સત્યજીત રાયની ૧૯૭૭માં બનેલી ‘શતરંજ કે ખિલાડી’ના મીર રોશનઅલી કે સાંઈ પરાંજપેની ૧૯૮૧ની ‘ચશ્મે બદ્દૂર’ના લલ્લન મીયાંનાં પાત્રોને યાદ કરો એટલે આપણી આંખો સમક્ષ મોટી ભાવવાહી આંખો અને રણકાદાર અવાજના માલિક એવા માતબર અભિનયકાર સઈદ જાફરીનો ચહેરો પ્રગટ થાય. ન તો એ મુખ્ય ધારાની ફિલ્મોના હીરો હતા, કે ન નસીરુદ્દીન શાહની માફક સમાંતર ફિલ્મોમાં અભિનેતા. અને છતાં હિન્દી ચલચિત્રોનો ઇતિહાસ લખવા બેસો તો એમના નામની ઉપેક્ષા ન થઈ શકે એવા ઊંચા ગજાના એ કલાકાર હતા. હાલમાં જ એમનું અવસાન થયું.
ફિલ્મોમાં આવતાં અગાઉ જાફરી દિલ્લીની રંગભૂમિમાં યુનિટી થિયેટર્સ નામના રંગમંચ દ્વારા ક્રિસ્ટોફર ફ્રે, ટેનેસી વિલિયમ્સ તેમ જ બર્તોલ્ત બ્રેખ જેવા અત્યંત મુશ્કેલ નાટ્યકારોની કૃતિઓને ભજવતા હતા. આ દરમિયાન એ ઈટાલિયન નાટ્યકાર દારિયો ફોના પરિચયમાં આવ્યા. આ તમામ પાશ્ચાત્ય નાટ્યકારો અતિવાસ્તવવાદ એટલે કે સરિયાલિઝમના પુરસ્કર્તા હતા. ભારતીય જનતાએ સઈદ જાફરીના આ વિરલ પાસાને કદી પિછાણ્યું નથી, પણ એમના માધ્યમથી આપણને સરિયાલિઝમનો પરિચય થયો છે તે વાત કંઈ નાનીસૂની નથી.
સ-રિયાલિઝમ
આપણા દેશની પ્રજા વેદો અને ઉપનિષદોની પરંપરાગત સાંસ્કૃિતક વિચારધારામાં જીવતી આવી છે. બુદ્ધ અને મહાવીરના સમય પછી છેલ્લાં અઢી હજાર ઉપરાંત વર્ષોથી આપણે ત્યાં કોઈ નવી વિચારધારાનો ઉદય થવા પામ્યો નથી એ આપણી કમનસીબી છે. પણ પશ્ચિમમાં વખતોવખત નવા વિચારકો પેદા થયા છે અને પ્રજાને એમણે પરંપરાગત કે એકના એક વિચારોની પકડમાંથી બહાર આણી છે. વીસમી સદીમાં પણ ત્યાં ઘણી વૈચારિક ક્રાંતિઓ થઈ છે. આવી પ્રગતિશીલ નવી વિચારધારામાં સરિયાલિઝમ (Surrealism) કહેતાં અતિવાસ્તવવાદનો ઉલ્લેખ ખાસ કરવો પડે. પ્રથમ વિશ્વયુદ્ધની પશ્ચાદ્ભૂમાં લગભગ ૧૯૨૦ના દાયકામાં યુરોપમાં એનો જન્મ થયો અને લગભગ ૧૯૬૬ની સાલ સુધી સમગ્ર યુરોપમાં એનું ચલણ ટક્યું. ત્યાંના સાહિત્ય, ચિત્રકળા, સંગીત, સમાજજીવન અને રાજકારણ પર એનો વ્યાપક પ્રભાવ રહ્યો.
સરિયાલિઝમનો ઉદ્ગમ
હાલમાં જ મુસ્લિમ આતંકવાદી સંગઠન આઇ.ઍસ.આઇ.એ જ્યાં આત્મઘાતી આતંકવાદીઓ દ્વારા ૧૫૦ ઉપરાંત નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી તે ફ્રાન્સનું પેરિસ શહેર સરિયાલિઝમની જન્મભૂમિ મનાય છે. અહીંથી એ વિશ્વભરમાં પ્રસરી છે. ફ્રેન્ચ સાહિત્યકાર ગિલોમ એપોલિનેરે ૧૯૦૩માં લખેલી અને ૧૯૧૭માં સૌ પ્રથમ વખત તખ્તા પર ભજવાયેલી એક નાટ્યકૃતિની પ્રસ્તાવનામાં સરિયાલિઝમ શબ્દનો પહેલવહેલો ઉલ્લેખ કરેલો. માનવીને એનાં સપનાંની દુનિયા અને વાસ્તવિક જગતની વચ્ચેના ઘર્ષણમાંથી મુક્ત કરવાનો એમનો આશય હતો. તરત જ આ નવો વિચાર અનેક તત્કાલીન ચિત્રકારો, સંગીતકારો, સાહિત્યકારો તેમ જ સામાજિક ક્રાંતિકારીઓએ ઉપાડી લીધો અને પોતાની કૃતિઓમાં એને સ્થાન આપવા માંડ્યું. યુરોપના જનજીવન, સમાજજીવન અને રાજકીય વિચારધારા પર એની જબરદસ્ત અસર થવા પામી. લોકોની રોજ-બ-રોજની વાતચીતની ભાષામાં પણ એનું પ્રતિબિંબ ઝિલાયું. એના પગલે યુરોપના લોકોના જાતીય જીવન, કુટુંબજીવન અને સમાજજીવનમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું.
સપનાંની દુનિયા અને સરિયાલિઝમ
સપનાં તો દરેકને આવે જ ! કોઈને પોતાનાં સપનાં યાદ રહે; કોઈ એ ભૂલી પણ જાય. વળી બધાં જ સપનાં અકબંધ યાદ રહેવા પણ મુશ્કેલ છે. દરેક સ્વપ્નની અમુક વિગતોને આપણે સવારે ઊઠ્યા પછી યાદ કરી શકીએ અને ઘણી ખરી વિગતો ભુલાઈ જતી હોય છે. સપનાંને આપણે એટલું મહત્ત્વ આપતા નથી. ઘણા એમ માને છે કે સપનાં આપણને ભવિષ્યમાં બનનારી અમુક ઘટના કે દુર્ઘટનાની આગોતરી જાણ કરતા હોય છે, પણ આ ખરું નથી. સ્વપ્ન આપણા અગોચર મનની અભિવ્યક્તિની વાણી છે. માનો કે આપણને આવેલાં સપનાંની તસ્વીર ખેંચી શકાતી હોય તો? અથવા સપનાંમાં જોયેલાં દ્રશ્યોને આપણે ચિત્રના રૂપમાં કાગળ પર ઉતારી શકતા હોઈએ તો? તો આવી કૃતિ એક કળાનું સ્વરૂપ બની જાય. સપનાં તો દિવસે પણ આવે, ને રાત્રે પણ. સરિયાલિસ્ટિક ચિત્રકાર એને પીંછી અને રંગો વડે કેન્વાસ પર દોરીને વાસ્તવિક સ્વરૂપ આપી શકે છે. આ ચિત્ર આપણને જોવામાં ઘણું ચિત્ર-વિચિત્ર લાગે. એને બહારના જગતની વાસ્તવિકતા સાથે સંબંધ ન હોય. બહારના જગતની વાસ્તવિકતાઓને આપણા જાગ્રત મનની સાથે સંબંધ હોય છે, જ્યારે સ્વપ્નોને અર્ધજાગ્રત મનની સાથે જોડાણ રહે છે. સરિયાલિસ્ટિક ચિત્રકાર પોતાની કૃતિમાં પોતાના અર્ધજાગ્રત મનને વાચા આપે છે. એમાં એને કોઈ રોકટોક નથી હોતી. એને કોઈ માન્ય બંધારણ ન હોય. એને દુનિયાની વાસ્તવિકતાના પરિપ્રેક્ષ્યમાં સમજાવી પણ ન શકાય. સરિયાલિસ્ટિક ચિત્રકાર પોતાની કલ્પનાની દુનિયાને તાર્કિકતાની લગામ વિના અભિવ્યક્ત કરતો હોય છે.
ઑસ્ટ્રિયન મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઇડે અર્ધજાગ્રત મનની રચનાત્મક શક્તિ ઉપર On Creativity and the Unconscious નામે એક પુસ્તક લખ્યું છે. એમાં દિવાસ્વપ્ન જોતો કવિ શી રીતે કવિતા જોડી કાઢે છે એની વાત લખવામાં આવી છે. કવિને એની કવિતાનું બીજ બાહ્ય જગતની વાસ્તવિકતામાંથી નહીં, પણ અજાગ્રત મનની કલ્પનાભૂમિમાંથી જડતું હોય છે. માત્ર કવિને જ આ વાત લાગુ પડે છે એવું નથી, કોઈ પણ રચનાત્મક કળાકાર, ચિત્રકાર, સંગીતકાર, ફિલ્મકાર કે લેખકનું અજ્ઞાત મન એની રચનાની ફળદ્રુપ ભૂમિ હોય છે.
ફ્રોઇડના મતે દરેક બાળકમાં એક કળાકાર જીવડો રહેલો છે. એ એની કલ્પનાની દુનિયામાં જીવે છે. એની રમતગમત કે એના પ્રત્યેક વ્યવહારમાં એની આ કલ્પના તદ્દન સહજ રીતે વ્યક્ત થતી રહે છે. એની કલ્પનાશક્તિના પ્રવાહને એ ક્યાં ય અવરોધતું નથી. પરિણામે એ નૈસર્ગિક અને નિર્દોષ રહી શકે છે. એના વર્તનમાં દંભ દેખાતો નથી. એને પોતાની વૃત્તિઓને ક્યાં ય સંતાડવી પડતી નથી. એના વર્તન-વ્યવહારમાં આપણને વિકૃતિ જોવા મળતી નથી. એને દિવસે કે રાત્રે સપનાંઓ જોવાની પણ જરૂર પડતી નથી.
પણ માણસ મોટો થાય છે એટલે ચિત્ર બદલાય છે. એના પર સામાજિક નીતિનિયમો અને રોકટોક લાગુ પડે છે. એ પોતાની ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓને મુક્તપણે વ્યક્ત કરી શકતો નથી. સામાજિક પ્રાણી હોવાની એણે સજા ભોગવવી પડે છે. એનું બાળહૃદય કરમાઈ જાય છે અને મોટપણના વ્યવહારોમાં એને પોતાની બાળરમતોને વિસારે પાડી દેવી પડે છે. પરિણામે દિવસે એણે દબાવી દીધેલી વૃત્તિઓ રાત્રે સપનાંઓ રૂપે બહાર આવે છે. દિવસ દરમિયાન પણ એને દિવાસ્વપ્નોમાં રાચવાની આવશ્યકતા ઊભી થાય છે. બાળપણમાં જે કામ એ રમતો દ્વારા કરતો હતો તે મોટપણે હવે એ દિવાસ્વપ્નના માધ્યમથી કરતો થઈ જાય છે. દરેક પુખ્ત વ્યક્તિ દિવાસ્વપ્નની આવડતથી સંપન્ન છે. આ સાધન જો એ કેળવીને વાપરે તો એની રચનાત્મક શક્તિને નિખાર આવી શકે છે. સ્વપ્ન પર આપણો કાબૂ નથી, પણ દિવાસ્વપ્ન વ્યક્તિ હેતુલક્ષી અને ઇચ્છાનુસાર કરી શકે છે. સરિયાલિઝમ માણસના મનની અજ્ઞાત શક્તિઓને સ્વપ્ન વાંચન અને દિવાસ્વપ્ન દ્વારા બહાર આણે છે. જો વ્યક્તિ પોતાનાં રાતનાં સ્વપ્નોની ભાષાને ઉકેલી શકે તો એમાંથી ઘણું પામી શકે છે. એને એની ઇચ્છાઓ, લાગણીઓ અને વૃત્તિઓનો તાગ મળી શકે છે. સિગમન્ડ ફ્રોઇડે આના માટે સ્વપ્નનું અર્થઘટન (Interpretation of Dreams) નામનું પુસ્તક લખ્યું છે. અતિવાસ્તવવાદીઓ પર સિગમન્ડ ફ્રોઇડનાં કાર્યોનો ઘણો ઊંડો પ્રભાવ રહ્યો છે. વૃત્તિઓ, ઇચ્છાઓ અને લાગણીઓને દબાવવાથી એમનું વિકૃતિકરણ થાય છે. આમાંથી માણસમાં હતાશા, ચિંતાતુરતા અને ગુનાહિતતાનો જન્મ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંના સમયમાં માણસ વધારે પડતી તાર્કિકતા અને શોષણખોર માનસિકતાનો ભોગ બની ગયેલો હતો એના લીધે જ એ વખતે વિશ્વયુદ્ધનાં બીજ રોપાયાં હતાં. કાર્લ માર્ક્સની રાજકીય વિચારસરણીની પણ અતિવાસ્તવવાદીઓ પર ઘણી અસર હતી. મૂડીવાદના ઉદય સાથે સમાજમાં ભાગલા પડી ગયા હતા અને વર્ગવિગ્રહની પરિસ્થિતિ ઊભી થવા પામી હતી. આજે આ ખાઈ વધારે પહોળી બની છે ત્યારે અંતર્મનની રચનાત્મક શક્તિનો કલાત્મક આવિર્ભાવ જુદું સમાજચિત્ર પેદા કરી શકે છે. માણસના મનની દબાયેલી વૃત્તિઓને રચનાત્મક માર્ગે વાળવાથી એ કળાનું રૂપ ધારણ કરી શકે છે.
સરિયાલિઝમનો વિકાસ અને પ્રભાવ
યુરોપની આ વૈચારિક ક્રાંતિનો આયુષ્યકાળ ૧૯૨૦થી ૧૯૬૬ સુધીનો માનવામાં આવે છે. લગભગ ૧૯૩૦નો દસકો એની અસરની પરાકાષ્ઠાનો ગાળો ગણાય છે. ફ્રાન્સમાં પેદા થયેલું આ નવસાંસ્કૃિતક મોજું થોડા જ સમયમાં સમગ્ર યુરોપમાં અને ત્યાંથી ક્રમશઃ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, કેન્દ્રવર્તી અમેરિકા અને કેરિબિયન ટાપુઓમાં પ્રસરી વળ્યું હતું. છેલ્લે એ એશિયાના દેશોમાં પણ પેઠું. સરિયાલિઝમની સૌ પહેલી અસર જોવા મળી ચિત્રકળામાં. પણ પછી ખૂબ જ ટૂંકા ગાળામાં એ સંગીત, સાહિત્ય અને ફિલ્મનાં ક્ષેત્રોમાં પણ પ્રવેશ્યું. છેલ્લે છેલ્લે એણે એનાથી અસરગ્રસ્ત રાષ્ટ્રોની રાજકીય અને સામાજિક વિચારસરણીને પણ ઊંડી અસર કરી.
આન્દ્રે બ્રેટન યુરોપમાં સરિલિયાઝમ ચળવળનો પ્રણેતા હતો. સરિયાલિઝમે જગતને અનેક પ્રતિભાઓની ભેટ ધરી છે. આ પ્રતિભાઓમાં પાબ્લો પિકાસો, સાલ્વાડોર ડાલી, આન્દ્રે મેસન, રેને મેગ્રિટ્ટે, મેક્સ અન્સ્ટર્, યિવેસ ટેન્ગુય, ફ્રાન્સિસ બેકન, જિયોર્ડિયો ડી ચિરિકો, મેન રે, રોબર્ટ મેટ્ટા, પોલ ક્લી, જોઆન મિરા અને માર્સેલ ડ્યુચેમ્પ (ચિત્રકારો), ગિલોમ એપોલિનેર, લૂઈસ આરેગન, જેક્વિસ બેરન, આન્દ્રે બેટન, રેને ક્રેવલ, અમેલિયા ગ્રે, આઇરીન હેમોઇર, જ્યોજીર્સ હુગ્નેટ, ફિલિપ્પી સોપોલ્ટ, સિમોન વોટસન ટેલર, ફ્રેન્કલિન રોઝમોન્ટ, જેક્વિસ પ્રીવર્ટ, ટેડ જોઆન્સ, મિશેલ લીરિસ, ઈ. ઍલ. ટી. મેસન્સ (સાહિત્યકારો, કવિઓ), ગિલોમ એપોલિનેર, ફ્રાન્સિસ પાઉલેન્ક, ઍન્ટોન આટરેડ, ફેડેરિકો ગાર્સિઆ લોર્સા, આરેગોન, રોજર વિટ્રેક, ગટ્રુર્ડ સ્ટેઇન (નાટ્યકારો), બોહુસ્લાવ માર્ટિનુ, આન્દ્રે સોરિસ, એડગર્ડ વેરિસ, પોલ નુગે, પોલ ગેરોન, ડેવિડ હનિબોય એડવડ્ર્સ (સંગીતકારો) તેમ જ રેને ક્લેઇર, જર્મેઇન ડ્યુલેક, મેન રે, સાલ્વાડોર ડાલી, બુન્યુએલ, જીન કોક્ટો(ફિલ્મકારો)નો સમાવેશ થાય છે.
સરિયાલિઝમે રાજકીય વિચારધારાને પણ પોષી છે. અતિવાસ્તવવાદીઓ કાર્લ માર્ક્સની સામ્યવાદી ફિલોસોફીથી ઘણા પ્રભાવિત રહ્યા છે.
સરિયાલિઝમનાં વળતાં પાણી
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના નાઝીવાદ અને ફાસિઝમના પગલે યુરોપની સામાન્ય વસતિ ઉપરાંત ત્યાંના વિચારકો, લેખકો, ચિત્રકારો અને કલાકારોને ઘણી હાડમારીઓનો સામનો કરવાનો આવ્યો. સરિયાલિઝમની વિચારધારા તળે જીવતા ઘણા કલાકારો પોતાનો દેશ છોડીને અમેરિકાના પ્રમાણમાં સલામત વાતાવરણમાં જઈ વસ્યા. યુરોપમાં અસ્તિત્વવાદ (existentialism)ની બોલબાલા શરૂ થઈ. લોકોના વિચારોમાં વળી નવી એક ક્રાન્તિ આવી. ધીમે ધીમે સરિયાલિઝમનું મોજું ઓસરવા લાગ્યું. આન્દ્રે બ્રેટન ૧૯૬૬માં અને સાલ્વાડોર ડાલી ૧૯૮૯માં મરણ પામ્યા. ઇતિહાસકારો સરિયાલિઝમની મૃત્યુિતથિને બ્રેટન અથવા ડાલીના મૃત્યુ સાથે સાંકળે છે. પણ કોઈપણ વિચારક્રાંતિ વાસ્તવમાં કદી નાશ પામતી નથી. વખત જતાં એ નવા સ્વરૂપે પ્રગટ થતી હોય છે.
ઈમેઇલઃ kshinglot@yahoo.co.in
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2016; પૃ. 17-18
![]()

