ડૉ. બીજુ (બીજુકુમાર દામોદરણ) એ ભારતીય સિનેમામાં મલયાલમ ભાષાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક છે. વર્ષ ૨૦૧૪માં તેમની ફિલ્મ Names Unknownને કુલ બે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા, જેમાં Best Film on Environment Conservation / Preservation અને Best Actorની શ્રેણીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૫માં આવેલી તેમની ફિલ્મ Birds With Large Wingsને પણ Best Film on Environment Conservation / Preservationની શ્રેણીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
આ ફિલ્મનો વિષય એક કુદરતી હોનારત પર આધારિત હતો. જેમાં વર્ષ ૧૯૭૬થી ૨૦૦૦ દરમિયાન કેરળમાં એન્ડોસલ્ફન પેસ્ટીસાઈડના વપરાશના કારણે ૫૦,૦૦૦ કરતાં વધુ ગામડાંઓમાં તેની આડઅસર થઇ હતી, અને તેનાં કારણે પુરુષો, મહિલાઓ, બાળકો, માછલીઓ, દેડકાંઓ અને પાળતું પ્રાણીઓનાં મૃત્યુ થયાં હતાં.
હવે ડૉ. બીજુની આગામી ફિલ્મ When the Woods Bloom આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ UAP Act (Unlawful Activities Prevention Act) વિશે છે. આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને માઓઇસ્ટ અને રાષ્ટ્રદ્રોહી જાહેર કરી તેની ધરપકડ કરી શકાય છે અને આ માટે કોઈ પુરાવાની પણ જરૂરિયાત રહેતી નથી તેમ જ જે-તે વ્યક્તિની જામીન માટે પણ કોઈ નિશ્ચિત સમયગાળો નથી. ઘણા લોકો આ કાયદાનો ભોગ બની ચૂક્યા છે. આ લેખમાં હવે આપણે ડૉ. બીજુના જીવન અને તેમના સંઘર્ષ વિશેની માંડીને વાત કરીશું. અહીં પ્રસ્તુત છે ડૉ. બીજુના જીવન અને તેમના સંઘર્ષ વિશેની વાત તેમના જ શબ્દોમાં:
હું [ડૉ. બીજુ] કેરાલાના ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. મારા પિતા સરકારી કર્મચારી હતા અને ક્લાર્ક તરીકે કાર્ય કરતા હતા. મારા માતાપિતાને સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો અને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં ભવિષ્ય કેવું છે તે અંગે પણ તેઓને કોઈ ખ્યાલ નહોતો, છતાં પણ તેમણે મને ક્યારે ય નિરાશ કર્યો નથી અને ફિલ્મ બનાવતી વખતે મને ખૂબ મદદ કરી છે. મને યાદ છે કે બાળપણમાં મારા પિતા મને રિચાર્ડ એટેનબોરોની ફિલ્મ ‘ગાંધી’ જોવા લઇ ગયા હતા. મારે આ ફિલ્મ ભોંયતળિયે બેસીને જોવી પડી હતી કારણકે હું એક દલિત પરિવારમાંથી આવું છું અને માત્ર ઉચ્ચ વર્ગના લોકો જ ખુરશીમાં બેસીને ફિલ્મ જોઈ શકતા હતા.
મને બાળપણથી જ વાંચનની એક સારી આદત હતી અને મને યાદ છે ત્યાં સુધી હું ચોથા ધોરણમાં હતો ત્યારે હું મારા ઘર પાસેના એક પુસ્તકાલયનો સભ્ય બન્યો હતો અને દરરોજ એક પુસ્તક લાવીને વાંચતો હતો. મેં મારા શાળાકીય સમયમાં જ ઘણાં બધા મલયાલમ લેખકોને વાંચી લીધા હતા. એક સમયમાં મારી પાસે આસપાસના ગામડાંઓમાં થઈને કુલ છ પુસ્તકાલયોનું સભ્યપદ હતું. પુસ્તકો અને વાંચન થકી મેં મારી આસપાસના વિશ્વને જાણ્યું છે. હું કોલેજમાં આવ્યો ત્યાં સુધી મેં માત્ર વ્યવસાયિક મલયાલમ ફિલ્મ્સ જ જોઈ હતી અને જ્યારે હું ઉચ્ચ શિક્ષણ માટે ત્રિવેન્દ્રમ આવ્યો ત્યારે તે સમયે ત્યાં The Kerala International Film Festivalનું આયોજન કરવામાં આવ્યું હતું. મેં ત્યાં ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ઈરાનિયન અને ટર્કીશ ફિલ્મ્સ જોઈ અને મને એ વાતનો અનુભવ થયો કે આ તમામ ફિલ્મ્સ મલયાલમ ફિલ્મ્સ કરતાં ખૂબ અલગ છે અને આ ફિલ્મ્સમાં રાજકીય, સામાજિક અને કાવ્યાત્મક દ્રષ્ટિકોણ રહેલો છે. ઈરાનિયન સિનેમાએ મારા મન પર ખૂબ ઊંડી અસર કરી.
હું વ્યવસાયે હોમિયોપેથી ડોક્ટર છું. પહેલા હું ડોક્ટર બન્યો અને ત્યાર બાદ ફિલ્મમેકિંગના વ્યવસાયમાં આવ્યો. હું માનું છું કે ફિલ્મમેકિંગ એ કમાણી કરવા માટેનો વ્યવસાય નથી પરંતુ એ એક પ્રકારનો જુસ્સો (Passion) છે. હું જે ક્ષણે એવું વિચારીશ કે મારે ફિલ્મમેકિંગ થકી કમાણી કરવી છે તે ક્ષણે હું મારી વિચારધારા અને મારા સામાજિક દ્રષ્ટિકોણને ગુમાવી બેસીશ. મને મારા ડોકટરના વ્યવસાય થકી જે કમાણી થાય છે તેનાથી હું સંતુષ્ટ છું અને એટલે જ મને ફિલ્મ બનાવતી વેળાએ વિવિધ વિષયો પસંદ કરવાની અને તેને ન્યાય આપવાની આઝાદી મળે છે.
હાલ હું એક સરકારી નોકરી કરું છું અને તે સાથે જ સમય નિકાળીને ફિલ્મ્સ પણ બનાવું છું. મારું એવું માનવું છે કે આપણા દેશમાં કેટલા ય લોકો ફૂટપાથ પર રહે છે છતાં આપણે ૧૦૦ કરોડની ફિલ્મ્સ કેમ બનાવીએ છીએ? આ લોકોને સરકાર તરફથી પણ કોઈ મદદ મળતી નથી અને મુખ્ય પ્રવાહનું મીડિયા પણ આ પ્રકારના મુદ્દાઓને પ્રકાશમાં લાવતું નથી. મારા મત મુજબ એક આર્ટિસ્ટ હંમેશાં સમાજ તરફી હોવો જોઈએ અને તેણે તેના કાર્યમાં સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મારી પણ આ જ વિચારધારા છે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં મેં ઘણું બધું વૈશ્વિક સિનેમા જોયું છે અને દર વર્ષે હું આશરે ૧૦ જેટલાં ફિલ્મ ફેસ્ટિવલમાં મારી ફિલ્મ સાથે અથવા એક જ્યુરી તરીકે હાજરી આપું છું અને આ સાથે મેં વિશ્વભરના ફિલ્મ દિગ્દર્શક સાથે ઘણો સારો સંબંધ વિકસાવ્યો છે. મારા પ્રિય ફિલ્મમેકરમાં સાઉથ કોરિયન દિગ્દર્શક કિમ કી ડુક અને ઈરાનિયન ફિલ્મ દિગ્દર્શક મજીદ મજીદી અને સાથે રોમન પોલાન્સકી પણ સામેલ છે.
કેરળમાં ઘણા બધા લોકોને મારી ફિલ્મ વિષે કોઈ ખ્યાલ નથી અને મારી ફિલ્મ્સ તેઓએ જોઈ પણ નથી કારણ કે કેરળના થિયેટરમાં આ પ્રકારની ફિલ્મ્સ પ્રદર્શિત કરવામાં આવતી નથી અને સાથે The Kerala International Film Festivalમાં પણ અત્યાર સુધી મારી કોઈ પણ ફિલ્મને યોગ્ય ન્યાય મળ્યો નથી. મારી તમામ ફિલ્મ્સને વૈશ્વિકસ્તરે ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ખ્યાતિ મળી છે. આપણા દેશમાં કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ મારી ફિલ્મ્સની જે-તે ફિલ્મ સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. મેં અત્યાર સુધી કુલ છ ફિલ્મ્સ બનાવી છે અને આ તમામ ફિલ્મ્સને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. મેં ફિલ્મ બનાવવા માટેનું કોઈ પ્રકારનું શિક્ષણ મેળવ્યું નથી અને માત્ર ફિલ્મ્સ જોઈ અને તેનો અનુભવ કરીને હું ફિલ્મમેકર બન્યો છું.
મારી પ્રથમ ફિલ્મ બનાવતી વખતે મેં મારા જીવનમાં સૌપ્રથમ વખત ફિલ્મ શૂટિંગ કેમેરા જોયો હતો. મેં મારી પ્રથમ ફિલ્મ ‘Saira’ માત્ર ૧૬ લાખના બજેટમાં બનાવી હતી અને આ ફિલ્મ માટે હું લગભગ ૬૦ પ્રોડ્યુસરને મળ્યો હતો પણ તે તમામ લોકોએ મારી ફિલ્મ અને તેના વિષયને નકારી કાઢ્યા હતા. મારા મત પ્રમાણે સિનેમાનું સમાજમાં ઘણું મોટું યોગદાન રહેલું છે પણ આજકાલ આપણે ફિલ્મ્સ માત્ર મનોરંજન માટે જ બનાવીએ છીએ. પરંતુ ફિલ્મ્સમાં એ પ્રકારનો સામાજિક દ્રષ્ટિકોણ અને મુદ્દાઓ હોવા જોઈએ કે જેને ભવિષ્યમાં પણ ચર્ચા માટેનું યોગ્ય સ્થાન મળી રહે. કોઈપણ ફિલ્મ પર ક્યારે ય પ્રતિબંધ મૂકવો જોઈએ નહિ અને દરેક ફિલ્મમેકરને તેની અનુકૂળ ફિલ્મ બનાવવા માટેની આઝાદી હોવી જોઈએ અને પછી દર્શક પર એ વાત છોડવી જોઈએ કે તેમને જે-તે વિષય આધારિત ફિલ્મ્સ જોવી કે નહિ.
મારી પ્રથમ ત્રણ ફિલ્મ્સને “Terror Trilogy” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં “Saira” (2005), (Raman, 2008) અને “The Way Back Home” (2010) ફિલ્મ્સનો સમાવેશ થાય છે. મારી ફિલ્મ્સમાં સામાજિક મુદ્દાઓ જોવા મળે છે કારણ કે હું એક પછાત સમાજમાંથી આવું છું અને આ પ્રકારના સામાજિક મુદ્દાઓને મેં નજર સમક્ષ જોયા છે અને અનુભવ્યા છે. આપણને જ્યારે પણ કોઈ પ્રકારની અન્ય સગવડો પ્રાપ્ત થાય ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આપણા દેશમાં અને દુનિયામાં એવા ઘણાં લોકો છે કે જેમને આ પ્રકારની કોઈ સુવિધાઓ મળતી નથી. માટે જ્યારે આપણે કશુંક પ્રાપ્ત કરીએ ત્યારે આપણે તે અન્ય લોકોને પણ કશું આપવું જોઈએ અને એ જ મારી વિચારધારા છે.
E-mail: nbhavsarsafri@gmail.com
![]()

