Opinion Magazine
Number of visits: 9448575
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંમતિ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|28 May 2025

અનિલ વ્યાસ

ઇજનેર થયા પછી “ગુજરાત ગેસ”માં ઉચ્ચ અધિકારી તરીકે સારું કમાતો થયો એટલે યશવંતભાઈએ રવિ માટે કન્યા જોવાનું શરૂ કર્યું હતું. પહેલી વાર જોતાં જ રવિને અનિતા ગમી ગઈ હતી. એનો તદ્દન સુરેખ, સપ્રમાણ ચેહરો, પાતળું અને લાંબુ નાક, ધનુષ્ય આકારના હોઠ અને રતુંબડી ઝાંયવાળા ગાલ! થાય કે બસ જોયા જ કરે, પરંતુ આજુ બાજુ વડીલો ગોઠવાયેલા હતા એટલે નજર ફેરવી લેવી પડી. ‘બન્નેને એકલાં મળવુ હોય તો ……’ સૂચનના જવાબમાં અનિતાએ એના પપ્પાને પૂછી લીધું હતું.

‘અમે કાલે ફરવા જઈ શકીએ, પપ્પા?’

બીજી સાંજે એ આવી ત્યારે ગાઢા લીલા રંગનું ઘૂંટણ સુધીનું લાંબું ગેબર્ડીન સ્કર્ટ અને ખભે જાળીદાર નક્શી ભરેલા ટોપમાં એ કમનીય લાગતી હતી. એક ગાંઠ વાળેલો અંબોડો, કાનમાં ઝૂલતી ઝીણાં મોતી વાળી કડીઓ, કાંડે સોનેરી બ્રેસલેટ, એમાં પરોવાયેલા વિવિધ લટકણિયાં. એ હાથ હલાવતી ત્યારે એમાંથી એક આછો મધુર રણકાર સંભાળતો. એ એકદમ બિનધાસ્ત હતી. સ્કૂટર પર ખભે હાથ ઠેરવી મજેથી વાતો કરતાં ભાતભાતના સૂચનો કરતી હતી. 

‘ચાલો, એકદમ તીખી તમતમતી ભેળ ખવડાવું ને  પછી મસ્ત પાણીપૂરી જમાવીએ.’  

‘આઇસક્રીમ ખાધા વગર તો ચાલતું હશે?’ 

રવિને આશ્ચર્ય થતું હતું. બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ થયેલી છોકરી આવી તોફાની? એ સિવાય બીજો કોઇ શબ્દ સૂઝતો નહોતો. ના, બેફિકર અને નટખટ. રાત્રે આંખો મીંચી ત્યાં એનો રૂપાળો ચહેરો આંખ સામે આવી ઊભો! એ સુંદર હતી. સુંદરતાથી ય વિશેષ સ્વભાવે એકદમ વ્હાલી લાગે એવી હતી. પણ રવિના મનમાં પત્ની માટે જે કલ્પનાચિત્ર હતું, એમાં એ ક્યાં ય બંધબેસતી નહોતી.

આવી તેજીલી છોકરી ઘર માંડીને રહેશે? એને તો સરળ, ઘરેલું અને સાદગીપૂર્ણ છોકરીની જરૂર હતી. જે એના માંદા પિતા, પોલિયો ગ્રસ્ત નાની બહેન અને બારમાં ધોરણમાં આવેલા ભાઇને સંભાળે. મન પર પથ્થર મૂકી દુભાતા હૈયે એણે  સંબધ માટે ‘ના’ કહેવરાવી.

અનિતાને રવિ ગમ્યો હતો. ઓછા બોલો, નીકળેલું વેણ તરત ઉપાડી લે એવો. સારું કમાતો. દેખાવડો. આટલું સાથે ફર્યા પછી એને વિશ્વાસ નહોતો કે રવિ તરફથી ‘ના’ આવશે.  જો કે, આવેલો જવાબ સ્વીકાર્યા વગર છૂટકો ન હતો. એને અચાનક જ રવિના શરીરની મહેક યાદ આવી ગઈ. 

•   •   •

સ્વાતિ સાથે પરણ્યા પછી રવિને ક્યારે ય અફસોસ થયો નહોતો. વળી, નિહારિકાના જન્મ પછી બંને એકમેકને વધુ સમજતા થયાં હતાં. એ પછી સુકેતુ અને નાનકડો તુષાર. એમ ભર્યો ભર્યો સંસાર સુખમય પસાર થતો રહ્યો. નિહારિકા ક્યારે પરણવા યોગ્ય થઈ ગઈ એની સરત ન રહી. એક દિવસ સ્વાતિએ કહ્યું. 

જી.પી.એસ.સીની લેખિત પરીક્ષામાં આપણી દીકરી આખા ગુજરાતમાં અઢારમા નંબરે પાસ થઇ છે. એની મૌખિક પરીક્ષાનું પરિણામ પણ થોડા દિવસમાં આવશે. 

‘તો પછી! મારી દીકરી છે.’ બોલતાં રવિના અવાજમાં ગૌરવ ઝળક્યું.

‘બહુ સારું.’ કહી સ્વાતિએ રવિનો ખભો થપથાવ્યો હળવા સ્વરે ઉમેર્યું, ‘હું વખાણ કરવા નહોતી બોલી, આ તો, આ વરસે એમ.એસ.સી. થઈ જશે, તમે કંઈ વિચારો.’

‘તું એને પૂછી જોજે, આજ કાલના છોકરાઓને બૉયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવું સામાન્ય છે.’

‘એટલે? મારી દીકરી ને તમે એવી ધારો છો?’

‘ના … ના આ તો ….’ બોલતાં રવિ થોથવાઇ ગયો. સ્વાતિની ધારદાર નજરનો સામનો ન કરી શકતા એણે ચહેરો ઘુમાવી લીધો.

‘મને વિશ્વાસ છે, એવું કશું હોય તો એ છાનું રાખે એવી નથી.’

‘આ તો ..’ રવિને સમજાયું નહિ એ શું બોલે?

‘તમે નહીં બદલાવ, છોડો. મેં રોહિતભાઈ અને ઇન્દિરાબહેનને કહ્યું છે. સારો છોકરો હશે તો દેખાડશે.’

‘હું વિજય, મનોજભાઈ અને એક બે સગાંઓને વાત કરીશ.’ સાંભળી, સ્વાતિએ પાંપણો નમાવી સંતોષપૂર્વક રવિ સામે જોયું.

વીસેક દિવસ પછી વિજયભાઈનો ફોન આવ્યો. ‘રવિ, મારા પપ્પાના એક મિત્ર વડોદરા રહે છે. એમના દીકરાના દીકરા માટે વાત કરવી છે? છોકરો સોફ્ટવેર એન્જીનિયર છે અને હાલમાં એ વીમા કંપની અને બેંકોની ઓનલાઇન સિક્યુરિટી સંભાળે છે. કાલે જ પપ્પા ફોન પર વાત કરતા હતા.’ 

‘ચોક્કસ. તું શક્ય હોય તો છોકરાનો ફોટો અને બાયોડેટા મંગાવી શકીશ?’

‘જરૂર. હું પપ્પાને વાત કરું છું.’ 

અઠવાડિયા પછી સ્વાતિ અને રવિ વિજયભાઈના ઘરે જઈ આવ્યાં. વિજયના પપ્પા મનસુખભાઈએ ફોટો અને બાયોડેટા આપતાં કહ્યું હતું, ‘છોકરાનું નામ ચિન્મય છે. એના દાદા નારાયણ દેસાઇ મારા અંગત મિત્ર હતા. આપણી નિહારિકા માટે એકદમ યોગ્ય ઠેકાણું છે. કુટુંબ અને સંસ્કારની ખાતરી હું આપું છું. જો એ બન્નેને અનુકૂળ આવે તો આપણી દીકરી ખૂબ સુખી થશે.’ 

નિહારિકા રૂપાળી જ નહીં, સ્વભાવે શાંત અને હોંશિયાર પણ છે. રવિ અને એના નાનાભાઈ ઉર્વિશના કુટુંબમાં એકની એક દીકરી હોઇ બધાને વ્હાલી છે. રવિ કરતાં ઉર્વિશને નિહારિકાની વધારે ચિંતા છે. કેમ ન હોય? લાંબા સમય સુધી ઉર્વિશના ઘરે પારણું બંધાયું ન હતું એટલે સુકેતુના જન્મ પછી નિહારિકા મોટે ભાગે કાકા-કાકી સાથે ઉછરી છે.

પોતાના ભાગ્ય વિશે ચિંતા કરવી પડે એવું નિહારિકાએ ક્યારે ય વિચાર્યું નહોતું.  એ સનદી સેવાની પરીક્ષા પાસ કર્યા પછી મૌખિક પરીક્ષાના પરિણામની રાહ જોતી હતી. અચાનક ઘરમાં એને પરણાવવાનાં વાજાં વાગવાં માંડ્યાં! કોણ જાણે ક્યાંથી આ વિજય અંકલે છોકરો શોધી કાઢ્યો અને ગણતરીના દિવસોમાં તો એને મળવાનું નક્કી થઈ ગયું!

નિહારિકાએ વિરોધ કર્યો પણ સ્વાતિએ ‘આપણે ક્યાં હાલ ને હાલ લગ્ન કરવા છે? છોકરો જો તો ખરી, તારે ક્યાં હા પાડવાની છે?  અને, તને પસંદ પડે તો પણ તારું સ્વાતંત્ર્ય અકબંધ રહે એ અમે જોઇશું જ. તને મારા પર ભરોસો છે ને?’ 

‘ડુ આઈ હેવ અ ચોઇસ?’

‘આડું ના બોલીએ દીકરા. તને કલેકટરની ખુરશીમાં જોવાની તારા પપ્પા કરતાં મારી ઈચ્છા વધારે છે. કહેતાં ઉર્વિશ કાકાએ એના માથે હાથ ફેરવતાં ઉમેર્યું હતું, ‘તું જરા ય ચિંતા કરતી નહિ.’

ઉર્વિશ અને સુનીતા નિહારિકા સાથે વડોદરા જશે એમ ગોઠવાયું. ચિન્મયની માતાનું નામ અનિતા છે એ જાણી રાત્રે સ્વાતિએ રવિનો ગાલ ખેંચ્યો હતો. ‘જો જો, તમારા વાળી અનિતા ના હોય.’ આ વયે પણ રવિ સહેજ શરમાયો. બનાવટી ગુસ્સો કરતાં બોલ્યો, ‘બેસ છાનીમાની, એક પડશે ને ડાબા હાથની.’ 

‘કેમ? ડાયરીમાં એનું નામ કેવું ઘૂંટી ઘૂંટીને લખ્યું હતું? ‘અનિતા’ લખ્યું છે એ ઉકેલતાં ય મને પાંચ મિનિટ થઈ હતી. ખબર છે ને તમને?’

સાંભળી રવિ હસી પડ્યો. ‘બસ હવે. એમ તો તેં ય મારી પહેલાં બે ત્રણ છોકરા જોયા હતા. એનું શું?’

‘મૂકો ને હવે. શુભકાર્યમાં આવી ચર્ચા શું કામ કરીએ? નિહારિકાનું ગોઠવાઈ જાય તો અનુકૂળ સમયે બધું રંગેચંગે પાર ઉતારીશું.’

અનિતાએ નિહારિકા સાથેના સંબંધની વાતે ચિન્મયને પછી વિચારીને જવાબ આપવાનું કહ્યું એથી એને નવાઈ લાગી હતી. કારણ કે નિહારિકા સાથે થોડા કલાકોમાં જ થયું. યસ, અવર કેમેસ્ટ્રી ક્લીક્સ. નિહારિકા ઊંચી અને પાતળી છતાં માંસલ, એને જોતાં જ કોઈ શિલ્પ કૃતિ મનમાં ઉપસી આવતી હતી. એનું આકર્ષક સ્મિત અને કાળી કીકીઓની આસપાસની સફેદીથી આંખો એકદમ તેજસ્વી લાગતી હતી. ઓછા બોલી છતાં ઉચ્ચ કક્ષાની સમજ વાળી, ચતુર અને વાતો કરતા થાકીએ નહિ એવો જ્ઞાનભંડાર! એના સપનાંની રાજકુમારી આ જ હતી, બસ આ જ. એ નિહારિકા નહિ, નેહા કહીને બોલાવશે એને. 

’મારી હા છે મમ્મી, શી ઇઝ ધ વન.’ 

‘હા છોકરી એકદમ ઠાવકી અને સરસ છે. પણ હા પાડતાં પહેલાં મારે એના મમ્મી પપ્પાને મળવું છે, બેટા.’ 

‘એમાં શું? ચાલ, વીડિયો કોલ કરી વાત કરીએ.’ કહેતાં ચિન્મયએ ઉર્વિશ પાસેથી લીધેલા નંબર પર ફોન જોડ્યો. 

એક ક્ષણમાં રવિ ઓળખાયો. સહેજ જાડો થયો છે. એ જ બદામી આંખો, ઊંચું લલાટ અને પૌરુષી ચહેરો. આ માણસે મને બારોબાર “ના.” કહેવડાવી હતી. ના પાડવાનું કશું કારણે ય આપ્યું નહોતું. અરે એણે ફોન કર્યો ત્યારે વાત કરવાની એ જરૂર સમજી ન હતી. 

ફરી એકવાર હડસેલી મુકાયાની લાગણીથી એનું હૈયુ કંપી ઉઠ્યું. આંખમાં આંસુનું ટીપું ઝબકી ન જાય એમ કાળજીપૂર્વક એ ખસી ગઈ. રવિ અને એ મળ્યાં એવું કશું ઘટ્યું જ નથી એમ માનીને, યાદ ન કર્યાનું ટાળીને હાશકારો અનુભવતી પોતાને એણે ફરી એક વાર દીવાલે પીઠ અટકાવી મૂંગું સીસકતાં જોઈ. સારું થયું, વિક્રમ બાજુમાં હતા. પતિને ફોન પકડાવી એ ઝડપથી રસોડામાં  આવી ગઈ હતી.

ફોન પર વાત પત્યા પછી ચિન્મયને એણે સહેજ કડક સ્વરે કહ્યું હતું, ’મારી જરા ય ઈચ્છા નથી કે આ સંબંધ બંધાય. જસ્ટ સે નો.’

 •   •   •

ચિન્મય તરફથી  ‘ના.’ જવાબ આવ્યો  ત્યારે નિહારિકા ને  કશા આઘાત  જેવું લાગ્યું ન હતું, પણ આશ્ચર્ય થયું હતું. સુનીતા કાકીને ઊંચા હાથે હાઈ ફાઈવની તાળી આપતાં બોલી, ‘સુખે ભજીશું શ્રી ગોપાલ.’ પછી સુનિતા જોડે હસવા ગઈ પણ ન જાણે ક્યાંથી ચિન્મયના અવાજનો માયાળુ સ્વર કાનમાં ગુંજ્યો.
‘નિહારિકા સરસ નામ છે, પણ હું તમને નેહા કહીને બોલાવું તો તમને ગમશે?’
એણે ત્યારે કશો જવાબ આપ્યો ન હતો. પણ થાય છે, એણે ફરી પૂછ્યું હોત તો એ ના પાડી શકી હોત ખરી?
સાંજે નિહારિકાના ફોનમાં એક દુ:ખી ઇમોજી આવ્યું. નંબર ઓળખાયો, ચિન્મય!  શું કરે?
એ કંઈ વિચારે એ પહેલા એનાથી પ્રશ્નાર્થ ચિન્હ મોકલાઈ ગયું. જવાબમાં સવાલ આવ્યો. ‘તમને ફોન કરું? વાત કરશો?’ 

ફોન જોડાયો ત્યારે  બન્નેને વિટંબણા હતી કે શું વાત કરે?
શરૂઆતમાં ટ્રેન સમયસર મળી ગઈ હતી? શાંતિથી પહોંચી ગયા? એવા પ્રશ્નો પછી એ બોલી ગયો, ‘મને સમજાતું નથી મમ્મીને આપણા સંબંધ સામે શું વાંધો છે?’
‘તો નિરાંતે પૂછી જુઓ ને.’
‘શું પૂછું? કશું કહેતી નથી. બસ એક જ વાત … તું મારું આટલું  ય માન નહીં રાખે?’

’તમે એમનું માન સાચવી લો, આપણે સારા મિત્રો તો બનીશું જ.’
‘તમને ખબર છે મમ્મી પપ્પા બન્ને આજ સુધી મનવર કરી કરીને મને છોકરીઓ બતાવતા હતા. હવે તમારી સાથે  એક કનેકશન … એ અટકી ગયો. ઊંડો શ્વાસ લઈ કહે, એટલે કે તું ગમી ગઈ ત્યારે …’ થોડી વાર એ કશું બોલી ન શક્યો, સ્હેજ અકળાયેલા અવાજે પૂછી બેઠો, ‘હું શું કરું, નેહા?’
‘મને સમજાતું નથી. પણ મેં એ નોંધ્યું હતું કે મારા મમ્મી પપ્પા સાથે વાત થયા પછી જ અનિતા આંટીનું વર્તન બદલાયેલું હતું.’
‘તું તારા ઘરે પૂછી જો ને, કદાચ તારા પપ્પા … આઇ મીન .. કશુંક તો છે જ. સમથીંગ મિસ્ટીરિયસ યૂ નો!’

‘બહુ ચિંતા ન કર, હું મારી રીતે  કશુંક જાણવાનો પ્રયત્ન કરું છું.’

એક મેકના ઘેર તપાસ કરવાનો નિર્ણય તો લીધો પણ નિહારિકાની જીભ ઉપડતી નહોતી. શું પૂછે? ‘ના’ તો સામેવાળાએ પાડી હતી, એના પરિવારમાં તો કોઈ પ્રશ્ન જ નહોતો. જો કે મમ્મીએ ચિન્મયને ફક્ત વીડિયો કોલમાં જ જોયો છે, પણ એ મને ગમતો હોય તો મમ્મીની તો હા જ છે.

•   •   •

હે ભગવાન ….. એણે માંડ માંડ  અવાજ  દબાવી રાખ્યો હતો. એ અનિતા જ હતી. વાળ પર થોડી સફેદ સિવાય કશું બદલાયું નહોતું. સમય એને સ્પર્શ્યા વિના જ વહી ગયો?  વિક્રમભાઈએ ફોન લીધો ત્યારે એ બાજુમાં ઊભી હતી. કંઈક ત્રાંસી લાગે એ રીતે. સ્વાતિ વિક્રમભાઈ સાથે નિહારિકા વિશે વાત કરતી હતી ત્યારે રહી રહીને સવાલ થતો હતો! શું એ જાણી જોઈને ખસી ગઈ? મને ઓળખ્યો એટલે આમ અળગી થઇ ગઇ?  ના, ના.  એ એવું કરે એવી છે જ નહિ. એનો સ્વભાવ તો સીધું સંભળાવી દેવાનો છે. હા, સંબંધની ના કહેવરાવીને એ સ્વભાવ વશ જ વર્તી. 

અનીતાના ઘેર “ના” કહેવડાવ્યા પછી ત્રણથી ચાર મહિના સુધી રવિ પાણીપૂરીની લારી કે આઈસ્ક્રીમ પાર્લર પાસેથી પસાર થતો કે તરત અનીતા સામે આવી જતી. પણ બા કહેતાં એમ બધું આપણી ઇચ્છા મુજબ થતું નથી, કેટલીક વાતો પરમેશ્વરના હાથમાં હોય છે. આજે એ વાત દીકરીના સંદર્ભે પણ  જોડાતી અનુભવાય છે. આવો વિચાર ન આવત, પણ એક બે વખત નિહારિકાને બારી પાસે ઉભેલી જોઈ છે. ચૂપચાપ, જાણે એ કશું ખોળતી હોય. એ ત્યાં જ ઊભી હોય છતાં એવું લાગે કે એનો કોઇ હિસ્સો કપાઈ ગયો હોય. એની મુદ્રા જોતાં, એને અન્યમનસ્ક બારીના કાચ પર ટેરવાં ઘસતી જોઇ રવિને એના અંત:નો અવસાદ પમાયો.

એ સાંજે નિહારિકા લાસલૂસ ખાઈને ઊઠી ગઈ ત્યારે રવિને ખબર હતી હવે એ અગાસીની પાળીએ જઈને બેસશે. એ થોડીવાર પછી એની પાસે પહોંચ્યો.

‘કેમ તેં કશું ખાધું નહીં, બેટા?’

‘અમસ્તું  જ. બહુ ઈચ્છા નહોતી, પપ્પા.’

‘હમણાંથી તું સહેજ ચિંતામાં હોય એવું લાગે છે, શું થયું છે?’

‘કઈ નહીં,  એમ જ ….  તમને કેમ એવું લાગે છે, પપ્પા? હું કદાચ પરીક્ષાના પરિણામની ચિંતા કરતી હોઉં છું એટલે તમને …….’ એ આગળ બોલતાં અટકી ગઈ.

‘ચિન્મય સાથે વાત થાય છે?’

સાંભળી નિહારિકા ચમકી ગઈ …. પપ્પા તરફથી એને આ પ્રશ્નની અપેક્ષા નહોતી. નીચું જોતાં બોલી, 

‘ના. ખાસ નહીં. થોડા મેસેજીસ બીજું શું?’

‘તને ચિન્મય પસંદ છે?’

‘એને હું પસંદ છું.’

‘ઓહ! એમ!’ કહેતાં રવિ ધીમેથી નિહારિકાની નજીક બેઠો. ઢળતા સૂર્યના અજવાળામાં સામેનો ઢોળાવ અત્યંત રળિયામણો લાગતો હતો. હારબંધ વાવેલાં નાળિયેરીના ઝાડ અને આસોપાલવનાં ઊંચાં વૃક્ષો હરીફાઈ કરતાં ઊભાં હતાં. ઘર નજીકના ગરમાળા પર લાંબી કથ્થઈ રંગની શીંગો ઝૂલતી હતી. 

‘તારી મમ્મી સાથે મારાં લગ્ન થયાં એ પહેલા હું ચિન્મયના મમ્મીને જોવા ગયો હતો.’ નિહારિકા કૂદકો મારતાં ઊભી થઈ ગઈ. 

‘તું બેસ.’ રવિએ નિહારિકાને હાથ પકડી નજીક ખેંચી. 

‘અમે થોડા સમય સાથે વિતાવેલો.’ કહી એ બોલતા સ્હેજ અટકી ઉમેર્યું, ‘સંબંધ લગભગ નક્કી જ હતો, બેટા. તેં અનિતાને જોયાં છે ને? કેટલાં સુંદર છે! મારે ના નહોતી પાડવી પણ હું ડરી ગયો હતો. એક તો એમના ધારદાર વ્યક્તિત્વથી અંજાઈ જવાયું અને મને તારી મમ્મી જેવી સાદી ઘરરખ્ખુ પત્નીની ઈચ્છા હતી. જે, તારા નીલા ફોઈને સંભાળે. અસ્થમા અને જલોદરથી પીડાતા મારા પપ્પાનું ધ્યાન રાખે. ખાસ તો, મારી અપંગ બહેનને ખાતર મેં અનિતાને ના કહેવડાવી.’ રવિના હોઠ એક સાથે ચુસ્તપણે દબાયા, એણે દીકરી સામે બહાદુર દેખાવાનો પ્રયાસ કર્યો.

‘પછી?’ 

‘પછી કંઈ નહિ, બેટા. એમણે મારી ‘ના’નું કારણ જાણવા ફોન કર્યો હતો. એમને મારી સાથે વાત કરવી હતી પણ મારી હિંમત ચાલી જ નહિ.’ 

‘એટલે તમે વાત પણ ન કરી, પપ્પા? ’

રવિ ચૂપચાપ હવામાં આમ તેમ થતી ગરમાળાની શીંગો જોઈ રહ્યો. એને અડધી રાત્રે જોરથી પવન ફૂંકાય ત્યારે શીંગો સાથે ઘસાતા પવનનો કર્કશ અવાજ યાદ આવી ગયો. 

‘હું અને ચિન્મય ખાસ્સી વાતો કરીએ છીએ, પપ્પા. નોટ ઓન્લી  મેસેજીસ … પણ આઇ નો, હી ઇસ મમ્મીઝ બોય … એટલે અનિતા આંટી હા નહિ પડે તો ……. કંઇ વાંધો નહિ, પપ્પા. મને એક સારો દોસ્ત તો મળશે જ.’ બોલી નિહારિકા ચૂપચાપ અંગૂઠો અને વચલી આંગળીના નખ  ઘસવા લાગી. એમાંથી આવતો ટક ટક અવાજ બન્નેને સંભળાતો રહ્યો.

  •   •   •

અનિતા બપોરે પરવારીને આરામ કરવા જતી હતી ત્યાં ફોન રણક્યો.

‘અનિતા દેસાઈ  સાથે વાત થઈ શકે?’

‘હાજી, બોલું છું.’ 

‘રવિ.’

‘ક્યાંથી બોલો છો?’

‘હું વડોદરા આવ્યો હતો, ઓફિસનું કામ હતું.’

‘એમ? મારો નંબર કોણે આપ્યો?’ 

રવિ ચૂપ રહ્યો એટલે અનિતાએ પૂછ્યું, ‘શું કામ હતું?’ 

‘તમને મળવું છે. તમને અને વિક્રમભાઈને સાથે.’ 

‘નિહારિકા માટે?’ 

‘ના, મારા માટે.’ 

અનિતાને ખ્યાલ ન આવ્યો, શું જવાબ આપવો? હોઠ ભીડી ચૂપચાપ શ્વાસ લેતી રહી. 

‘અનિતા .. તમે ફોન પર છો?’

‘સાંજે ઘરે આવો. વિક્રમ સાતેક વાગ્યે આવી જતા હોય છે.’ 

‘થેન્ક્યું ……. કેમ છો તમે?’ 

‘રૂબરૂ જોઈ લેજો.’ કહી અનિતાએ ફોન મૂકી દીધો. 

સાંજે, કૉલ-બેલ સાંભળી અનિતા બારણે આવી. 

અનિતાને જોતાં જ રવિનો શ્વાસ ગળામાં અટકી ગયો. એના ચહેરા પર એવી જ પ્રભા હતી. આંખોમાં વિસ્મય અને અવિશ્વાસના મિશ્રણ વચ્ચે પરિચિતતાની ચમક ડોકાતી હતી. ઉંમરની અછડતી રેખાઓ સિવાય કશું બદલાયું નહોતું. સમયની થપાટોથી સુંદરતામાં ઊંડાણ ઉમેરાયું છે. એથી જ કદાચ આ લાવણ્ય વધુ ગહન ભાસે છે. રવિથી આપોઆપ હાથ જોડાઈ ગયા. અનિતાએ હસવાનો પ્રયત્ન કર્યો પણ હોઠ ફરક્યા નહીં. વળી, ચૂપચાપ એને જોઈ રહેલા રવિની આંખોમાં તબકતી ભીનાશ પમાઈ. બારણેથી ખસી જવું કે ન જવુંની અવઢવમાં અનિતા બારસાખ અઢેલીને ઊભી રહી.

પળભરમાં સ્વસ્થ થતાં બોલી, ‘ભૂતકાળની કોઈ વાત ભૂલે ચૂકે ય ઉખેડતા નહીં.’ 

‘પણ હું તો તમારી માફી ….’

‘ખબર છે હવે.’

‘હા, પણ ..’ રવિ અવાચક ઊભો.

‘આવો.’………. ‘વિક્રમ, મહેમાન આવી ગયા છે.’

વિક્રમ સાથે સાવ સામાન્ય વાતો, તૂટક તૂટક ચાલતા સંવાદો વચ્ચે નિહારિકાનો ઉલ્લેખ કર્યો ત્યારે વિક્રમે કહ્યું કે ચિન્મયને કદાચ તમારી દીકરી પસંદ છે. 

‘હા.’ કહી રવિ દીવાલે લટકતું ચિત્ર જોઈ રહ્યો. એમાં ઉઘડેલા ઘેરા લાલ અને પીળા રંગના કારણે ચિત્ર દીવાલના રંગથી સાવ અલગ પડી જતું હતું. અનિતા રવિને જોઈ રહી હતી. આટલાં વર્ષોમાં ક્યારે ય તૂટેલા સંબંધની યાદ આવી નથી? એને કશું સમજાતું નહોતું. રવિ એને વિનંતી કરે કે કશુંક બોલે તો એ જવાબ આપે. પણ રવિ ચિત્રમાં અંદરને અંદર ઉતરી ગયો હોય એમ તાકી રહ્યો હતો. અનિતાને થયું, કદાચ હમણાં ઊભો થઈને ચાલવા માંડશે.

એને પહેલીવાર કશોક ઘ્રાસકો અનુભવાયો. વિક્રમ ઓફિસે જતાં રસ્તામાં થયેલા કોઈ રમૂજી અનુભવની વાત કરતો હતો. રવિએ હસવાનો પ્રયત્ન કર્યો પણ ચહેરા પર છવાયેલી ઉદાસીથી હાસ્ય દબાયેલું રહ્યું. 

અપરાધીની જેમ એ અનિતા સામે નજર માંડી શકતો ન હતો. એ ઈચ્છતો હતો કે કંઇક બોલે પણ ફડક હતી કે એના શબ્દો અનિતા નહિ સાંભળે. અનિતાને અલગ દૃષ્ટિકોણથી વિચારવા વિનવવી હતી, પણ વાક્યો ગળામાં જ ધરબાઈ રહ્યાં. થોડીવાર એમ જ બેસી રહ્યો. એ ખુરશીમાં બેઠો હોય એમ સોફામાં બેઠો હતો. કશીક અપેક્ષા વ્યક્ત કરે અને નન્નો સાંભળવા મળે તો દુઃખ થાય એટલે વાત જ ઉકેલવી જ નથી, એમ મનોમન નક્કી કરી ઊભો થવા જેવું કરતાં બોલ્યો, 

‘તો હું નીકળું. હવે કદાચ ન અવાય. પણ તમને મળીને ખૂબ આનંદ થયો ……, નિહારિકાએ તમારાં બંનેના એટલાં વખાણ કર્યા હતાં કે મને થયું, વડોદરા આવ્યો છું તો એકવાર મળી આવું.’ 

‘સારું કર્યું તમે આવ્યા. સ્વાતિબહેનને લાવ્યાં હોત તો ખૂબ આનંદ થાત.’

અનિતાને યાદ આવ્યું. એણે ક્યાંક વાંચ્યું હતું. મનમાં હોય એ બધું જ માગી લેવાય ખરું? એણે રવિ સામે જોયું. એના ચહેરા પર એના વગર જીવવાનાં વર્ષોનો ભાર વરતાયો. એ ઇચ્છતી હતી કે એ એને પસંદ કરે. કોઈ કારણસર એમ ન બન્યું. વર્ષોથી ધરબાઈ ગયેલો અસ્વિકારનો ડંખ અંદર ને અંદર દુણાયા કરતો હતો, પણ હવે?

આ માણસને એક મા તરીકે જોઉં છું ત્યારે કેમ આને જોઇને નફરત થતી નથી? અને એ પણ જે કહેવા આવ્યો છે એ બોલવાને બદલે …. આટલાં વરસે ય એવો મીંઢો, અનિતાને થયું.

એની ભીતર રોષ પણછની જેમ ખેંચાયેલો હતો છતાં આ પળે અસ્વીકારના ભારનો બોજ કેમ અનુભવાતો નહોતો? મનમાં ધરબાયેલી લાગણીઓ જાણે અવશેષ બની ગઈ હોય એમ એ જમીન પર પડેલા સુક્કા, નિર્જીવ પાંદડાની જેમ એ કશું બોલી ન શકી.

એ જ વખતે રવિ ઊભો થયો, એ જોઇ એ ઊઠી ત્યાં, સહસા નમી જવાયું, સંતુલન ગયું કે શું? આપોઆપ રવિનો હાથ લંબાયો, અનિતા એના હાથ ને બદલે ખભાનો ટેકો લેવા ગઇ ત્યાં વિક્રમે એનું બાવડું પકડતાં કહ્યું, ‘જો … જો, સંભાળ. હમણાં પડી હોત.’

બહાર પવનનું એક મોજું પસાર થઈ બારી બારણા પર ઉતર્યું. સહેજ પછડાટ પછી બધું શાંત થઈ ગયું. રવિ નીકળ્યો. નીચે આવી એણે રસ્તો ઓળંગી ઘર તરફ જોયું. અનિતા બારીમાં ઊભી હતી. એણે હાથ ઊંચો કર્યો આટલે દૂરથી ચહેરો ન કળાયો પણ સામેથી ઉંચકાયેલો હાથ જોઈ ખૂબ સારું લાગ્યું. 

  •   •   •

લગ્ન પછી ચિન્મયે ઘણીવાર નિહારિકાને પૂછ્યું છે, ‘તારા પપ્પાએ શું જાદુ કર્યું કે મમ્મી માની ગઈ?’ 

‘આ તમે મને કેટલામી વાર પૂછ્યું?  કેમ હા પાડી એ શોધી કાઢીશું તો આપણે વધુ સુખી થઈશુ?’

‘એવું બને ય ખરું.’ કહી ચિન્મયે નિહારિકા ને નજીક ખેંચી.

‘અડાઅડ કર્યા વગર પપ્પાને ફોન જોડો, કેટલા ય દિવસથી મારે વાત નથી થઇ.’ 

‘આ વખતે તો પૂછી જ લેજે એમણે મમ્મીને કેવી રીતે સમજાવ્યાં, સાંભળ્યું?’ 

સાચો જવાબ આપી ન બેસાય કે ગુસ્સે થઈ જવાય એ બીકે નિહારિકાના હોઠ ભીડાયા. 

થોડી ક્ષણોનું મૌન આંખોના ભાવમાં આવીને બેઠું. હવે ભલે કોઈ શબ્દ પણ ન બોલે. 

બહાર સૂરજના કિરણો આડા પડી વિસામો ખાતાં હતા.

*  *  *  *  *

8, Carlyon Close, Wembley, Middlesex Greater London- HA0 1HR
e.mail : anilnvyas@yahoo.co.uk

Loading

28 May 2025 Vipool Kalyani
← સાવરકર અને ઝીણા દેશના ભાગલાની પંગતમાં સાથે બેઠા હતા
‘સત્યનો અંતિમ પ્રયોગ’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved