૧૯૯૩
અમારી ઓફિસનો પટાવાળો એક વિઝિટિંગ કાર્ડ મારા ટેબલ પર મુકી ગયો. ‘ર.ચી. પટેલ’.
મને તેને મળવાનું ખાસ મન ન થયું. મારે બીજાં ઘણાં કામ તે દિવસે હતાં. પણ તે છેક મુંબાઈથી આવેલો હતો. મેં ‘ર.ચી.પ.’ને (!) મારી ઑફિસમાં બોલાવ્યો. તે એક માઈક્રોપ્રોસેસર વાળા ટેસ્ટીંગ સાધન બનાવતી કમ્પનીનો સેલ્સમેન હતો. તે સાધન નવી જ સવલતો આપતું હતું. અમને સમારકામના કામમાં તે બહુ કામમાં લાગે તેમ હતું. આ વિષયના ઘણા પ્રશ્નો મેં તેને પુછ્યા. તેણે બહુ સરસ રીતે મારી બધી શંકાઓનું સમાધાન કર્યું. આ બાબતનો હું નિષ્ણાત તો નહીં , પણ મારા હાથ નીચે કામ કરતા ઈજનેરો પાસેથી શીખેલી કેટલીક બાબતો વિશે મેં તેને વધારાના પ્રશ્નો પુછ્યા. તેના પણ ર.ચી.પે. બહુ સરસ જવાબ આપ્યા.
હવે મને થયું કે ‘આ તો બહુ કામનું સાધન લાગે છે. લાવ અમારા આ બાબતના નિષ્ણાતને બોલાવું’. મેં અમારા ઈન્સ્ટ્રુમેન્ટ ખાતાના ઉપરી મેનેજરને બોલાવ્યા. તેમણે તો આવીને ઘણી વિષદ માહિતી માંગી. મને તો ગ્રીક અને લેટિન લાગે તેવી! તે બધાના પણ તેણે બહુ જ સરસ અને સંતોષકારક જવાબ આપ્યા. અમને બન્નેને થયું કે, આ સાધન તો જરૂર ખરીદવા જેવું છે.
પણ ખરી રસ પડે તેવી વાત તો હવે આવે છે ….
ર.ચી.પ. ગુજરાતી હતો એટલે મને જરા અંગત સવાલ પુછવાનું મન થયું. મેં ર.ચી.પ.ને પુછ્યું, ‘અરે, ર.ચી.પ.! તમે આ વિષયના સ્નાતક ક્યાંથી થયા?’
ર.ચી.પ., “સાહેબ! હું તો બી.કોમ. જ છું.”
મને સાનંદાશ્રર્ય થયું. કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં તેની આ વિષયની જાણકારી એક નિષ્ણાતને પણ શરમાવે તેવી હતી. વધારે વાતો કરતાં ખબર પડી કે ઈજનેરીની માસ્ટરની પદવી ધરાવતા બીજા સેલ્સમેનો કરતાં તે વધુ વેચાણ કરતો હતો અને તેની કમ્પનીમાં તેને બહુ ઝડપથી પ્રમોશનો મળતાં હતાં.
મેં તેને છેલ્લો સવાલ કર્યો,” તમારી સફળતાનું રહસ્ય શું?”
ર.ચી.પ.નો જવાબ આંચકો આપી દે તેવો હતો, “સાહેબ! શરાબ! “
હું ચમકી ગયો.
તેણે ફોડ પાડ્યો. “સાહેબ! ખોટું કાંઈ ધારી ન લેતા. મારી જીવાદોરી જેવું આ કામ મારે માટે શરાબ છે. તેમાં હું ડૂબી જાઉં છું. આ સાધન અને તેના વિજ્ઞાનને લગતી, મારે જરૂરી બધી માહીતિ મેં તેના નિષ્ણાતો પાસેથી મેળવીને મોંઢે કરી લીધી છે. જ્યારે કોઈ નવી પ્રોડક્ટ અમારી કમ્પની બજારમાં મૂકે છે; તે પહેલાં હું તેનો આવો અભ્યાસ કરી લઉં છું. તમને જાણીને આનંદ થશે કે, અમારા માલીકે તેમના એક બીજા સાહસમાં ભાગીદાર બનાવવા મને આમંત્રણ પણ આપ્યું છે.”
મનોમન મેં આ ‘શરાબી’ને નમન કરી લીધા.
e.mail : surpad2017@gmail.com
![]()

