મેઘાણી-સાહિત્યનાં, જોતાં જ ગમી જાય તેવાં અને અનેક રીતે ઉત્તમ ગુણવત્તા ધરાવતાં, પંદર પુસ્તકો ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ નામની ગ્રંથ-શ્રેણી હેઠળ અમદાવાદમાં ચાલી રહેલાં પુસ્તકમેળામાં મળી રહ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં અસાધારણ સંપાદક જયંત મેઘાણીની સમજ અને માવજત સાથેનાં 7,674 પાનાંનાં આ પુસ્તકોનો સંપુટ પચાસ ટકા વળતર ગણીને કુલ બે હજાર સિત્તેર રૂપિયાનો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ સંપુટ પ્રકાશિત કરીને લોકો માટે બહુ સારું કામ કર્યું છે, છતાં લોકશાહી માર્ગે ચાલવાની અકાદમીની જરૂરિયાત તો ઊભી જ રહે છે.
અકાદમીએ સમગ્ર મેઘાણી સાહિત્યની ગ્રંથયોજના યોજના હેઠળ પ્રસિદ્ધ કરેલી આ શ્રેણીમાં મેઘાણીભાઈનાં અલગ અલગ સમયે અને સ્વરૂપે બહાર પડેલાં પુસ્તકોમાંથી છેંતાળીસ પુસ્તકોનો પંદર ગ્રંથોમાં સમાવેશ છે. ખૂબ લોકપ્રિય ‘સૌરાષ્ટ્રની રસધાર’ના ચારેય ભાગ સહુથી દળદાર એટલે સાડા છસો પાનાંનો નવમો ગ્રંથ બને છે. ‘બહારવટિયાકથાઓ’માં ‘સોરઠી બહારવટિયા’ અને ‘દરિયાપારના બહારવટિયા’ આવી જાય છે. ‘લોકકથા સંચય’ એ ‘ડોશીમાની વાતો’, ‘દાદાજીની વાતો’, ‘રંગ છે બારોટ’ અને કંકાવટી’ને સમાવે છે. ‘રઢિયાળી રાત’ ગ્રંથ હેઠળ મૂળ પુસ્તકના ચારેય ખંડ આવરી લેવાયા છે. કુલ 489 ગીતોમાંથી દરેકે દરેક મેઘાણીભાઈએ તેને માટે લખેલી ‘પીઠિકા’ એટલે કે ટૂંકી નોંધ સાથે વાંચવા મળે છે. ‘લોકગીત સંચય’ નામ હેઠળ ‘ચૂંદડી’ના બે ભાગ, ‘હાલરડાં’, ‘ઋતુગીતો’ અને ‘સોરઠી ગીતકથાઓ’ સંગ્રહોને સાથે મૂકવામાં આવ્યા છે. લોકવાણીના બધાં સંગ્રહોમાં મેઘાણીએ લખેલા પ્રવેશકો ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’માં સંગ્રહિત થયા છે.
લોકસાહિત્ય પરના તેમના લેખો અને વિખ્યાત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય’માં વાંચવા મળે છે. ફોકલોર માટે મેઘાણીએ વર્ષો લગી આખા સૌરાષ્ટ્રમાં કરેલા રઝળપાટ અને તેમાં તેમને મળેલા માનવીઓનાં, માત્ર લસરકા જ કહી શકાય તેવાં સંભારણાં ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’, ‘સોરઠને તીરે તીરે’ અને ‘પરકમ્મા’ પુસ્તકોમાં લખ્યાં છે, જે અકાદમીની શ્રેણીમાં ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ નામના સોળમા ગ્રંથમાં મળે છે. ગુજરાતી લખાણોનાં અંતિમ એટલે કે સત્તરમા ગ્રંથ તરીકે ‘સોરઠી સંતો અને સંતવાણી’ છે જેમાં ‘સોરઠી સંતો’, ‘પુરાતન જ્યોત’ અને ચાર લેખો છે. મેઘાણીએ ભજનોને લોકવાણીનો અંતિમ પરિપાક કહ્યો છે. એમના સાહિત્યજીવનનું એ અંતિમ કર્મ હતું.
મેઘાણીના સર્જનનો આરંભ કવિતા અને વાર્તાલેખનથી થયો હતો. મેઘાણી શ્રેણીનો પહેલો ગ્રંથ ‘સોના નાવડી’ છે જે કવિની તમામ 450 પદ્યરચનાઓને સમાવે છે. આ સહુથી રમણીય પુસ્તકમાં નવ સંચયોને છે : ‘વેણીનાં ફૂલ’, ‘કિલ્લોલ’, ‘સિંધુડો’, ‘કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો’, ‘પીડિતોના ગીતો’, ‘યુગવંદના’, ‘એકતારો’, ‘બાપુનાં પારણાં’ અને ‘રવીન્દ્ર-વીણા’. બીજા ક્રમના ગ્રંથ ‘પરિભ્રમણ’ના પણ બે ખંડ છે. તેમાં સાહિત્ય આસ્વાદ અને વિવેચનનાં સાડા ત્રણસો લખાણો છે. ‘બીજા પ્રદેશના, દરિયાપારનાં સાહિત્ય, પત્રકારત્વ અને કળાનાં વિવિધ પાસાં પરના સંખ્યાબંધ લેખો અને નોંધો’ એમાં સમાવી છે એમ જયંતભાઈ કહે છે. વેરવિખેર અને વર્ગીકરણમાં પડકારરૂપ એવી સામગ્રીથી ખીચોખીચ એવાં તેરસો પાનાં એ જયંતભાઈના પરિશ્રમની પરાકાષ્ટા સમા છે. ત્રીજો ગ્રંથ મેઘાણીની ‘સમગ નવલિકા’ નામે બે ખંડ તરીકે આવે છે. પહેલાંમાં ‘કુરબાનીની કથાઓ’, ‘જેલ-ઑફિસની બારી’, સિનેમાકથાઓ ‘પ્રતિમાઓ’, ‘પલકારા’; અને બીજામાં, ‘મેઘાણીની નવલિકાઓ’ અને ‘વિલોપન અને બીજી વાતો’ નામના મૂળ સંગ્રહો સાથે મૂકવામાં આવ્યા છે. ત્રીજો ગ્રંથ મેઘાણીની ‘સમગ નવલિકા’ નામે બે ખંડમાં છે. ચોથા ગ્રંથમાં મુખ્યત્વે બંગાળીમાંથી અનુવાદિત ત્રણ નાટકો છે : ‘રાણો પ્રતાપ’, ‘રાજા-રાણી’ અને ‘શાહજહાં’. સમગ્ર મેઘાણી સાહિત્ય યોજના હેઠળ હજુ નવેક પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. તેમાં નવલકથા ગ્રંથના ચાર ઉપરાંત ચરિત્ર, ઇતિહાસ, પત્રકારત્વ અને મેઘાણીના અંગ્રેજી લેખો પરનું એક એક પુસ્તક હશે. ઓગણીસમા ક્રમનો ગ્રંથ ‘મેઘાણી-સંદર્ભ’ નામનો ખૂબ વિશિષ્ટ શાસ્ત્રીય ગ્રંથ હશે.
આમ તો મેઘાણીનાં સમગ્ર સાહિત્યનું જયંતભાઈનું સંપાદનકાર્ય એ ગુજરાતી સાહિત્યનાં સંપાદનકાર્યનાં કદાચ એક સર્વોચ્ચ શિખર જેવું છે. તેની સરખામણીમાં અકાદમીના ઉપક્રમે કે એકંદરે જે સંપાદનો થાય છે તેમાંથી મોટાં ભાગનાં સંપાદકોની દૃષ્ટિહીનતા તેમ જ સાચાં-ખોટાં કારણોસર થતી કામચોરીને કારણે વામણાં લાગે છે. જયંતભાઈનું સંપાદનકાર્ય પિતૃસાહિત્ય માટેની સમર્પિતતાથી આગળ વધીને સાહિત્ય માટેનો ઊંડો લગાવ તેમ જ સંપાદનકળાની જાતે કેળવેલી સમજ અને વંદનીય કર્તવ્યનિષ્ઠા બતાવે છે. લોકો નિવૃત્ત થાય તે વયે અને એટલે કે અઠ્ઠાવનમાં વર્ષે તેમણે સમગ્ર મેઘાણી સાહિત્યની દસ હજાર પાનાંની યોજના મેઘાણી જન્મશતાબ્દીના 1996નાં વર્ષમાં ઊપાડી અને પછીની જ સાલમાં અસલ સોના જેવું પુસ્તક ‘સોના-નાવડી’ આપ્યું. મેઘાણી પરિવારની આ યોજનાનો મુખ્ય હેતુ ‘લેખકનાં સાહિત્યની પ્રમાણભૂત વાચના’ લોકો સમક્ષ મૂકવાનો હતો. અનેક કારણોસર મેઘાણીનું સર્જન-સંશોધન પુસ્તકો, તેમની અનેક આવૃત્તિઓ, અખબારી લખાણો, સંશોધનનાં ટાંચણો, વ્યાખ્યાનો જેવાં વિવિધ સ્વરૂપે વેરવિખેર હતું. લખાણોમાં લેખકે પોતે કરેલાં સુધારા-વધારા, પુસ્તકોની આવૃત્તિઓમાં ઉમેરણો-બાદબાકીઓ, પ્રસ્તાવનાઓ અને ટિપ્પણો, તખલ્લુસો, લેખકની ઓળખ, પ્રકાશનસાલ, જેવા સંખ્યાબધ પ્રશ્નો તર્કપૂર્ણ રીતે હલ કર્યા છે. અગ્રંથસ્થ લખાણો ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ’ અખબારોની જૂની-પુરાણી ફાઇલો ઉપરાંત ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’ જેવાં સામયિકોનાં અંકોમાંથી શોધી છે. આ બધાં થકી જયંતભાઈએ મેઘાણી-સાહિત્યનો અધિકૃત પાઠ તૈયાર કર્યો છે. તેની માહિતી તેમણે દરેક ગ્રંથનાં લાક્ષણિક રીતે મીતભાષી તટસ્થ નિવેદનોમાં આપી છે, અને તેમાંના પડકારો સંશોધકે બિટ્વિન ધ લાઇન્સ વાંચવા પડે છે.
સંશોધક ન હોય એવા વાચનપ્રેમી માટે સહુથી નોંધપાત્ર બાબત તે જયંતભાઈ પુસ્તકને સુરુચિપૂર્ણ રીતે આકર્ષક કેવી રીતે બનાવે છે તેની છે. અકાદમીની આ ગ્રંથમાળાનાં પાકાં પૂંઠાંનાં આવરણો તો મેઘધનુષી છે. રેખાંકનો અને તસવીરોની જયંતભાઈને આગવી સૂઝ છે. પૂરક સામગ્રી તરીકે તે કેટલીક જગ્યાએ મેઘાણીના હસ્તાક્ષરનો પણ તે ઉપયોગ કરે છે જે વાચકને રોમાંચિત કરી દે છે. દરેક પુસ્તકને શક્ય એટલું યુઝર-ફ્રેન્ડલિ બનાવવા માટે જયંતભાઈ જે પૂરક સામગ્રી આપે છે તે આપવાની તસદી અન્ય સંપાદકો ભાગ્યે જ લે છે. જયંતભાઈ લોકબોલીના અને રૂઢિપ્રયોગોનો નાનકડો કોશ તો આપે જ છે, પણ સાથે પુસ્તક પ્રકાશનની સાલવારી અને ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ પુસ્તકમાં નકશો પણ આપે છે. સૂચિઓ એમની અનોખી સિદ્ધિ છે. પુસ્તકો માટે તેમના હાથે તૈયાર થયેલી સ્થળસૂચિ, પાત્રસૂચિ, ગીતો/કવિતાઓની સ્મરણપંક્તિઓની સૂચિ, અનુકૃતિઓની તેમ જ તેમની મૂળ કૃતિઓની સૂચિ અને ઉલ્લેખસૂચિ ખાસ અભ્યાસવા જેવી છે.
આમ તો, જયંતભાઈએ લગભગ ઝાકળ જેવા અણદીઠ રહીને કરેલું કામ અભ્યાસનો વિષય છે. ભાવનગરની ગાંધી સ્મૃતિ લાઇબ્રેરીના એક યાદગાર ગ્રંથપાલ રહી ચૂક્યા છે. પછી ‘પ્રસાર’ નામે એક સુરુચિસંપન્ન પુસ્તકભંડાર સર્જ્યો. તેમાંથી અળગા થઈને સમગ્ર મેઘાણી અને રવીન્દ્રનાથના ગુજરાતી અનુવાદમાં તરબોળ રહ્યા છે. રવીન્દ્રનાથની રચનાઓના અભ્યાસપૂર્ણ અનુવાદના ચાર પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. પિતાના ‘બંટુ’ અને સ્વામી આનંદના ‘બંટુદોસ્ત’ જયંતભાઈ ગુજરાતના એક વિરલ ગ્રંથજ્ઞ અથવા ‘બુકમૅન’ એટલે કે જાણતલ પુસ્તકપ્રેમી છે. વૉશિંગ્ટન ખાતેનાં, દુનિયાના સહુથી મોટા ગ્રંથાલય ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ માટે ગુજરાતી પુસ્તકોની પસંદગી કરવાનું કામ વર્ષો લગી જયંતભાઈ ભાવેણાથી કરતા. જયંતભાઈની મહત્તા તેમની નમ્રતા અને શાલિનતા હેઠળ હંમેશાં ઢંકાતી રહી છે.
એટલે બધાં જ ગ્રંથોમાં જયંતભાઈનું નિવેદન ટૂંકું અને ઉઘડતા જમણા પાને નહીં પણ ડાબા પાને છે. પંદરમાંથી સાત ગ્રંથોમાં શરૂઆતનાં પાનાંમાંથી એક ઉઘડતા જમણાં પાને વધારે નજરે ચડે તેવું નિવેદન અકાદમીના, લોકશાહી ઢબે ચૂંટાયેલા નહીં પણ સરકારે નીમેલા અધ્યક્ષનું છે, તેની નીચે તેમના હસ્તાક્ષરમાં સહી છે. નિવેદનમાં અધ્યક્ષનાં મનની વાત મેઘાણીનાં જીવનકાર્યને સમુચિત છે. જો કે નિવેદનનો હેતુ મેઘાણીને માન આપવાનો નહીં પણ પોતાની સત્તાની મહોર મારવાનો જણાય છે. અકાદમીના આ પહેલાંના ચૂંટાયેલા કે નિમાયેલા કોઈ અધ્યક્ષે કોઈ પ્રકાશનમાં પોતાનાં અસ્તિત્વની જાણ આ રીતે કરી નથી. અત્યારના અધ્યક્ષને મેઘાણીના નામની આ રીતે જરૂર કેમ પડી ?
મેઘાણીની આ દેશને જરૂર છે. ગરીબ-તવંગર, ભણેલાં-અભણ, શહેરી-ગામડાંના લોકો વચ્ચે ખાઈ વધી રહી છે ત્યારે ભેદની ભીત્યુંને ભાંગનારા મેઘાણીની જરૂર છે. ઘણાંની ભાવભૂમિમાંથી ‘લોક’ દૂર થઈ રહ્યું છે, ઓળખો સંકુચિત થઈ રહી છે ત્યારે ‘લોકપ્રાણ’ મેઘાણીના લોકસાહિત્યનાં સંશોધનની વિશ્વવ્યાપી ક્ષિતિજોને સતત નજરમાં રાખવી પડશે. મજૂર કાયદા મજૂરોની વિરુદ્ધ જઈ રહ્યા છે ત્યારે ‘પૃથ્વી પર રાજ કોનાં ? સાચા શ્રમજીવીઓના / ખેડૂનાં, ખાણિયાના, ઉદ્યમવંતોના’ ગાનારા મેઘાણીને સાંભળવા પડશે. મઠો અને આશ્રમોમાં વિચરતાં ભગવાધારી સાવજોની સામે લડનારી ચારણકન્યાઓ જોઈશે. સંતો-મહંતોને ‘પ્રેમિકો હાડપિંજર તણા, પૂજારી સડેલાં કલેવર તણા’ ગણનારા મેઘાણીને વાંચવાના છે. અનેક કથાઓ અને પાત્રો દ્વારા ‘કોમી સંવાદિતાનાં પરંપરાગત દર્શન’ કરાવનારા મેઘાણી શોધવા પડશે. એવા મેઘાણીની ઝલક જયંતભાઈના ભાઈ વિનોદ મેઘાણી ‘લોહીનાં આલિંગન’ (ગૂર્જર, 2003) સંપાદનમાં આપી ચૂક્યા છે. ફી વધારા સામે પડેલા વિદ્યાર્થીઓ પર તદ્દન અવિચારી રીતે પસ્તાળ પાડતી વખતે આપણે વારંવાર જે યાદ કરીએ છીએ તે ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ / અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ એ પંક્તિઓ ઝવેરચંદ મેઘાણીની છે તે ભૂલવા જેવું નથી. સાબરતીરે લાગેલાં પુસ્તકમેળામાંથી આ મેઘાણી ઘરે અને હૈયે વસાવવાનાં છે.
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 22 નવેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત]