Opinion Magazine
Number of visits: 9508987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રસ્ટિકેટ થયો

રસિકભાઈ શિવલાલ શાહ|Opinion - Opinion|17 August 2022

આજે દેશ આઝાદ થઇ ગયો તેને ૭૫ વર્ષ થઇ ગયાં છે. કેટલાં ય નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વતંત્રતાની ચળવળના ઇતિહાસની જેમ ભુલાઇ ગયા છે. આજીવન ગાંધી મૂલ્યો અનુસાર જિંદગી જીવનાર એક ભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સેનાની, પ્રેસ પ્રતિનિધિ અને ગૃહપતિ એવા મારા પિતાશ્રી સ્વ. રસિક્ભાઈ મારવાડીની ડાયરીના એક પેજનો કેટલોક અંશ આ આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રસ્તુત કરવાનું અ‍સ્થાને નહીં લેખાય. આ અંશ તેમણે લખેલ રદ્દી પેપર અને ચોપનિયા પાછળ લખેલાં લખાણ પરથી સંક્લન અને સંપાદિત (ડૉ. જનક શાહ અ‍ને શ્રીમતી ભારતી શાહ) કરેલા તેમના પુસ્તક ‘વંદેમાતરમ’માંથી પ્રસ્તુત કરેલ છે. મારા પિતાશ્રી વરસો સુધી લીંબડી ખાતેના વિવિધ સમાચારપત્રોના પત્રકાર રહ્યા હતા.

− ભારતી શાહ

રસ્ટિકેટ થયો

૧૯૩૨માં હતો ત્યારે એક બીજો બનાવ બન્યો અને મારે સ્કૂલ છોડવી પડી. ૧૯૩૨માં વાઇસરૉય લોર્ડ વિલિંગ્ડન અને લેડી વિલિંગ્ડન નવા પૂલના ઉદ્ઘાટન માટે લીંબડી આવ્યા. અમને તેમનું સ્વાગત કરવા સ્ટેશને જવાનું ફરમાન થયું. બ્રાહ્મણ બોર્ડિંગના વિદ્યાર્થી રવીન્દ્રનાથ અને મેં સ્વાગત કરવા જવાની ના પાડી. રાજ્યની પ્રજા તરીકે. રાજ્યના મહેમાનોનું સ્વાગત કરવાની ફરજ છે તેમ સમજાવવામાં આવ્યું. જવાબમાં અમે જણાવ્યું, “રાજ્યના મહેમાનનું રાજ્ય વતી સ્વાગત કરવાનું હોય તો યુનિયન જેકને બદલે રાજ્યનો ધ્વજ લઈને અને ખાદીની ટોપી પહેરીને જવામાં વાંધો નથી. છેવટે અમને રસ્ટિકેટ કરવામાં આવ્યા. પંડયા સાહેબે મને બોલાવી કહ્યું, “તમારી ભાવના હું સમજું છું, પણ કાકા સાહેબના હુકમ પાસે લાચાર છું.” તેમની અમારા તરફની સાચા હૃદયની લાગણી હું જોઈ શક્યો, પણ બીજો કોઈ રસ્તો ન હતો અને સ્કૂલ છોડી.

શનિવાર તા. ૧૧-૧-૧૯૩૨

વાઇસરૉયના સ્વાગતની પ્રેક્ટિસ માટે સ્ટેશન ઉપર હાઈ સ્કૂલના છઠ્ઠા અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા અને (હું તેમ જ રવીન્દ્રનાથ તથા હરિશંકર આચાર્ય) ધીરે ધીરે સૌની પાછળ ગયા. હેડમાસ્તરે મોડા આવવાનું કારણ પૂછતાં હરિશંકરે કહ્યું, “મારા બાપાની રજા લેવા ઘેર ગયો હતો કે કદાચ સ્ટેશનેથી આવતા અગિયાર વાગી જાય તો રાહ ન જુએ.” ત્યાં વિદ્યાર્થીઓને લાઇનમાં મોકલ્યા હતા. તેમની સાથે તેમને ઊભા રાખવામાં આવ્યા. હું તેમ જ રવીન્દ્રનાથ સહેજ દૂર ઊભા રહ્યા. થોડીવાર પછી હેડમાસ્ટરની નજર અમારા ઉપર પડતા તેઓ અમારી પાસે આવ્યા અને લાઇનમાં ઊભા રહેવા કહ્યું. પરંતુ અમે જવાબ ન આપ્યો તેથી તેમણે પૂછયું ‘કેમ નથી ઊભા રહેવું ? રવીન્દ્રનાથે સ્પષ્ટ ‘ના’ કહી. હેડમાસ્તરે પછી મને પૂછયું ત્યારે માત્ર ડોકું ધુણાવી મેં ના કહી. તેથી તેમણે કહ્યું, “કાંઈ વાંધો નહિ તમે જઈ શકો છો. તમારે પ્રિલિમનરીમાં પણ નહિ બેસવું હોય, ખરું ને ?” રવીન્દ્રનાથે કહ્યું, “પ્રિલિમીનરીમાં બેસવાનો વિચાર તો છે.” હેડમાસ્તરે કહ્યું, “તમે પ્રિલિમીનરીમાં નહિ બેસતા અને ફોર્મની પણ આશા રાખશો નહિ.” અને પાછું જોયા સિવાય ચાલ્યા ગયા. ક્લાસમાં જઈ બેઠા ત્યાં હેડમાસ્ટર આવીને “તમારે સ્કૂલને છોડી દેવાની છે.” તેવા ભાવાર્થનું બોલી ગયા. પછી ટી.એમ. શાહે મને બોલાવી સમજાવ્યો પણ મારું મન માન્યું નહિ તેથી તેઓ નિરાશ થયા. પછી ક્લાસમાં કંબોયા સાથે ખૂબ જ ચર્ચા ચાલી. વ્યાવહારિક દૃષ્ટિએ ઘણી બાબતો મારા લાભની તેમ જ નુકસાનની મને સમજાવી. તેમણે જે કહ્યું તે વ્યાવહારિક દૃષ્ટિએ મને તદ્દન સાચું લાગ્યું. પરંતુ મારા આત્માએ મારી ટેક જારી રાખવા ફરમાવ્યું. તેથી તેઓ પણ નિરાશ થયા.

તે જ દિવસે બપોરે ટી.એમ. શાહ મારા પિતાશ્રી પાસે દુકાને આવી મને સમજાવવા માટે કહી ગયા પરંતુ પિતાશ્રીએ કહ્યું કે તે કોઈનો સમજાવ્યો સમજે તેમ નથી. તમે કહો તો બે-ચાર દિવસ બહારગામ મોકલી આપું. આ પછી ટી.એમ. શાહ સાંજે મળ્યા હતા. તે વખતે પણ મને સમજાવવામાં નિષ્ફળ નીવડયા.

રવિવાર તા. ૧૨મી, તિથિ વદ ચોથ

તે દિવસે ખાસ કાંઈ બન્યું નહિ.

સોમવાર તા. ૧૩ તિથિ વદ પાંચમ પોષ ૧૯૩૨

આજે સાંજના ટી.એમ. શાહ મારા પિતાશ્રી પાસે આવ્યા તેમણે કહ્યું, “યુનિયન જેક હાથમાં ન ઝાલે તો કાંઈ નહિ મારા હાથમાં હોવાથી હું તેવી વ્યવસ્થા કરી આપીશ. માત્ર ટોપી કાળી પહેરવી પડશે.” મારા પિતાશ્રીએ પાછળથી મને આ વાત કરી અને કહ્યું કે હવે બહુ તાણી રાખવામાં માલ નથી. નકામું આંખે ચડીશું. પરંતુ મારું મન માન્યું નહિ. છતાં તેમનું મન મનાવવા “કાલે ટી.એમ. શાહ પાસે જઈ આવીશ.” એવો જવાબ આપ્યો. આ બાબત ઉપર આખી રાત ખૂબ વિચારો આવ્યા.

મંગળવાર તા. ૧૪મી તિથિ વદ છ પોષ ૧૯૩૨

આજે સવારે શૌચ જવા જતાં રસ્તામાં જયંતીભાઈ દોશી સામા મળ્યા. ગામમાં પત્રિકાઓ ચોડાયાના સમાચાર તેમણે આપ્યા. તે બાબત વધારે પૂછતાં એમ માલૂમ પડયું કે એક પત્રિકા બજારને નાકે લગડીના ઘરની સામે દુકાનની ભીંત ઉપર અને બીજી સામેના નાકે ચોડી હતી. એક પત્રિકામાં ગાંધીજી અને વિલિંગ્ડનની છબી ‘ફૂલછાબ’માંથી કોતરીને ચોટાડેલી હતી. આજે વાઇસરૉયના સ્વાગત માટેનું ગ્રાન્ડ રિહર્સલ હોવાથી ત્યાં લગભગ દશ વાગે છૂટો થઈ રમણીક મારે ત્યાં આવ્યો. તેણે તે ચિઠ્ઠીઓ પોલીસ ફાડીને લઈ ગયાના સમાચાર આપ્યા.

બપોરે મારા પિતાશ્રી તેમ જ મણિભાઈ દોશીને મને મારી મૂર્ખાઈ માટે તેમ જ મારે લીધે મારા પિતાશ્રીને આંખે ચડવું પડે માટે સહેજ ઠપકો આપ્યો અને મૂર્ખાઈ છોડી દેવા સમજાવ્યો. પરંતુ વ્યર્થ. (મનમાં મારે લીધે મારા પિતાશ્રીને સહન કરવું પડે તે માટે ઘણું લાગી આવતું હતું. પરંતુ ઉપાય ન હતો.) પછી મારા પિતાશ્રી ડોલરભાઈ પાસે ગયા અને ચિઠ્ઠી મેં નથી લખી તેમ જ મને જુઠ્ઠું બોલવાની ટેવ જ નથી તેમ ભાર દઈને કહ્યું. તેમણે ખાતરી માગી. તેના જવાબમાં મારા પિતાશ્રીએ કહ્યું કે જો જુઠ્ઠું બોલવાનો જ વિચાર હોત તો બહારગામ જવાનું બહાનું કાઢી ને જ છટકી જાત. ચોખ્ખી “ના” શા માટે કહેત ? ડોલરભાઈએ કહ્યું ઠીક છે. પછીથી તેની ખાતરી કરવી પડશે. આ પછી મારા પિતાશ્રી જીવુભા બાપુ પાસે ગયા. તેમની પાસે પણ એ જ જાતની વાત થઈ કહ્યું કે ખાસ વાંધો નહિ આવે, વાત પતાવી દઈશું.

બુધવાર તા. ૧૫મી તિથિ વદ સાતમ પોષ ૧૯૩૨

આજે સવારે સાડા આઠ વાગે વાઇસરૉયનનું આગમન થયું. બાકી ખાસ નવીન કાંઈ નહિ.

શુક્રવાર તા. ૧૮મી તિથિ વદ આઠમ પોષ ૧૯૩૨

આજે સ્કૂલમાં હેડમાસ્તર પાસે ક્લાસમાં બેસવાની રજા લેવા ગયો. હેડમાસ્તર સાથેની ચર્ચાનો સાર નીચે મુજબ છે:

હેડ.:   કેમ ? આવો. કેમ આવ્યા છો ?

હું.:   ક્લાસમાં બેસું ?

હેડ.:   જે હાઈસ્કૂલમાં હુકમનો તમે અનાદર કરો છો, જેના ઇન્સ્ટિટયૂશન નીચે તમે ભણો છો તેના હુકમનો અનાદર કર્યાં પછી તે હાઈસ્કૂલમાં શી રીતે ભણી શકાય ?

હું.:     પણ ત્યાં ઊભા રહેવાનું ફરજિયાત છે એમ ક્યાં કહ્યું હતું ?

હેડ.:   પણ પછી તો મેં કહ્યું હતું ને કે પ્રિલિમીનરીમાં નહિ બેસવા દઉં.

આ પછી થોડી વાર રાહ જોઈ હું ચાલ્યો ગયો.

ઘેર આ બાબતની જાણ કર્યાં પછી ફરીથી સવા વાગ્યા પછી સ્કૂલે સર્ટિફિકેટ માટે ગયો. લાભભાઈએ હેડમાસ્તર પાસે જવા કહ્યું. હેડમાસ્તરે થોડીવાર વિચાર કર્યા પછી પ્રસ્તાવના શરૂ કરી. તેનો સાર નીચે મુજબ છે:

એમાં શું વાંધો હતો ? રાજના મહેમાનને રાજના હુકમ પ્રમાણે માનતો આપવું જ જોઈએ ને ? આવું હતું તો પછી ખાનગીમાં કહી જવું હતું ને ? એમ બધા વિદ્યાર્થીઓની વચ્ચે સ્પષ્ટ ‘ના’ કહી દે અને હું કાંઈ ન કરું તો પછી બીજા વિદ્યાર્થીઓ ઉપર તેની કેવી અસર થાય ? વળી હવે તો ઠેઠ ઉપર વાત પહોંચી છે. એટલે બીજું તો કશું જ થઈ શકે નહિ. આટલું ભાષણ આપ્યા પછી મારે કેટલા ભાઈ છે ? શું કરે છે ? વગેરે પૂછયું અને છેવટે કહ્યું કે, “લાભશંકરભાઈને કહો સર્ટિફિકેટ આપશે.” તેમણે બે વાગ્યા પછી આવવા કહ્યું. બે વાગ્યા પછી તેમણે સર્ટિફિકેટમાં તેમને લાગતા ‘કન્ડક્ટ’ સિવાયના બધા જ ખાના ભરી આપ્યા. પછી કારકૂન પાસે ગયો. તેમણે કહ્યું, “સાંજે લખી રાખીશ. સવારે સાહેબની સહી કરાવી સર્ટિફિકેટ લઈ જજો.”

શનિવાર તા. ૧૮મી તિથિ વદ નોમ પોષ ૧૯૩૨

આજે નવ વાગ્યા પછી સ્કૂલે ગયો. સર્ટિફિકેટ તૈયાર કરેલું ન હતું. કારકૂનને પૂછતા જવાબ મળ્યો કે આજે ઘણું કામ છે. સોમવારે આવોને. મેં કહ્યું, “પણ મારે આજે જ જોઈએ કારણ કે મારે ગામ જવું છે. પણ જવાબ મળ્યો નહિ તેથી ફરીથી કહ્યું ત્યારે કહ્યું કે, ‘સર્ટિફિકેટ પાછળથી મંગાવી લેજો ‘આથી હું હેડમાસ્તર પાસે ગયો અને તેમને આ વાત કરી. તેમણે કહ્યું કે તને સર્ટિફિકેટ મળશે. પરંતુ અંદર ‘ડિસ્મિસ કર્યો છે’ એમ લખીશ. મેં કબૂલ કર્યું એટલે તેમણે પટાવાળાને બોલવી કહ્યું કે સુખલાલ(કારકૂન)ને કહો કે હમણાં ફુરસદ ન હોય તો છેલ્લા અવરમાં સર્ટિફિકેટ કાઢી આપે. ત્રીજો અવર પૂરો થયા પછી પાચેક કલાક રાહ જોઈ છતાં કારકૂન આવ્યા નહિ. તેથી હું તેમના ક્લાસમાં ગયો અને સર્ટિફિકેટ કાઢી આપવા કહ્યું. તેમણે કહ્યું, “હમણા આવું છું.” દશેક મિનિટ પસાર થવા છતાં કોઈ આવ્યું નહિ તેથી ફરીથી ગયો. આ વખતે પણ એવો જ જવાબ મળ્યો. આ રીતે ત્રણ-ચાર આંટા ખવરાવ્યા અને છેવટે રજા પડી ગયા પછી પાંચ મિનિટે હેડમાસ્તર ઘેર જતા તે વખતે તેમણે સર્ટિફિકેટ કાઢી આપવાની ફુરસદ મેળવી. હેડમાસ્તર તથા લાભભાઈ પણ રોકાઈ ગયા. સર્ટિફિકેટ હેડમાસ્તર તેમ જ લાભભાઇએ ભેગા મળી લખ્યું. કારકૂને બાકીના ખાના પૂરી દીધા અને તે લઈ હું સહી કરાવવા ગયો. સહી કરતા પહેલાં હેડમાસ્તરે કહ્યું, “આવું સર્ટિફિકેટ આપવું પડે છે તે માટે ઘણો જ દિલગીર છું. હજી પણ કાકા સાહેબ પાસે જઈ આવો.” પરંતુ મેં નામરજી બતાવી તેથી તેમણે સહી કરી આપી. સર્ટિફિકેટ લઈ હું બોર્ડિંગ તરફ ગયો. પોસ્ટઓફિસ પાસે પહોંચતા વિચાર થયો કે આવું સર્ટિફિકેટ તેમની સમક્ષ જ કેમ ન ફાડી નાખવું ? આ વિચારથી પાછો ફર્યો. સ્કૂલના દરવાજામાં જ હેડમાસ્તર અને લાભભાઈ સામા મળ્યા. લાભભાઈએ પૂછયું કેમ પાછો આવ્યો ? મેં કહ્યું, ‘કાંઈ નહી એ તો આ સર્ટિફિકેટ ફાડી નાખવા માટે જ.’ તેમ કહી સર્ટિફિકેટના બે ટૂકડા તેમની સમક્ષ કરી નાખ્યા. લાભભાઈએ પૂછયું તો પછી સર્ટિફિકેટ કઢાવ્યું શા માટે ? મેં કહ્યું, મારા માટેનો અભિપ્રાય જાણવા માટે. હેડમાસ્તરે કહ્યું પણ એ તો મેં પહેલેથી જ કહ્યું હતું કે આવું સર્ટિફિકેટ મળશે. મેં કહ્યું પણ લેખિત મેળવવું જોઈએને ? લાભભાઈ કહે તો ફાડી કેમ નાખ્યું ? મેં કહ્યું મારા મનને તે અભિપ્રાય સાચો ન લાગ્યો તેથી ફાડી નાખ્યું. આ પછી તેઓ બંને વાતચીત કરતાં ચાલ્યા ગયા. ઘેર જઈ વાત કરી. ધીરૂભાઈનો પત્ર હતો. તેમાં મને અમદાવાદ તરત જ આવવા લખ્યું હતું તેથી બીજે જ દિવસે અમદાવાદ જવાનું નક્કી થયું.

*****************

સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયો

લડતમાં ભાગ લેવા માટે પહેલા થોડા કાર્યકરોને મોકલવાનું નક્કી થયું અને તેમાં મારો નંબર લાગ્યો. મારું કુટુંબ હિજરતને કારણે જોરાવરનગર રહેતું હતું. હું ત્યાં ગયો અને સુરેન્દ્રનગરની સત્યાગ્રહ છાવણીમાં જોડાયો.

લશ્કરને મોકલાતા અનાજ તેમ જ પરદેશી વસ્તુઓના વેપાર અને પીકેટિંગ અને બ્રિટિશ સરકાર વિરુદ્ધના નારા સાથે સરઘસો-સભાઓ વગેરે કાર્યક્રમો ચાલતા. પોલીસ શાંતિથી જોયા કરતી. એકબાજુ અહિંસક સત્યાગ્રહ ચાલે તો બીજી બાજુ ભાંગ ફોડિયા પ્રવૃત્તિ કરનાર વર્ગ હતો. પૂ. બાપુ અને મુખ્ય મુખ્ય નેતાઓ જેલમાં હતા. દોરનાર કોઈ ન હતું. પૂ. બાપુએ ‘ક્વીટ ઇન્ડિયા’ અને ‘કરેંયે યા મરેંગે’ના સૂત્રો આપેલા. જેલમાં જતાં જતાં આદેશ આપેલો કે ‘દરેક હિન્દી પોતાના આત્મના અવાજને અનુસરી લડત ચાલુ રાખે. ચારે બાજુથી ભાંગ ફોડના સમાચોર મળતાં.

સુભાષચંદ્ર બોઝ નજરકેદમાંથી છટકી પરદેશ ચાલ્યા ગયેલા. તેમણે આઝાદ હિન્દ ફૌજ તૈયાર કરી. ‘તેઓ લશ્કર સાથે મણિપુર સુધી આવી ગયા છે.’ તેવી અફવાઓ ચાલતી.

સુરેન્દ્રનગરમાં પોલીસ શાંત હોવાથી લડતમાં ગરમી ઓસરવા માંડેલી. છાવણીના સરમુખત્યાર  ઈશ્વરગિરિની ધરપકડ થઈ અને તેમની જગાએ મારી પસંદગી થઈ. મારે ડબલ રોલમાં કામ કરવાનું હતું. રતુભાઈનું ગ્રુપ જોરાવનગરમાં આવ્યું. તેમણે ભાંગફોડિયા પ્રવૃત્તિ શરૂ કરેલી. મારે રાત્રે તેમની પ્રવૃત્તિ સાથે જોડાવાનું એટલે બને ત્યાં સુધી જેલમાં જવાનું ટાળવું તેમ નક્કી થયેલ.

લાઠી ચાર્જ કરાવ્યો

વાતાવરણમાં ગરમી લાવવા જોરદાર કાર્યક્રમ આપવાની જરૂર જણાઈ. સરકારી મકાન ઉપરથી યુનિયન જેક ઉતારી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજ્યો. હજારો વિદ્યાર્થી અને પ્રજાજનો ભાગ લેવા તૈયાર થયા. ભવ્ય સરઘસ નીકળ્યું. કેટલાક ઉત્સાહી વિદ્યાર્થીઓએ ખાનગી રીતે બ્રિટિશ સરકારનું બાવલું બનાવેલું. તેઓ અચાનક તે બાવલા સાથે સરઘસના મોખરે થઈ ગયા. રસ્તામાં પોસ્ટના ડબામાં આગ લગાડતા ચાલ્યા. હાઈસ્કૂલ સામેના મોટા મેદાનમાં બાવલું બાળ્યું. આ બધું થવા છતાં પોલીસ શાંત હતી. રાજકોટથી ઘોડેસવાર પોલીસ ટુકડી હાઈસ્કૂલના મેદાનમાં જમા થયેલી. તે જોઈ અમે સૌ તે તરફ દોડયા. “ઇન્કિલાબ ઝિંદાબાદ” “અંગ્રેજ સરકાર મુર્દાબાદ”,”ક્વીટ ઇન્ડિયા”, “મહાત્મા ગાંધીની જય” વગેરે સૂત્રોથી વાતાવરણ ગજવી મૂક્યું. ઘોડેસ્વાર ટુકડી પણ શાંતિથી અમારા ઉપર નજર રાખી રહી હતી. સ્વયંસેવકો અકળાયા. કેટલાંક બહેનો બંગડિયો આપવા ઘોડેસ્વાર પાસે પહેંચી ગયાં. કેટલાકે સ્કૂલની ટોચે ચડી જઈ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. છતાં પોલીસ શાંત. અકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ છેવટે પોલીસ-ઘોડેસ્વાર ઉપર પથ્થરમારો શરૂ કર્યો. કેટલાક ઘોડા અને ઘોડેસ્વારો ઘવાયા. આથી તેમની ધીરજ ખૂટી અને ક્રોધે ભરાયેલ પોલીસોએ લાઠી ચાર્જ શરૂ કર્યો. ટોળું વિખરાઈ ગયું. એક બહેનના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો તે ઝૂંટવવા પોલીસ દોડી એટલે તે બહેન પાસેથી રાષ્ટ્રધ્વજ મેં લઈ લીધો અને તેમને નજીકના મકાનમાં ધકેલી દીધા. પોલીસ મારા ઉપર તૂટી પડી. રાષ્ટ્રધ્વજ છોડાય નહીં અને લાઠીઓ પડવા માંડી. કોણે જાણે ક્યાંથી શક્તિ આવી હશે પણ ડગ્યા વિના “ઈન્કિલાબ ઝિંદાબાદ”નું સૂત્ર પોકારતા પોકારતા ૧૮ લાઠીઓ ઝીલી. ૧૯મી લાઠી માથા ઉપર તોળાઈ ત્યાં તો સ્થાનિક જમાદારની નજર પડી. તેની રાડ ફાટી ગઈ. દોડી આવી પેલાને મારતા રોકી દીધો અને મને પાસેના મકાનમાં ધકેલી દીધો. અહીં કેટલાક સ્વયંસેવક બહેનો ભરાઈ બેઠેલાં. ગભરાયેલા જોઈ તેમને પાસે બેસાડી મેં વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેવામાં મીઠા અને હળદરનો લેપ લઈ એક બહેન આવ્યાં. મારા શરીરે લેપ કર્યો અને ત્યારે જ મને દુખાવાનો ખ્યાલ આવ્યો. બહાર બધુ શાંત પડી ગયેલ. મને ઘોડાગાડીમાં નાખી ડૉ. પાટડીઆને ત્યાં લઈ ગયા. તેમણે કહ્યું, “લેપ બરાબર છે. તેમને સારવાર માટે અહીં રાખીશ તો પોલીસ પકડી જશે. મારી આબરૂનો સવાલ ઊભો થશે. મારે ઉઘાડા પડી પોલીસનો સામનો કરવો પડશે, કારણ કે આવી સ્થિતિમાં આને જેલમાં જવા દેવાય નહીં. માટે આ ઘોડાગાડીમાં જ તેને જોરાવરનગર લઈ જાવ.”

મારી પાછળ એજન્સીનું વૉરન્ટ હતું એટલે સ્ટેટની હદમાં તે બજાવી શકાય નહીં. જોરાવરનગર વઢવાણ સ્ટેટનું હતું. મને જોરાવરનગર મારે ઘેર પહોંચાડયો. ડૉ. પાટડીઆએ એક મહિનો ખાટલામાં રહી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપેલી.

હું સુરેન્દ્રનગર છાવણીનો આગેવાન. મારાથી પથારીમાં કેમ પડ્યું રહેવાય ? તેવામાં મારો ચાર્જ સંભાળી લેનાર ભાઈ અનોપચંદ મૂળચંદ શાહની ધરપકડના સમાચાર મળ્યા. હવે હું આરામ કરી શકું નહીં. એક સ્વયંસેવકની સાઇકલ પાછળ બેસી સુરેન્દ્રનગરની જાહેરસભામાં હાજર થઈ ગયો. (માર પડ્યાને ચોથે દિવસે)

પોલીસ સાથે સંતાકૂકડી

પોલીસ મને પકડવા આવી. તે જોઈ સ્વયંસેવકો પોલીસને વીંટળાઈ વળ્યા અને કેટલાકે મને ઉપાડી ઘોડાગાડીમાં બેસાડી જોરાવરનગર ભેગો કરી દીધો. પછી તો બધા વચ્ચેથી મને પકડવા કરતાં સભા વિખરાયા પછી જ હું એકલો હોઉં ત્યાં ત્યારે જ પકડવાનું પોલીસે નક્કી કર્યું હોવાનું જણાયું. સ્વયંસેવકો આ વાત સમજી ગયા અને સભા વિખરાય તે પહેલાં જ મને પાછલી ગલીમાંથી ઉપાડી જઈ ઘોડાગાડીમાં જોરાવરનગર પહોંચાડી દેવા લાગ્યા.

પોલીસને થાપ આપી

લાભુભાઈ આચાર્યે સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરેલી. હું ત્યાં ક્યારેક વાર્તા કહેવા જતો. એક વખત હું ત્યાં હતો ત્યારે પોલીસ પકડવા આવી. સર્ચવૉરન્ટ વિના અંદર દાખલ થવા દેવાની લાભુભાઈએ પોલીસને ના પાડી, આથી તેમણે બહાર ઘેરો ઘાલ્યો. શાળા મેડી ઉપર હતી. મને તે દિવસે થોડો તાવ હતો. લાભુભાઈએ મને પાછળના છાપરા ઉપરથી ચાલ્યા જવા કહ્યું. ભાગતા પકડાવાનું મને નામોશી ભરેલું લાગ્યું. મેં ના પાડી. સ્વયંસેવકો અને કાર્યકરોને ખબર પડતાં મળવા આવવા લાગ્યા. સાંજ પડી. ધીરૂભાઈ ઓઘડભાઈ થોડા મિત્રો સાથે મળવા આવ્યા. મેં નીચે ઉતરી પકડાઈ જવાનું યોગ્ય માની તે અંગે આગ્રહ રાખ્યો. મને તાવ હોવાથી ધીરૂભાઈએ પોતાનો કાળો કોટ મને પહેરાવ્યો. અમે નીચે ઉતર્યાં. પોલીસ બેધ્યાન હતી. અમે આરામથી વાતો કરતાં નીકળી ગયા અને જરા આઘે જઈ ઘોડાગાડી પકડી લીધી.

લાભુભાઈ શાળાને તાળું મારી ચાલ્યા ગયા. હું અંદર જ પૂરાયેલો છું માની સવાર સુધી ત્યાં પહેરો રહ્યો.

થાંભલા ઉખેડી ભાગ્યા

એક રાત્રે રતુભાઈ, ગુણવંતભાઈ પુરોહિત, ભીખુભાઈ ધૃવ અને બીજા કેટલાક મિત્રો સાથે થાનગઢ પાસેના રેલવેના તારના થાંભલા ઉખેડવા ગયો. લગભગ ૨૫ જેટલા થાંભલા ઉખેડયા હશે. તેવામાં દૂરથી એન્જિન આવતું જણાયું અને અમે ભાગ્યા. હરણીના તારાનો ખ્યાલ રાખી સૌએ જુદા પડી જઈ ચોટીલા તરફ ભાગવાનું હતું.

ઊધઈ મંકોડાના રાફડા ઉપર ઊંઘ્યા

અમે ચાર-પાંચ ગુણવંતભાઈની સાથે હતા. સવાર સુધી ચાલ્યા પણ ચોટીલાનો ક્યાં ય પત્તો ન જણાયો. ખૂબ થાકેલા. ભૂખ્યા પેટે એક ઝાડ નીચે લંબાવ્યું અને બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. જાગ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. ઊધઈ-મંકોડાના રાફડા ઉપર જ અમે સૂતેલા તેનો ખ્યાલ આવ્યો. અમે ઉપડયા. થોડી વારે બામણબોર પહોંચ્યા. એક વેપારી સાથે પુરોહિતે વાત કરી. અમે ભરવાડના વેશમાં હતા. રાજકોટ નજીકના બે-ચાર ભરવાડના નામ આપી વેપારીનો વિશ્વાસ જીત્યો. ચોટીલા દર્શન કરવા ગયેલા તે વાત તેને ગળે ઉતરાવી. નાસ્તો ખરીદી ભૂખ સંતોષી.

મુખી વહેમાયા

વેપારીએ ચીંધેલ ઘેર રાજકોટ જવા માટે ગાડું ભાડે કરવા ગયા. માજી એકલા ઘેર હતા. હા-ના કરતાં તેમણે કહ્યું કે, “છોકરો હમણાં આવે એટલે ગાડું જોડશે. આ મુખીનું ઘર હતું એ તો જ્યારે થોડી વારે મુખી ઘેર આવ્યા ત્યારે જ અમે જાણ્યું. જુવાનજોધ ભરવાડોને ગાડાની જરૂર ન હોય તે ગણતરીએ તેને શંકા પડી. પુરોહિતે તેની શંકાનું નિવારણ કરવા માટે પેલા વેપારીનો હવાલો આપ્યો. મુખી જરા શાંત થયા. પણ ગાડાની ચોખ્ખી ના પાડી. તેણે કહ્યું, “એકાદ માઇલ ઉપર પથ્થર સારવાની ટ્રોલી તમને પરોઢિયે મળશે.”

અમે ત્યાંથી માંડ છૂટ્યા. ગામ બહાર નાળા નીચે સૂઈ રહ્યા. વહેલા ઊઠી સૌએ વેશપલટો કર્યો. મેં ધોતિયું-લોંગકોટ અને કાળી ટોપી પહેરેલ અને ટ્રોલીએ પહોંચ્યા. અમે એકબીજાને ઓળખતા ન હોઈએ તેમ વર્તવાનું હતું. ટિકિટ કઢાવી સૌ ટ્રોલીમાં બેઠા એ અમે રાજકોટ પહોંચી સૌ જુદા પડી ગયા. (પુરોહિત પાસે થાંભલા ઊખેડવા – ભાંગવાના સાધનોની થેલી હતી તેથી ખૂબ સંભાળવાનું હતું. રાજકોટ પહોંચ્યા પછી અમે રાહતનો દમ લીધો.)

ધરપકડ માટે સ્ટેટનું વૉરન્ટ

સંતાકૂકડીથી કંટાળી છેવટે પોલીસે સ્ટેટનું વૉરન્ટ પણ મારી ધરપકડ માટે મેળવ્યું. મને પકડવા પોલીસ આવે છે તેની જોરાવરનગરના જમાદાર મારફત જાણ થતાં ધીરૂભાઈ ટેક્સી લઈને આવ્યા અને રાતોરાત મને મૂળી પહોંચાડી દીધો. મારા સાળા વગેરે આ સમયે દેશમાં – મૂળી હતા. તેઓ મને તેમની સાથે મુંબઈ લઈ ગયા. હું ઘાટકોપર ધીરૂભાઈને ત્યાં પંદર દિવસ રહ્યો. મારી તબિયત માર પડયા પછી આરામ નહીં કરવાને કારણે – બરાબર ન હતી. ધીરૂભાઈ અને તેમનાં પત્ની ભૂરીબહેને મારી સારી સારવાર કરી.

ફરી સૌરાષ્ટ્રમાં

રતુભાઈનો તાર મળતાં હું ફરી સૌરાષ્ટ્રમાં બોટાદ પહોંચ્યો. ભીખુભાઈ ધ્રુવ મળ્યા. તેમની સાથે સાવરકુંડલા ગયો. ત્યાં થાંભલા ઊખેડવાનો કાર્યક્રમ હતો. મારા પગે સખત મચકોડ હોવાથી હું તેમાં ભાગ ન લઈ શક્યો. પછી તો ભીખુભાઈ સાથે તેમના વતન લીંબડી તાલુકાના મોરવાડ ગામે પત્રિકા છાપવાના કામમાં લાગ્યો. ત્યાં એક દિવસ મુખી સાથે ઝઘડો થયો. મુખીને અમારી પ્રવૃત્તિની ગંધ આવી ગઈ તેથી અમે ત્યાંથી નીકળી ગયા.

મારી ધરપકડ

હું જોરાવરનગર મારે ઘેર ગયો. લડત લગભગ સંકેલાઈ ગઈ હતી. એક વખત હું મારે ત્યાં અમદાવાદથી આવેલ મારા મિત્ર આનંદીલાલને સુરેન્દ્રનગર જ મૂકવા ગયો. એક અતિઉત્સાહી પોલીસે મને જોયો અને મારી ધરપકડ કરી.

*********************

e.mail : janakbhai1949@gmail.com

Loading

17 August 2022 Vipool Kalyani
← ખેલદિલીના રમત મેદાનો કે ભેદભાવના ભારખાના ?
Personal reflection on India’s 75th independence anniversary →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved