હૈયાને દરબાર –
આ કોલમમાં ગુજરાતી ભાષાનાં વૈવિધ્યપૂર્ણ ગીતોની સર્જનપ્રક્રિયા, અનેક ગીતકાર-સંગીતકારોની રચનાઓ આપણે માણી છે, પરંતુ નયન પંચોલી એક એવું નામ છે જે પોતાનાં ગીતો વિશે જરા ય શોર કર્યા વિના ત્રણ-ચાર દાયકાથી સુગમ સંગીતની ધૂણી ધખાવીને બેઠા છે. એમનો ઘૂંટાયેલો અવાજ અને કર્ણપ્રિય સ્વરાંકનો હજુ ઘણા ગુજરાતીઓ સુધી પહોંચ્યાં નથી એ રંજ તો છે જ. નયનભાઈ માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં, દેશ-વિદેશોમાં અનેક કાર્યક્રમો કરે છે, એમનાં ખૂબ સુંદર ગીતો સંભળાવે છે છતાં ગુજરાતી સુગમ સંગીતના જાહેર કાર્યક્રમો યોજાય એમાં તો ચવાઈને ચુથ્થો થઈ ગયેલાં ગીતોની જ ભરમાર હોય. ગુજરાતી ભાષામાં અદ્ભુત કાવ્યો, ગીતો રચાયાં છે, અનેક નવા-જૂના સંગીતકારો દ્વારા એ સ્વરબદ્ધ થયાં છે પણ લેવાલ કોઈ નહીં! આયોજકોને પહેલાં તો ગુજરાતી ગીતોના કાર્યક્રમ કરવામાં જ રસ નહીં. કોઈ માઈના લાલને પ્રોગ્રામ કરવાની ઈચ્છા થાય અને આપણે લિસ્ટ બનાવીએ એ પહેલાં એમની યાદી આવી જાય; આંખનો અફીણી, પંખીડાને આ પીંજરું, નયનને બંધ રાખીને, સાંવરિયો, પાન લીલું, નીલ ગગનના પંખેરું ને એવું બધું. આ ગીતોની ગુણવત્તા વિશે બેમત નથી, પણ ક્યાં સુધી એકનાં એક ગીતો સાંભળવાં? અથવા તો જે કલાકારનો કાર્યક્રમ હોય એનાં જાણીતાં થયેલાં ગીતોની ફરમાઈશ જ આવે. જેમ કે સોલી કાપડિયાએ એમના પ્રોગ્રામમાં ઉપર દર્શાવ્યાં એ ગીતો તો ગાવાનાં, સાથે પ્રેમ એટલે કે ગાવું જ પડે. પુરુષોત્તમભાઈએ દિવસો જુદાઈના … ગાવાનું જ. પણ આ બધા સંગીતકારોએ બીજાં અઢળક નવાં ગીતો રચ્યાં છે એ તો સાંભળો! અમદાવાદના નયન પંચોલીનાં ગીતો એવાં જ કર્ણપ્રિય છે, દુનિયાભરના લોકો સુધી એ પહોંચવાં જ જોઈએ.
હાર્મોનિયમ અને તબલાં બન્ને પર હથોટી ધરાવનાર નયન પંચોલીના અવાજમાં પવિત્ર ભજન હોય કે હૃદયસ્પર્શી ગઝલ, લોકસંગીત હોય, સુગમ કે ફિલ્મી ગીત – એક અલગ અંદાજ સાથે એ નીખરી ઊઠે છે. એમના અવાજમાં શ્રોતાઓને જકડી રાખતી ભાવાનુભૂતિ છે. એમના પિતા ભજનિક હતા, ‘અમુ ભગત’ને નામે ઓળખાતા હતા. સંગીતની સફળ કારકિર્દી ઘડવામાં પિતા ઉપરાંત શાસ્ત્રીય સંગીતના ગુરુ કૃષ્ણકાંત પરીખ, રાસબિહારી દેસાઈ અને અનુપ જલોટાજીનું મોટું યોગદાન છે. અનુપ જલોટા સાથે એમણે દેશ-વિદેશમાં ઘણા કાર્યક્રમો કર્યા છે. અનેક એવોર્ડ્સ મેળવી ચૂકેલા નયન પંચોલી ‘સ્વર સંગતિ’ મ્યુઝિક એકેડેમી ચલાવે છે જેમાં લગભગ ત્રણસો શિષ્યો સંગીતની તાલીમ લઈ રહ્યા છે. હમણાં જો કે ઓનલાઈન વર્ગો ચાલે છે. નયનભાઈ માને છે કે ગુરુ-શિષ્યના ગાઢ સંબંધો અને ઊંડી સાધના દ્વારા જ સંગીત પામી શકાય છે. એટલે નબળા શિષ્યને પણ પૂરી નિષ્ઠાથી એ સંગીત શીખવે છે. નયન પંચોલીનું સખી મધરાતે … અત્યંત મધુર અને પર્સનલ ફેવરિટ ગીત છે. પહેલી પંક્તિ જ કેવી સરસ છે!
આ ગીતની સર્જનપ્રક્રિયા વિશે નયન પંચોલી કહે છે, ‘કવિ ભાસ્કર વોરા મારા મનગમતા કવિ છે. આ ગીત મને એમના કાવ્યસંગ્રહમાંથી મળ્યું અને પહેલી નજરે ગમી ગયું. કેટલીક વાર ગીતના શબ્દો જ કહે કે મને ઉપાડ. કવિને શબ્દનું અવતરણ થાય એમ સંગીતકારને અમુક ગીત વાંચતાં જ મનમાં ધૂન સ્ફૂરે. મને બરાબર યાદ છે એ સમય. મે મહિનો હતો, જે ‘મામાનો મહિનો’ કહેવાય. બાળકોને વેકેશન હોય એટલે પત્ની મોસાળ જાય. મારી પત્ની પણ એ વખતે વેકેશનમાં બાળકોને લઈને મામાને ઘેર ગઈ હતી. ઘરમાં હું એકલો હતો. રાત પડી અને આ ગીત મારા હાથમાં આવતાં જ સ્વરાંકન ગોઠવાતું ગયું. રાત્રે અઢી-ત્રણ વાગ્યા સુધી હું ગાતો રહ્યો અને આંખમાંથી આંસુ વહેતાં હતાં. સ્વર-શબ્દનું એવું સરસ જોડાણ થઈ ગયું હતું કે મને એ ઈશ્વરનો સાક્ષાત્કાર લાગતો હતો.’
નયનભાઈના આ ગીતે ગાયકો અને શ્રોતાઓ સાથે પણ સરસ જોડાણ કરી દીધું છે. ભાસ્કર વોરાની પૌત્રી ગાર્ગી વોરા તથા ઐશ્વર્યા મજમુદારે આ ગીતને ઘણું પ્રચલિત કર્યું છે. નયન પંચોલીનાં અન્ય બે-ત્રણ ગીતોનો ઉલ્લેખ પણ કરવો જ પડે એવાં સુંદર છે. કવિ સુંદરમ્નું મેરે પિયા મૈં કછુ નહીં જાનું … ગીત કંઈક જુદા જ સંદર્ભે કમ્પોઝ થઈ ગયું હતું. નયનભાઈની દીકરી સંગતિ કથક નૃત્યાંગના છે. એને ડાન્સ પ્રેક્ટિસ કરતી જોતાં જ અનાયાસે આ ગીતનું સર્જન થઈ ગયું. કથકની ટેક્નિક સાથે એવું બંધ બેસી ગયું કે એ ગીત નૃત્ય માટે સર્જાયું હોય એમ જ લાગે. ભરત નાટ્યમ્ના પદમ્ પ્રકાર સાથે પણ એ ગાઈ શકાય એવું છે. નયનભાઈએ તબલાંનો વીસ વર્ષ અભ્યાસ કર્યો છે એટલે એમના ગીતમાં તાલવૈવિધ્ય તો આવે જ. સૂર-તાલનો સરસ સમન્વય થાય પછી તો સાત્ત્વિક આનંદથી વિશેષ શું હોઈ શકે?
‘પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?’
કવિ માધવ રામાનુજની આ પ્રશ્નાર્થસૂચક રચના નયનભાઈએ ગીતના ભાવને અનુરૂપ સર્જી છે. ‘નેવુંના દાયકાના આરંભમાં હું અમેરિકા ગયો હતો. સુગમ સંગીતના મારા ગુરુ રાસબિહારી દેસાઈનાં બહેન પ્રતિભાબહેન અને કશ્યપભાઈ ન્યુ જર્સીમાં રહે. એમના બન્ને દીકરા રથિન મહેતા અને પાવન મારી પાસે સંગીત શીખતા હોવાથી હું એમના ઘરે જ રહ્યો હતો. માધવભાઈને આ કુટુંબ સાથે પારિવારિક સંબંધો. એમને નવી રચનાઓ મોકલે. રાત્રે જમીપરવારીને અમે બેઠા હતા. રથિન માધવભાઈનું આ કાવ્ય વાંચતો હતો ને મને અચાનક પૂછ્યું, ‘ગુરુજી, તમે કમ્પોઝ કઈ રીતે કરો છો?’ મેં કહ્યું, ‘સૌથી પહેલાં ગીતના શબ્દો વાંચવા પડે, મનમાં ઉતારવા પડે, કાવ્યનો ભાવ પકડવો પડે. કાવ્ય છંદોબદ્ધ હોય તો મીટર આપોઆપ પકડાય. ભાવ સમજીને સૂર નક્કી થાય. એમ કહી મેં પુસ્તકમાંથી પત્ર લખું કે કવિતા … ગીત લઈને એ જ વખતે કમ્પોઝ કરી બતાવ્યું હતું. ગીતમાં જે પ્રશ્નાર્થ છે એ પણ સરસ રીતે કમ્પોઝ થઈ ગયો હતો. તાલની દૃષ્ટિએ કટ પિક અપ-માત્રામેળ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હતા. આમ સંગીતકારને પણ ગીતનું અવતરણ મોઢે સાહજિક થતું હોય છે. સિવાય કે ફિલ્મ માટે સિચ્યુએશન પ્રમાણે કરવાનું હોય તો વિચારીને કરવું પડે.’
કવિ અંકિત ત્રિવેદીએ એક લાજવાબ ગીત લખ્યું છે;
હરિ હું અડધોપડધો જાગું
તને શોધવા મારામાંથી
ક્યાં સુધી હું ભાગું …
‘પૂ. મોરારિબાપુ સામે જ્યારે પણ આ ગીત મેં ગાયું છે ત્યારે હું અને અંકિત તો રડતા જ હોઈએ, પરંતુ પૂ. બાપુની આંખોમાંથી ય અશ્રુધારા વહેતી હોય. અંકિતે એની ઉંમરને અતિક્રમીને કોઈ ગૂઢ જ્ઞાનથી લખ્યું હોય એવી સુંદર કૃતિ છે. સવારના રાગ બૈરાગી પર આધારિત આ ગીત ગાતી વખતે હું ઉપરના ‘સા’ એટલે કે ષડજ સુધી નથી જતો, કારણ કે વાત અડધાપડધાની છે. શુદ્ધ ધૈવત પર જ ઠહેરાવ આવે છે. આમ ગીતનો ભાવ સમજીને થતું સ્વરાંકન અલૌકિક બની રહે છે,’ કહે છે નયનભાઈ.
આવી તો કેટલાં ય ગીતોની સ્મરણકથાઓ છે. અનિલ ચાવડાનું દીકરી વિદાયનું ગીત સાંભળ્યું છે?
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હૂંફાળું,
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતાં એમ લાગતું, ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું, ગમે એમ સીવો
જેની પગલીઓ પડતાં, સઘળે થઇ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું.
જેને દીકરી હોય એને આ સંવેદના બરાબર સમજાય.
મોરારિબાપુ અનિલ ચાવડા વિશે કહેતા હોય છે કે હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો, માણતો રહ્યો છું, કાયા કદ નાનું, પરંતુ કાવ્ય કદ ઘણું જ ઊંચું.
દીકરીની વિદાય બાદ સર્જાતા ખાલીપાની વાત કવિએ જેટલી સંવેદનશીલ રીતે કરી છે એટલું જ સંવેદનાપૂર્ણ આ ગીત નયન પંચોલીએ સ્વરબદ્ધ કર્યું છે. જેમ ગોખથી દીવો જાય અને અંધકાર વ્યાપી રહે એવું જ કંઇક અહીં ગીતમાં અનુભવાય છે. દીકરીની હાજરી એ ઘરની હૂંફ છે. હવે એ હૂંફવિહોણા ઘરની કલ્પના કરવી અસહ્ય બની રહે છે. આટલાં વર્ષો જે દીકરી ઘરમાં અજવાળાની જેમ ફરતી હતી એ મ્હેંદી મૂકીને ચાલી જાય ત્યારે સર્જાતો અવકાશ ભરવો મા-બાપ માટે દોહ્યલો હોય છે.
——————–
સખી મધરાતે એક વાર મીરાં આવી’તી
મારા મનના મંદિરિયામાં રહેવા
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.
ગોકુલ મથુરા ને દ્વારિકાની રજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગૂંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હૂંફમાં એક ઝોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યાં’તાં અમી જેવાં.
સખી મધરાતે એક વાર ..
ગોરસ ગીતાનાં એણે એવાં રે પાયાં,
મારી ભવ ભવની તરસ્યું છિપાણી,
ભગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી
ભગવાની છોળ ધરી મીરાંની વાત
હું તો ઘેર ઘેર ઘૂમતી રે કહેવા
સખી મધરાતે એક વાર.
• કવિ : ભાસ્કર વોરા • સ્વર અને સંગીતકાર : નયન પંચોલી
https://www.youtube.com/watch?v=ZcqBfHByCL8
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 ફેબ્રુઆરી 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=685684