સાર્થક જલસો :
માનવામાં ન આવે એવી વાત છે. અત્યારે અમદાવાદમાં ભણતી અનુષ્કા નામની ઓગણીસ વર્ષની અંગ્રેજી કવયિત્રી, હિટલરે યહૂદીઓ માટે ઊભીકરેલી યાતના છાવણીઓનું દોજખ વેઠ્યા પછી ય જીવી ગયેલી બે મહિલાઓને ગયાં મે-જૂનમાં ચેક રિપબ્લિકમાં અલગ-અલગ દિવસે મળી. તેણે તેમની સાથે સમય વિતાવ્યો, તેમનાં સંભારણાં સાંભળ્યાં. કાળના પ્રવાહમાં હવે પછી ભાગ્યે જ કોઈને મળે તેવો આ અનુભવ ગણાય. અનુષ્કાએ તેને સંયત છતાં ય સોંસરી રીતે લખ્યો છે તે વાંચવા મળે છે. [પૂરક લેખ : હેલ્ગાની ડાયરી, લે. નીલા જયંત જોશી, નિરીક્ષક, તા. ૧૬-૪-’૧૬] ‘સાર્થક’ પ્રકાશનના ‘જલસો’ અર્ધવાર્ષિકના છઠ્ઠા અંકના ઉઘાડના ફોટા સાથેના લેખમાં – ‘આવી યાતના વેઠનાર અમે છેલ્લાં હોઈશું’. ‘સાર્થક’ની સાર્થકતા આવી ચીજોમાં છે!
પંદરમી મેએ છેતાળીસ ડિગ્રી તાપના મધ્યાહ્ને અવતરેલા આ નવા અંક થકી, વધતા જતાં તાપમાનવાળા અઠવાડિયામાં ય કેટલાકે વાંચવાનો ‘જલસો’ માણ્યો હશે. તાજા અંકમાં હંમેશ મુજબનાં વિષયવૈવિધ્ય અને સંપાદકીય માવજત છે. જીવનચરિત્રાત્મક લેખોમાં, ઉર્વીશ કોઠારીએ પ્રકાશ ન. શાહનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પ્રસન્નકારી નર્મવિનોદ અને ખાસ છબીઓ છે. આખી મુલાકાત પુસ્તક તરીકે આવશે. હર્ષલ પુષ્પર્ણાએ ‘વિજ્ઞાન, તત્ત્વજ્ઞાની, લાગણીસભર સ્વપ્નદૃષ્ટા’ રવજીભાઈ સાવલિયાનું જીવન આલેખ્યું છે. ચંદુ મહેરિયાનો ‘તમારું ખાહડું અને અમારું માથું’ લાક્ષણિક દલિત આપવીતી છે. ‘લાંબા લેખને બદલે નાની વિગતો-પ્રસંગો-લખાણો-ચિત્રો થકી ડૉ. આંબેડકરની ચીલાચાલુ કરતાં જુદી બહુરંગી છબી ઉપસાવાનો પ્રયાસ એટલે આંબેડકરગંગા’ – આવી સંપાદકીય નોંધ હેઠળ અગિયાર લખાણો મળે છે. આ પ્રકારનું એક પુસ્તક થઈ રહ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
અગ્રણી ગુજરાતી સાક્ષર નગીનદાસ પારેખ વિશે હસિત મહેતાએ ખૂબ માહિતી એકઠી કરીને લખેલા લેખમાં કેટલી ય બાબતો તો પહેલવહેલી વાર વાચકો સમક્ષ મુકાઈ છે. અલબત્ત, લેખના મથાળામાં ‘અનુવાદ સેનાપતિ’ શબ્દપ્રયોગ અને લેખનું લંબાણ ખટકે છે. લાંબા લેખ અને લંબાણવાળા લેખ વચ્ચેનો ભેદ પાડવો જરૂરી બનતો હોય તેવું દીપક સોલિયાના સ્વકથનમાં પણ બને છે. આ લખનારને લેખકની ‘નાનકડી જ્ઞાનગંગા’ વાચક માટે વધુ પડતી મોટી અને મંદગતિ લાગે છે. વળી એ વાંચતા એક વ્યક્તિના વિચારતરંગોના, તત્ત્વચિંતનમાં ઝબકોળાયેલા બયાન કરતાં વિશેષ કંઈ મળતું નથી. લેખકે તેમના બે અધ્યાપકો સાથેના સંબંધોનું કરેલું આલેખન હૃદયસ્પર્શી હિસ્સો છે. આ પહેલાના અંકમાં પણ એક બહુ લાંબો લેખ ઓએસિસ સંસ્થા વિશે હતો. પણ બંને લેખોમાં લંબાણ સિવાય કોઈ સામ્ય નથી. વળી, નગીનદાસ પારેખ, પ્રકાશ ન. શાહ અને દીપક સોલિયા દરેકને માટે સરાસરી પચીસ પાનાં ફાળવવામાં પ્રમાણ ચૂકી જવાયું હોય એવું પણ લાગે. સમીકરણની રીતે ન જોઈએ તો પણ એક વાત મનમાં આવે. ‘હિંદસ્વરાજ’ની યાદગાર ફેરરજૂઆત સહિત કેટલુંક તાજગીસભર લખાણ કરનારા પચાસ વર્ષના પત્રકાર દીપક સોલિયાની જિંદગીના એકાદ-બે તબક્કા વિશે આટલું બધું લખવા-વાંચવાનું થતું હોય, તો પંચોતેર વર્ષના વિચક્ષણ પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકાશ ન. શાહના જાહેર બાબતો(પબ્લિક અફેઅર્સ)ને સંપૂર્ણ સમર્પિત જીવન વિશે કેટલું અને કેવા સ્તરનું લખવા-વાંચવાનું થાય?
યુવા લેખકો આરતી નાયર અને શારીક લાલીવાલાએ તેમના લેખોમાં વંચિતો વચ્ચે કામ કરતાં થયેલા અનુભવોનું વર્ણન કર્યું છે. અન્ય નોંધપાત્ર લેખો છે : ‘એકવીસમી સદીમાં ભાર વિનાનું ભણતર’ (ઋતુલ જોષી, મીરાં થૉમસ), ‘સવાસો વર્ષ પહેલાં પાઠ્યપુસ્તકમાં સરકારી છેડછાડની પહેલી ‘દુર્ઘટના’ (બીરેન કોઠારી), ‘અજાણ્યા ઈશાન ભારતનો આત્મીય પ્રવાસ’ (લતા શાહ, અશોક ભાર્ગવ) અને હિન્દી ફિલ્મના વિલનોનાં નામની કહાણી (સલીલ દલાલ). વલ્લભ વિદ્યાનાગરના કિરણ જોશીના ચબરાકિયામાંથી ત્રણ : ‘જામમેં ડૂબ રહી હૈ યારોં / મેરે જીવન કી હર શામ’ (ટ્રાફિકમાં ફસાતા લોકોનું રાષ્ટ્રગીત), ‘પ્રેરણાત્મક પુસ્તક વાંચીને સુધરેલી વ્યક્તિને પછી દુનિયાની કોઈ જ તાકાત સુધારી શકતી નથી’, ‘રમેશ પારેખ કવિ હતા તો પણ કેવી જબરદસ્ત કવિતાઓ લખતા હતા!’
ઇલાબહેનનું સ્મરણ :
ગુજરાતના અસાધારણ નારીવાદી કર્મશીલ ઇલાબહેન પાઠક(૧૯૩૩-૨૦૧૪)ના ચોર્યાસીમા જન્મદિવસ નિમિત્તે અઠ્ઠ્યાવીસ જૂને એક કાર્યક્રમમાં ‘સંઘર્ષ સમતાનો’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. નારીઅભ્યાસ ક્ષેત્રના વરિષ્ઠ અધ્યાપક-સંશોધક કલ્પના શાહે લખેલા આ પુસ્તકમાં, ઇલાબહેને સ્થાપેલી ‘અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ-અવાજ’ સંસ્થાની કામગીરીનું વિહંગાવલોકન છે. આ પુસ્તકની પ્રત જોવા માટે ‘અવાજ’ની ભુદરપુરા શાખા પર ગયો હતો. ત્યાં સારાબહેન બાલદીવાલાએ સંસ્થાએ પોતાનાં પ્રકાશનોનું કાઉન્ટર ઊભું કર્યું છે, તે બતાવ્યું. તેની પર અમસ્તી નજર કરનારને પણ ‘અવાજ’ના કામના વ્યાપનો અંદાજ મળી શકે. આ પ્રકાશનો ભેટ મેળવવામાં ધન્યતા અનુભવી, તેમનાં નામ છે ‘ઓલવાયેલા દીવા’ ‘ગુજરાતમાં આત્મહત્યાનો અભ્યાસ’, ‘કાનૂની સહાયકેન્દ્રોના સામાજિક કાર્યકરો માટે માર્ગદર્શિકા’, ‘કુટુંબ સલાહકેન્દ્રોના સલાહકારો માટે માર્ગદર્શિકા’, ‘માનવ-અધિકાર ઘોષણાપત્રોઃ સંયુક્ત રાષ્ટ્રો ૧૯૪૮ અને ૧૯૯૩’, ‘મોકળાશની મથામણોઃ નારીવાદી દરમિયાનગીરી’, ‘યુવતી વિકાસકેન્દ્રોના કાર્યકરો માટે માર્ગદર્શિકા’, ‘સ્ત્રીના માનવાધિકારોના આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો’, ‘આફ્ટરમાથ ઑફ ડૉમેસ્ટિક વાયોલન્સ અગેઇન્સ્ટ વિમેન’, ‘ગાઇડલાઇન્સ ફૉર કાઉન્સેલર્સ ઑફ ફૅફ્લીએ કાઉન્સેલિન્ગ સેન્ટર્સ’, ‘સોશિયલ ઍન્ગેજમેન્ટ ઑફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ઇન સિવિલ સોસાયટી’ … તદુપરાંત મારી પાસે ‘પોલીસપોથી’ અને મહિલા જાગૃતિકરણ શિબિરો માટેની માર્ગદર્શિકા ‘અસ્તિત્વથી વ્યક્તિત્વ-વિકાસ’ પુસ્તક હતાં.
ઉપર્યુક્ત પ્રકાશનોમાંથી કેટલાંકમાં સમાજવિજ્ઞાની એડવિન મસીહી અને પ્રાધ્યાપક નલિની ત્રિવેદીનો સહયોગ છે. જો કે મોટાં ભાગનાંમાં મુખ્ય કામ ઇલાબહેનનું છે. ન ભૂલીએ ‘નારીવાદીની કલમે’, ‘નારીવાદીની નજરે’, ‘નારીવાદીનું આકલન’ અને ‘નારીવાદીનું મનોમંથન’ એવાં નામે પાર્શ્વ પ્રકાશને ૨૦૧૨માં બહાર પાડેલાં ઇલાબહેનનાં પુસ્તકો જે અત્યારે અપ્રાપ્ય હોવાનું જાણવા મળે છે. ઇલાબહેનની વૈચારિક ભૂમિ કેટલી અભ્યાસપૂત હતી તે આ પુસ્તકોમાં દેખાય છે. નારીવાદી વિચારધારાની ઊંડી સૈદ્ધાંતિક સમજમાંથી નીપજેલાં આ લેખનમાંથી જણાઈ આવે છે કે ભારતીય અને ગુજરાતનાં સ્ત્રીજીવનનું ભાગ્યે જ કોઈ પાસું એવું છે કે જેના વિશે ઇલાબહેનને તીક્ષ્ણ નજરે અને સ્પષ્ટ રીતે કંઈ કહેવાનું ન હોય.
આવો પણ પુસ્તકપ્રેમ :
રાજેન્દ્ર પરમાર કોઈ અધ્યાપક, લેખક, સંશોધક નથી. અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના નિવૃત્ત કર્મચારી એવા રાજેન્દ્રભાઈ ગૂજરાત વિદ્યાપીઠ કે સાહિત્ય પરિષદમાં યોજાતા કાર્યક્રમોમાં શાહીબાગથી ખસૂસ આવતા નિસબતી નાગરિક છે. એ અદના વાચક પણ છે. હમણાં તેમને એક દુર્લભ પુસ્તકની શોધ હતી. આ પુસ્તક એટલે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે ૧૯૫૦માં પ્રસિદ્ધ કરેલી બૂકર ટી. વૉશિંગ્ટનની, પ્રફુલ્લ પ્રા. ઠાકોરે ગુજરાતીમાં ઊતારેલી આત્મકથા, કિંમત દોઢ રૂપિયો. બુકર ટી. (૧૮૫૮-૧૯૧૫) અમેરિકામાં ગુલામીની મુક્તિ અને પુનર્વસના સંઘર્ષનો એક આગેવાન, કેળવણીકાર, વક્તા, લેખક. એમના આત્મવૃતાંતના પુસ્તક માટે રાજેન્દ્રભાઈએ બહુ કોશિશ કરી. તાજેતરમાં ‘નિરીક્ષક’ અને ‘ભૂમિપુત્ર’માં નિવેદન પણ આપ્યાં. પણ એ છપાય તે પહેલાં એમને પુસ્તક મળી ગયું. તેના માટે ક્યાંકથી ફોન નંબર મેળવીને ફોન કર્યો, એકાદ વાર યાદ કરાવ્યું, એકાદ મહિનો રાહ જોઈ. પુસ્તકની નકલ કઢાવીને પછી એ પાછું આપવા આવ્યા ત્યારે આ જ આત્મકથાનો અશોક વિદ્વાંસે કરેલો, ‘વિચારવલોણું’ પ્રકાશને બહાર પાડેલો ભાવાનુવાદ ભેટ તરીકે આપી ગયા. વળી, હિટલરે કરેલા માનવસંહારને લગતું એક મહત્ત્વનું જણાતું પુસ્તક ‘જવાબ માગે છે જિંદગી’ (ઓએસિસ પ્રકાશન,૨૦૦૮) વાંચવા માટે આપી ગયા. તેમાં નાઝી યાતના-છાવણીમાં રહી ચૂકેલા મનોવિજ્ઞાની વિક્ટર ફ્રેન્ક્લના ‘મૅન્સ સર્ચ ફૉર મીનીંગ’ પુસ્તકની સંજીવ શાહે પોતાની રીતે રજૂઆત કરી છે.
ગાંધીનગરના યુવા સરકારી અધિકારી યતીન કંસારાને પરિચય પુસ્તિકાઓ વસાવવાની ઘેલછા છે. અત્યાર સુધી બહાર પડેલી તેરસો જેટલી પરિચય પુસ્તિકાઓમાંથી નવસોથી વધુ તે ભેગી કરી શક્યા છે, શોધ ચાલુ છે. તાજેતરમાં સોએક પુસ્તિકાઓ તેમણે અમદાવાદની એક કૉલેજના ગ્રંથાલયમાંથી મેળવી. કેશોદના વતની યતીન કેમિસ્ટ્રી સાથે સ્નાતક અને સમાજકાર્ય સાથે અનુસ્નાતક થઈને હંગામી અધ્યાપક પણ હતા. સાહિત્યરસિક યતીન પાસે બે હજારથી વધુ પુસ્તકો છે. જેમાંથી મોટાભાગના રાજકોટ અને અમદાવાદની ગુજરીમાંથી વસાવ્યાં છે. પક્ષીનિરીક્ષણમાં રસને કારણે તેમણે પક્ષીઓ વિશેનાં દુર્લભ પુસ્તકો વસાવ્યાં છે. એક નિવૃત્ત સરકારી અધિકારીએ તેમને પોતાનો પુસ્તકસંગ્રહ આપ્યો તેની વાત કરતાં તેમને થઈ રહેલા હરખનો ફોન પર પણ અંદાજ આવતો હતો. યતીન સાહિત્યના કાર્યક્રમોમાં જોવા મળે છે. દર શનિ-રવિ બંગાળી શીખવા વિદ્યાપીઠમાં આવે છે. પત્ની પણ નોકરી કરે છે, લખે છે. બે વર્ષની દીકરી છે. ત્રણેય સાથે પ્રવાસ પણ કરી આવે છે. બાંધ્યા પગારવાળા સરકારી કર્મચારી હોવા છતાં યતીનભાઈ પુત્રી – પત્ની – પુસ્તકો – પક્ષીઓના સંગાથે રસિક જિંદગી જીવે છે. પરિચય પુસ્તિકાઓ પ્રત્યેનો પ્રેમ પત્રકાર-કોલમિસ્ટ દિવ્યેશ વ્યાસમાં પણ જણાઈ આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના વિદ્યાર્થી હોવા દરમિયાન તેઓ પરિચય પુસ્તિકા મેળવવા એક પુસ્તક સંગ્રાહકને ત્યાં સુરેન્દ્રનગર જઈ આવ્યા હતા.
વિશ્વાસ કેળકર મરાઠી પુસ્તકોનું ફરતું પુસ્તકાલય ચલાવે છે. તે દર પંદર દિવસે સ્કુટી પર થેલામાં ત્રીસેક પુસ્તકો મૂકીને તેમના સભ્યોના ઘરે જાય છે. તેમાંથી સભ્ય બે પુસ્તકો પસંદ કરે છે, જે બીજા પખવાડિયાના ફેરામાં બદલાવી શકાય છે. મરાઠી ભાષામાં બહાર પડતાં પુસ્તકોમાં અપાર વૈવિધ્ય હોય છે. તેને શક્ય એટલું સમાવવા માટે કેળકર કોશિશ કરે છે. તે પોતે અચ્છા વાચક છે, એટલે તેમની પસંદગી પણ ઉત્તમ હોય છે. પૂના-મુંબઈ જાય ત્યારે પુસ્તકો વસાવે છે. ઑનલાઈન મગાવે છે. પ્લાસ્ટિકના પૂંઠાંમાં પુસ્તકો સરસ રીતે સચવાય છે. તેમનું આખું કામ જ મરાઠીમાં કહીએ તો ‘સુટસુટીત’! એમના ઘરે જઈને ય પુસ્તકો લઈ શકાય, ક્યારેક એકાદ પુસ્તક વધારાનું ય માગી શકાય. નાટક અને સંગીતમાં ખૂબ રસ ધરાવતા કેળકર નિવૃત્ત ઇજનેર છે. તેમની પ્રવૃત્તિ એ તેમના મરાઠી વાચકો પર તેમણે કરેલું અનંત ઋણ છે.
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2016; પૃ. 10-11