
રમેશ ઓઝા
એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતમાં અંદાજે ૬૫ ટકા હિંદુઓને હિંદુ બહુમતીવાળું હિંદુરાષ્ટ્ર જોઈતું નથી. કારણો તેમનાં પોતપોતાનાં હશે. બુદ્ધિમાન હિંદુઓને લાગતું હશે કે આ માર્ગે આ જગતમાં કોઈ દેશ બે પાંદડે થયો નથી. જે જે દેશોએ ધર્મ, વંશ, ભાષા આધારિત બહુમતી રાષ્ટ્રવાદનો માર્ગ અપનાવ્યો છે એ બધા ખુવાર થયા છે. આ માર્ગે કોઈ દેશ આબાદ થયો હોય એવું એક ઉદાહરણ બતાવો. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે આમાં અમારી ભાષાકીય, પ્રાદેશિક અને અન્ય અસ્મિતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. જેટલો હું હિંદુ છું એટલો હું તમિલ પણ છું. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે ભારતમાં હિંદુના નામે માત્ર સવર્ણ હિંદુઓને જ ગણતરીમાં લેવામાં આવે છે. હિંદુ સમાજમાં અત્યાર સુધી સવર્ણોએ જ સરસાઈ ભોગવી છે. હિંદુ રાષ્ટ્રમાં તેમની ફરીવાર સરસાઈ સ્થાપશે.
ટૂંકમાં બંધારણમાં જે ભારતીય રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી છે એ ભલે સહિયારું છે, એમાં ભલે બીજાને સ્વીકારવા પડે છે, કહો કે સહન કરવા પડે છે, એમાં ભલે આપણે બહુમતીમાં હોવા છતાં આપણને મોટો ભાગ મળતો નથી; પણ એમાં આપણો જે કોઈ ભાગ છે એ સુનિશ્ચિત છે. બંધારણીય રક્ષણ સાથે અધિકારપૂર્વકનો છે. મુસલમાનને ધકેલવામાં કદાચ આપણે જ ધકેલાઈ જઈએ! કોને ખબર છે. બંધારણીય ભારતીય રાષ્ટ્ર નજર સામે છે, લેખિત છે, આપણે તેનો અનુભવ કર્યો છે; જ્યારે હિંદુ રાષ્ટ્ર તો ભરેલા નારિયેળ જેવું છે. એ કેવું હશે અને એમાં આપણે ક્યાં હશું એના વિષે કોઈ ફોડ પાડવામાં આવતો નથી.
કદાચ કેટલાક હિંદુઓને, ખાસ કરીને યુવા હિંદુઓને અનુભવે હવે એમ પણ સમજાયું હશે કે હિન્દુત્વવાદી શાસકો પાસે ડરાવવા-રડાવવા-પોરસાવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી. ચોવીસે કલાક હિંદુ-મુસ્લિમ કરીને લોકોને ધૂણાવે છે. આર્થિક બાબતે આ લોકો ગંભીર નથી અને કોઈ સમજ પણ નથી.
આવાં આ ચાર કારણો છે અને ૬૫ ટકા હિંદુઓ આમાંથી કોઈના કોઈ કારણે હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે. ૬૫ ટકા એ કોઈ નાનો આંકડો નથી અને તેમાં કદાચ ટકા બે ટકાનો વધારો થઈ શકે છે, ઘટવાનો તો કોઈ સવાલ જ નથી.
પણ એ ૬૫ ટકા હિંદુઓને એક સૂત્રે કેવી રીતે બાંધવા?
એક સીધો અને સરળ ઉપાય છે વિપક્ષી એકતા. બી.જે.પી.ના ઉમેદવારની સામે વિરોધ પક્ષોનો જો એક જ ઉમેદવાર હોય તો મતોનું વિભાજન ન થાય અને બી.જે.પી.ને હરાવી શકાય. અહીં એક ગૃહિત છે જેના તરફ આપણું ધ્યાન જતું નથી. મતોનું વિભાજન એટલા માટે થાય છે (એમ માનવામાં આવે છે) કે જે તે પક્ષ જે તે અસ્મિતાઓનું કે પછી સમાજવિશેષના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આને કારણે બી.જે.પી. વિરોધી મતદાતા પોતાનાં સમાજવિશેષનાં હિતોનું રક્ષણ કરનારા પક્ષને મત આપે છે અને એ રીતે મતોનું વિભાજન થાય છે. ટૂંકમાં ગૃહિત એવું છે કે મતદાતા વિભાજીત છે અને જે તે પક્ષો વિભાજીત મતદાતાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે પક્ષો વચ્ચે એકતા સધાવી જોઈએ.
આ ગૃહિત સાવ ખોટું છે એમ ન કહી શકાય. કાઁગ્રેસના એકચક્રી શાસનના દિવસોમાં આ ગૃહિત વધારે સાચું હતું અને વધારે પ્રાસંગિક હતું, પરંતુ અત્યારના કોમી ધ્રુવીકરણના યુગમાં એ એટલું સાચું અને એટલું પ્રાસંગિક નથી. ૬૫ ટકા હિંદુઓને સમજાઈ ગયું છે અથવા સમજાઈ રહ્યું છે કે સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે. અને જો આ નથી સમજાયું કે નથી સમજાઈ રહ્યું તો એને સમજાવી શકાય એમ છે.
અહીં રાહુલ ગાંધી અને તેમની કલ્પનાની નૂતન કાઁગ્રેસ પિક્ચરમાં આવે છે. એક તરફ વિરોધ પક્ષો છે જે જૂના ગૃહિત ઉપર ચૂંટણીકીય સમજૂતી કરવા માગે છે અને બીજી તરફ રાહુલ ગાંધી છે જે નવા ગૃહિત પર ભરોસો કરે છે. પટેલ અને ક્ષત્રીય સામસામે લડીને મતવિભાજન ન કરે અને તેમાં તેમનું હિત છે એ જૂનું ગૃહિત છે અને આજે જ્યારે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે ત્યારે ભારતીય હોવાપણામાં અથવા સહિયારાપણામાં પટેલ અને ક્ષત્રીય બન્નેનું હિત છે એ નવું ગૃહિત છે. રાહુલ ગાંધીએ જૂનું ગૃહિત ૨૦૧૯ પછી છોડી દીધું છે અને સહિયારા, સેક્યુલર લોકતાંત્રિક, બંધારણીય ભારતીય રાષ્ટ્રના સ્વીકારમાં જ દેશનું કલ્યાણ છે અને તેમાં દરેક પ્રજાવિશેષનો સમાવેશ થાય છે. આ જ વાત ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજીએ ભારતીય પ્રજાને સમજાવી હતી.
આ માર્ગ કપરો છે, પણ સમય ધીરેધીરે અનુકૂળ થઈ રહ્યો છે. ગુસ્સો આવે અને અકળામણ થાય એવી નિરાશાજનક રાજકીય સ્થિતિમાં પણ ૬૫ ટકા હિંદુ નાગરિકોએ મોરચો સંભાળી રાખ્યો. પ્રચંડ વાવાઝોડામાં ઓથ વિના ઊભા રહ્યા. આ કોઈ નાનીસૂની વાત નથી. બીજું, રાહુલ ગાંધી તૂટ્યા નથી. તેમને તોડવા માટે શું શું નથી કર્યું! લખતાં પણ શરમ આવે એવા નીચ પ્રહારો તેમના ઉપર કરવામાં આવ્યા હતા. કીડી ઉપર કટક ઉતાર્યું અને એ પછી પણ કીડી અડીખમ ઊભી છે. મેદાન છોડ્યું નથી. ત્રીજું તેઓ લાંબી લડત માટે પ્રતિબદ્ધ છે એમ હવે લોકોને પ્રતીતિ થવા લાગી છે. સહિયારા ભારતમાં ભારતની પ્રજાનું સહિયારું કલ્યાણ છે એ વાત લોકો સુધી લઈ જવી હશે તો સંકોચ વિના ડર્યા વિના ખોંખારો ખાઈને એ ભાષામાં જ બોલવું પડશે જે રીતે ગાંધીજી બોલતા હતા. રાહુલ ગાંધીની જેમ ગાંધીજીને બદનામ કરીને તોડવામાં એ લોકોએ ક્યાં કાંઈ બાકી રાખ્યું છે! ૬૫ ટકા વિરુદ્ધ ૩૫ ટકાનું હિંદુ ધ્રુવીકરણ થઈ ચુક્યું છે એટલે હવે હિંદુ નારાજ થશે એવો ડર રાખવાની જરૂર નથી.
જોતા રહો, રાહુલ ગાંધીનું નૂતન રાજકારણ કઈ રીતે ઉઘાડ પામે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023