કોઈ મહામારી વધુ ટકતી નથી –
એમ આ સંકટ વધુ ટકશે નહીં
વિશ્વયુદ્ધો પણ જુઓ આવ્યાં ગયાં –
યુદ્ધ મહાભારતનું ક્યાં લાંબુ હતું.
આ સ્થિત પણ આવી છે એવી જશે –
ને જીવન પાછું હતું એવું થશે !
આપણી ધીરજ જુઓ જીતી રહી છે.
સંકટોની સહુ ક્ષણો વીતી રહી છે.
મૃત્યુથી બચવાનું સહેલું કેટલું ?
સહુની સાથે ઘરમાં રહેવા જેટલું
કેટલાં વરસે સહજ આવી મળ્યો છે –
ઘરમાં રહેવાનો રૂડો અવસર મળ્યો છે !
ઘરઘરનું એક એક જણ રક્ષણ તળે છે –
કેવો સહુને વહાલનો છાંયો મળે છે !
માનજો કે સ્વાસ્થ્યનું આ એક તપ છે
માનજો પરિવાર માટેનું આ તપ છે !
કઈ સ્થિતિ સારી ? .. સુખી હો ઘરમાં રહીને –
કે પછી કોઈ હોસ્પિટલમાં દર્દી થઈને ?
આપણે બચશું ને બચશે સ્વજન ને ઘર
એ પછી ફરજો ને દુનિયામાં જીવનભર ..
આ જુઓ, ઘરમાં જે રહેવાનું મળ્યું છે –
દૂર મહામારીથી રહેવાનું મળ્યું છે !
જાતને મળવાનો આ ઉત્તમ સમય છે
સહજ પોતાને સમજવાનો સમય છે !
ઘરમાં રહેવાના સમયને પ્રેમ કરજો !
આ સહજ વાતો અંતરમાં ધરજો !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 ઍપ્રિલ 2020