષા જ કરવાની! મુંબઈમાં રાષ્ટ્રવાદી શિવસૈનિકો યુ.પી., બિહારના કામદારોને મારે એટલે તો રાષ્ટ્રવાદથી મોટો ‘મહારાષ્ટ્ર’ વાદ થઈ જાય! આ રાષ્ટ્રવાદની ટીકા આપણી ચૅનલો કરતી નથી. મણિપુર કે કાશ્મીરમાં ચાર-ચાર મહિના કરફ્યુમાં શાળાઓ બંધ રહે, એ સમાચાર તો આપણને વર્ષો પછી મળે!
મીડિયાની નિસબત બીજે દેખાતી નથી, એટલે એવું લાગે કે હિન્દુ રાષ્ટ્રવાદનું બજાર છે અને મીડિયા એ માલ વેચે છે! આજે ગુજરાતના કેટલાક કૉલમવીરોમાં આ વલણ ચોખ્ખું દેખાય છે. જાણે કે આર.એસ.એસ.ના મુખપત્રમાંથી સીધા ઝિલાયેલા હોય એવા લેખો હોય છે. જો (newsroom)એ વૈવિધ્યપૂર્ણ(diversity)થી ભરેલો હોત, તો રાષ્ટ્રવાદમાં દલિત, લઘુમતિ, આદિવાસી બધાનો સમાવેશ થતો જાય. એ દેખાતું નથી. રઘુવીર સહાયની એક કવિતા યાદ આવે,
‘જન ગણ મન કે ભીતર,
વહ કૌન ભાગ્ય-વિધાતા હૈ?
ફટા સુથન્ના પહને,
જિસકે ગુણ હરચરના ગાતા હૈ!’
શું આ હરચરણની ચિંતા ‘રાષ્ટ્રપ્રેમી’ મીડિયાને છે ? શું આદિવાસીઓ માટે લડતી, જેણે અસહૃય પોલીસ-અત્યાચાર વેઠ્યા છે, જેના મોં પર ઍસિડ જેવું પ્રવાહી ફેંકવામાં આવ્યું એ સોની સોરી ‘ભારતમાતા’ નથી? એકલા ઝારખંડમાંથી ૧૦ લાખ આદિવાસીઓનું વિસ્થાપન થયું એ કાશ્મીરી પંડિતોના વિસ્થાપન જેટલી સમસંવેદનાનો વિષય બનતું નથી ! એ માટે ફેફસાંમાંથી રાડ પાડવાની ‘અર્બન’ ગોસ્વામીની તાકાત કેમ નથી?
છતાં પ્રશ્નો પૂછવાની પરંપરા અટકવાની નથી. પ્રશ્નો પૂછનારને રાષ્ટ્રદ્રોહી કહેવાની પરંપરા તો છેક સોક્રેટિસથી જ છે. એમને સજા આપવાની પરંપરા પણ છેક ત્યારથી જ છે. છતાં એ પરંપરા દાભોલકર, કુલબર્ગી કે પાનસરે સુધી અટકી નથી. મીડિયાને આ ત્રણની હત્યા T.R.P. માટે યોગ્ય લાગી નથી. આ વાત મીડિયાની સંવેદનશીલતાનું સૂચક છે. જિયો-૪ના બ્રાન્ડ ઍમ્બેસેડર બનેલા પ્રધાનમંત્રી મીડિયાની ટીકા પામતાં નથી, કારણ કે એ ‘બુદ્ધિજીવી’માંના એક નથી! તાજેતરમાં પાકિસ્તાનના સૂફી ગાયક શબ્બીરની હત્યાનો ઉલ્લેખ કરતાં ગુણવંત શાહે પાકિસ્તાનમાં વકરેલી ધાર્મિક કટ્ટરતાને ઉઘાડી પાડી તે ઠીક જ કર્યું, પણ સાથોસાથ એ ગાયકની અંતિમયાત્રામાં લાખો લોકો હતા એ ન જોઈ શક્યા! એ જ શબ્બીર જેવી હત્યા અહીં થઈ કલબુર્ગી, પાનસરે કે દાભોલકરની. એ હત્યાને એમણે એક પણ લેખ ફાળવ્યો નથી! એમની T.R.P. માટે આ વિષય યોગ્ય નથી. અત્યારે તો એક શાયરની આ પંક્તિ આપણને આશ્વાસન આપે છે.
“ઉસ પ્યાલે મેં ઝહર નહીં રહા હોગા,
વર્ના સુકારત મર ગયા હોતા …”
‘ઉત્તરમારચરિત’માં જ્યારે ભવભૂતિએ રામ પર જ પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે પરંપરાવાદી પંડિતોએ કહ્યું કે તારા સાહિત્ય પર કોઈ નજર પણ નહીં નાંખે. ભવભૂતિએ કહ્યું કે આ વિપુલ પૃથ્વી પર કોઈક સમાનધર્મા આવશે, કાળ અખંડ છે. સમૂહ-માધ્યમોનું કાર્ય રાજનીતિની દેખરેખનું છે, નહીં કે એની ચાકરી કરવાનું. હાલમાં એમનામાં ઊમટેલો રાષ્ટ્રવાદ એમની બદલાયેલી ભૂમિકાનું સૂચક છે. સાચા રાષ્ટ્રવાદની ખોજમાં જવાનું સાહસ વૈકલ્પિક મીડિયાકર્મીએ કરવાનું રહેશે.
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 09 અને 16