Opinion Magazine
Number of visits: 9461456
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|5 August 2023

જન્મતારીખ : ૦૧–૦૨–૧૯૪૬; વતન : સોજિત્રા

અભ્યાસ : એન્થ્રોપોલોજી, દિલ્હી યુનિવર્સિટી

પત્ની : ડૉ. ભારતીબહેન પટેલ; પુત્ર : આનંદવર્ધન યાજ્ઞિક; પૌત્રી : અક્ષરા

શોખ : ગુજરાતના લોકજીવનનાં વિવિધ પાસાંનો અભ્યાસ, જૂનાં પુસ્તકો એકઠાં કરવાં.

પ્રિય લેખકો : પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી. એ સિવાય અભ્યાસની દૃષ્ટિએ બીજા અનેક લેખકો વાંચ્યા–ગમ્યા હોય. મધ્યકાલીન સાહિત્ય વધારે વાંચ્યું છે.

પ્રિય સાહિત્ય : આત્મકથાઓ (ઇન્દુલાલ યાજ્ઞિક અને સુમંત મહેતાની આત્મકથા વિશેષ પ્રિય)

ઉર્વીશ કોઠારી

બેસ્ટસેલર પુસ્તક ‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત’ના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ‘ગુજરાત સમાચાર’માં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’(સુરત)ના સંશોધનપત્ર ‘અર્થાત્’ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ‘ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી’ જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. ‘લોકાયન’ પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને ‘સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન’ની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, “સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું.” બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે :

સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?

સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું ‘માસ્તરિયું સાહિત્ય’ કહું છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને ‘રે મઠ’ની પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.

કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને ઇતિહાસ કહેશો?

મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.

નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ ગાયું હતું …

અચ્યુત યાજ્ઞિક

નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને ‘શું શાં પૈસા ચાર’ના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ‘ગરવો દેશ ગુજરાત’ લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. ‘કરણઘેલો’માં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ, જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો. તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.

પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?

એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? ‘હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: ‘એમાંથી મળે શું?’

અત્યારના સમાજમાં સંપ્રદાયોનું વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.

હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે : (૧) પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨) સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.

આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.

એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.

કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા. તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત કરીને કહે છે કે આતતાયીઓ – રાક્ષસોનું દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે. તેમના મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે. સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાં ય મેળ ખાતો નથી.

બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા ભાગલા પહેલાં હતા જ નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી આવ્યા?

પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ … હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ‘ગુજરાતીઓ આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, ‘જે પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.’

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.

કોમી હિંસા પછી ‘ગુજરાતને બદનામ કરવાની સાજિશ’ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે …

પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની) બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.

ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?

ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો : બીજા રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. ‘બદનામ કરવાની સાજિશ’ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે ઉપજાવી કાઢે છે.

ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું તથ્ય છે?

ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે કે ‘અમને અન્યાય થાય છે’ ત્યારે એ ‘સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે’ એવું વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ, ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.

ગુજરાતની વર્તમાન હાલતમાં કાઁગ્રેસની ભૂમિકા કેવી રીતે જુઓ છો?

માધવસિંહ સોલંકી મુખ્ય મંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, ‘કાઁગ્રેસે અન્ય પછાતોને ‘ઇલેક્શનાઇઝ’ કર્યા, પણ પોલિટિસાઇઝ’ કર્યા નહિ.’ (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા, પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન લીધી, પણ ‘સમન્વય’ની ભૂમિકા લીધી. ‘સમન્વય’ એટલે હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણિયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ માટે કાઁગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કાઁગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કાઁગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી જતી હોય, તો શું ખોટું?

સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.) સામે ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?

૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા : (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં એન.જી.ઓ.માં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી પ્રવૃત્તિઓ ‘ધર્મ’ લાગે છે. પછી ‘એ બધાનો ધર્મ નથી’ એવું લાગતાં એને ‘સ્વધર્મ’ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ ‘આપદ્દધર્મ’ છે. પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે થઈ શકે એ કરવાનું.

પ્રગટ :’સંવાદ’, ‘મહેફિલ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; રવિવાર, 30 ઍપ્રિલ 2006; પૃ. 03
મુદ્રાંકન સૌજન્ય : સુજાત પ્રજાપતિ

Loading

5 August 2023 Vipool Kalyani
← बहुसंख्यकवादी राजनैतिक एजेंडा और भारतीय मुसलमान
ગુજરાત વિશેના જ્ઞાનના ભંડાર સમા અચ્યુત યાજ્ઞિકને સલામ : હરીશ ખરે →

Search by

Opinion

  • જી.એસ.ટી. ૨.૦ : થોડા આવકારદાયી સુધારા … પણ  ઘણા બાકી 
  • દરબારી અર્થશાસ્ત્રીઓને મોદીની રેવડી કદાચ નોન-બાયોલોજિકલનો પ્રસાદ લાગતી હશે!
  • ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
  • राहुल गांधी से मत पूछो !
  • ઝુબીન જુબાન હતો …

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved