
યશવંત શુક્લ
આપણા ઉત્તમ કક્ષાના પત્રકાર / સાહિત્યકાર / અનુવાદક યશવંત શુકલ (8 એપ્રિલ 1915 / 23 ઑક્ટોબર 1999)નો એક લેખ – ‘ઐતિહાસિક સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન’ ‘સ્વામિનારાયણ સંતસાહિત્ય’ પુસ્તકમાં રઘુવીર ચૌધરીએ મૂક્યો છે.
યશવંત શુક્લને 1985માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1992માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. તેમણે મેકિયાવેલીના ‘ધ પ્રિન્સ’નો અનુવાદ ‘રાજવી’ અને બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ (1970) ‘સત્તા’ કર્યો છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ કરનાર વિદ્વાન વ્યક્તિ પરચાજીવી સહજાનંદજીને ભગવાન માનતા હતા !
યશવંત શુક્લ લખે છે : “સ્વામિનારાયણના સમાજ-સંદર્ભ વિશે વિચારીએ. મોગલ સામ્રાજ્યની અવનતિ થઈ તે પછી મરાઠી રિયાસતો આવી. તે ગાળામાં આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો. મુલકગિરિ, ઈજારાશાહી, વેઠની પદ્ધતિ, દુકાળો, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતા, વહેમો-ભૂત પ્રેતના, વળગાડના – આ બધો આપણો પરિવેશ હતો. રાજ્યો છિન્નભિન્ન હતાં. જેનું રાજ્ય કહી શકાય તે પણ સીધું રાજ્ય કરતા નહોતા. રાજાઓ પણ લૂંટારા જેવા હતા. ગાયકવાડનું રાજ્ય હતું, ગાયકવાડને પેશ્વા લૂંટતો. ગાયકવાડ ઇજારદારોને લૂંટતા, ઇજારદારો પ્રજાને લૂંટતા. આમ એક લૂંટણખોરી વચ્ચે લોકો જીવતા હતા અને એમાંયે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાનું મુખ્ય કાર્ય ગોઠવ્યું તે સૌરાષ્ટ્રમાં પણ 200 કરતાં વધારે રજવાડાં હતાં. આ બધાને ભેગા કરીને કશીક શાંતિ જળવાય એ કરવા માટે અંગ્રેજો પણ વચ્ચે પડેલા … આપણને આશ્ચર્ય થાય છે કે 1781માં જન્મેલા હરિપ્રસાદ પાંડેના પુત્ર અહીં કેમ આવ્યા? જ્યાં અનિશ્ચિતતા હતી, અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી. તેમણે અહીં આવી 30 વર્ષ કાર્ય કર્યું. પોતે યુગસર્જક બની ગયા. તેઓ અહીં આવી શક્યા તેનું એક મૂળ કારણ આ છે : અહીં સામાન્ય પ્રજાજન બહાદૂર હતો, બીકણ નહોતો. તે વખતના વાણિયાઓ પણ શસ્ત્રો ચલાવી જાણતા. બ્રાહ્મણોમાં પણ એક પ્રકારની હિંમત હતી. રાજ ગમે તે કરતો હોય, ગમે તેમ કરતો હોય, છતાં એક મજબૂત ગ્રામવ્યવસ્થા હતી. એમાં મહાજનો નિર્ણાયકો હતા. તેને કારણે એક આઘાત આવે અને તે આઘાત પૂરો થાય એટલે ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું. આ ગ્રામસ્વરાજ્યને કારણે પ્રજા છિન્નભિન્ન થતી અટકી ગઈ અને પોતાનું અસ્તિત્વ પણ સંભાળી શકી … બે લાખ જેટલા માણસો થોડા વખતમાં જ તેમના અનુયાયી થઈ ગયા. કાઠીઓ, ક્ષત્રિયો લૂંટારાઓ આ બધા એમના શરણે આવ્યા, એમના જીવનમાં પરિવર્તન થયું અને પરિવર્તન પણ એવા પ્રકારનું કે તેમને ‘તેવાને તેવા રાખીને અથવા બીજાને તેમની સાથે ભેળવીને એમને નીચે ઉતારીને નહીં, પણ ખુદ આ નીચલા વર્ગને-એ હિંદુ હોય, એ મુસલમાન હોય, એ પારસી હોય કે બીજી કોઈ કોમના હોય તેમને-ઊંચા લીધા.’ અનાયાસે શાંતિ પ્રસારવામાં ઘણો મોટો હિસ્સો સ્વામિનારાયણ ભગવાને આપ્યો. દંડભયથી જે ન થઈ શક્યું તે પ્રેમશક્તિથી ભગવાન સ્વામિનારાયણે સિદ્ધ કર્યું. તેઓ ‘વન મેન પીસ-કીપિંગ બ્રીજ’ બની રહ્યા. જે લોકો સત્સંગી નહોતા તેની ઉપર પણ તેની છાયા પડે તેવું નિર્માણ થયું એ સ્વામિનારાયણ ભગવાનની એક મોટામાં મોટી સિદ્ધિ છે. કિશોરલાલ મશરૂવાળાએ તેમને ભગવાન બુદ્ધ સાથે સરખાવ્યા છે અને કહ્યું છે કે પોતાના કાળમાં પ્રસિદ્ધ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતા.” (પેજ -124 / 125 / 126 / 127)
થોડાં પ્રશ્નો :
[1] જો આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો, તો સહજાનંદજીએ; મુલકગિરિ, ઈજારાશાહી, વેઠની પદ્ધતિ, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતા, વહેમોને દૂર કરવા શું યોગદાન આપ્યું? તેઓ પોતે ગઢડાના જમીનદારના આશરે હતા, તેમણે જમીનદારી નાબૂદ કરવા ક્યા પગલાં લીધાં હતા? ઇજારાશાહી દૂર કરવા ક્યો વિચાર આપેલ? વેઠપ્રથા દૂર કરવા ક્યું અભિયાન ચલાવેલ? તેમનું સાહિત્ય જ અઢળક પરચાઓ / ચમત્કારોથી ભરેલા છે તે અંધશ્રદ્ધા દૂર કરે કે દૃઢ કરે? મહિલાઓએ વસ્ત્ર પહેરીને જ નહાવું / રજસ્વલા દરમિયાન અસ્પૃશ્યતા ફરજિયાત પાળવી / વિધવાએ પુનર્લગ્ન કરવાને બદલે ભક્તિ કરી જીવન ગાળવું / વિધવાએ એક વખત જ ભોજન કરવું; આ શું અંધશ્રદ્ધા નથી? વળી સહજાનંદજીએ 70 વર્ષના હરબાઈ અને વાલબાઈને માત્ર મહિલાઓને ઉપદેશ આપવા આદેશ કર્યો તે સહજાનંદજીનું પ્રગતિશીલતા વિરુદ્ધનું પગલું ન હતું? જ્ઞાતિસંસ્થાની જડતા દૂર કરી કે દૃઢ કરી? શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવાનો આદેશ શિક્ષાપત્રીમાં કેમ આપ્યો? હજુ આજે 2025માં પણ આ સંપ્રદાયમાંથી જ્ઞાતિજડતા જોવા મળતી નથી?
[2] રાજાઓ / ઈજારદારો / અંગ્રેજો લોકોને લૂંટતા; પરંતુ આ લૂંટ અટકાવવા સહજાનંદજીએ શું કાર્યવાહી કરી? ક્યો એક્શન પ્લાન આપ્યો? માત્ર ભક્તિ કરવાથી આ સમસ્યા દૂર થાય? જો સહજાનંદજી ખુદ ભગવાન હતા તો રાજાઓને / ઈજારદારો ને/ અંગ્રેજોને સીધા કેમ ન કર્યા? રાજાશાહી દૂર કરી, લોકોનું શાસન સ્થાપવા હાકલ કેમ ન કરી? ખુદ ભગવાન હોવા છતાં શા માટે અંગ્રેજોની ગુલામી કરી? ‘રાજાને ક્યારે ય ખાલી હાથે ન મળવું’ એવો આદેશ શિક્ષાપત્રીમાં કેમ આપ્યો?
[3] શું સહજાનંદ સૌરાષ્ટ્રમાં એટલે આવ્યા હતા કે ‘અહીંનો સામાન્ય પ્રજાજન બહાદુર હતો, બીકણ નહોતો. તે વખતના વાણિયાઓ પણ શસ્ત્રો ચલાવી જાણતા. બ્રાહ્મણોમાં પણ એક પ્રકારની હિંમત હતી. રાજ ગમે તે કરતો હોય, ગમે તેમ કરતો હોય, છતાં એક મજબૂત ગ્રામવ્યવસ્થા હતી. એમાં મહાજનો નિર્ણાયકો હતા. તેને કારણે એક આઘાત આવે અને તે આઘાત પૂરો થાય એટલે ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું.’ જો અહીં ‘ફરી પાછું ગ્રામ ગોઠવાઈ જતું’ હોય તો સહજાનંદજીને યુગસર્જક કહી શકાય? વળી તેમની જરૂર છપૈયા – ઉત્તર પ્રદેશમાં વધુ હતી, કેમ કે સૌરાષ્ટ્ર / ગુજરાતમાં તો નરસિંહ મહેતા / અખા ભગત / કબીર / વલ્લભાચાર્ય વગેરે સંતોની અસર હતી જ. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લોકો જંગલી ન હતા. વ્યસની ન હતા. પરિશ્રમી અને ખડતલ હતા. સહજાનંદજીનું સૌરાષ્ટ્રમાં આવવાનું કારણ એ હતું કે અહીંના લોકો સાધુ-સંતોનો વિશેષ આદર કરનારા હતા, ભોળા હતા.
[4] ‘આ નીચલા વર્ગને, નીચે ઉતારીને નહીં પણ એમને ઊંચા લીધા.’ શું આ મોટો ભ્રમ નથી? વર્ણવ્યવસ્થાનું સમર્થન કરનાર કઈ રીતે નીચલા વર્ગને ઉપર લે? શું કોઈ ભક્ત બને, ટીલાંટપકાં કરે એટલે ઊંચા લીધા કહેવાય? જો માણસ માત્રને ઊંચા લેવાં હતાં તો દલિતોને તિલક કરવાની મનાઈ શિક્ષાપત્રીમાં કેમ કરી? કોઈ એકાદ મુસ્લિમ કે પારસી સત્સંગી / ભક્ત બને એટલે તેને ઊંચા લીધા કહેવાય? આજે કેટલા મુસ્લિમો / પારસીઓ / દલિતો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે?
[5] જો સહજાનંદજી ‘વન મેન પીસ-કીપિંગ બ્રીજ’ બની રહ્યા હોય તો માત્ર સૌરાષ્ટ્ર / ગુજરાત માટે જ કેમ? શા માટે પોતાની જન્મભૂમિમાં શાંતિ ન સ્થાપી? જો તેઓ ભગવાન હતા તો આખા દેશમાં શા માટે શાંતિ ન સ્થાપી?
[6] ‘જે લોકો સત્સંગી નહોતા તેની ઉપર પણ તેની છાયા પડે તેવું નિર્માણ થયું’ આમાં તથ્ય કેટલું? સહજાનંદજી કોલેરાની બીમારીથી 1 જૂન 1830ના રોજ મૃત્યુ પામ્યા. તેના 77 વર્ષમાં જ 5 જૂન 1907ના રોજ મૂળ વડતાળ સંપ્રદાયમાંથી વિમુખ બની BAPS-બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા જુદી પડી. મતલબ કે પોતાના સંપ્રદાયમાં જ ઝઘડાઓ થયા ! ખુદ સત્સંગીઓ જ ઝઘડ્યા ! સહજાનંદજીની અસર બિનસત્સંગીઓ પર પડી, તેમ કહી શકાય?
[7] સહજાનંદજી વિશે કિશોરલાલ મશરૂવાળાના વાક્યો ઘણા લોકો વિચાર્યા વિના વાપરે છે. શરુઆતમાં કિશોરલાલ સ્વામિનારાયણ ભક્ત હતા. કપાળે તિલક-ચાંદલો કરતા. પરંતુ પાછળથી તિલક-ચાંદલાનો ત્યાગ કર્યો હતો. કિશોરલાલ મશરૂવાળાએ ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય’ નામનું પુસ્તક 1922માં લખ્યું હતું અને નવજીવન ટ્રસ્ટે છાપ્યું હતું. આ પુસ્તકના પેજ-111માં કિશોરલાલ લખે છે :”સ્વામિનારાયણ સંપ્રદાયની એક પણ પ્રસિદ્ધ વ્યક્તિ કોઈ કોઈનો અવતાર નથી મનાઈ એમ ભાગ્યે જ બન્યું છે ! એ કલ્પનાઓ જેને પ્રથમ સ્ફુરી હશે એની એમાં પ્રામાણિક શ્રદ્ધાયે હશે, પણ તેથી એનું કાલ્પનિક રૂપ ઓછું થતું નથી. મને પોતાને તો લાગે છે કે એવો પૌરાણિક કથાઓનો આધાર હોય તો જ સહજાનંદ સ્વામી પ્રત્યેની ભક્તિ અચળ રહે અથવા વધે એ સ્થિતિ ઇષ્ટ નથી. જો એમનું સીધું જીવનચરિત્ર એમને લોકોત્તર ન દાખવી શકે તો આવી કથાઓને આધારે એમને અલૌકિક દેખાડવાની મને ઈચ્છા નથી.” આ પુસ્તક લખ્યા પછી, 47 વર્ષ બાદ 1969માં કિશોરલાલે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક લખ્યું. આ પુસ્તક પણ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરેલ છે. આ 47 વરસમાં (જો કે કિશોરલાલે 11 ઓગસ્ટ 1947ના રોજ, આ કહ્યું હતું એટલે કે 25 વરસ પછી) કિશોરલાલ મશરૂવાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું છળકપટ / પાખંડ બરાબર સમજી ગયા હતા; એટલે તેમણે લખ્યું : “કોઈ મનુષ્યને પરમેશ્વર કે પેગંબરની કોટિમાં મૂકવો નહીં. કોઈને અસ્ખલનશીલ, જેના વિચાર કે વર્તનમાં ભૂલ હોઈ જ ન શકે એવો માનવો નહીં. અને તેથી તેનું એકેએક ચરિત્ર શુદ્ધ, દિવ્ય, શ્રવણ-કીર્તન યોગ્ય જ છે એમ સમજવું નહીં. સામાન્ય જગતના હિતમાં જે કમમાં કમ સદાચારના નિયમો માન્ય હોય, તેને ભંગ કરવાનો અધિકાર કોઈને ન હોય. તે વ્યક્તિની વિશેષ પવિત્રતાના સબબસર તો ન જ હોય. અશુદ્ધ વૃત્તિના મનુષ્યો સદાચારના નિયમોનો ભંગ કરે એમાં નવાઈ નથી. એ માટે સમાજ પોતપોતાની રીતે એનો નિષેધ કરવાનો અને તેને શિક્ષા પણ કરવાનો. શુદ્ધ વૃત્તિના મનુષ્યો તે નિયમોનું વધારે ચીવટથી પાલન કરે. તેમાંથી નીકળવાની ઈચ્છા ન કરે. માટે મહાત્મા પુરુષોએ સમાજહિતવિરોધી આચારો કર્યા હોય તો તેને છાવરવાનો પ્રયત્ન ન કરવો; તે એમની ઉણપો જ હતી એમ સ્પષ્ટ કહેવું. તેથી એવાં ચરિત્રોની પ્રશંસાનાં કીર્તનપદ-ભજન વગેરે ન કરવાં. એવાં રૂપકો પણ ન યોજવાં.” શું સ્વામિનારાયણના હરિભક્તો / સત્સંગીઓ આમાંથી કોઈ બોધ લેશે? કિશોરલાલ મશરૂવાળાને જે મોહભંગ થયો હતો હતો, તે સત્ય શા માટે છૂપાવવામાં આવે છે? શું યશવંત શુક્લે સ્વામિનારાયણનું પરચા સાહિત્ય વાંચ્યું હશે? શું તેમણે ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તક વાંચ્યું હશે? સાહિત્યકારોમાં પણ ક્લેરિટીનો અભાવ કેમ રહેતો હશે?
સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર